વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

‘તક્ષશિલા ભડકે બળી રહ્યું છે.’

અખબારમાં સમાચાર વાંચીને મને હમીદ ખાનની યાદ આવી.

“હે ભગવાન મારા ભાઈ હમીદને અને એની દુકાનને આગમાંથી બચાવી લેજો.” મનોમન હું બોલ્યો.

તક્ષશિલાના પૌરાણિક ખંડેર જોવા ગયો એને હજુ તો માંડ બે વર્ષ થયાં હશે. એક દિવસ આકરા તાપમાં ફરીને હું સખત થાકી ગયો હતો. અસહ્ય ભૂખ અને તરસ લાગી હતી. રેલ્વે સ્ટેશનથી બજાર તરફ કોઈ હોટલની તપાસ માટે ચાલવા માંડ્યું.

બજારમાં હસ્તરેખાઓ જેવી સાંકડી ગલીઓ, ધૂળ, ગંદકી, ચારેબાજુથી આવતી ચામડાની વાસ વચ્ચે પસાર થવું સહેલું નહોતું, છતાં ચાલ્યા વગર આરો નહોતો.

આખી બજાર ફરી વળ્યો, પણ કોઈ હોટલ ન મળી. હતાશ થઈને પાછો વળતો હતો ત્યાં ક્યાંક ચપાટી શેકાતી હોય એવી ભ્રમણા થઈ.

હાશ, અહીંથી કંઈક મળી જશે એવી આશા બંધાઈ. અંદર ગયો તો સગડી પાસે બેઠો એક આધેડ પઠાણ ચપાટી શેકી રહ્યો હતો.

“મને કંઈક ખાવાનું મળશે?” ચહેરા પર હળવા સ્મિત સાથે પૂછ્યું. અજાણી જગ્યા,અજાણ્યા લોકો વચ્ચે ફરતા પ્રવાસીઓ માટે સ્મિત મોટી મૂડી સમાન હોય એની મને ખબર હતી.

“ચપાટી અને સબ્જી મળશે.”

હું બેઠો. દુકાનની અંદર એક ખૂણામાં કાથીના ખાટલા પર બેઠેલા, તમાકુના ગોટેગોટા વચ્ચે દુનિયાથી બેખબર એવા દાઢીવાળા વૃદ્ધ હુક્કો ગડગડાવતા નજરે પડ્યા.

“કયા મુલકથી?” થડા પર બેઠેલા આદમીએ મને પૂછ્યું.

“મલબાર.”

“હિંદુસ્તાનમાં છે?” મલબારનું નામ એના માટે અજાણ્યું હશે એવું લાગ્યું.

“હા, હિંદુસ્તાનના દક્ષિણ ખૂણે મદ્રાસમાં છે.”

“તમે હિંદુ છો?”

“હા, હિંદુ છું.”

“તો પછી તમે એક મુસલમાનના હાથનું બનેલું ખાવાનું ખાઈ શકશો?” એના ચહેરા પર વિકૃત હાસ્ય હતું.

“અમારે સારી ચા પીવી હોય કે, બિરિયાની ખાવી હોય તો મુસલમાનોની હોટલમાં જ જઈએ છીએ.”

અવિશ્વાસની નજરે એ મારી સામે જોઈ રહ્યો.

“મલબારમાં અમે હિંદુ અને મુસલમાન હળીમળીને પ્રેમથી રહીએ છીએ. ભારતમાં મુસલમાનોએ  સૌથી પહેલી મસ્જિદ અમારા કોંટુગલ્લૂરમાં બાંધી હતી. મલબારમાં ત્યાં હિંદુ-મુસલમાન વચ્ચે વિખવાદ ઓછા છે.”

એના ચહેરા પર વિસ્મય અને અવિશ્વાસ અકબંધ હતા.

“હજુ મારા પર કે મારી વાતોમાં વિશ્વાસ નથી?”

“તમારા પર વિશ્વાસ બેસે છે, પણ તમે હિંદુ છો એ વાત પર વિશ્વાસ નથી બેસતો કારણ કે અહીં કોઈ હિંદુ એક મુસલમાન પાસે ખુલ્લેઆમ આ નથી કહેતો. એમની નજરમાં તો અમે મુસલમાનો હંમેશાં જાલિમો જ રહીશું. હિંદુસ્તાનની પવિત્ર સંસ્કૃતિનો નાશ કરનાર હુમલાખોર જ રહીશું. અમારી આબરુ અને સલામતી માટે હજુ ઝઝૂમવું પડે છે.”

એમની વાતોમાં ઈમાનદારી અને લાચારી હતી.

“તમારું નામ?”

“હમીદ ખાન. ખાટ પર મારા અબ્બા છે.”

“ભાઈ, જ્યાં વિશ્વાસ નથી ત્યાં શેતાનનું જ રાજ. પ્રેમ અમૂલ્ય છે, પણ ભીખમાં માંગીને મળે તો એનું મૂલ્ય કેટલું અને વળી એનાં માટે ઝઝૂમવાનુંય ક્યાં સુધી? તમે જે પ્રેમ અને વિશ્વાસથી મારા ત્યાં આવ્યા, એ પ્રેમ-વિશ્વાસની મારા દિલ-દિમાગ સુધી અસર તો પહોંચે જ ને? હિંદુ અને મુસલમાનોએ એકબીજા પર પ્રેમ અને વિશ્વાસ રાખ્યો હોત તો…?” એ બોલતા બોલતા અટકી ગયા અને ચપાટી શેકવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.

તમારે દસેક મિનિટ રાહ જોવી પડશે.” કહીને એમણે એક છોકરાને બોલાવીને કંઈક કહ્યું.

છોકરો દોડતો દુકાનની પાછળ તરફ દોડ્યો. થોડી વાર પછી થાળીમાં ભાત લઈને આવ્યો. હમીદ ખાને થાળીમાં ચાર ચપાટી અને એક કટોરી સબ્જી ઉમેરીને થાળી મારી તરફ સરકાવી. પેટ ભરીને જમ્યો.

“કેટલા પૈસા થયા?”  ખીસામાંથી પૈસા કાઢતાં પૂછ્યું.

“માફ કરો ભાઈ. પૈસાથી વાત ન કરો. તમે તો મારા મહેમાન છો.” હમીદ ખાને હસીને કહ્યું.

“એ તમારી મોટાપ છે, તમે એક વેપારી છો. ખાવાનું આપ્યું એ મોટી મહેરબાની. એનો જેટલો આભાર માનું એટલો ઓછો, પણ પૈસા તો લેવા જ પડશે.” કહીને પાંચ રૂપિયાની નોટ એમની તરફ સરકાવી.

હમીદ ખાને થોડા ખચકાઈને મારા હાથમાંથી પાંચ રૂપિયાની નોટ લઈને મારા હાથમાં પાછી મૂકી, “ભાઈ, સમજી લો કે પૈસા મળી ગયા. હવે આ તમારી પાસે જ રાખો. જ્યારે ફરી તક્ષશિલા આવો ત્યારે એક મુસલમાનની હોટલમાં જઈને બિરયાની ખાધી હતી એ યાદ કરજો સાથે તક્ષશિલામાં રહેતા હમીદ ખાન નામના તમારા આ ભાઈને પણ યાદ કરજો.”

હમીદ ખાન એક નાના બાળકની જેમ હસીને મને વળગી પડ્યા.

હમીદ ખાનથી છૂટા પડીને તક્ષશિલાના ખંડેર તરફ મેં ચાલવા માંડ્યું.

ફરી હમીદ ખાનને ક્યારે મળાશે, અરે મળાશે કે કેમ એ ક્યાં ખબર હતી? પણ, હમીદ ખાનની હંમેશાં યાદ આવતી રહી.

“ફરી મલબાર આવો ત્યારે એક મુસલમાનની હોટલમાં જઈને બિરયાની ખાધી હતી એ યાદ કરજો સાથે તક્ષશિલામાં રહેતા હમીદ ખાન નામના તમારા આ ભાઈને પણ યાદ કરજો.”  આ ક્ષણે પણ એના છેલ્લા શબ્દો મનમાં ગૂંજતા હતા.

તક્ષશિલાના સાંપ્રદાયિક રમખાણોની આગમાં હમીદ ખાન અને એની નાનકડી દુકાન બચાવી લે એવી સાચા મનથી ભગવાનને પ્રાર્થના થઈ ગઈ.


એસ. કે પોટ્ટેક્કાટ લિખીત મલયાલી વાર્તાને આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.