પ્રીતિ શાહ-સેનગુપ્તા
જે પ્રવાસીને બધ્ધે જવાનું મન થયા કરતું હોય, તેને માટે દુનિયા અઘરી બનતી જાય છે, કારણકે નાના નાના બધા દેશોમાં ફરી વળવું કેવી રીતે? નાનકડા દેશો પણ બહુ સરસ હોઈ શકે છે, પ્રવાસીના મનને તો જરૂર આકર્ષી રહે છે.
એવા એક નાનકડા દેશમાં જવાની તક ઊભી થઈ ત્યારે મને બહુ ખુશી થઈ. એ દેશ તે ગયાના. કોઈ લોકો એને ગુયાના પણ કહેતા હોય છે. એનું નામ તો સાંભળ્યું જ હતું. જવાનું મન પણ હોય જ, પણ એમ ને એમ જઈ ચઢવાનું બને નહીં.
પણ જ્યારે સાંભળ્યું, કે અમેરિકાના ઓહાયો રાજ્યમાં વસતાં કેટલાંક ઇન્ડિયન ડૉક્ટરોની એક ટુકડી ગયાના જવાની હતી, ત્યારે તરત, એમના મદદગાર તરીકે, મેં પણ નામ નોધાવ્યું. એક દેશ જોવા તો મળે જ, પણ ત્યાંના સમાજને મદદરૂપ પણ થઈ શકવાનો વિચાર મને ખૂબ સ્પર્શી ગયો.
બસ, આ પછી તરત ટિકિટ ખરીદવામાં કોઈ વાર કરી નહીં. ન્યૂયૉર્કથી ગયાના જવું હોય તો ક્યાંતો ટ્રિનિડાડ ટાપુ-દેશ, ક્યાંતો પનામા થઈને જવું પડે. ન્યૂયૉર્કથી કોઈ સીધી ફ્લાઇટ છે જ નહીં, સિવાય કે ગયાનિઝ લોકો માટે ક્યારેક જતી ચાર્ટર ઍર-સર્વિસ.
ત્રણેક મહિના પહેલાં જ, હું ટ્રિનિડાડ અને ટૉબૅગો દેશમાં બીજી વાર જઈ આવી હતી. ત્યાંનાં મિત્રોને ફરીથી મળી આવવાની ઇચ્છા થઈ તો ગઈ, પણ બીજી બાજુ, મને પનામા ગયે તો ઘણાં વર્ષો થયાં હતાં. ફરીથી ત્યાં જવાની, અને ત્યાં રહેલાં મિત્ર-કુટુંબને મળી આવવાની આ તક વધારે સારી લાગી.
તેથી, મેં ન્યૂયૉર્કથી પનામા થઈને ગયાના જવાની ફ્લાઇટ નક્કી કરી. આ ગ્રૂપમાંનાં બાકીનાં બધાં બીજી ફ્લાઇટો લેવાનાં હતાં, અને મારી પહેલાં ગયાનાના મુખ્ય શહેર જ્યૉર્જ ટાઉન પર પહોંચી જવાનાં હતાં. એકલાં જવાની મને તો વર્ષોની ટેવ છે, તેથી એવી કોઈ ચિંતા મને હતી નહીં.
નીકળવાનું હતું તે આખી રાત ઊંઘ વગર જ ગઈ, કારણકે હું તો રાતે અગિયાર વાગ્યે ન્યૂયૉર્કના વિમાન-મથક પર પહોંચી ગઈ, પણ ફ્લાઇટ ઊપડવાની હતી વહેલી સવારે પોણા બે વાગ્યે. પછી પનામા સિટીના મથક પર બે-અઢી કલાક થોભવાનું હતું. ત્યાંથી જ્યૉર્જ ટાઉન માટે ફ્લાઇટ બદલવાની હતી.
પનામાનો સમય ન્યૂયૉર્કથી એક કલાક પાછળ. ત્યાંના સવા પાંચ વાગ્યે સૂરજ હજી બહાર નીકળી નહતો આવ્યો. ઍરપૉર્ટ પરનાં કાફૅ અને દુકાનો હજી માંડ ખુલી રહ્યાં હતાં. તોકુમેન આંતર્રાષ્ટ્રીય વિમાન-મથક એકદમ નવું, અને ખૂબ મોટું છે. એક ફ્લાઇટમાંથી બીજી ફ્લાઇટ લેવા માટે લાંબું લાંબું, એક માઇલ જેટલું ચાલવું પડ્યું. પછી ક્યાંક બેસીને એકાદ કલાક હું ઊંઘી ગઈ.
સવારના સાત થતાંમાં પનામા દેશ પરનું આકાશ ચમકતું ભૂરું હતું. હલકાં સફેદ વાદળો એમાં ફરતાં હતાં. એક તરફ પર્વતો હતા. એમની બે હરોળ મને દેખાતી હતી. પનામામાં કેટલા પહાડો હતા, તે હું ભૂલી ગઈ હતી. નજીકમાં દેખાતી ભૂમિ લીલીછમ હતી. ક્યાંક થોડી નાળિયેરીનું એકલવાયું ઝુંડ હતું.
આ બધાંની દૂર પનામા સિટી રહેલું હતું – અતિઆધુનિક, ધબકતું, વિકસતું. મને એ ફરી વાર જોવા મળવાનું હતું, પણ થોડા દિવસ પછી.
ઍરપૉર્ટ હવે બરાબર જાગી ગયું હતું. સવારે અસંખ્ય ફ્લાઇટ ત્યાંથી નીકળતી હતી – સૅન્ટ્રલ અમેરિકાનાં અનેક શહેરોમાં જવા. બૉર્ડ પર આવતાં નામો હું વાંચતી રહી – મનાગ્વા, આસૅન્સિયૉન, તેગુચિગલ્પા, ગ્વાયાકીલ; આહા, અને ત્યાં ત્યાંની મારી સફરોને કુમાશથી યાદ કરતી રહી. કેવાં કેવાં સાહસ કર્યાં છે!
અમેરિકા, કૅનૅડા, યુરોપ વગેરે તરફ જતી ફ્લાઇટો માટે બીજો એરિયા હતો. આખી દુનિયામાંથી આવેલા લોકોની ખૂબ અવરજવર ચોતરફ થઈ ગઈ હતી.
કોણ જાણે કયા કારણે, પણ મેં એક વાર ડિપાર્ચર બૉર્ડ પર નજર કરી, અને અવશ્ય જ, ગયાના જતી મારી ફ્લાઇટનો ગેટ નંબર બદલાઈ ગયેલો. એનો અર્થ એ, કે મારે હવે ઉતાવળે એ ગેટ પર પહોંચવું જોઈએ. ફરી લાંબું લાબું, એક માઇલ જેટલું ચાલવું પડ્યું. વહેલી સવારે જ્યાં ઊતરી હતી, ત્યાં જ ફરીથી પહોંચી. ખૂબ ભીડ થઈ ગઈ હતી ત્યાં તો.
ગયાના જતું આ વિમાન સાંકડું ને લાંબું હતું. એમાં સાડા ત્રણ કલાક જવાનું હતું. બેઠાં બેઠાં, થોડી વાર આંખ મિંચાઈ ગઈ. ગયાનાનો સમય ન્યૂયૉર્ક જેવો જ હતો. સારું થયું, કે મેં ઘડિયાળમાં હજી બદલ્યો નહતો.
આકાશમાં વરસાદી વાદળ છવાયાં હતાં, પણ હલકાં જેવાં હતાં, ડરામણાં નહતાં. વિમાન નીચું, જમીનની નજીક ગયું ત્યારે વાદળ આછાં થયાં, અને સૂરજનું તેજ નીકળી આવ્યું. બધી બાજુએ ગીચોગીચ લીલું હતું. કદાચ, ગયાના જેને માટે જાણીતું છે તે જંગલો હશે. ને પછી પણ ગાઢ લીલોતરી રહી. ક્યાંક વચમાં નાના મકાન જેવું દેખાય, પણ ખેતી જેવું ક્યાંય ના દેખાયું.

ગયાનાનું મુખ્ય વિમાન-મથક ત્યાંના પૂર્વ-પ્રમુખ ચેડી જગાનના નામ પરથી ઓળખાય છે. ૧૯૯૭માં, એમના મૃત્યુ પછી આ નામ પાડવામાં આવ્યું હતું. મથકનું મકાન કોઈ બંગલા જેવું લાગે. એને ઘણું મોટું, તેમજ મૉડર્ન બનાવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે.
આગમન ખંડની જગ્યા સાવ નાની હતી, અને પાસપૉર્ટ-તપાસનું કામકાજ ધીમું હતું. હું બહાર આવી ત્યારે સામાન આવી ગયો હતો. મેં આમતેમ નજર કરી, તો મારું નામ લખેલો કાગળ લઈને એક ભાઈ ઊભેલા. તરત જ, એમની સાથે હું બહાર નીકળી આવી. ત્યાં જ રસ્તો, ને ત્યાં જ ગાડી ઊભી રાખેલી. ન્યૂયૉર્કના ખૂબ મોટા ઍરપૉર્ટની ધમાલ પછી, આ બધું એવું તો નાનું ને નિરાંતનું લાગે.
હવે જ્યૉર્જ ટાઉન શહેર સુધીનો ચાલીસેક કિ.મિ.નો માર્ગ પણ, આમ ધીમે ધીમે જ, કપાવાનો હતો.
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

સુંદર વર્ણન.
LikeLike