મંજૂષા

 વીનેશ અંતાણી

ધા રો કે એકવીસ વર્ષની કાલ્પનિક છોકરીનું નામ અનન્યા છે. એના એક દિવસ પર નજર નાખીએ. સવારે સાડા સાતે એલાર્મ વાગ્યું, પણ ઊઠવાનું મન ન થયું. કાલ રાતે એણે મોડે સુધી કામ કર્યું હતું. એ ઉજાગરામાંથી બહાર આવી નહોતી. ત્યાં જ એની મમ્મીની બૂમ સંભળાઈ – ‘અનન્યા, ઊઠી ગઈ? કૉલેજ જવાને મોડું થાય છે.’ એ પરાણે બેઠી થઈ. રોજની જેમ પહેલું કામ સેલફોન ઉપાડી ‘ફેસબુક’, ‘વ્હૉટ્સએપ’, ‘ઇન્સ્ટાગ્રામ’ વગેરેમાં નવી પોસ્ટ જોઈ ગઈ. કેટલીક પોસ્ટ ફોરવર્ડ કરી, કેટલીકને રિસ્પોન્સ કરી.

અનન્યાએ પરિવારને સંમત કરવાનો છે. પોતાની આઇડેન્ટિટી ઊભી કરવાની છે. એ પડકારનો સામનો કરવા તૈયાર છે

ફટાફટ તૈયાર થઈ. ફેડેડ જીન્સ અને ઓવર સાઇઝની હૂડી પહેરી રૂમમાંથી બહાર આવી. માએ ગરમ નાસ્તો તૈયાર રાખ્યો હતો, પણ અનન્યાએ એક સફરજન થેલામાં નાખ્યું અને ટોસ્ટ ખાતી ખાતી ચંપલ પહેરવા લાગી. એને જોતાં જ પપ્પાના કપાળ પર સળ પડ્યા. એ બોલ્યા, ‘બેટા, શર્માઅંકલનો ફોન હતો. આઇ. એ. એસ.ની તૈયારી માટે કોચિંગ ક્લાસ શરૂ થઈ ગયા છે. તારે જલદી એનરોલ કરવી લેવું જોઈએ.’

અનન્યાએ આ જ વાત પપ્પા પાસેથી ઘણી વાર સાંભળી છે, પરંતુ એ આઇ. એ. એસ. કે એમ. બી. એ. કે બેન્ક જેવાં ક્ષેત્રોમાં જોબ કરવા માગતી નથી. એના મતે એ બધી મિડલ ક્લાસ મહત્ત્વાકાંક્ષા છે. એ ઘરેડમાં બંધાઈને ચીલાચાલુ જીવન જીવવા માગતી નથી. એનાં સપનાંની દુનિયા અલગ છે.

એણે પપ્પાને જવાબ આપ્યો, ‘જોઉં છું, હમણાં તો હું અમારા ઓનલાઇન બિઝનેસના પ્રોજેક્ટમાં બિઝી છું.’

પપ્પાએ છાપું ટિપાઈ પર ફેંક્યું અને બોલ્યા, ‘બેટા, જિંદગી માત્ર પ્રોજેક્ટ્સથી નથી ચાલતી. એ બધું હવાતિયાં મારવા જેવું છે. તારે કોઈ સ્ટેબલ કેરિયરનો વિચાર કરવો જોઈએ.’

અનન્યાના માથા પર ‘સ્ટેબલ’ અને ‘કેરિયર’ શબ્દો હથોડાની જેમ વાગ્યા.

અનન્યા અને એના ત્રણ દોસ્તોએ ઓનલાઈન શોપિંગ માટે ‘વિન્ટેજ વાઇબ’ નામની એપ શરૂ કરી છે. તેઓ અલગ અલગ રાજ્યોનાં પરંપરાગત શૈલીના પોશાકોનું ઓનલાઇન વેચાણ કરવા માગે છે. લગ્ન જેવા સામાજિક પ્રસંગે કે નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોમાં પરંપરા અને આધુનિકતાના મિશ્રણવાળા પોશાકનું મોટું બજાર એમને મળી શકે તેમ છે. શરૂઆતમાં મુશ્કેલી પડશે, છતાં અનન્યાને વિશ્વાસ છે કે એમનું આ વેન્ચર ખૂબ સફળ થશે. એ લોકો સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મ્સ પર યોગ્ય સમયે યોગ્ય લોકો સુધી એમનો કન્સેપ્ટ પહોંચાડી શકે તો એમનો બિઝનેસ સારી રીતે ચાલશે. નાના પાયે શરૂઆત કરી બિઝનેસ વિસ્તારી શકશે. અનન્યા એના મિત્રોની જેમ કોઈની સહાયતા વિના પોતાના પગ પર ઊભી રહેવા માગે છે.

આખો દિવસ મિત્રો સાથે સતત ચેટ કરતી રહી. તેઓ એમના પ્રોજેક્ટની ઓનલાઇન જાહેરાત માટે આકર્ષક રીલ્સ બનાવી રહ્યાં છે. ઑફ બીટ આઇડિયાસ એમનો જીવનમંત્ર છે. કેટલીય બાબતોની ઉગ્ર ચર્ચા મિત્રોમાં ચાલતી રહે છે. તેઓ જાણે છે કે આ પ્રકારે કામ કરવાથી જ ‘બેસ્ટ રિઝલ્ટ’ મળશે. એમને શ્રેષ્ઠથી ઊતરતું જોઈતું નથી. અનન્યા અને એના મિત્રો સફળતાની વ્યાખ્યા બદલી નાખવા માગે છે. તેઓ કામ અને જીવન વચ્ચે બેલેન્સ જાળવવા માગે છે. નવા વિચારો, નવાં સાહસો, ઉત્તમ સર્જનાત્મકતા એમનો આદર્શ છે. એ લોકો એકલા નથી, હજારો યુવાન-યુવતીઓ તંગ દોરડા પર ચાલી રહ્યાં છે.

અનન્યા મોડી સાંજે ઘેર આવી. સીધી એના રૂમમાં ઘૂસી ગઈ. એની બહેનપણીએ નવી રીલ બનાવી હતી. એ એડિટ કરી અપલોડ કરી ત્યાં જ પપ્પા આવ્યા.

એમણે પૂછ્યું, ‘શું કરે છે?’

અનન્યા: ‘નવી રીલ અપલોડ કરી.’

પપ્પા: ‘ઓહ, તમારી સ્ટુપિડ રીલ અને તમારું સ્ટુપિડ વેન્ચર.’

અનન્યાને પપ્પાની કોમેન્ટ ગમી નહીં. એણે કહ્યું, ‘પપ્પા, અમારું વેન્ચર સ્ટુપિડ નથી. અમે સફળ થઈશું અને ખૂબ પૈસા કમાશું.’

પપ્પાએ નિસાસો નાખ્યો. ચશ્માં સરખાં કરી બોલ્યા: ‘બેટા, દુનિયા તમારા તુક્કાઓ પર ચાલતી નથી. અનુભવ વિના કોઈ બિઝનેસ ન કરાય. તું તારી શક્તિ વેડફે છે. શર્માજીની દીકરીએ સી. એ.ની એક્ઝામ પાસ કરી અને સારી કંપનીમાં ગોઠવાઈ ગઈ. સાચી સફળતા એને કહેવાય. તમે લોકો તો સમય બરબાદ કરો છે.’

અનન્યાને અપમાન લાગ્યું. એ પપ્પાને કહેવા માગતી હતી – તમને મારા જેવી યુવા પેઢીનાં સપનાંની ખબર નથી. તમે લોકો અમને સિરિયસલી કેમ લેતા નથી? પહેલાં અમને સ્વીકારો અને પછી અમને માર્ગદર્શન આપો. પ્લીઝ, ડૉન્ટ ક્રિટિસાઇઝ અસ.

એ કંઈ બોલે ત્યાં એની મમ્મી આવી અને બોલી: ‘તારા પપ્પાની વાત સાચી છે, અનન્યા, એમ ઉતાવળે આંબા ન પાકે એ વાત તમારે સમજવી જોઈએ.’

અનન્યાનો મૂડ ખરાબ થઈ ગયો. રાતે જાગતી પડી હતી. એનાથી પાંચ વર્ષ નાનો ભાઈ આરવ પણ જાગતો હતો. એણે પૂછ્યું, ‘દીદી, તને લાગે છે કે તમે તમારા કામમાં સફળ થશો?’

અનન્યા: ‘ચોક્કસ સફળ થશું. આજે લોકોને ઘેર બેઠા ચોઇસ અને ઉત્તમ સર્વિસ જોઈએ છે. અમે ડ્રેસિસ ઉપરાંત બીજી કેટલીય વસ્તુઓ પણ લોકોને સહેલાઈથી મળે એવું પ્લાનિંગ કરી રહ્યાં છીએ.’

આરવે કહ્યું, ‘પણ મમ્મી-પપ્પાને ગમતું નથી.’

અનન્યા ખૂબ ધીમેથી બોલી, ‘એમણે મારામાં ભરોસો રાખવો જોઈએ,’

નવ્ય યુવા પેઢીના ઉંબરે ઊભેલા આરવે કહ્યું, ‘દીદી, મને ખાતરી છે કે તમે તમારા વેન્ચરમાં સફળ થશો. હું તમારી સાથે છું.’

અનન્યાએ હજી ઘણે દૂર જવાનું છે, પરિવારને સંમત કરવાનો છે અને પોતાની આગવી આઇડેન્ટિટી ઊભી કરવાની છે. એ કોઈ પણ પડકારનો સામનો કરવા તૈયાર છે. નવ્ય યુવાપેઢીનો અભિગમ સમજાવતું એક ક્વૉટ એને યાદ આવ્યું:

‘અમે સફળતા પાછળ આંધળી દોટ મૂકતાં નથી, સફળતાને અમારા તરફ આકર્ષીએ છે. અમને વિશ્વાસ છે, અમારા માટે યોગ્ય છે એ સામે ચડીને અમારી પાસે આવશે. અમને કોઈ રોકી શકશે નહીં.’


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.