વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
ગ્લોબલ વૉર્મિંગની અસર
પરેશ ૨. વૈદ્ય
આપણે જોયું કે વાતાવરણની બધી ઘટનાઓમાં પવન મુખ્ય ભાગીદાર છે; અને પવનની ગતિ કે દિશા ઉષ્ણતામાન પર આધાર રાખે છે. એટલે વૈશ્વિક ઉષ્મન્ (ગ્લોબલ વૉર્મિંગ )ની અસર ચોમાસાની ઘટનાઓ ઉપર પડે તે સ્વાભાવિક છે. છેલ્લાં અમુક વરસોથી ઋતુઓ, વાતાવરણ અને ચોમાસાં બાબત એવા ઘણા પ્રસંગ બન્યા છે જે અભૂતપૂર્વ હોય. ઉત્તર ભારતમાં વધારે પડતી વીજળી પડે, મુંબઈમાં એક સ્થળે એકી વખતે સેંકડો સેન્ટીમીટર વરસાદ પડી જાય કે ન્યૂયોર્કમાં વિક્રમ સ્થાપતો બરફ પડે – એ બધાંનો સંબંધ નિષ્ણાતો વૈશ્વિક ઉષ્મન્ સાથે જોડે છે. આ પ્રસંગો તો ધ્યાન ખેંચનારા હતા પરંતુ આ મોટાંમસ વાતાવરણમાં હળવે હળવે પણ કશું બનતું જ રહેતું હોય છે, જેના સરવાળાથી લાંબે ગાળે કેટલાંય આશ્ચર્યકારક પરિણામ જોવા મળે. એ સંભાવનાઓનો ક્યાસ કાઢવા પહેલાં સંક્ષેપમાં ગ્લોબલ વૉર્મિંગની વાતને સમજી લઈએ.
વૈશ્વિક ઉષ્મન્ કેમ ?:
આપણી પૃથ્વી દૂરના કોઈ પણ ગ્રહ તરફ જઈ રહેલાં અવકાશયાન જેવી છે. તેમાં બહારથી સૂર્યપ્રકાશ સિવાય કશું જ આવતું નથી કે બહાર જતું નથી. ખોરાક-પાણી જે સંસાધનો લઈને નીકળ્યા હો તેમાંથી જ નીભાવવાનાં હોય છે. સૂર્યપ્રકાશની ઊર્જામાંથી મોટો ભાગ ઉષ્ણતારૃપે હોય છે. જેટલી ગરમી આવે છે તે બધી અહીં રહી જતી નથી. અમુક હિસ્સો ઉપરનાં વાતાવરણ સુધી આવી પાછો જાય છે, તો અમુકને વાદળાં પરાવર્તિત કરે છે. નીચેનું વાતાવરણ થોડી ઉષ્મા શોષે છે અને જે ધરતી સુધી આવે તે તેને ગરમ કરે છે. ધરતી ઠંડી પડે ત્યારે પાછી એ ઉષ્માને અવકાશ તરફ મોકલી આપે છે.
ગ્રીનહાઉસ વાયુઓ :
પાછી મોકલાતી ગરમી વાતાવરણની આરપાર થઈ અવકાશમાં જવી જોઈએ. પરંતુ કેટલાક વાયુઓ આ વળતાં મોજાંઓને વાતાવરણની આરપાર જવા નથી દેતા. તેને રોકે છે અને તેથી વાતાવરણ ગરમ થાય છે. આવા વાયુઓમાં મુખ્ય તો પાણીની વરાળ છે. એ તો પરાપૂર્વથી હાજર જ છે. આથી જ પૃથ્વીનું સરેરાશ ઉષ્ણતામાન શૂન્યની નીચે ૧૫0 સેલ્શિયસમાંથી વધી વધીને ૧૬૦ સેલ્શિયસ સુધી આવી અટક્યું છે. આ પરિસ્થિતિ તો સમતોલનની હતી, પરંતુ માણસના આવ્યા પછી જે વાયુઓ નવા ઉમેરાયા તેને કારણે જરૂર કરતાં વધારે ઉષ્મા પૃથ્વી પર રોકાઈ રહી છે.
કાર્બન ડાયોક્સાઈડ, મિથેન, નાઈટ્રોજનના ઑક્સાઈડ, સલ્ફરના ફ્લોરાઈડ, ક્લોરોફૉર્મ, રેફ્રીજરેટરમાં વપરાતો ફ્રેયોન – એવું પંદરેક વાયુઓનું લિસ્ટ છે જે ભાગતી ગરમીને શોષીને પૃથ્વીનું ઉષ્ણતામાન વધારી રહ્યા છે. સૌથી અગત્યનો વાયુ કાર્બન ડાયોક્સાઈડ છે કારણ કે તે ઊર્જાના વપરાશ જોડે સંકળાયેલો છે અને તેથી વસતી વધારા અને જીવનધોરણ સાથે વધતો જ રહે છે. બસ્સો વર્ષ પહેલા તેનું પ્રમાણ હવાના દર લાખ ભાગે ૨૮ ભાગ જેટલું હતું (એટલે દશ લાખે ૨૮૦. તેને 280 ppm – parts per million કહે છે) તે હવે 470 ppm થઈ ગયું છે. તેનાં પરિણામોની ચર્ચા તો માધ્યમોમાં થઈ જ રહી છે. આપણે અહીં માત્ર ચોમાસાં અને વરસાદના સંદર્ભે તેની અસરની જ વાત કરીશું.
દેખાઈ રહેલી અસરો :
વૈશ્વિક ઉષ્મનની અસરોનું બીજું નામ જ ‘Climate Change’ (આબોહવામાં ફેરફારો) એવું છે, એટલે વાતાવરણ પર અસર કરશે તે તો અપેક્ષિત હતું. તે પરથી એ પણ વિચારી શકાય કે ચોમાસાં પર અસર થશે; પરંતુ ચોક્કસપણે એ અસર શું હશે તે ઠરાવવા માટે કોઈ ગણિતનું સૂત્ર કે થિયરી ન હતાં. જે અસરો પ્રત્યક્ષ દેખાય તેને સમજાવવા પ્રયત્ન કરી શકાય. આમ છતાં બે બાબતે વૈજ્ઞાનિકો એકમત હતા. તે એ કે આત્યંતિક ઘટનાઓ (પૂર, દુકાળ, વાવાઝોડાં) વધશે. આજ સુધી ન બન્યું હોય તેવું બનશે. આપણા દેશમાં વરસાદની પ્રદેશો વચ્ચેની વહેંચણીમાં ફેરફાર થશે.
આ દિશામાં જે સ્પષ્ટ જણાઈ રહ્યું છે તેની વાત કરીએ.
૧. આત્યંતિક ઘટનાઓ ધાર્યા કરતાં વહેલી જ શરૂ થઈ ગઈ છે. સરેરાશ ઉષ્ણતામાન હજુ ૧૦ સે. જ વધ્યું છે ત્યાં જ હવામાન અસાધારણ દેખાય છે. યુરોપમાં દર વરસે આપણે ત્યાં આવે તેવાં પૂર આવવા લાગ્યાં છે અને ઉષ્ણતામાન ૪૦૦ સે.સે. જેટલું ઊંચું પહોંચ્યું છે. ૨૦૨૧ જુનમાં કેનેડામાં ૪૯.૬ અંશ સે ઉષ્ણતામાન પહોચ્યું અને ૭૦૦ મૃત્યુ થયાં. ભારતમાં પણ ૫૦૦ સે.થી ઉપર ઉષ્ણતામાન કદી ગયું ન હતું, પરંતુ ગયા વર્ષે રાજસ્થાનનાં ચૂરૂમાં ૫૧.૮૦ સે.નો વિક્રમ થયો છે.
વરસાદ બાબત પણ ઇતિહાસ બનવા લાગ્યો છે. ૨૬ જુલાઈ ૨૦૦૫માં માત્ર સાંતાક્રુઝમાં જ એક દિવસમાં ૮૦-૯૦ ઈંચ વરસાદ થયો. એક જ રાજ્યમાં અમુક તાલુકાઓમાં આખી ઋતુમાં વરસાદ જ ન પડે અને બીજા વિસ્તારોમાં સામાન્ય હોય તેવું ય હવે બને છે. CEEW નામની સંસ્થાએ આવી ઘટનાઓ પર નજર રાખી છે. ૧૯૭૦ થી ૨૦૦૫નાં ૩૫ વર્ષમાં ભારતમાં ૨૫૦ આત્યંતિક ઘટનાઓ બની; પણ તે પછીનાં ૧૫ વર્ષમાં જ ૩૧૦ ઘટના થઈ ચૂકી છે!
અગાઉ વરસમાં ત્રણ જગ્યાએ પૂર આવતાં, હવે અગિયાર જગ્યાએ આવે છે. પહેલાં ૧૯ જિલ્લા સરેરાશ આવી ઘટનાઓથી પ્રભાવિત હતા, હવે ૫૫ છે ! વીજળી પડવા વિષે તો આપણે એનાં પ્રકરણમાં જોઈ જ ગયાં.
૨. વિશ્વ સ્તરે ગ્લોબલ વૉર્મિંગ પર અભ્યાસ કરનારી સંસ્થા ‘ઈન્ટર ગવર્નમેન્ટ પૅનલ ઑન ક્લાઈમેટ ચેન્જ’ (IPCC)એ તેના ચોથા અહેવાલમાં કહ્યું છે કે જગતના સૂકા વિસ્તાર વધુ સૂકા થશે અને જ્યાં વરસાદ વધુ છે ત્યાં વધશે. જો કે ભારતમાં આનાથી ઉલટું બની રહ્યું છે. કચ્છ-રાજસ્થાનમાં વરસાદ વધ્યો છે અને ઈશાન રાજ્યોમાં ઘટ્યો છે. પણ આગળ શું થશે તે કહી ન શકાય. અત્યારે જ ગુજરાત સબડિવીઝનમાં સરેરાશ ૧૫ મિ.મી. વરસાદ ઘટયો છે. આ અભ્યાસની વધુ વિગતો સાથેનાં ચોકઠામાં આપી છે.
૩. વરસાદની વધ-ઘટ તો ખેડૂતો માટે એક સમસ્યા હતી જ તેમાં હવે ચોમાસાંનાં ટાઈમટેબલની અનિશ્ચિતતા ઉમેરાણી છે. કુદરતનું કેલેન્ડર હતું કે કેરળમાં પહેલી જૂને ચોમાસું બેસે; તેમાં બે ત્રણ દિવસનો ફરક પડી શકે. મુંબઈમાં ૧૦ જૂને દસકાઓ સુધી આ તારીખો પળાતી આપણે જોઈ છે. પરંતુ છેલ્લાં ૧૦-૧૨ વર્ષથી આ તંત્ર ખોરવાયું છે. કેરળમાં અમુક વાર મે મહિનાની ૨૫ તારીખે ચોમાસું બેઠું છે તો ક્યારેક છઠ્ઠી જૂને. મુંબઈમાં એક વરસાદ થઈ, પછી જુલાઈ સુધી વરસાદ જ ન થાય તેવું ય બન્યું છે. આ તો ઉદાહરણો છે. આખા દેશના દરેક પ્રદેશને પોતપોતાનું ટાઈમટેબલ છે. વરસાદની ખાતરી ન હોય તો ખેડૂત મોંઘા ભાવનું બિયારણ નાંખે શા માટે? ૨૦૧૯માં મહારાષ્ટ્રમાં ખૂબ મોડાં ચોમાસાને કારણે મગની વાવણી થઈ જ ન શકી અને તેલીબિયાં થોડાં જ થયાં.
આથી ઉલટું, ક્યારેક ચોમાસું પૂરું થવાનું નામ નથી લેતું ત્યારે પણ ખેડૂત પરેશાન થાય છે. લણવાને તૈયાર ડૂંડા ભીંજાય અથવા લણેલો પાક ખળામાં આવે પછી વરસાદ થાય તો અસહાયતા અનુભવાય છે. ગ્લોબલ વૉર્મિંગ આવી અનિશ્ચિતતાઓ હજુ વધારશે. પ્રશ્ન માત્ર ખેડૂતની આવકનો નહીં, માણસજાતની અન્ન સુરક્ષાનો છે. એક પ્રદેશમાં પાક નિષ્ફળ જાય તો બીજા પ્રદેશમાંથી આવે. પરંતુ આખા દેશમાં પાક બગડે તો આયાત કરવી પડે. આપણા ઉપયોગની દરેક વસ્તુ વિશ્વનાં બજારમાં નથી મળતી. વિચાર એ પણ કરવો પડે કે આખા વિશ્વમાં હવામાન બદલાશે ત્યારે આયાત કરવા માટે અનાજ મળશે કે કેમ.
૪. આપણે જોયું હતું કે વાવાઝોડાં ઉત્પન્ન થવાનાં કારણોમાં મુખ્ય ઘટક સમુદ્રની સપાટી પરનાં પાણીનું ઉષ્ણતામાન છે. ગ્લોબલ વૉર્મિંગના કારણે એ ક્રમશઃ વધતું જાય છે અને તેથી વાવાઝોડાંની શક્યતા પણ વધતી જાય છે. દેશના પૂર્વ અને પશ્ચિમ તરફ સમુદ્રોમાં સરેરાશ વરસે બે-ત્રણ તોફાન આવતાં તે વધીને છ-સાત થઈ જ ગયાં છે. એ હજુ વધવાની સંભાવના છે. તેનાથી થતું જાન અને માલમત્તાનું નુકશાન ચિંતાજનક છે. કેટલીક વાર વાવાઝોડા ડિસેમ્બરમાં આવી પાક પણ બગાડી જાય છે.
૫. અમુક અભ્યાસુઓએ ચિંતાની બીજી વાત કહી છે. આપણું ચોમાસું દેશની ધરતી અને સમુદ્રનાં ઉષ્ણતામાન વચ્ચેના તફાવતના કારણે આવે છે. જો સમુદ્રનું ઉષ્ણતામાન વધતું જાય તો તફાવત ઘટતો જાય. આમ ચોમાસાનું જોર ઘટતું જશે. તુરત નહીં પરંતુ દૂરનાં ભવિષ્યમાં ચોમાસાની પ્રક્રિયા જ અનિશ્ચિત થઈ જાય તો શું થાય તેની કલ્પના આપણા દેશ માટે ભયજનક છે.
૬. આપણી ઋતુઓ ઉપર અલ-નીનોની અસર તો સમજાવા લાગી છે. દર ત્રણ-ચાર વરસે તેના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ થાય છે અને આપણે તેને સહન કરીએ છીએ. પરંતુ ઉષ્મનના કારણે અલ-નીનો વધુ વાર આવે તેની શક્યતા છે. તો ચોમાસાંના વરસાદની માત્રા અને સમયપત્રકમાં ફેરબદલ થઈ શકે. આનાં સામાજિક પરિણામો પણ હશે.
ગ્લોબલ વૉર્મિંગની અસર તો ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી વિશ્વમાં બધે જ થઈ રહી છે પરંતુ ચોમાસાંની પ્રક્રિયા પર થનારી અસર માત્ર આપણી સમસ્યા છે. ખેતીપ્રધાન દેશ હોવાને કારણે અર્થવ્યવસ્થા ઉપર તો અસર ખરી જ, પણ પાણીની પ્રાપ્યતા પર સવા અબજ લોકોનાં જીવન ટક્યાં છે. એટલે ગ્લોબલ વૉર્મિંગ વિરુદ્ધનાં પગલાં બીજા દેશો કરતાં વધારે ઉત્સાહથી આપણે ઉપાડવાનાં છે. તેમાં ઊર્જાની બચત સૌથી મોખરે આવે. એ કામ સરકારો નહીં પરંતુ નાગરિકોએ કરવાનું છે. એ બાબતે જાગૃત થઈએ અને બીજાંને જાગૃત કરીએ.


ક્રમશઃ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
