ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

આ શ્રૃંખલાનો આ ઉપાંત્ય મણકો.

આવતા શનિવારે મહાન અસદુલ્લાહ ખાં ગાલિબની ફિલ્મોમાં લેવાયેલી ગઝલોના વિવરણ સાથે લગભગ સવા બે વર્ષથી ચાલતી આ દીર્ઘ લેખમાળાનું સમાપન કરીશું.

સુદર્શન ફાકિર બહુ ઓછા એવા શાયરોમાંથી એક જેમનું નામ હિંદી અને તખલ્લુસ ઉર્દૂ. ફિક્ર કરે તે ફાકિર. ફિલ્મોમાં બહુ ઓછુ લખનાર સુદર્શન ગૈર ફિલ્મી ક્ષેત્રે મોટું નામ. એમનું સાચું નામ સુદર્શન કામરા. બેગમ  અખ્તર અને જગજીત સિંગ સહિત અનેક ગઝલ ગાયકોએ એમની ઘણી રચનાઓ ગાઈ છે. એમની ઓળખાણ માટે એમની રચેલી અને જગજીત – ચિત્રાએ ગાયેલી એક જ નઝ્મ ‘ યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો ‘ કાફી છે. ‘ દૂરિયાં ‘ ( ૧૯૭૯ ) ફિલ્મનું ભૂપિંદર – અનુરાધાનું ગાયેલું વિખ્યાત ગીત ‘ ઝિંદગી ઝિંદગી મેરે ઘર આના ‘ પણ એમની ઓળખ. એમનું લખેલું અને જગજીતનું ગાયેલું ભજન ‘ હે રામ હે રામ, જગ મેં સાંચો તેરો નામ ‘ જાણીતું તો છે જ, સૌરાષ્ટ્રમાં ક્યારે વગાડાય છે એ પણ ભાવકો જાણે છે.

એમની યુવાનીમાં જલંધર ખાતે એમણે મોહન રાકેશના વિખ્યાત નાટક ‘ આષાઢ કા એક દિન ‘ નું દિગ્દર્શન કરી વાહવાહી મેળવેલી. થોડોક સમય ઓલ ઈંડીઆ રેડિયો, જલંધરમાં પણ કામ કર્યું. ફિલ્મોમાં શરુઆત ‘ દૂરિયાં ‘ થી કરી. ‘ યલગાર ‘ જેવી સફળ ફિલ્મના ગીત – સંવાદ પણ એમણે લખ્યા. એન સી સીના કેમ્પમાં ગવાતું ‘ હમ સબ ભારતીય હૈં ‘ પણ એમની જ કલમની નીપજ.પ્રેમ અગન, ફિર આઈ બરસાત, પથ્થરદિલ, રાવણ, તુમ લૌટ આઓ, ખુદાઈ, આજ, જ્વાલા અને એક ચાદર મૈલી સી જેવી ૮૦ અને ૯૦ ના દાયકાની દસેક ફિલ્મોમાં ૪૦ જેટલાં ગીતો લખ્યાં.

એમની એક જાણીતી અને ખૂબસુરત ગઝલ:

ઝિંદગી મેં જબ તુમ્હારે ગમ નહીં થે
ઇતને તન્હા થે કે હમ ભી હમ નહીં થે

વક્ત પર જો લોગ કામ આએ હૈં અક્સર
અજનબી થે વો મેરે હમદમ નહીં થે

બેસબબ થા તેરા મિલના રહગુઝર મેં
હાદસે હર મોડ પર કુછ કમ નહીં થે

હમને ખ્વાબોં મેં ખુદા બન કર ભી દેખા
આપ થે બાહોં મેં – દો આલમ નહીં થે

સામને દીવાર થી ખુદ્દારિયોં કી
વરના રસ્તે પ્યાર કે પુરખમ નહીં થે..

 

– ફિલ્મ : દૂરિયાં ૧૯૭૯
– ભૂપિંદર | અનુરાધા પૌડવાલ
– જયદેવ


ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.