કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

ખેડૂત” એટલે શ્રમ થકી શરીર તોડનારો માત્ર મજૂર નહીં, “ખેડૂત” નો અર્થ છે- સમગ્ર ખેત વ્યવસ્થાનો એક “ઉત્તમ વ્યવસ્થાપક !” હા, એ વાત સાચી કે ખેડૂતના ભાગે બીજા ધંધાની સરખામણીએ શરીરશ્રમ ઠીક ઠીક વધારે કરવાનો થતો હોય છે. પણ એનો અર્થ એવો નથી કે આ ધંધાર્થીએ પંડ્ય તૂટી જાય એટલું માત્ર ‘બળ’ જ કર્યા કરવાનું અને બુધ્ધિને સાચવીને અભરાયે ચડાવી દેવી ! પંડ્ય મહેનતથી બહુ બહુતો પેટ ભરાય. અને પેટ તો  આ ધરતી પર જન્મેલો દરેક જીવ ક્યાં નથી ભરતો ? ખેડૂત તો ધરતી માતાને યે સાચવનારો રળાવ દીકરો છે. એણે પોતાનું પેટ ભરવા ઉપરાંત બીજા પ્રાણીઓનાયે પેટ ભરવાનો પુરુષાર્થ કરવાનો છે. ખેડૂતે તો કેટલાયે જીવોને પોષનારી એવી ખેતીને ચલાવવા માત્ર મજૂરનો રોલ નહીં પણ એક ઉત્તમ વ્યવસ્થાપકનો પાઠ ભજવવો પડે !

હાથપગના બળ સાથે જ્યારે આંખ, કાન, મગજ અને હદય બધાનો પૂરો સથવારો સાંપડે ત્યારે તે પ્રક્રિયા માત્ર શરીરશ્રમ ન રહેતાં જીવમાત્રને પોષનારી આ ધરતીની પૂજા બની જાય છે. ખેતી માત્ર પેટ ભરવાનો ધંધો નથી.અગણિત જીવો વચ્ચે રહી અગણિત જીવોની રખેવાળી છે, કુદરત તરફથી વરસતી રહેતી કૃપા સૌમાં વહેંચનારી વ્યવસ્થા છે. આ વ્યવસ્થાકે વ્યવસાયની રખેવાળી માટે પણ કેટલીક વાતો ધ્યાન પર રાખવી પડે તેમ છે. સેવાના સાધનનેય સક્ષમ તો રાખવું જ પડેને ભાઇ ! તો આટલું કરીએ.

[૧] આજનું કામ આવતી કાલ પર કદિ ન છોડવું =   બીજું બધું ઘણું મળે પણ વહી ગયેલો વખત પાછો મળતો નથી. “આજ” અને “આવતી કાલ” વચ્ચેનો સમયગાળો તો હોય 24 કલાકનો. અત્યારનું સૂર્યકિરણની ઝડપે આગળ વધતું વિજ્ઞાન જ્યાં પળે પળે નવા પરિણામો દેખાડી રહ્યું હોય ત્યાં 24 કલાકનો ફેર જો આપણે પડવા દઈએ તો ક્યારેક ધાર્યું પરિણામ મેળવવામાં માપથી ઝાઝા મોડા પડી જઈએ હો ભૈલા ! ઘોડાની દોડમાં માત્ર ફેર ‘કાનહોરી’ નો હોય, કાંઇ બેત્રણ ‘નાડાવા’નો ન હોય ! નવી લાગતી વાતને અપનાવવામાં કે કંઇ જોખમી લાગતી વાતને છોડી દેવામાં વિલંબ થાય તો પાલવે જ કેમ ? ‘ફટ’ નિર્ણય ને ‘ઝટ અમલ’ માં અરધો પોણો દિવસ જો મોડા પડી જઇએ તો ક્યારેક કેટલું નુકશાન વહોરવું પડે તેનો અંદાજ હું કે તમે કરી શકીએ તેટલો સામાન્ય નથી હોતો.

આજ કરવી જરૂરી હોય તેવી “વાવણી” કાલ પર ધકેલીએ કે આજે “હીટ”માં આવેલી ગાયને “આવતીકાલે ખૂંટ ભેગી કરી દેશું”  તેમ માની તેના તરફ બેદરકારી  રાખવી એટલે પરિણામ ? પરિણામમાં મળે મોટું મીંડું જ હો !

[૨] ઉલળી કૂદકો ક્યારેય ન મારીએ = કોઇ નવી વાત, પધ્ધતિ કે બિયારણ વિષેનું આશ્ચર્યજનક પરિણામ સાંભળીએ એટલે પ્રયોગશીલ ખેડૂતનું મન તે અપનાવવા કુદાકૂદ કરવા માંડે જ !

પંદરેક વરસ પહેલાં મને અમારા જૂના ગ્રામસેવક ભાઇએ હળદરની ખેતી જોવા રૂબરૂ આવવાનું આમંત્રણ આપ્યું. અમે પાંચ-છ જણા હળદરની ખેતી વિષે બધું જાણવા સમજવા ‘ગોપાળગ્રામ-ઢસા’ ગામે ગયા તો પાક પૂરો થઈ ગયેલો અને ખેંચી કાઢેલી હળદરનો ઢગલો  ફળિયા વચ્ચે પડેલો ભાળ્યો. વાવેતરની અને કરવી જોયતી માવજત વગેરેની વિગતો  તે ખેડૂત પાસેથી જાણી. અમને લાગ્યું કે સાહસ છે કરવા જેવું ! એટલે આખે આખો 300 મણનો ઢગલો એ ખેડૂતે કીધો એભાવે ખરીદી લીધો અને હળદર લગાડી દીધી સામટી જમીનમાં. ઘણીબધી માવજત, લાંબો સમયગાળો અને પિયતની પૂરતી સુવિધા દીધા પછી પણ પરિણામ ? ન અમને પૂરું ફાવ્યું પકવતા કે ન ફાવ્યું સરખી રીતે વેચાણ કરતા ! ઉત્પાદન તો થયું બમણું, પણ રાખી રાખીને એટલી સંગ્રહી રાખી કે તે …..અંતે ઢગલામાં જ સડી ગઈ ! [વેચાણ ન ફાવ્યું] અને અમારે ખાડ ભેળી કરવી પડી !

અમારો વિસ્તાર નપાણિયો ! હળદરને વાવવી પડે ચોમાસા પહેલાં- અરે, ઉનાળે આગોતરી ઓરવાણ કરીને. નર્યા તડકા કરતાં તલકછાંયડી વધારે ફાવે તેવી હળદરને મનપસંદ ઝાડની છાયાં અમારે કાઢવી ક્યાંથી ? અને વળી વેચાણ બાબતે કશી હથરોટી તો હતી નહીં ! એટલે એવા ફસાયા કે હળદરનું નામ લેતાં બંધ થઈ ગયા !

મારો ઇરાદો નવી વાતની પહેલ બાબતે દુર્લક્ષ સેવવાનો જરાયે નથી. નવી વાત જરૂર પકડીએ પણ તેને સ્પર્શતી બધી બાબતોનો અભ્યાસ કરી લઇએ અને પહેલા તેનો થોડી જમીનમાં પ્રયોગ કરી જોઇએ, પરિણામો ચકાસીએ અને પછી સારું લાગેતો જરૂર વિસ્તાર વધારીએ. આવું જો નહીં કરીએ તો ક્યારેક ઊંડા કૂવામાં ઉતરી ગયા પછી ઉપર ચડી બહાર નીકળવાનું દોરડું હાથ ના લાગે અને જે સ્થિતિ ઉતરનારની થાય તેવી આપણી થઈ રહેશે.

[૩] કરકસર નાનો ભાઇ છે તે કદિ ન ભૂલીએ =   આપણા રોજિંદા વ્યવહારમાં, ઘર વપરાશમાં જે ખાદ્યસામગ્રી, કપડાં-લતા કે વાહનવ્યવહાર વગેરે વપરાશમાં “માપથી વધુ તો વપરાઈ નથી જતું ને ?” –“પથારી કરતાં સોડ્ય લાંબી તો નથી થઈ જતી ને ?” [નહિતર ટાટિયા ઉઘાડા રહે !] તેનું સતત ધ્યાન રાખતા હોઇએ છીએ.બસ એમ જ,

ખેતી પણ એક વ્યવસાય છે. બાર મહિને આવક અને ખર્ચનો છેડામેળ તો જ ઉતરે જો કાયમખાતે ખર્ચ બાબતે ઝીણું કાંતવાની ટેવ હોય ! ખેત વપરાશી માલ-સામાન, મજૂરી અને અન્ય ખરીદીઓ વખતે કસીને કામ લેવાતું હોય.

મારો પાડોશી છે હરખોભાઇ ! એણે કડવો કપાસ વાવેલો. એગ્રોની દુકાને ચૂસિયા મારવાની દવા લેવા ગયેલો. પરત આવતાં અમારો ભેટો થઈ ગયો. કંપનીની જાહેરાતની છાપ વાળો આખો થેલો દવાઓના કેનથી ભરેલો ભાળી હું પૂછી બેઠો , “ શું હરખાભાઇ ! આખો થેલો દવાઓનો ભર્યો છે કે શું ?” તો કહે, “ ગયો હતો ‘ગળો’ મારવાની દવા લેવા પણ શેઠિયો છે ઓળખીતો –કહે ‘ આજ નહીં તો કાલ, ઇયળો પણ પાકમાં આવવાની જ છે ને ? તે દિ દોડાદોડી ને હડિયાપાટી ન કરવી પડે માટે થેલામાં સાથોસાથ જ ભરતો જાને ! હું ક્યાં પૈસા અત્યારે માગુ છું ? માલ વેચાશે ત્યારે બિયારણ-ખાતર-પોતર અને આ દવાયું બધાનું ભેગું જ સમજી જાજે તુંતારે 1’ એટલે થયું કે લાવને લેતો જાઉં- તે દિ’ બીજો ધક્કો નહીં ને !”

હું તમને કહું-એ તો વેપારી એટલો સારો કે હરખાભાઇને માત્ર રાસાયણિક ખાતર, બિયારણ અને દવાઓ જ ઉધારે આપ્યાં, બાકી ઉધારેથી ટ્રેકટર કે જીપ પણ લેતો જા એમ કહ્યું હોત તો મોઢાના મોળાં હરખાભાઇ ન જોયતાં આવાં રાક્ષસી સાધનો પણ ઘેર વસાવી અભરાઇઓ પર ખડકત !

જેની જરૂર નથી તેવી ચીજ મફતમાં મળે તો પણ વહોરવી શું કામ ? જ્યાં પાંચથી હાલતું હોય ત્યાં સાત ન ખરચાય. હિસાબ બારું પગલું ભરીએ તો “આંધળો વણે અને વાછડો ચાવે” એવો ઘાટ થાય ! એક વાત તો સૌ ખેડૂતોએ ડાબા કાળજે લખી રાખવી કે ઝીણી-મોટી ખરીદી માટે જરૂરી રકમ બેંક કે મંડળીમાંથી છેવટે એકસામટી ઉપાડીને ઘેર રાખી મૂકીએ અને એમાંથી જોયતો માલ-સામાન વેપારી પાસેથી કસાય તેટલો કસીને , ગુણવત્તામાં સારો હોય તેવો પણ રોકડેથીજ ખરીદવાનો આગ્રહ રાખીએ. ઉધારી તો કરવી જ નહીં. ઉધારી કરી એટલે આપણે તો મર્યા જ સમજવું ! ઝીણો ઝીણો ઉધારીનો ભાર આપણા મનની ગણતરીમાં નથી આવતો હોતો અને છેલ્લે જતાં એ બધાનો સરવાળો અને ઉપર ચડેલ “રામ” [વ્યાજ] ભેળા થાય ત્યારે એચૂકવવા આપણે તો ગોઠણભેર થઈ જવું પડે ! વગર જોયતું બોલવું પણ જો નુકશાની વહોરી શકતું હોય તો વગર જોયતી વસ્તુની આડેધડની ખરીદી કેટલું નુકાશાન વહોરાવી દે એનું થોડું નક્કી છે મિત્રો !

[૪] “નિરાશ કદિ થવું નહીં”  આવી વાત કરવી બહુ સહેલી છે. જ્યારે એનો અમલ કરવો એટલો જ અઘરો છે. આ બાબતે આપણે બાળકોને ગુરૂ બનાવવા જોઇએ. તે નાનું હોય અને બોલતાં કે ચાલતાં હજુ ના શીખ્યું હોય-પણ બોલવા અને ચાલવા બાબતના જે પ્રયત્નો કરતું હોય છે તે નિરાંતવા થઈ નિરખજો ક્યારેક ! ઉચ્ચારો તોતડા કરે, ખોટા કરે, અરે ! એના કહેવાનો ભાવાર્થ આપણે ન સમજી શકીએ તો ફરીવાર કહે, ત્રીજી-ચોથી-અનેકવાર કહે. હાથ અને મોઢાના હાવભાવ અને સંકેતો એમાં ઉમેરે, પણ તેની વાત સમજાવ્યે જ રહે ! જુઓને ચાલતાં શિખવું હોય ત્યારે કેટકેટલી વાર તે પડી જાય છે ? છતાં તે બેસી નથી રહેતું. ફરીવાર તે ઊભું થાય છે અને સતત પરિશ્રમ કરતાં રહી, અંતે નિર્ભયરીતે ચાલતા શીખી જાય છે. અરે ! એક રસ્તો બંધ કરી આપણે આડા ઊભા રહી જઈએ તો ઘડીક આપણને હટાવવા મહેનત કરે, ન હટીએ એટલે બીજો રસ્તો ખોળી કાઢે ! આપણને ખબર પણ ન હોય તેમ આપણા બે પગ વચ્ચેથી સરકીને પેલી બાજુ ગયે પાર કરતું હોય છે. તો પછી આપણે તો બાળક કરતાં ક્યાંયે મોટા છીએ.

ખેતીના ધંધાની તાસીર જ એવી છે કે એમાં મુશ્કેલીઓ અને મુંઝવણોનો પાર હોતો નથી. ડગલે ને પગલે મુસીબતો મારતે ઘોડે આવી ચડતી હોય છે. ક્યારેક રોગ-જીવાત કે હવામાનનો કવા લાગી જવાથી આખી મોસમ નલ્લે પણ થઈ જાય તોયે શું ? “ચોમાસું” બગડ્યું, કંઇ જીંદગી થોડી હારી ગયા ? કાલ સવારે શિયાળુ મોલના મંડાણ થઈ જવાના હોય ! અને માનો કે એમાં પણ નબળું રહ્યું તો ? તો ઉનાળોયે જોતજોતામાં નીકળી જશે, અને પાછું ચોમાસું શરુ થવાનું જ છે ને ? “ઓણ” ન મળ્યું તો “પોર” મળી રહેશે, દિવસોના ક્યાં દુકાળ છે ભૈલા ! હા, થોડી કષ્ટિ જરૂર વેઠવી પડે, પણ જે જમીનમાં આપણે ખાતર-માવજત કર્યાં હોય અને પૂરું વળતર કોઇ કારણોસર મળવા ન પામ્યું હોય, તો પછીની સાલ એનીએ ધરતી સવાયું દોઢું આપ્યા વિના રહેતી નથી એવો વરસોનો જાત અનુભવ છે, એટલે જ કહુ છું કે આપણો પુરુષાર્થ ચાલુ હોય તો સવા-કવા કે ભાવ બાબતે પાછો ટન [ટોન] આવ્યા વિના રહેતો નથી. હા, એ માટે જરૂર હોય છે બસ ધીરજ અને હિંમત રાખવાની જ !

[૫] ઇશ્વર ઉપરની શ્રદ્ધા કદિ ખોવી નહીં : હું નથી કહેતો કે દેવ-દેવીઓના દેવળોના દાદરા ચડવા અને પથ્થર એટલા દેવ બનાવી ખોટી અંધશ્રધ્ધા અને વહેમોના વમળમાં ઘસડાયા કરવું. વિચારો ! ખેતી આખો વ્યવસાય જ કુદરત સાથેના જીવંત નાતાનો વ્યવસાય છે. તમે જુઓને ! જમીન જીવતી, તેમાં વવાતું બીજ જીવતું, તેમાંથી ઉગેલ ઝાડ કે છોડવોયે હોય જીવતો ! અરે, અંદર લાગતી જીવાતો પણ જીવતી ! મોલાતની અંદર કામ કરતા મજૂરો અને પશુઓયે જીવતા ! અને કુદરતી પરિબળોની પાછી ધંધા પરની એવી અસરો કે વયવસાયમાં એકધારાપણું ક્યારેય જળવાય નહીં-તે વાત સાવ સાચી હોવા છતાં, આ ધંધાનું જમા પાસું એ છે કે બીજા બધા ધંધા તૈયાર માલને રૂપાંતરિત કરવાના. જ્યારે ખેતી ધરતીમાંથી નવું ઉત્પન્ન કરનાર. વળી સંપૂર્ણ પણે પ્રાકૃતિક હોવાથી તેમાં એક પણ પૈસાનું ખોટું કરવાનું આવતું નથી. પળે પળે કુદરત તરફથી નવી ચેતનાઓ પ્રગટતી રહેતી હોય છે. એટલે માણવા ધારી તો સઘળું કુદરતનું જ સાંન્નિધ્ય ગણાય ! માત્ર આર્થિક કમાણીને જ આપણા ધંધાના મુલ્યાંકનની ફૂટપટ્ટીમાં માપશું કે તેના દ્વારા જળવાઇ રહેતું શરીર સ્વાસ્થ્ય બાબતનું સુખ, ચોખ્ખાં દૂધ-ઘી, ખોરાક અને હવાપાણી, પ્રામાણિક કમાણી દ્વારા પ્રાપ્ત થતો રોટલો અને એમાંથી મળતો અનેરો આનંદ, એક જાતનો સંતોષ અને મનની શાંતિ, આ બધું  શું વ્યવસાય મૂલવણીમાં જમા પાસું ન ગણાય ? કીડીને કણ અને હાથીને મણ એનોએ દેવાવાળો છે. આપણે તો યોગ્ય દિશામાં પુરુષાર્થ કર્યે જવાનો. “મહેનતનું ફળ મળ્યા વિના રહેતું નથી” એવી કુદરત પરની શ્રધ્ધામાંથી કદિ ચલિત ન થઈએ.

[૬] કોઇ વાત “ખાનગી” શું કામ ? સારી વાતનું વિસ્તરણ કરીએ : જેવી જેની મહેનત અને જેવી જેની દ્રષ્ટિ-એ પ્રમાણે સૌને ઓછી-વધતી ઉપજ મળી રહેતી હોય છે. પણ આપણને સારી લાગતી વાત બીજાને જણાવીએ નહીં તો એકલપેટા અને સ્વાર્થી-નર્યા “પેટભર્યા” જ ગણાઇએ ને ? સુખ વહેંચવાથી વધે છે. એક સફળ અનુભવ બીજા પાંચ જણાને કહીએ તો તેઓ પણ તેનો અમલ કરતા થાય. અને તો બધાને લાભ મળે. વળી કોઇ માઠો અનુભવ થયો હોય તો તેની પણ સૌને જાણ કરીએ કે “ભાઈ ! અહીં તો ઊંડો કૂવો છે, હું પડી ગયો હતો તે માંડ નીકળ્યો, તમે ધ્યાન રાખજો !” તો બીજા તો તેમાં પડતા બચી શકે ?

[૭] દુ:ખ પણ વહેંચવાથી ઘટે છે: વરસો પહેલાં “સાગની ખેતી” વિશે અમે અંજાઇ ગયા હતા. વાડીમાં સારામાં સારી જમીન આપી, ફોરેસ્ટ વિભાગની ખડાધાર નર્સરીમાંથી સાગના સ્ટંપ લાવી 25 વિઘામાં રોપાણ કરેલું. ખાતરનો ધરવ, ટપકથી પિયત, સંરક્ષણમાંયે કોઇ જાતની મણા નહીં, સરભરામાં બસ, ગાદલું ને ગોદડું જ આપવાનું બાકી રહ્યું હતું. અને માળે શરૂ શરૂમાં હોંકારોયે એમ આપેલો ! રાજાના કુંવરની જેમ સડસડાટ વધીને વીસ વીસને પચીસ પચીસ ફૂટ સુધીની ઉંચાઈ પકડી ગયેલો ! અરે, આકાશવાણી રાજકોટ રેડિયો-“ગામનો ચોરો” પરથી અમે તો બે વાર્તાલાપ આપેલા કે “આવી સોના જેવી સાગની ખેતી બાજુ સૌરાષ્ટ્રના ખેડૂતોનું ધ્યાન કેમ ગયું નથી ?” પણ સાત આઠ વરસ પ્રભુને રીજવવા આગતા સ્વાગતા અને પૂજા રૂપી સેવા-ચાકરી કર્યા પછીયે એના થડિયાએ જોઇએ એટલી જાડાઇ ન પકડી ત્યારે પછી મુંઝાયા અને કારણો શોધવા લાગ્યા કે સાગની ખેતીમાં આપણે નાપાસ કેમ થયા ? અને અમે પકડ્યું કે પંચવટીબાગની જમીનમાં નીચે ખુબ ચીકણી એવી ‘ગોરમટી” માટી અને સુંઠિયા પથ્થરનો  મોટો દળ અને પછી તરત જ બેસી જાય કાળમીંઢ પથ્થર ! અને સાગ ચોપાણના સમય પછીથી વરસાદ બાબતે ઘણા ચોમાસાં રહ્યાં હતાં સાવ નબળાં, એટલે એને રેશનિંગથી ભાગે પડતું “ટપક” થી મળતું પિયત એને મન ઓછું પડતું હોય પાણી-બધાં કારણો એવાં થયાં ભેળાં કે સાગને અમારી વાડી ન ફાવી ! ને અમારે સાગનો વિદાય કાર્યક્રમ કરવો પડ્યો ! આ “અમે નાપાસ થયા એવી જાણ અન્ય ખેડૂતોને પણ કરવી જોઇએ” એને અમે ફરજ માની સૌને જાણ કરી. જેથી અન્ય ખેડૂતો તો સૌરાષ્ટ્રમાં સાગની મોટી ખેતી કરતાં પહેલાં પૂરી રીતે વિચારે.

કોઇ વાત ખાનગી રાખવી શું કામ ? એક કરતા બે ભલા ! એકબીજાને મદદ કરીએ તો સંગઠનની એક તાકાત ઊભી થાય અને અનુભવોનો સરવાળો થાય તો ખેતી વધારે મજબૂત થાય ભલા !


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com