રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…
અલ્પા શાહ
નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં આપ ફરી એક વારઆપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.
આજની રચના કવિવરની આધ્યાત્મિકતાના એક નવા પરિમાણનો પરિચય કરાવે તેવી છે. પ્રકૃતિ અને પરમેશ્વરના પરમ ઉપાસક એવા કવિવર “બ્રહ્મ”ની અનુભૂતિ પોતાની બહાર નહિ પણ પોતાની ભીતર કરતા. અંધશ્રદ્ધા અને ક્રિયાકાંડના પ્રખર વિરોધી એવા કવિવર શ્રી રામકૃષ્ણ પરમહંસ દ્વારા પ્રભાવિત થયેલ હતા. કદાચ એટલેજ કવિવરે ઘણી બધી રચનાઓ નિરાકાર બ્રહ્મને કેન્દ્રમાં રાખીને કરી છે. વેદ-ઉપનિષદના પ્રખર અભ્યાસી કવિવર માનતા કે આત્મામાં રહેલા પરમાત્મા સાથેનું સતત સાનિધ્ય અને સાતત્ય અનુભવતા રહેવું અને એ પરમ ચેતનાની પ્રાપ્તિ માટે સતત પ્રત્યનશીલ રહેવું તેજ મનુષ્યનો અંતિમ ધ્યેય છે. ગુરુદેવ ભીતર રહેલા “બ્રહ્મ”સાથે એકાકાર થવા માટે અસહય વિરહનો તાપ સતત અનુભવતા.
ગુરુદેવની આદ્યત્મિક્તાના આજ પરિમાણને દર્શાવતી એક રચના કે જે પૂજાપારજોયમાં (વિભાગમાં) અને વિરહ ઉપ-પારજોયમાં (ઉપ વિભાગ) વર્ગીકૃત થયેલી છે તેને આપણે આજે જાણીશું અને માણીશું. આ રચનાનું શીર્ષક છે “তোমার পূজার চলে“ (Tomar Pujar Chole) જેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે ” એક તને જ હું વિસરી ગયો… “. ૧૯૧૪માં રચાયેલી આ રચના રાગ પીલુ પર સ્વરબધ્ધ થયેલી છે અને દાદરા તાલમાં તાલબદ્ધ કરેલ છે. .
મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.
એક તને જ હું વિસરી ગયો…
તારા પૂજનના કાજને આજ ધરી આગળ
ક્રિયા-કર્મનો અંચળો ઓઢીને ફરતો રહ્યો
રીતિ-રિવાજની રફ્તાર તો રાખી મેં યાદ
પણ, હરિ ફક્ત તને જ હું એમાં વિસરી ગયો
ખડકી દીધા ફુલહારના ઢગ તારી આગળ
એ ઢગલા મહી તું આખેઆખો દટાઈ ગયો
અને હરિ, તારા ચરણ-સ્પર્શ કરવાનું હું ચૂકી ગયો
એક તને જ હું એમાં વિસરી ગયો
રચી દીપ-અગરબત્તીની હાર તારી આગળ
એ ધુમાડો તારી આસપાસ વીંટળાઈ ગયો
અને હરિ, તારી હાજરીનો અહેસાસ હું ચૂકી ગયો
એક તને જ હું એમાં વિસરી ગયો
રટતો રહ્યો શ્લોક-આરતી સતત તારી સમક્ષ
એ નાદ મહીં તું સાંગોપાંગ જાણે દટાઈ ગયો
અને હરિ, તારો પોકાર સાંભળવાનું હું ચૂકી ગયો
એક તને જ હું એમાં વિસરી ગયો
કરતો રહ્યો આ બધું તને પામવાના ભ્રમ તળે
પણ એ થકી મારા જ અહમને હું પોષતો રહ્યો
ખોળ્યા કરું છું તને મંદિર-મજારની અટારીએ
પણ હરિ,મારી ભીતરે જ શોધવાનું હું ચૂકી ગયો
એક તને જ હું એમાં વિસરી ગયો
©અલ્પા શાહ
આ રચનામાં કવિવરે એક નિખાલસ કબૂલાત દ્વારા એક એવા વિષયને રજુ કર્યો છે કે જે મારા, તમારા સૌના મનમાં એક પ્રશ્નબીજ રોપી દે છે. તટસ્થ ભાવે વિચારો તો આ રચનામાં કવિવર ધાર્મિક હોવું (“being religious”) અને આધ્યત્મિક હોવું (“being spiritual”) એ બે વચ્ચે જે ભેદરેખા છે તે પ્રકાશમાં લાવ્યા છે.
હું અંગત રીતે એવું માનું છું કે ધર્મ અને ધાર્મિક માન્યતાઓ એ તો સૌની પોતપોતાની અંગત બાબત છે અને પ્રત્યેક વ્યક્તિ માટે ધર્મની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે અને તેમાં કશું ખોટું પણ નથી. આપણે સૌ એ દિવ્ય શક્તિ સાથે જુદા જુદા માધ્યમ અને રસ્તાઓ થી જોડાતા હોઈ છીએ. પણ આ રચનામાં કવિવરે પરમાત્માને પામવા થતા ક્રિયા-કર્મ માં આપણે એ કર્મ પાછળનું હાર્દ વિસરી તો નથી જતાને તે પ્રશ્નને વાચા આપી છે…
પ્રભુની પૂજાના ભાગરૂપે ધાર્મિક ક્રિયા-કર્મ અને રીતિ-રિવાજોનું પાલન કરવું-ન કરવું એ તો સૌની અંગત બાબત છે પણ એટલું તો હું ચોક્કસ કહીશ કે આ ક્રિયા-કર્મ કરતા પહેલા એક વાર જરા પોતાની અંદર રહેલા આત્મા સાથે વાત કરી લેવી… ક્યાંક આપણે આ ક્રિયા-કર્મ માત્રને માત્ર આપણો ખુદનો અહમ સંતોષવા કે લોકોને બતાવવા કે આંજી દેવા તો નથી કરતાને? આ ક્રિયા-કર્મ કરવા પાછળનું હાર્દ તો આપણે વિસરી નથી જતાંને? આ ક્રિયા-કર્મ પાછળનો આપણો ભાવ તો અણીશુદ્ધ છે ને? શબરીના એઠાં બોર આરોગનાર શ્રીરામ અને છપ્પનભોગ છોડી વિદૂરની ભાજી ખાનારો મારા શ્યામ તો આપણે જાણીએ છીએ તેમ ફક્ત ભાવના ભૂખ્યા છે અને આપણા મનમાં રહેલા ભાવ બીજું કોઈ જાણી શકે કે નહિ, પણ એ તો ચોક્કસ જાણે છે…
કવિવર આવીજ કંઈક વાતને આ રચના દ્વારા માર્મિક રીતે રજુ કરે છે…શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् |
मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश: || 11||
અર્થાત દરેક મનુષ્ય જે ભાવ અથવા માધ્યમથી મારી સાથે જોડાય છે તે જ રીતે હું તેની સાથે પાછો જોડાઉં છું. એટલે જો પરમેશ્વર સાથે આપણે ફૂલહારના ઢગલા થકી કે દીવા-અગરબત્તીના સુગંધિત ધુમાડા થકીજ જો આપણે સ્થૂળ રીતે ઉપરછલ્લી રીતેજ જોડાવા માંગતા હોઈશું તો પ્રભુ પણ આપણી સાથે કદાચ એ રીતે જોડાશે. પણ આ ફૂલહાર અને અગરબત્તી-દીવાની વચ્ચે પણ, જો આપણે આપણી ભીતર રહેલા “બ્રહ્મ” સાથે અંતરનું જોડાણ સાધવા પ્રયત્નશીલ રહીશું તો કયારેક આપણે પણ એ દિવ્ય શક્તિનું સતત સાતત્ય અને સાનિધ્ય અનુભવવાને કાબેલ બની શકીશું…
તો ચાલો, આપણી ભીતર રહેલા પરમાત્મા કે “બ્રહ્મ” સાથે સાતત્ય સાધવાનો પ્રયત્ન કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાય હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
