સરયૂ પરીખ
દરેક વ્યક્તિ પોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે અન્યના વર્તનને મૂલવે છે. ત્યારબાદ ક્રિયા અને પ્રતિક્રિયાના આધારે સંબંધો વિકસે છે.
જન્મભૂમિ છોડીને અમેરિકામાં હમણાં આવીને વસેલાં અમને, તરુ અને દેવની નવી ઓળખાણ થઈ. અમે નવદંપતિઓ, એકમેકના મિત્રો બની ગયાં. પ્રિન્સટન, ન્યુજર્સીનો પહેલો શિયાળો સાથે મ્હાણી ને વસંતમાં મજા કરી. તરુ અને દેવ ભારતમાં શ્રીમંત પરિવારમાં ઉછરેલાં. દેખાવડો અને ઊંચી કક્ષાની નોકરી કરતો દેવ અને ફેશનેબલ તરુની જોડી લાજવાબ લાગતી હતી. ‘બધુ તરત જોઈએ’ ટેવવાળી તરુને કાર અને કામવાળા વગરની અગવડો કેમ સહન કરવી એ ખબર નહોતી પડતી. અમેરિકાની રોજની રામાયણ તરુને ભારે લાગતી. પત્નીને ખુશ રાખવા, દેવ તેની મરજી મુજબ ઘર ચલાવવા દેતો. તેવામાં, એક બેડરૂમ વાળા એપાર્ટમેન્ટમાં દેવના મમ્મી-પપ્પા ભારતથી બે મહિના માટે આવ્યાં. હવે તરુની તકલીફો અને મારી પાસે તેની ફરિયાદો શરૂ થઈ ગઈ…સ્વજનો આવે તેનો આનંદ થવાને બદલે અણગમો થાય, ત્યારે બધું અવળું જ દેખાય.
“મમ્મીને નણંદોના ઘર ભરવા છે. ગઈકાલે સ્ટોરમાં લઈ ગયા તો ખરીદી શરૂ કરી. મારી પસંદગી માટે સાસુજી ‘આ તો ભંગાર છે’ એમ કહ્યું, ને મને એટલો ગુસ્સો આવ્યો કે હું તો સ્ટોરના બારણા પાસે જઈ ઊભી રહી. એના દિકરા સાથે બેગોમાં ખબર નહીં શું ખરીદીને બહાર આવ્યાં.”
આમ ગમતા ન ગમતાની વાતોમાં ત્રણેક સપ્તાહ નીકળી ગયા. એક સાંજે, દેવ અને તેના પિતા ચાલવા નીકળ્યા ત્યારે અમારા એપાર્ટમેન્ટ પર અટક્યા અને અમને આમંત્રણ આપતા જણાવ્યું. “તરુના જન્મદિવસે પાર્ટી રાખી છે. થોડા અહીંના મિત્રો અને મારા છ પિતરાઈ ન્યૂયોર્કથી આવશે. તરુને તેમની કંપની ગમે છે.”
પાર્ટીને દિવસે હું અને એક બેનપણી રસોઈમાં મદદ કરવા ગયાં. સાસુમાના આદેશ મુજબ ખાંડવી વગેરે વાનગીઓ તૈયાર કરી. વચ્ચે વચ્ચે તરુ મારી સામે જોઈ આંખોના ઈશારે અણગમો બતાવતી. અમે પાર્ટીના સમયે તરુને ઘેર આવી પહોંચ્યાં. તરુ તેના શોખ મુજબ સરસ તૈયાર થઈ બધાની મહેમાનગતી કરતી હતી, દેવના પિતા ભારતમાં ડોક્ટર હતા. તેમની સાથે અમે ખૂબ વાતો કરી.
દેવ તેના પિતરાઈઓની વ્યગ્રતાથી રાહ જોઈ રહ્યો હતો. “બે કલાક આવતા લાગે, તેથી મોડું થયું હશે,” એમ અટકળો થતી હતી ત્યાં ફોન આવ્યો. એ જમાનામાં તો ફોનબુથ શોધીને ફોન કરવો પડતો. વાત પતાવી દેવે મહેમાનોને જણાવ્યું, “એ લોકોની કાર અટકી પડી છે. આવતા ખબર નહીં…કેટલી વાર લાગશે! કહ્યું છે કે, તમે જમી લેજો.” જાણે રંગમાં ભંગ પડ્યો હોય તેવું વાતાવરણ થઈ ગયું. તરુ મારા કાનમાં કહે, “જાણીને આમ કર્યું હશે?” તેનો મૂડ ખરાબ થઈ ગયો…નઠારી નિરાશાને કારણો દોડતાં મળી જાય.
બીજે દિવસે સવારે અમારા એપાર્ટમેન્ટમાં ચા સાથે આગલી સાંજની વાતચીત ચાલતી હતી ત્યાં દરવાજાની ઘંટડી વાગી. “અત્યારમાં કોણ આવ્યું?” કહેતાં મેં બારણું ખોલ્યું.
સંકોચપૂર્વક ઊભેલા દેવના પપ્પાને જોઈ આશ્ચર્ય થયું. “માફ કરજો અત્યારના પહોરમાં આવ્યો છું.” તેમના ગળગળા અવાજમાં લાચારી હતી. મારા પતિ એકદમ બારણા નજીક આવીને તેમનો હાથ પકડીને અંદર લઈ આવ્યા. મેં ચાનો કપ ધર્યો. પોતાને શાંત કરવા તેમણે ચા પી લીધી. અમારી પ્રશ્નાર્થભરી નજરના જવાબમાં વડીલ બોલ્યા.
“અમે આખી રાત સુતા નથી. તરુ અને દેવની તકરારનો અવાજ અમને સંભળાતો હતો. બારેક વાગે તરુ એકદમ બહાર આવી અને આગલું બારણું ખોલી બહાર દોડી. પાછળ દેવ દોડ્યો અને જરા ખેંચીને પાછી અંદર લઈ ગયો. અમે બન્ને હેબતાઈ ગયાં. પછીની રાત હું બારણા આડો સૂઈ રહ્યો, રખેને ફરી…” પિતાની આંખ ભીની થઈ ગઈ.
મારી સામે જોઈ વડીલ આગળ બોલ્યા. “મને ખબર છે કે તરુને તમારા માટે સારો ભાવ છે. પહેલે દિવસથી તમારી વાત કરતી રહી છે. અત્યારમાં અહીં આવવું પડ્યું કારણ કે, સવારથી દેવ મનાવે છે પણ તરુ રૂમની બહાર આવવાની ના પાડે છે. પથારીમાં સૂનમૂન પડી છે. જો તમે આવીને તેને સમજાવી શકો તો…”
તેમની દર્દભરી વિનંતી મને સ્પર્શી ગઈ. “આપ વિનંતી નહીં હુકમ કરો. હું હમણાં જ કપડાં બદલીને આવું છું.”
દેવ અને તેના પપ્પા પરસાળમાં બેઠા હતા. મારી સામે આભારની લાગણીથી જોઈ રહ્યા. આવા વાતાવરણમાં મા-બાપનું દિલ કેટલુ કોચવાતુ હશે તે મને હવે બરાબર સમજાય છે. દેવના મમ્મીએ વિલાયેલે ચહેરે મને અંદર આવકારી. ટેબલ પર ચાની ટ્રે અને કપ પડ્યા હતા. હું બેડરૂમનું બારણું ખોલી દાખલ થઈ. તરુના રૂમમાં જરા અંધારું હતું તેથી મેં પડદો ખોલ્યો, અને તરુ મને જોઈ આશ્ચર્યથી બેઠી થઈ ગઈ. તેની પથારી પાસે ખુરશી ખેંચી હું બેઠી. લાલ સૂજેલી આંખોમાંથી એક અશ્રુ સરી પડ્યું. હું તેનો હાથ પકડીને થોડીવાર બેસી રહી. મા વિનાની ઉછરેલી, તરુ, શ્રીમંત પિતાની એકની એક દીકરી. જેને પાણી માગે ત્યાં દૂધ મળતું, તે દૂર દેશમાં સાવ એકલી પડી ગઈ હોય તેવી લાગતી હતી. મને દેખીને કોઈ પોતાના પક્ષમાં છે, તે ભાવ તેના ચહેરા પર જણાયો.
“મને કોઈ સમજતું જ નથી. દેવને મારી કરતા તેના સગાઓની વધુ દરકાર છે.” બોલતાં તરુને એક ડૂસકું આવી ગયું.
દેવના સગાઓ સારા સ્વભાવના હતાં. એમને પણ વહુ દિકરા સાથે સારા સંબંધની દરકાર છે, તે ચોખ્ખુ દેખાતું હતું. પણ, તરુનો દ્રષ્ટિકોણ અલગ હતો જેને લીધે તેને બધું ઊંધું દેખાતું હતું. અત્યારે એ વિશે વાત કરવાનો અર્થ નથી એમ સમજી મેં કહ્યું, “મારે ચા પીવાની બાકી છે. ચાલ બહાર, આપણે તૈયાર ચાને મજેસથી ન્યાય આપીએ.”
અમે રસોડામાં ગયાં. દેવ અને તેના મમ્મી-પપ્પાએ હસીને આવકાર્યા. બને તેટલું હળવું વાતાવરણ કરી, હું ઘરે ગઈ. નક્કી કર્યાં પ્રમાણે તરુ મને બપોરે મળવા આવી.
મારી સાથે, દેશમાં અને અહીં થયેલી ખાટી અને મીઠી, ઘટનાઓની વાતો કરી. તેને પોતાનો પક્ષ જ બરાબર લાગતો હતો. તેનો આત્મવિશ્વાસ અને પોતાની માન્યતાઓમાં મક્કમતા સાંભળી મેં એટલું જ કહ્યું, “તરુ! તારે તારા લગ્ન જીવનમાં સ્થિરતા અને સંવાદિતા લાવવી હોય તો દેવના સ્વજનોને માન આપતા શીખ. તું જેટલા સ્નેહ અને સન્માન આપશે તેનાથી તને બમણા વળતરમાં મળશે.”
પોતાના સાથી માટે દરકાર હોય તો, તેની ખુશીના કારણ સમા, તેના સ્વજનોની અવગણના કેવી રીતે કરી શકાય? મોટાભાગના લગ્નો જાણે સુખ-સગવડતાની વ્યવસ્થા છે…તેમાં પ્રેમ એક શબ્દ બનીને રહી જાય છે. આગળ ફરિયાદ ચાલી. તરુની વાતોમાં દેવ ઉપર વિશ્વાસની ખામી જણાતી હતી. “દેવ સેક્રેટરી સાથે લંચ માટે જાય છે.” તેની આશંકાઓ કેટલા અંશે સાચી છે તે જાણવું મુશ્કેલ હતું. પરંતુ આ વિચારો તરુને દુખી કરી રહ્યાં હતાં. મેં તેને બને તેટલી સમજાવી. દરેકને પોતાના સ્વભાવની વિચિત્રતા દેખાતી નથી, અને એ જ દુખનું કારણ છે, તે માનવા દેતી નથી. બીજુ એ પણ તથ્ય છે…કોણ બીજાની સલાહથી પોતાના વિચારો બદલે છે?
સાંજના દેવનો ફોન આવ્યો. સંકોચ અને અકળામણ સાથે બોલ્યો, “મને ખબર નથી પડતી કે તેને કેમ ખુશ રાખવી! તેના બાપાની જેમ મારાથી તેની દરેક ઈચ્છાઓની પૂર્તિ ન થાય.”
“ખરેખર શું કારણ છે તે કહેવું તો મુશ્કેલ છે. સાંભળ્યું છે ને? દુખે પેટ ને કૂટે માથું! એક વાત જણાવું કે તરુને તમારા પર વિશ્વાસ નથી.” જ્યારે મેં સેક્રેટરી સાથે લંચની વાત કરી તો દેવ છેડાઈ પડ્યો. “લે! હું તેને કહું છું કે મને લંચ બનાવીને સાથે આપ. તો કહેશે, બહાર લઇ લે જે ને.”
હું ઘણીવાર તરુ અને દેવના મમ્મી-પપ્પા સાથે જઈને બેસતી અને તેમની વચ્ચે સમભાવ વધે તેવા પ્રયત્ન કરતી. તેઓ મારા ખૂબ આભારી હતાં કે મેં તરુની ગાડી પાટે ચડાવી આપી. આમ ચણભણ સાથે મમ્મી-પપ્પાનો જવાનો દિવસ આવી ગયો.
તરુ અને મેં નોકરી એક જગ્યાએ લીધી તેથી ઘણો સમય સાથે ગાળ્યો. અમુક વ્યક્તિઓને બાદ કરી, સહકાર્યકરો સાથે સારો મનમેળ હતો. દેવની નોકરીમાં ઘણી તરક્કી થઈ રહી હતી. હું બે મહિના માટે ભારત ગઈ હતી એ દરમ્યાન તરુ એક પુત્રની માતા બની. જ્યારે હું તરુને ઘરે નવજાતને જોવા ગઈ તો બાળકના પગ વાંકા હોવાથી લાકડાની પટ્ટીથી અમુક રીતે ગોઠવેલા હતા.
“ખબર છે, મારી જેઠાણી લંડનથી આવેલી અને શું બોલી હતી? કહે, ‘આવો તે છોકરો હોય’?” તરુ ઉશ્કેરાઈને બોલી, “હાં, એના બે છોકરાઓ પરિપૂર્ણ છે ને?”
“એમ! પૂનમ આવી હતી?” હું તરુની જેઠાણીને કોલેજ કાળથી ઓળખુ. અમે વડોદરામાં એક જ હોસ્ટેલમાં હતાં. પૂનમનો ઠસ્સો અને અભિમાનથી હું પરિચિત હતી પણ માની ન શકી કે પૂનમ આવું બોલી હોય.
આવા ખટરાગ અને ખેરિયતના પ્રસંગો બનતા રહ્યાં. બે વર્ષને અંતે અમારે નોકરીને કારણે અમેરિકાના બીજે છેડે, કેલિફોર્નિયા સ્થળાંતર થયું અને સમયના વહેણમાં દૂર થઈ ગયા. અમારા સંસારમાં વ્યસ્ત હતાં. ઓચિંતા, એક સંગીતના કાર્યક્રમમાં દેવના પિતરાઈ, રાજુભાઈ મળી ગયા. ખાસ વાત ન થઈ પણ અમે એકબીજાનો ફોન નંબર લઈ લીધો.
એક દિવસ દેવનો ફોન આવ્યો, “હેલ્લો, હું અહીં રાજુભાઈને ઘરે આવ્યો છું અને કાલે તમને મળવા આવું?” અમે તે સાંભળીને ખુશ થઈ ગયાં. તરુ અને દેવને મળ્યાંને સાત વર્ષ થઈ ગયા હતાં. અમે બન્નેને મળવા માટે ઉત્સુક હતાં. પણ આ શું? દેવ એકલો જ આવેલો.
“કેમ છો?” પછી તરત મેં પૂછ્યું, “તરુ ક્યાં?”
“અરે વાત ન પૂછો. તમારી બનપણીએ તો મારા પગ નીચેથી જમીન ખેસવી દીધી હતી.” દેવ મજાક કરતો લાગ્યો. તેણે બધી વાત કરી.
“તમે ગયા પછી, અમારા બીજા દીકરાનો જન્મ થયો. જીવન ગાડી ખાબડખૂબડ ચાલતી હતી. તરુની પસંદનું આલિશાન ઘર અને બને તેટલી સગવડતાઓમાં અમે ગોઠવાયાં. તકરારના વિષયોનો તોટો નહોતો. તે ઉપરાંત, તેના શંકાસ્પદ સ્વભાવનો ઉપાય નહોતો મળતો. મેં આંખ આડા કાન કરી નોકરી પર ધ્યાન આપ્યું.” દેવની વાત અમે સાંભળી રહ્યાં.
“એક દિવસ તરુએ મને ચોંકાવી દીધો. એક નામી વકીલ તરફથી છૂટાછેડાના કાગળ મોકલ્યા ત્યારે મને ખબર પડી કે મારી પાછળ તરુના વકિલનો ગુપ્તચર ફરતો હતો. મારી એક મિત્ર, ડોક્ટર માલ્તીનું દવાખાનું મારી ઓફિસથી નજીક હતું તેથી અમે કોફી કે જમવા ક્યારેક સાથે હોઈએ એ ફોટાઓ રજુ કરી મને રખડેલ સાબિત કરી દીધો. મારી મિલકતના ૬૦% અને બાળકો માટે દર મહિને મોટી રકમ આપવાનો કોર્ટનો હુકમ છે.”
અમે સંવેદનાથી તેની સામે જોઈ રહ્યાં.
દેવ આગળ બોલ્યો, “પણ, એ મુશ્કેલ સમયમાં, હું અને માલ્તી નજીક આવ્યાં અને પ્રેમતારથી બંધાયાં. અમે બે વર્ષ પહેલાં લગ્ન કરી લીધા.” દેવના ચહેરા પર મધુર મલકાટ આવ્યો.
મન, મગજ અને દ્રષ્ટિકોણની વાત ન્યારી છે. સંબંધોની ઈમારત પ્રસંગોપાત વાણી-વર્તન લેવડદેવડના આધારે, ચણાતી જાય છે…કે…ભાંગતી જાય છે.
કારણો તો દોડતાં મળે
અહમ્ અંતરના ઓરતાને વાંચું,
મળે કારણ ના એનું કો’ સાચું.
જેને રૂસણામાં રોળવું હો આંસુ,
તો કારણો તો દોડતાં મળે.
તરડ ઝીણી પર હિમાળા છાંટા,
જરી લહેરખી ને થરથર રુવાંટા.
ખર્યા શબ્દો ને ફૂલ બને કાંટા,
ને કારણો દિલ તોડતાં મળે.
સ્વાર્થરેખા ને સંકુચિત મુઠ્ઠી,
બંધ બારી સુગંધ જાય રૂઠી.
દે દસ્તક પણ ખોલવા ન ઊઠી,
ને કારણો ઉર સોરતાં મળે.
ઘનઘેરાં વાદળ ભલે ઝૂક્યાં,
પણ, કાણા કળશમાં જળ સૂકાં.
જ્યાં બહાનાનાં બારસાખ મૂક્યાં,
ત્યાં કારણો જીવ કોરતાં મળે.
——
Saryu Parikh સરયૂ પરીખ www.saryu.wordpress.com
