ધિક્કારનાં ગીતો
પીડા જીવનને નરક બનાવી શકે એ વાત ખરી, પરંતુ આપણા હૃદયમાં જો કુમાશ અને કરુણા હોય તો પીડાઓ જીવનને સમૃદ્ધ પણ બનાવી શકે.
દીપક સોલિયા
દિલ કો મિલે જો દાગ, જિગર કો મિલે જો દર્દ
ઉન દૌલતોં સે હમને ખઝાને બના લિયે.
યે હૂઈ ના બાત. પ્રેમીના ‘ઇમોસનલ અત્યાચાર’થી દાઝેલી પ્રેમિકા કહે છે કે તમારા કૃત્યને લીધે દિલ પર જે ડાઘ રહી ગયા અને હૃદયને જે દર્દ મળ્યું એ બધાનો પછી તો અમે ખજાનો બનાવી લીધો.
ભૂતકાળની કડવી સ્મૃતિઓ પણ સમય જતાં સૃષ્ટિની એક રહસ્યમય પ્રક્રિયા દ્વારા મધૂર સ્મૃતિ બની શકે, હૃદયનો ખજાનો બની શકે, જીવનની સમૃદ્ધિ બની શકે એવા મતલબની વાત રશિયન લેખકે દોસ્તોયેવસ્કીએ કહેલી. કરુણ બાબતનો આવો સુખદ અંત આવે તે માટેની શરત એ છે કે આપણામાં થોડાં પ્રેમ-કરુણા હોવાં જોઈએ. બાકી આપણું પોતાનું જીગર જ અત્યંત કડવાશભર્યું બની ચૂક્યું હોય તો જૂના ખરાબ અનુભવો જીવનભર કાંટાની જેમ દિલમાં ભોંકાયા કરે.
આપણી વાત ચાલી રહી છે ધિક્કાર ગીતોની એટલે કે એવાં ગીતોની જેમાં સ્ત્રી-પુરુષના સંબંધમાં લોચા પડે ત્યાર બાદ બેમાંનું એક પાત્ર ગીત દ્વારા પોતાની વ્યથા વ્યક્ત કરતું હોય.
અગાઉના લેખોમાં આપણે જે ગીત -ઇમોસનલ અત્યાચાર-ની વાત કરી તેમાં તો સ્ત્રીની હાડોહાડ, અત્યંત કડવી અને ઇવન ગંદી ટીકાઓ જ છે. એમાં તો ભડકેલા ભાઈશ્રી પ્રેમિકાને ગણિકા ગણાવવાની હદે પણ ઉતરી જાય છે.
અહીં બે બાબત નોંધવા જેવી છે. ફિલ્મોના ધિક્કાર ગીતોમાં પુરુષો દ્વારા ગવાયેલા ગીતો વધુ છે અને એમાં કડવાશ અને બદદુઆઓનું પ્રમાણ પણ ઊંચું છે. બીજી તરફ, પ્રેમમાં ખતા ખાનારી સ્ત્રીઓનાં ગીતોનું પ્રમાણ પણ ઓછું છે અને એમાં કડવાશ પણ ઓછી છે.
સ્ત્રીપાત્રો જ્યારે પુરુષપાત્રો સામે ગીત રૂપે ફરિયાદ વ્યક્ત કરે ત્યારે પુરુષના ચારિત્ર્ય પર કીચડ ઉછાળવાને બદલે સ્ત્રી પોતાનું દર્દ પ્રમાણમાં શાંતિથી, મધૂરતાપૂર્વક, સુંદર રીતે વ્યક્ત કરતી હોય તેવું વધુ જોવામાં આવે છે.
જેમ કે, લેખના આરંભે ટાંકેલી પંક્તિ, જે કહે છે કે પ્રેમીના અત્યાચારની સ્મૃતિઓમાંથી અમે ખજાનો રચી લીધો.
૧૯૫૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અદાલત’નું આ ગીત છે. ગીતકાર છે રાજેન્દ્ર કૃષ્ણ. ગીતનું મૂખડું આ પ્રમાણે છેઃ
જાના થા હમસે દૂર, બહાને બના લિયે
અબ તુમને કિતની દૂર, ઠિકાને બના લિયે.
સિચ્યુએશન સ્પષ્ટ છે. પ્રેમી (પ્રદીપ કુમાર) તેની પ્રેમિકા (નરગિસ)ને છોડીને બહુ દૂર (બ્રિટન) જતો રહ્યો છે. ફિલ્મની વાર્તા એવી છે કે પ્રેમી જતાં પહેલાં પ્રેમિકાના પેટમાં બીજારોપણ કરતો જાય છે. પછી છોકરો જન્મે છે. વખાની મારી માતાએ ગણિકા બનવું પડે છે. છોકરો મોટો થઈને પબ્લિક પ્રોસિક્યૂટર બને છે. તેની પાસે
એક કેસ આવે છે, જેમાં એક સ્ત્રી (તેની સગ્ગી માતા) આરોપી છે. તેના પર આરોપ છે, ખૂનનો… એટલે જ તો ફિલ્મનું નામ છે, અદાલત.
અલબત્ત, અહીં કાનૂની અદાલતની વાત તો છે જ, પરંતુ વધુ ફોકસ દિલની અદાલત પર છે, જેમાં પ્રેગ્નન્ટ પ્રેમિકાને એકલી મૂકીને બેરિસ્ટર બનવા બ્રિટન જતો રહેલો પ્રેમી સ્પષ્ટપણે કસૂરવાર છે.
પણ આ કિસ્સામાં પ્રેમિકા દેવ.ડીના દેવ જેવી કડવી, ઉદ્ધત, ઘમંડી નથી. તે ફરિયાદ પણ કરે છે તો અત્યંત સૌમ્ય શબ્દોમાં: અમારાથી દૂર જ જવું હતું. એટલે તમે બહાના શોધી કાઢ્યા. હવે તો તમે એકદમ દૂર વસવાટ કરી લીધો. બહાને બના લિયે… ઠિકાને બના લિયે…
પ્રેમિકા આંસુભીની નીચી નજરે અને અત્યંત ઉદાસ સ્વરમાં ગાતાં ગાતાં કહે છેઃ
રુખસત કે વક્ત તુમને જો આંસૂ હમેં દિયે
ઉન આંસુઓં સે હમને ફસાને બના લિયે.
આહ! પ્રેમીની વિદાયવેળાએ વહેલા આંસુઓનો શાહી તરીકે ઉપયોગ કરીને પ્રેમિકાએ વાર્તાઓ રચી લીધી, કલ્પનાઓની ઇમારત ખડી કરી લીધી.
ગીત નાનકડું છે. એમાં બે જ શેર છે. એક શેર કહે છે કે તારા દીધેલા આંસુથી અમે કહાનીઓ રચી અને બીજો શેર કહે છે કે તેં દીધેલા ડાઘ-દર્દમાંથી અમે ખજાનો રચી લીધો. આને કહેવાય પીડાનું રચનાત્મક રૂપાંતરણ.
સાવ દેશી, તળપદી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે પ્રેમી તો કડવાં કારેલાં જ આપી ગયેલો, પરંતુ સ્ત્રીએ તે કારેલાંનું સ્વાદિષ્ટ શાક બનાવી લીધું.
આક્રોશની એકદમ આભિજાત્યપૂર્ણ અભિવ્યક્તિ આ ગીતમાં થઈ છે.
અલબત્ત, ગીતકાર પુરુષ છે, પણ વાત સ્ત્રીના હૃદયની હોવાથી ગીતકારે ભારોભાર લાલિત્ય અને નજાકતથી વાત વ્યક્ત કરી છે.
આ ગીત હૃદયને વીંધી નાખે એવું બન્યું હોવા પાછળનું કદાચ સૌથી મહત્ત્વનું પરિબળ છે તેનું સંગીત. સંગીતકાર છે મદન મોહન. ફિલ્મોમાં ગઝલોને સૌથી અસરકારક સંગીત સાથે પેશ કરવામાં મદન મોહનનો જોટો જડવો મુશ્કેલ છે.
આ ગીત કેટલું હૃદયભેદી છે એ તો સાંભળવાથી જ સમજાય તેવી બાબત છે. યૂટ્યુબ પર આસાનીથી મળી શકે તેમ છે. મજબૂત શબ્દો, મોહક મ્યૂઝિક અને માતબર ગાયકીનો ત્રિવેણીસંગમ ધરાવતું આ ગીત અહીં પહેલાં એક વાર શાંતિથી વાંચી લીધા બાદ ફોન-લેપટોપ પર સાંભળશો તો પછી કદાચ આખો દિવસ એ તમારા મન-હૃદય પર કબજો જમાવશે અને બૅકગ્રાઉન્ડમાં સતત વાગ્યા કરશે.
આ કામ કરવા જેવું છે. તો, આ છે આખું ગીત… માણો…
જાના થા હમસે દૂર, બહાને બના લિયે
અબ તુમને કિતની દૂર, ઠિકાને બના લિયે.
રુખસત કે વક્ત તુમને જો આંસૂ હમેં દિયે
ઉન આંસુઓં સે હમને ફસાને બના લિયે.
દિલ કો મિલે જો દાગ, જિગર કો મિલે જો દર્દ
ઉન દૌલતોં સે હમને ખઝાને બના લિયે.
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
