પંખીઓના દેશમાં
ગિરિમા ઘારેખાન
એક હતો માછીમાર. એ રોજ પોતાની નાનકડી હોડી લઈને દરિયામાં જાય, જાળ નાખે, માછલીઓ પકડે અને પાછો આવે. એ માછલીઓ વેચીને જે પૈસા મળે એમાંથી એનું ગુજરાન ચાલે.
એક દિવસ એવું થયું કે આ માછીમાર દરિયામાં જાળ નાખીને બેઠો હતો ત્યારે ઓચિંતું દરિયામાં ભયંકર તોફાન આવ્યું. મોટા મોટા મોજાં ઉછળવા માંડયા. આવા ભારે તોફાનમાં માછીમારની હોડી એક મોટા મોજા સાથે ઉપર ઊંચકાઈ. માછીમાર ખૂબ ડરી ગયો. ભયના માર્યા એણે પોતાની આંખો બંધ કરી દીધી. માછીમારની આંખો ખુલી ત્યારે તોફાન શાંત થઇ ગયું હતું. એની હોડી ધીરે ધીરે ચાલી રહી હતી. એણે દૂર નજર કરી. અરે! પોતે ક્યાં આવી ગયો હતો? થોડેક દૂર જમીન દેખાતી હતી પણ આ એના ઘરવાળી જગ્યા તો ન હતી! હોડી આપોઆપ પેલી જમીન તરફ ખેંચાઈ રહી હતી. માછીમાર ચૂપચાપ બેસીને જોતો રહ્યો.
થોડીક જ વારમાં માછીમારની હોડી જમીનને અડી ગઈ. એ કૂદકો મારીને જમીન ઉપર ઉતર્યો અને ચારેબાજુ નજર કરી. એને જે દેખાયું એ જોઇને એ તો આશ્ચર્યચકિત થઇ ગયો. ચારેબાજુ ફળો અને ફૂલોથી લચી પડેલાં લીલાંછમ વૃક્ષો હતાં. એમાંથી નીકળતી સરસ સુગંધ હવામાં ફેલાઈ રહી હતી. રંગબેરંગી પતંગિયા ઉડાઉડ કરતાં હતાં. અમુક પતંગિયા જમીન ઉપર જાજમ જેવા લાગતા પોચા, સુંવાળા ઘાસ ઉપર ગલોટીયાં ખાઈ રહ્યાં હતાં. વૃક્ષોમાંથી પંખીઓનો કલરવ સંભળાતો હતો. દૂર સોનેરી પહાડો દેખાતાં હતા. એના ઉપરથી આછા ભૂરા રંગના ઝરણાં વહી રહ્યાં હતા. માછીમારે ઉપર નજર કરી અને એ આભો જ બની ગયો. આકાશમાં કેટલાય મેઘધનુષ ઝૂલતા દેખાતા હતા!
થોડી વાર સુધી તો માછીમાર આજુબાજુ જોતો રહ્યો. એણે ક્યારનું કંઈ ખાધું પણ ન હતું. એને પેલાં ફાળો ખાવાનું મન થયું. એ વૃક્ષો તરફ આગળ વઘ્યો. માછીમાર હજુ બે ડગલાં જ ચાલ્યો હતો ત્યાં એને એક અવાજ સંભળાયો, “ક્યાં જાય છે? ઊભો રહે!’
આવા મીઠા અવાજે કોણ બોલ્યું? માછીમાર કંઈ વિચારે એ પહેલા તો આકાશમાંથી એક પરી ઉડતી ઉડતી આવી અને એની સામે આવીને ઊભી રહી ગઈ.
એણે ફરીથી પૂછ્યું, “ક્યાં જાય છે?”
“પેલું ફળ ખાવા. ભૂખ લાગી છે.’
‘હા, પણ આ પંખીઓનો દેશ છે. તારે અહીં રહેવું હોય, અહીંથી કંઈ પણ ખાવું હોય તો તારે પંખી બનવું પડે.”
“પંખી!’ મારે પંખી બનવાનું?
“હા. નહીં તો જતો રહે પાછો તારા દેશમાં.’
માછીમારને તો આ દેશ બહુ જ ગમી ગયો હતો. એ ક્યાં આવી ચડ્યો હતો એની જ એને ખબર ન હતી. હવે પાછું કેવી રીતે જવું એની પણ એને ખબર ન હતી. પંખી તો પંખી, અહીં રહેવા તો મળશે. આમે ય રોજ રોજ દરિયામાં જઈને, માછલીઓ પકડીને એ કંટાળી ગયો હતો.
‘શું વિચારે છે? બનવું છે પંખી?’
“હા હા. હું પંખી બનીશ. પણ મને કયું પંખી બનાવશો?’ માછીમારે પૂછ્યું.
‘જો હું ચાર નામ બોલીશ. એમાંથી એક પસંદ કરજે”, પરીએ કહ્યું.
‘સારું.’ માછીમારે જવાબ આપ્યો. એનું હૃદય જોરથી ધડકતું હતું.
“મોર? મોર બનાવું તને?’
માછીમારે થોડીવાર વિચાર કર્યો. પછી બોલ્યો, ‘મોર જેવા પંખી બનવામાં શું મજા? મોર તો કેટલું ઓછું ઊડી શકે? ના, મોર નહીં. કોઈ લાંબુ ઉડવાવાળું પક્ષી.’
* તો સમડી? સમડી બહુ લાંબુ ઊડી શકે.’ પરી હસીને બોલી.
“પણ એનો અવાજ તો કેવો ખરાબ હોય! બોલે ત્યારે ચીસો પાડતી હોય એવું લાગે. મને કોઈક મીઠું બોલવાવાળું પંખી બનાવો ને!’ માછીમારે પોતાની પસંદગી બતાવી.
“કોયલ બનવું ગમશે તને?’
કોયલ? પેલી કાળી કાળી કોયલ? એને તો પોતાના રંગની એટલી શરમ આવે કે કાયમ છૂપાયેલી જ રહે છે. મારે એવી કાળી કોયલ નથી બનવું.’
‘હમમમ. તારે ઉડવાવાળું, સુંદર, કર્કશ નહીં, એવું કોઈ પંખી બનવું છે ને?’ પરીએ પૂછ્યું.
“હા. હા. એવું જ. હવે તમે બરાબર સમજ્યા.’
‘તો પછી તને ફૂલસુંન્ઘણી [સન બર્ડ] બનાવી દઉં. એનામાં આ બધા લક્ષણ છે.’

‘ફૂલ સુંન્ઘણી? પેલું નાનું પંખી? જે ઊંધું લટકીને ફૂલોનો રસ પીએ છે? અરે! એ તો કેટલું નાનું હોય છે? મારી હથેળીમાં સમાઈ જાય. એવડું નાનું પંખી બનીને હું શું કરું? બીજું કંઇક કહો ને!’ માછીમાર હવે ઉતાવળો થયો હતો.
‘હવે કશું નહીં નાદાન માણસ. તેં તને મળેલી ચારેય તક ગુમાવી દીધી છે. તને મેં બધાં સરસ પક્ષીઓની પસંદગી આપી હતી. મોર બહુ ઊડી ન શકે પણ એ કળા કરે ત્યારે દુનિયાનું સહુથી સુંદર પક્ષી હોય છે. સમડીની દ્રષ્ટિ કેટલી તેજ હોય! દૂર સુધી જોઈ શકે. કોયલ કાળી ખરી, પણ એના જેવો મીઠો અવાજ બીજા કોઈ પંખીનો નથી. અને પેલું નાનું, તારી મુઠ્ઠી જેવડું ફૂલસુંન્ઘણી પંખી તો બહુ મોટું કામ કરે છે. એ ફૂલોની રજ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઈને ફૂલો ઉગાડવામાં મદદ કરે છે.”
‘આ બધી તો મને ખબર જ ન’તી. સારું મને કંઈ પણ બનાવી દો.’ માછીમાર ઢીલા અવાજે બોલ્યો.
‘ના’, પરી મક્કમતાથી બોલી. “તને કોઈનામાં કંઈ સારું દેખાતું નથી. એટલે તને આવા સરસ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. હું તને તારા દેશમાં પાછો મોકલી દઉં છું. જા અને માછલીઓ પકડ.”
માછીમાર કંઈ બોલે એ પહેલા તો એ એની હોડીમાં હતો અને હોડી એના ગામના દરિયાકિનારે ઊભેલી હતી.
હવે રોજ એ પાછો દરિયામાં માછલી પકડવા જાય છે. પંખીઓના દેશને યાદ કરે છે અને નિસાસા નાખે છે. જો કે હવે એ એટલું શીખ્યો છે કે કોઈનામાં કશું ખરાબ જોતો નથી. એ સમજી ગયો છે કે બધામાં કંઇક તો સારું હોય જ છે.
ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯
