આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ૨. વૈદ્ય

એક વાતની નવાઈ છે, આપણી આઝાદી આસપાસનાં વર્ષોમાં આપણે ત્યાં સારા રસ્તા નહોતા, એસ.ટી.ની વ્યવસ્થા પૂરતી સ્થપાઈ નહોતી, વીજળી હજુ આવી જ હતી, દવાખાનાં બહુ જૂજ હતાં. “ત્યારે” પણ ઘણાં નાનાં શહેરોમાંય સિનેમા-થિયેટર આવી ગયેલાં! જિલ્લા મથકોએ તો ભલે, કેટલાંય તાલુકા શહેરોમાં પણ એક થિયેટર તો હતું જ. એ ધ્યાન રહે કે થિયેટર ચલાવવું એ કોઈ દુકાન ચલાવવા જેવું સહેલું તો નહોતું. થોડાં ટેક્નિકલ જ્ઞાનની પણ જરૂર પડતી. આઝાદીથી ઘણાં વરસો પહેલાં જ ભારતમાં ફિલ્મો બનતી હતી અને બતાવાતી પણ હતી. એ વખતના ફિલ્મનિર્માતાઓની સાહસવૃત્તિને એ આભારી હતું.
જોડતી કડી
અગાઉ જોઈ ગયા તેમ વીસમી સદીના પૂર્વાર્ધમાં જ અહીં ફોટોગ્રાફી હતી અને તેના પગલે-પગલે સિનેમા પણ હતા. એ બંનેને જોડતી કડી હતી દષ્ટિ સાતત્યનો સિદ્ધાંત. ફોટો એક ક્ષણનું ચિત્ર આપે. તેને બદલે કોઈ ચાલતું દશ્ય હોય (જેમ કે દોડતો ઘોડો કે બોલિંગ કરતો ક્રિકેટર) અને એની એક સેકંડમાં ૧૬ ફોટા લેવામાં આવે અને એ જ ગતિએ દેખાડવામાં આવે તો આપણું મગજ અને ૧૬ જુદાં ચિત્ર તરીકે નહીં પરતુ એક સતત ચાલતી ઘટના તરીકે જુએ છે, સમજે છે. સાદા કેમેરા અને મૂવી કેમેરાની ફિલ્મ તો સરખી જ હોય છે, પરંતુ મૂવી કેમેરામાં એને યાંત્રિક ગોઠવણથી સતત ચાલતી રખાય છે.
વ્યાવસાયિક સિનેમામાં એક સેકંડમાં ૧૬ નહીં, પણ ર૫ ફ્રેમની ગતિએ ફિલ્મ આગળ વધે છે. સાડા ત્રણ કે ચાર મિનિટના ગીતનું ફિલ્મીકરણ કરવામાં આ ઝડપે ચારસો કે પાંચસો ફૂટ ફિલ્મ વપરાઈ જાય. એટલે ફિલ્મના રોલ નહીં, રીલ વપરાતી ! ૧૦” કે ૧૨”ના ડબ્બાઓમાં રીલ રાખવામાં આવતી, એટલે સિનેમાની લંબાઈ સમયમાં નહીં, ડબ્બાઓની સંખ્યામાં મપાતી! સામાન્ય ફિલ્મો ૧૨-૧૪ રીલની રહેતી.
જ્યારે “ડબિંગ’ની ટેક્નિક નહોતી આવી ત્યારે સંવાદો અને ગીતનું, રેકૉર્ડિગ ફિલ્મની બહારની પારદર્શક પટ્ટી ઉપર થતું રહેતું. લાખની રેકર્ડ કે CDમાં જેમ ખાડા-ટેકરામાં અવાજ રેકૉર્ડ થતો તે રીતે આ આડીઅવળી રેખામાં પણ થતો. તેને સાઉન્ડ ટ્રૅક કહેવાતો. જે દશ્યો બરાબર ન આવ્યાં હોય તે એડિટિંગમાં કાઢી નાખવામાં આવે. આવા કાઢી નખાયેલ ફિલ્મોના ટુકડા અમને બાળપણમાં હાથ લાગી જતા અને તેમાં કોઈ જાણીતા કલાકારને શોધવાનો પ્રયત્ન કરતા (ચિત્રમાં આવી જ ફિલ્મ છે).

ફોટોગ્રાફી માટે ૩૫ મિ.મી.ની ફિલ્મ પછી આવી. ફિલ્મ ઉદ્યોગ ટેક્નિકની દષ્ટિએ આગળ હતો અને ઘણું જ્ઞાન વિદેશથી આવતું હતું. એનું એક ઉદાહરણ તે રંગીન ફિલ્મનું.

ફોટોગ્રાફીના શોખીનો માટે કેમેરામાં નાખવાના રોલ તરીકે ૩૫ મિ.મી.ની રંગીન ફિલ્મ છેક ૧૯૭૦ના દાયકામાં આવી. પરંતુ સિનેમામાં અમુક ભાગ રંગીન દશ્યોનો ઘણા નિર્માતાઓએ ૧૯૩૦ના દાયકામાં જ આપેલો. દક્ષિણની અમુક ફિલ્મો ઉપરાંત વી. શાંતારામની ‘સૈરન્ધ્રી’માં ૧૯૩૩માં રંગીન દશ્યો જોવાયાં. એ શક્ય બન્યું કારણ કે ફિલ્મની એટલી રીલ વિદેશમાં પ્રોસેસ થવા મોકલી આપતા.
આમ છતાં ફોટોગ્રાફીમાં ડિજિટલીકરણ પહેલું આવ્યું. ફોટોગ્રાફને આંકડામાં ફેરવવામાં ગતિની જરૂર નહોતી, પરંતુ સિનેમાની ફિલ્મમાં એ ત્યારે જ આવ્યું જ્યારે ડિજિટલીકરણની ઝડપ વધી. ટેક્નોલૉજીનો આગલો તબક્કો એ હતો જ્યારે મૂવી કેમેરાને બદલે ડિજિટલ કેમેરા વપરાશમાં આવ્યા. આ બધાનો ઉપયોગ મુખ્યત્વે સિનેઉદ્યોગને માટે એ હતો કે મોંઘી ફિલ્મ વપરાશમાંથી નીકળી ગઈ.

ડિસ્ટ્રિબ્યુશનની દષ્ટિએ મોટી વાત એ બની કે લોખંડની ટ્રંકોમાં ભરીને રીલના ડબ્બા ગામેગામ મોકલવામાં આવતા તે ફિલ્મો હવે સીડીના રૂપમાં આવી ગઈ! ઇન્ટરનેટ આવ્યા પછી તો સ્થિતિ અકલ્પ્ય રીતે બદલાઈ ગઈ. હવે થિયેટરને ફિલ્મ રિલીઝ થાય ત્યારે એક લિંક માત્ર મળે છે, પાસવર્ડ વાપરીને તુરત ફિલ્મ પડદા ઉપર ચાલવા લાગે છે ! નાનાં શહેરોમાં મોટાં બેનરની ફિલ્મો ૬-૮ મહિના સુધી પહોંચતી નહીં, તેવવહવે મહાનગરોની જોડાજોડ રિલીઝ થઈવશકે છે!
પ્રેક્ષકો માટે પડદાની પાછળ થઈ રહેલો ટેક્નોલૉજીનો ઉપયોગ પ્રેક્ષકોની સામે આવતો નહોતો. એની સામેના ફેરફાર હતા પહોળા સિનેમાસ્કોપ પડદા કે ચારેકોરથી આવતો “સરાઉન્ડ સાઉન્ડ’ જે અમુક ફિલ્મોમાં બહુ અસરકારક હતો. સરેરાશ પ્રેક્ષકને આ ચીજોથી ફરક નહોતો પડતો. મોટા ભાગના પ્રેક્ષકો સિનેમાને એક સામાજિક પરિપ્રેક્ષ્યમાં જોતા હતા, કોઈ ટેક્નિકના સંદર્ભમાં નહીં. કેટલાક માટે એ મિત્રમંડળીએ સાથે માણવાનું સ્થાન હતું, કોઈ વળી સારો સંદેશો હોય તેવી ફિલ્મો પસંદ કરતા. કેટલાક પરિવાર ‘દેશ’માંથી આવેલા મહેમાનોને આધુનિક થિયેટર બતાવવા માટે લઈ જતા. કોઈ પોતાના માનીતાં નાયક-નાવિકાની ફિલ્મ છોડે નહીં. કેટલાકને ફર્સ્ટ ડે-ફર્સ્ટ શો’માં જ ફિલ્મ જોવાનો ચટકો. એવા લોકો એડવાન્સ બુકિંગની બારીએથી આગોતરી ટિકિટ લઈને જાય. આવા શોખીનોને કારણે ટિકિટોના કાળાબજાર પણ થતા. અન્ડરવર્લ્ડના કેટલાય ડૉન થિયેટરની બહાર “બ્લૅક’ની ટિકિટો વેચીને એ પાયરીએ. પહોંચ્યા હતા!
આ વચ્ચે એક દૌર આવ્યો વીડિયો કેસેટનો. તમારી મરજીની ફિલ્મની કૅસેટ અને વીસીઆર ભાડેથી ઘરે લાવીને કુટુંબ અથવા મહેમાનો સાથે ફિલ્મ જોવાતી. પરંતુ જેમજેમ મનોરંજનનાં બીજાં સાધનો (મુખ્યત્વે ટેલિવિઝન) આવ્યાં તેમ સિનેમાનો ખરો રોમાંચ ઘસાતો ગયો. રાતદિવસ ચાલતા ટી.વી.એ રોમાંચને વાસ્તવવાદી ધરતી પર ઉતારી દીધો. એક ડઝન ચેનલ, પ્રત્યેક રોજની ચાર-પાંચ ફિલ્મ સતત બતાવ્યા કરે છે. કાં તો ચૅનલ બદલી-બદલીને કઈ જોવી તે તમે નક્કી નથી કરી શકતા, નહીંતર ‘શોલે’ જેવી ક્લાસિક ફિલ્મ વારંવાર ટુકડે-ટ્કડે જોયા કરો છો. તમારી ડિશ કંપનીને કે OTT:ને પૈસા ભરો તો તમારી પસંદગીની ફિલ્મ ટેલીવિઝન સ્ક્રીન પર હાજર કરી આપે છે. એમાં પેલી “ફર્સ્ટ ડે – ફર્સ્ટ શો’ જેવી થ્રિલ નથી રહી!
સિનેમાનો દબદબો કેવો ઘટ્યો તે સમજવા સાદું ગણિત કરો. ૭૦ વર્ષમાં વસતિ ત્રણથી ચાર ગણી થઈ ગઈ છે, પરંતુ થિયેટરોની સંખ્યા ઊલટી ઘટી છે! કેટલાંય પ્રખ્યાત થિયેટરો બંધ પડી ગયાં તો કેટલાંકમાં વળી શૉપિંગ સેન્ટર ખુલ્લી ગયાં! એને સમયચક્રની બલિહારી કહો કે પછી ટેક્નોલૉજીની ત્રાજવાં ઉપર-નીચે કરી દેવાની ક્ષમતા.
તાકાતવાન ટેલિવિઝન
રાજકારણની ભાષામાં ટેલિવિઝનને “જાયન્ટ કીલર’ કહેવો જોઈએ. મનોરંજનના મંચ ઉપર એ છેલ્લો દાખલ થયો, પરંતુ ટોર્નેડોની જેમ આડેઅવળે સોથ વાળતો ફરી વળ્યો છે. મોબાઇલ ફોને જેમ ઘડિયાળ, રેડિયો, કેમેરા કે કમ્પ્યૂટર જેવી અનેક ચીજોનું, કામ હાથમાં લઈ લીધું તેમ ટેલિવિઝન આપણને સમાચાર ઉપરાંત કલા, સંગીત, પ્રશ્નમંચ, સિનેમા – એમ બધું પૂરે પાડે છે. આને કારણે મનોરંજનનાં આ ક્ષેત્રોને મળતું પ્રત્યક્ષ ઓડિયન્સ ઘટતું જાય છે.
દિલ્હીમાં ધોરણસર રીતે ‘દૂરદર્શન’ ૧૯૬૫માં આવ્યું અને મુંબઈમાં ૧૯૭૨માં. (ત્યારે ટેલિવિઝન માત્ર દૂરદર્શન હતું) આમ આઝાદી પછી છેક ૧૮થી રપ વર્ષ બાદ એ આવ્યું, ત્યારે એ બહુ નબળું હતું. પ્રસારણ સાંજે સાડા છએ શરૂ થતું અને રાત્રે ૧૧ વાગ્યે બંધ થઈ જતું. આ લખનારે પહેલી વાર ટેલિવિઝન જોયું દિલ્હી યુનિવર્સિટીની હૉસ્ટેલના કૉમન રૂમમાં. ત્યારે ‘પ્યાસા’ પિક્ચર ચાલતું હતું. બ્લૅક એન્ડ વ્હાઇટ’ સ્ક્રીન ઉપર કંઈક ચાલી રહ્યું હતું તેટલું સમજાયું. તે વખતે એલ્યુમિનિયમના સળિયાનાં બનેલાં એન્ટેના હતાં, એ જો બરાબર ન ગોઠવાય તો ચિત્ર અસ્પષ્ટ આવે. તે ઉપર વળી ગુરુદત્તની ફિલ્મ, જેમાં માત્ર કુદરતી પ્રકાશનો જ ઉપયોગ કરે! ટેલિવિઝન પહેલી વાર જોયું તેટલી ખુશી, બાકી કંઈ સમજાયું નહોતું!

પરિવર્તનનું પહેલું મોજું આવ્યું ૧૯૮૨માં, દિલ્હીમાં યોજાનારી એશિયન ગેમ્સનું પ્રસારણ વિદેશી પ્રેક્ષકોને દેખાડવાનું હતું, તેથી શ્રીમતી ઈંદિરા ગાંધીએ ટી.વી.નું રૅગીન પ્રસારણ મંજૂર કર્યું. તે સાથે ખૂબ સંખ્યામાં ઓછા પાવરનાં સ્થાનિક ટ્રાન્સમીટરો ઠેકઠેકાણે નાખ્યાં. આથી પરવડે તેણે રૅગીન ટી.વી. લીધાં, બાકીનાએ સાદાં. પરિવર્તનનું બીજું મોજીં હતું ૧૯૯૧ની નવી આર્થિક નીતિ અને તે સાથે જ કેબલ ટેલિવિઝનનું આગમન. એટલે ત્યાર પછી ટેલિવિઝન માટે “દૂરદર્શન” મટીને સેટેલાઇટ ટી.વી. બન્યું. આંતરરાષ્ટ્રીય મૂડી અને વિદેશી ટેક્નોલૉજીના કારણે એનું સ્વરૂપ એટલું ઝડપથી બદલવા લાગ્યું કે તેના ઉપર ઉપભોક્તાનો કોઈ કાબૂ ન હતો. કદાચ સરકારનો પણ નહીં.

ટેલિવિઝન સેટનું ભૌતિકરૂપ તેમ જ કાર્યક્રમનાં સિગ્નલ મેળવવાની પદ્ધતિ ઝડપથી બદલાતાં ગયાં. ૧૯૭૫ સુધી ટી.વી. માત્ર બે સાઇઝ (૧૪ તથા ૨૧’”)માં આવતાં. કાચની કેથોડ રે ટ્યૂબ (CRT)વાળા મોટાં પેટવાળા આ સેટ હતા. આગળ જતાં ૩૧”’ના સેટ આવ્યા. કાચની બનતી પિક્ચર ટ્યૂબમાં સાઇઝની એક મર્યાદા છે. તેને ઓળંગવા જાપાનીઓએ LCD (લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે) શોધ્યા. તેથી આગળ જતાં LED સ્ક્રીન આવ્યા, હવે OLED આવે છે. આ બંને પ્રકારોમાં સાઇઝની મર્યાદા નથી. આજે ૫૬” સુધીના ટી.વી. જોઈએ છીએ. બહુ મોટા હૉલમાં કાર્યક્રમ હોય તો ૧૨-૧૪ ફૂટ પહોળા સ્ક્રીન પર ચિત્ર આવે છે, જેને “વીડિયો વૉલ’ કહે છે. વાસ્તવમાં એ એક સળંગ સ્ક્રીન નથી, પરંતુ નાના-નાના સ્ક્રીનોને જોડીને બનાવેલ દીવાલ હોય છે.

તે હિ નાં દિવસાઃ
આ બધી ઝાકઝમાળમાં એટલા મગ્ન છીએ કે ક્યારેક આપણે ઘરે ‘બ્લૅક એન્ડ વ્હાઇટ’ ટીવી હતું તેય યાદ કરવું પડે છે. નવી પેઢીએ તો એ જોયું જ નહીં હોય. પ્રસારણ સમય ઓછો હોવાને કારણે કાર્યક્રમ ઉપર લોકોનું ફોક્સ રહેતું. રવિવાર સાંજના સિનેમા કરતાં ગુરુવારના ‘ચિત્રહાર’નું આકર્ષણ અભૂતપૂર્વ હતું. તેમાં ફિલ્મી ગીતોના વીડિયો રજૂ થતા, જે આજે “વોટસએપ’માં રોજ કોઈ મોકલે છે! ચિત્રહાર વેળા ગામની શેરીઓમાં સૂનકાર થઈ જતો, કારણ લોકો ટીવી સામે ગોઠવાઈ જતા. રસભરી વાત એ છે કે બધા કોઈ પોતાના ઘરે ટી.વી. સામે નહોતા ગોઠવાતા. ઘરે-ઘરે ટીવી તો હતાં જ નહીં. જેને ઘરે ટેલિવિઝન હોય તેને ઘરે આસપાસનાં ૪-૫ ઘરના સભ્યો કાર્યક્રમ જોવા આવી જતા. જે પાડોશીને ઘરે કે મિત્રને ઘરે જવામાં સામાન્યપણે સંકોચ થતો તે ઘરે ચિત્રહાર વેળા અધિકારથી ઘૂસી જતા! અને યજમાનને તેનો વાંધો ન હતો. આ સામાજિક પાસું અદ્ભુત અને અભૂતપૂર્વ હતું.
આવું કદાચ એટલે હશે કે ત્યારના કાર્યક્રમો પણ સાદા-સરળ હતા. આજે પ્રત્યેક સિરિયલમાં એક કુટિલ પાત્ર જરૂર હોય છે, જેને કારણે વાર્તા-તત્વ આગળ વધે છે. આવું ત્યારની “બુનિયાદ’ કે “હમ લોગ’ જેવી સરકારી સિરિયલોમાં ન હતું. “અચ્છાઈ’ના જમાનામાં પાડોશીઓ પણ વિશાળ હદયના હતા, પછી ભલે ને એના મહેમાનો જમવાને વખતે આવી પડ્યા હોય! અને એ. મહેમાનો પણ કેવા – જ્યાં જગ્યા મળે ત્યાં જમીન ઉપર પણ બેસી જવામાં જરાય સંકોચ નહીં. વીસ જણને બેસવા માટે ખુરશી વળી કોને ઘરે હોય?

ગ્રાહકની પરાધીનતા
આપણે રેડિયો લાવીએ ત્યારે ઘેર આવીને તેને ઇલેક્ટ્રિસિટી આપો (કે બેટરી નાખો) તો તરત બોલવા લાગે છે. રેફ્રિજરેટરને જોડો તો ઠંડક આપવા લાગે છે. નવાં આવ્યાં ત્યારે ટેલિવિઝન
પણ સરળ જ હતાં. અગાસીમાં એન્ટેના બેસાડો અને શરૂ કરો તો શરૂ થઈ જતો. એનાં સિગ્નલ વાતાવરણમાંથી મળી જતાં. હવે તેવું નથી થઈ શકતું. તમારે કોઈની પાસે તો જવું જ પડે છે.

ડીશ ટીવી એન્ટેના, ડિજિટલ ટીવી ઈનડોર એન્ટેના
સિગ્નલ મેળવવા. જ્યારે બે ચૅનલમાંથી ઘણી ચેનલો થઈ ત્યારે આપણને કેબલવાળાનો પરિચય થયો. જ્યારે એની દાદાગીરી ચૅનલવાળાઓને ખૂંચી ત્યારે ડિશ એન્ટેના આવ્યાં. ડિશ સામૂહિક હોઈ શકે કે તમારી એકલાની. પરંતુ તેમાંથી સિગ્નલ લેવા પૈસા આપવા પડે છે. ટેક્નોલૉજી ગ્રાહકની જોડે ઊભા રહેવાને બદલે ઉદ્યોગપતિઓ અને વેપારીઓની જોડે ઊભી રહી છે.
પરંતુ છેલ્લો વળાંક થોડી રાહત દેનારો છે. તે છે સ્માર્ટ ટેલિવિઝન, એ ઇન્ટરનેટ પ૨ ચાલે છે. એનાં સિગ્નલ્સ માટે કેબલવાળા કે ડિશવાળા પાસે નથી જવાનું. અલબત્ત, ઇન્ટરનેટ સેવા આપનારની જરૂર તો પડે છે, પરંતુ ઇન્ટરનેટ ટેલિવિઝન ઉપરાંત બીજી પણ ઘણી સેવાઓ આપે છે, તેથી સરવાળે સસ્તું પડે છે અને સેવા આપનારના વિકલ્પ વધારે છે. એ જુદી વાત છે કે ઇન્ટરનેટ આપવાના વ્યવસાયમાં પણ મોટાં ઉદ્યોગગૃહો પડ્યાં છે. એ અધૂરું હોય તેમ ટેલિવિઝનના કાર્યક્રમ આપનારી ચૅનલો પણ ક્રમશઃ આવાં ઉદ્યોગગૃહો ખરીદતાં જાય છે. ઇજારાશાહી કોને કહેવાય તેનાં આ પ્રત્યક્ષ ઉદાહરણો છે. તમારી વિચાર કરવાની શક્તિ અને ઢબ ઉપર કોઈ આ રીતે કબજો જમાવી રહ્યું છે અને તમને જ તેની જાણ નથી!
સૌજન્યઃ નવનીત સમર્પણ * જૂન ૨૦૨૫
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
