– પ્રવાસી યુ. ધોળકિયા
પુરાણ, આગમ, અને તંત્ર એ મહાસાગરરૂપી સનાતન પરંપરાના હિંદુ ધર્મના ત્રણ સ્તંભો છે. પુરાણ અને આગમ પર આપણે અગાઉ વાત કરી ચૂક્યાં છીએ. સનાતન પરંપરાના અંતિમ સ્તંભ, તંત્ર, વિશે હવે થોડી વાત કરીશું.
તંત્ર શબ્દ કાને પડતાં જ સામાન્ય હિન્દુ થોડો ગભરાશે અને શંકાશીલ બનશે. તેનું કારણ એ છે કે તેના મન સામે તંત્ર વિશે એક નિશ્ચિત છબી સામે આવશે. સામાન્ય હિન્દુને મન તંત્ર એટલે ભૂતપ્રેત, વશીકરણ, સંમોહન અને અનેક અવૈદિક પ્રક્રિયાઓ છે. પરંતુ હકીકત એ છે કે તંત્ર એમ મહાન વૈજ્ઞાનિક પરંપરા છે. તેની અવદશાના ચિતાર માટે આપણા જ વામાચારીઓ, અઘોરીઓ અને કાપાલિકો જવાબદાર છે. અત્રે તંત્ર વિશે સાચી સમજ આપવાનો પ્રયાસ કરેલ છે.
ચર્ચાનો પ્રારંભ કરીએ તે પહેલાં તેની સંખ્યા વિશે જાણવું રસપ્રદ રહેશે.
સામાન્ય રીતે તંત્રની સંખ્યા ૬૪ છે, જેની યાદી નીચે મુજબ છેઃ
| ૧. મહામાયા શામ્બર | ૧૭. લલિતા | ૩૩. પિંગળા | ૪૯. ગાંધર્વ |
| ૨. યોગિની જાળ | ૧૮. શ્રી શક્તિ | ૩૪. તારાહી | ૫૦. ત્રિલોક મોહન |
| ૩. તત્વ | ૧૯. મહા મહેશ્વરી | ૩૫. મુંડમાળા | ૫૧. હંસ પાર મહેશ્વર |
| ૪. અસિતાંગ ભૈરવ | ૨૦. કુમારી | ૩૬. માલિની વિજય | ૫૨. હંસ મહેશ્વર |
| ૫. રૂરૂ ભૈરવ | ૨૧. બાલા | ૩૭. સ્વચ્છંદ ભૈરવ | ૫૩. કામધેનુ |
| ૬. ચંડ | ૨૨. માત્રિકા | ૩૮. મહા નિર્વાણ | ૫૪. વાણી વિલાસ |
| ૭. ક્રોધ | ૨૩. સંત કુમાર | ૩૯. ચિંતામણી | ૫૫. કામિકા |
| ૮. ઉન્મત | ૨૪. સમયાચાર | ૪૦. ત્રિલોક | ૫૬. માયા |
| ૯. સ્વતંત્ર | ૨૫. ભૈરવી | ૪૧. વિશ્વ સાર | ૫૭. કુવિચક |
| ૧૦. કારિણી | ૨૬. વાલકેશ્વરી | ૪૨. મૃત | ૫૮. વિજ્ઞાન લાલિકા |
| ૧૧. ઉત્તરા | ૨૭. કુકુટેશ્વર | ૪૩. મહાખેચરી | ૫૯. સિદ્ધ યમલ |
| ૧૨. નીલ | ૨૮. વિશુદ્ધ દેવેશ્વર | ૪૪. ટોડલ | ૬૦. કલ્પ સૂત્ર |
| ૧૩. વીર | ૨૯. સંમોહન | ૪૫. વારાહી | ૬૧. મસ્ત્ય સુક્ત |
| ૧૪. કાલી | ૩૦. ગોપીનાથ | ૪૬. રાજ રાજેશ્વરી | ૬૨. શિવાગમ |
| ૧૫. નારાયણી | ૩૧. બ્રહોદ્મી | ૪૭. મહા મહેશ્વરી | ૬૩. ડામર |
| ૧૬. ત્રિપુરા | ૩૨. ભૂત ભૈરવ | ૪૮. ગવાક્ષી | ૬૪. મેરૂ |
તંત્રનો વિષય એટલો વિશાળ છે કે તેના પર સંક્ષિપ્તમાં લખવું મુશ્કેલ છે. તેથી, આપણે આ વિષય પર ત્રણ ચાર રહસ્યવાદીઓના વિચાર અહીં જણાવીશું.
બટુક ભૈરવની સાધના કરનાર, પ્રસિદ્ધ તાંત્રિક ઋષિનાન્દી જણાવે છે કે તંત્રના સંસ્થાપક ભગવાન શિવ છે. તેઓએ સાત કરોડ મંત્રોની રચના કરી છે. વિશ્વમાં એવી એક પણ ધાર્મિક કે આધ્યાત્મિક પરંપરા નથી જેમાં આ સાત કરોડ મંત્રોમાંથી કોઈ ને કોઇ મંત્રનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય.
ગુજરાતના પરખ ઓમ ભટ્ટ પણ તેમના તાંત્રિક અનુભવોને આધારે એવું જણાવે છે કે આપણે તંત્રનો સાત્વિક દક્ષિણાચારી માર્ગ અપનાવવો જોઈએ અને વામાચારથી બચવું જોઈએ. તંત્ર કોઈ મેલી વિદ્યા કે સિદ્ધિ માટે કરવાનું વિજ્ઞાન નથી. આ માર્ગે યોગ્ય ગુરુનું માર્ગદર્શન મેળવી શિવતત્વમાં લીન થવાનું છે.
શ્રી સદ્ગુરુ વાસુદેવ પોતાના પ્રવચનોમાં જણાવે છે કે આજથી હજારો વર્ષ પહેલાં હિમાલયના કૈલાસ પર્વત પર શિવ એકાએક પ્રગટ થયા. અહીંના શીખર પર ત્યારે સપ્તર્ષિઓ તપશ્ચર્યામાં લીન હતા. શિવ ત્યાં પધાર્યા અને અર્ધનગ્ન અવસ્થામાં ધ્યાનસ્થ થયા. જાગૃત થઈને ઋષિઓએ શિવને જોયા. અનેક વર્ષ વીતી ગયાં છતાં શિવ ધ્યાનસ્થ જ રહ્યા. ઋષિઓ પણ શિવ જાગૃત થાય તેની રાહ જોઈને વર્ષો સુધી બેસી રહ્યા. અંતે શિવ જાગ્યા અને ઋષિઓને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું. પરંતુ, ઋષિઓ અડગ રહ્યા. એટલે શિવે પ્રસન્ન થઈને સપ્તર્ષિઓને તંત્ર ઉપરાંત અન્ય તમામ રહસ્યવાદી વિધિઓથી વિદિત કર્યા. તે પછી શિવે ઋષિઓને આદેશ આપ્યો કે તેઓએ વિશ્વમાં જઈને પોતે મેળવેલા જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવાનો છે.
વિજ્ઞાન ભૈરવ તંત્ર
વિજ્ઞાન ભૈરવ તંત્ર પર ઓશો રજનીશના પ્રવચનોની પૂર્વભૂમિકા સમજવા જેવી છે. તેઓ કહે છે કે વિજ્ઞાન ભૈરવ તંત્ર એ તત્વજ્ઞાન કે બૌદ્ધિક પ્રક્રિયા નથી. અહીં વિધિઓ અને ઉપાયોની ચિંતા કરવામાં આવે છે. તંત્રનો અર્થ જ વિધિ-ઉપાય માર્ગ છે. તત્વજ્ઞાન પૂછે છે કે અસ્તિત્વ શા માટે છે? વિજ્ઞાનનો અભિગમ ” શા માટે?” નહીં, પણ “કઈ રીતે” વિચારવાનો છે. વિજ્ઞાન પૂછે છે કે અસ્તિત્વ કઈ રીતે છે? અહીં અસ્તિત્વ શા માટે છે તે નથી સમજાવાયું પણ અસ્તિત્વ કઈ રીતે છે તે સમજવા માટે વિધિ છે તેથી તેને વિજ્ઞાન ગણવામાં આવે છે.
તત્વજ્ઞાનનું જ્ઞાન સામાન્ય છે. તે સમજવા માટે મગજ -વિચાર શક્તિ-ની જરૂર છે. જ્યારે તંત્રને સમજવા માટે વ્યક્તિએ પોતાની વિચાર પ્રક્રિયા તેમ જ પોતાની જાતને બદલવી પડે છે. આ બદલાવ સંપૂર્ણ, સ્થાયી, પરિવર્તન માગે છે. જ્યાં સુધી વ્યક્તિ સાવે સાવ બદલી જતી નથી ત્યાં સુધી તેને તંત્ર પુરેપુરૂં સમજાતું નથી. તંત્ર એક અનુભવ છે.
વિજ્ઞાન ભૈરવનો પ્રારંભ દેવી (પાર્વતી) શિવને પ્રશ્ન કરે છે તેનાથી થાય છે. એ પ્રશ્નો લાગે છે તાત્વિક, પણ શિવ તેના ઉત્તર તત્વજ્ઞાનના આધારે નથી આપતા. ઉદાહરણ તરીકે, દેવી પૂછે છે કે ‘હે પ્રભુ ! તમારૂં સત્ય સ્વરૂપ શું છે?’ તેનો ઉત્તર શિવ સીધે સીધો નથી આપતા, પરંતુ એ સ્વરૂપ કઈ રીતે છે તે સમજવા માટે એક વિધિ આપે છે. શિવે ૧૧૨ તાંત્રિક વિધિઓ આપેલી છે. એવું બને કે એમાંની કોઈ એક વિધિ આપણને લાગુ પડે. કે પછી એવું પણ બને કે એક પણ વિધિ આપણને લાગુ ન પણ પડે. તેથી શિવે અનેક વિધિઓ બતાવવી પડી છે.
આ વિધિઓ આપણા જીવનમાં કઈ રીતે ચમત્કાર સર્જી શકે છે તે તો અનુભવથી સમજાય. જો એ અનુભવ ન કરીએ તો વિધિઓ વાંચવી કે સાંભળવી એ સમયનો દુરૂપયોગ જ છે. જો આપણને એક પણ વિધિ ન સ્પર્શે તો આધ્યાત્મિકતાનો માર્ગ છોડી દેવો હિતાવહ ગણાય.
તંત્ર કહે છે કે અસ્તિત્વ અખંડ – એક – છે. તેમાં દ્વૈતને સ્થાન નથી. શુભ-અશુભ, શુદ્ધ-અશુદ્ધ, નૈતિક-અનૈતિક. પુણ્ય-પાપ કે સુખ-દુઃખ બધું માનવ સર્જિત છે. તે આપણી માન્યતાઓ છે. તેમાં કોઈ વાસ્તવિકતા નથી. આ બધું માનવ નિર્મિત હોવાથી આપણી આધ્યાત્મિક પ્રગતિ પર તેની કોઈ અસર પડતી નથી. શિવ બતાવે છે કે કોઈ વિધિ કરવામાં આવે તો જ તે વિધિને ઓળખી શકાય. તત્વજ્ઞાનના પ્રશ્નના ઉત્તરથી આપણને સંતોષ થાય, પણ આપણામાં પરિવર્તન ન આવે. તંત્ર કોઈ પ્રશ્નનું સમાધાન નથી આપતું પણ તે સમાધાન પ્રાપ્ત કરવાની વિધિ બતાવે છે.
તંત્રમાં જે સંવાદ દ્વારા જ્ઞાન આપવામાંઆવ્યું છે તે સંવાદ ગુરુ શિષ્ય વચ્ચેનો નહીં પણ પતિ પત્ની વચ્ચેનો, અતિ ગાઢ અને ગહન, છે. તેથી સાધકે ગુરુ સાથે પત્નીભાવ અને ગુરુએ સાધક સાથે પતિભાવ ભજવવાનો છે. આમ ન થાય તો સાધકને કોઈ જ્ઞાન-શક્તિ મળતાં નથી. અહીં કોઈ બુદ્ધિનો ઉપયોગ પણ કરવાનો નથી. સંવાદને એક વ્યવસ્થા તરીકે ઉપયોગમાં લેવામાં આવેલ છે. શિવ પાર્વતી વચ્ચે કોઈ વાદ વિવાદ નથી. શબ્દોનો કોઈ વ્યય નથી. સીધાં સાદાં વચનો દ્વારા જગતનું ઉચ્ચતમ ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન સાધક માટે સુલભ બને છે.
વિજ્ઞાન ભૈરવ તંત્રમાં શિવના વચનો બહુ ટુંકાં,સૂત્ર સ્વરૂપે, મુકવામાં આવ્યાં છે. તેમાં ચૈતન્ય પ્રાપ્ત કરવાની વિધિઓ આપવામાં આવી છે. અહીં તો સાધકને ચૈતન્યની પાર જવાનું છે. માનવ મૂર્છિત છે. વિજ્ઞાન ભૈરવ તંત્રની આ વિધિ મૂર્છિત માનવને જગાડવાનું કામ કરે છે.
આ વિજ્ઞાનને વિજ્ઞાન ભૈરવ એટલા માટે કહેવામાં આવે છે કે તેમાં ચૈતન્ય પ્રાપ્ત કરવાની તક છે. તે ભૈરવ એટલા માટે છે કે તેમાં ચૈતન્યથી પાર જવાનો માર્ગ છે. અહીં શિવને ભૈરવ અને પાર્વતીને ભૈરવી કહેવામાં આવ્યાં છે.
આ વિધિઓ અતિ પ્રાચીન છે. તે સંપૂર્ણ અને અંતિમ છે તેથી તેમાં કઈ જોડવાનું નથી રહેતું. આ તાંત્રિક વિધિઓમાં બધી સંભાવનાઓ રહેલી છે. તેમાં સુધારાને કોઈ અવકાશ નથી. તે સૌથી પ્રાચીન હોવા છતાં સૌથી તાજી અને નવીનતમ જ છે. અહીં ૧૧૨ વિધિઓ દ્વારા રૂપાંતરણ કરી શકાય છે.
પશ્ચિમે આપેલી વૈજ્ઞાનિક પદ્ધતિઓ યુરોપની નથી અને ખ્રિસ્તીઓની પણ નથી. તંત્રની વિધિઓ કોઈ ધર્મ (એટલે કે હિંદુ ધર્મ) કે પંથની નથી.
તેમાં વિશ્વાસને સ્થાન નથી. તેમાં કંઈક કરવાનું છે. માનવે આ વિધિઓનો સહારો લઈને ભવસાગરમાં ઝંપલાવવાનું છે. જે રીતે આઈનસ્ટાઈનના સાપેક્ષવાદને પુરેપુરો જાણકારોની સંખ્યા એકદમ જૂજ છે તેમ તંત્રને જાણનારાઓની સંખ્યા બહુ ઓછી છે.
માનવી જે સમજતો નથી તેને પોતાનું અપમાન સમજીને તેની નિંદા કરે છે. તંત્ર બધાં દ્વૈતોથી પર છે તેથી સામાન્ય લોકો તેને સમજી શકતાં નથી, અને પરિણામે તેનો તિરસ્કાર કરે છે. એ લોકો તંત્રને અનૈતિક માને છે. તંત્ર એ તો ઔષધ સમાન છે. જે રીતે ઔષધ સંત અને પાપી વચ્ચે ભેદ કરતું નથી તેમ તંત્ર પણ સમાજના બધા વર્ગોને સમાન માની તેઓ માટે પરિવર્તિત થવાનો માર્ગ ખુલ્લો કરે છે. અન્ય કોઈ પણ ધર્મ માનવમાં પરિવર્તન લાવી શકતો નથી. પરિણામે આટલા બધા ધર્મો હોવા છતાં સમાજ ક્રૂર અને કુરૂપ બન્યો છે. જુદા જુદા ધર્મોના અનુયાયીઓને સમાજની રીતરિવાજની પદ્ધતિઓની કોઈ પરવા નથી હોતી. જ્યારે તંત્ર ક્યારે પણ અનૈતિક બનવાનું કહેતું નથી. તે તો માનવીને પોતાની જાતને બદલવાની અનેક તકો આપે છે.
વિજ્ઞાન ભૈરવની ૧૧૨ વિધિઓ એટલી અસરકારક અને સિદ્ધ છે કે કોઈ પણ જ્ઞાની, પયગંબર, મસીહા કે બૌદ્ધ કે જૈન ઉદ્ધારકોએ એમાંની કોઈને કોઈ વિધિનો ઉપયોગ ચોક્કસ કર્યો હશે. સાઈબાબા જેવા સુફીઓ પણ આ વિધિઓમાંની એક એવી રાત્રી જાગરણનો ઉપયોગ કરીને જ્ઞાની બન્યા હતા. આમ વિજ્ઞાન ભૈરવ તંત્રની ૧૧૨ વિધિઓનું જો શિવે સર્જન ન કર્યું હોત તો વિશ્વમાં કોઈ ધર્મનું પ્રાગટ્ય શક્ય ન બન્યું હોત.
આધુનિકમાં આધુનિક આણ્વિક વિજ્ઞાન કે ક્વૉન્ટમ ભૌતિક શાસ્ત્ર કે ડિજિટલ ટેક્નોલોજિ જેટલું જ વિજ્ઞાન ભૈરવ તંત્ર વિજ્ઞાન હોવા છતાં સાર્વત્રિક, આધુનિક અને સમયની સાથે પ્રાસંગિક રહેનારું શાસ્ત્ર છે. આ વિધિઓ કાળથી પર છે. તે ભૂતકાળમાં જેટલી પ્રાસંગિક હતી તેટલી જ આજે છે અને ભવિષ્યમાં પણ રહેશે. તે શાશ્વત છે, સાર્થક છે અને સનાતન છે. વિજ્ઞાન ભૈરવની ૧૧૨ વિધિઓ વિના માનવ ઉત્કર્ષ અશક્ય છે.
હવે પછીના મણકામાં તાંત્રિક પરંપરા વિશે હજુ વધારે થોડી વાત કરીશું. વિશે વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
