કોડિયામાં પ્રગટેલું અજવાળું..
નીલમ હરીશ દોશી
એક કોડિયામાં પ્રગટેલું નાનકડું અજવાળું,
ફટાક ખોલી નાખે અધમણ અંધારાનું તાળું,
રમેશ પારેખ
પ્રિય દોસ્ત,
દોસ્ત, આજે તારા સાત વરસના દીકરાનો જન્મદિવસ તેં બહું સરસ રીતે ઉજવ્યો. મને બહું ગમ્યું. તારી જેમ મારું મન પણ પ્રસન્ન થઇ ગયું. દોસ્ત, જયાં સુધી તારી જેમ કંઇક અલગ ઇચારનાર લોકો છે ત્યાં સુધી મને તારી ચિંતા નથી. કદાચ આવા લોકોને લીધે જ આટ આટલી નિરાશા પછી પણ મારી આસ્થા તારામાંથી ખૂટી નથી. એથી જ આશાનું કિરણ મેં ગુમાવ્યું નથી. દોસ્ત, મારી આસ્થાનો દીપ પ્રજવલિત રહે અને તારી જેમ જ સમજણના આવા વધારે કોડિયા પ્રગટતા રહે એ માટે તું પ્રયત્નશીલ રહીશ ને ?
તારા દીકરાનો જન્મદિવસ તું ધારે તો મોટી પાર્ટી કરીને મનાવી શકયો હોત. પણ એને બદલે તેં તારા ફેમીલીની સાથે વાત કરી, દીકરાને સરસ રીતે સમજાવ્યો અને પછી એ પાર્ટી અનાથાશ્રમમાં બાળકો સાથે રાખી. ત્યાં પણ કોઇ બાળકને ઓછું ન આવે માટે જન્મદિવસ છે એવું ન કહ્યું કેમકે તેં વિચાર્યું કે મારા દીકરાનો જન્મદિવસ છે એમ કહીશ તો બની શકે ત્યાં કોઇ છોકરાના મનમાં અભાવ જાગે , એનો જન્મદિવસ પણ આ રીતે ઉજવાય એવી ઇચ્છા જાગે અને એ ઇચ્છા પૂરી ન થાય ત્યારે દુખ પણ થાય. એવું ન બને એની પણ તેં કાળજી લીધી એ વાત મને બહું ગમી. અને પાછું આ બધું તેં તારા નાનકડા દીકરાને પણ સમજાવ્યું. કેવા મજાના સંસ્કાર રેડાયા તારા પુત્રમાં પણ.. પછી અનાથાશ્રમમાં બધા બાળકો સાથે તમે સૌ બાળકો બનીને રમ્યા. ફુગ્ગા ઉડાડયા.. સાથે ખાધું , પીધું અને મજા કરી.જુદી જુદી ગેઇમ રમાડી અને એમાં તારે જે આપવું હતું એ દાન તરીકે આપવાને બદલે એ બાળકો જીત્યા હોય એ રીતે આપ્યું અને એમના સ્વમાનને જાળવી એને જીત્યાનો આનંદ કરાવ્યો.
વાહ દોસ્ત.. હું તો ગૌરવ , સંતોષ અને પ્રસન્નતાથી ઝળાહળાં.. હજારો દીવડાં પ્રગટાવ્યા હોત તો પણ આટલો ને આવો અજવાસ મને ન મળત. દોસ્ત, સાચ્ચે જ મને તો કહેવાનું મન થ ઇ ગયું કે માગ, માગ દોસ્ત, માગે એ આપું. પ્રગટ થઇને મેં એવું કશું ભલે નથી કહ્યું. પણ મારા ચોપડે એ કર્મ જમા ચોક્કસ થયું છે અને તથાસ્તુનું વરદાન કઇ પળે, કેવી રીતે તારી સમક્ષ આવી ચડે એવું પણ બની શકે, કેમકે કોઇ સત્કાર્ય વ્યર્થ નથી જતું એનો વિશ્વાસ રાખજે.
એ દિવસે સાંજે તમે સૌ ઘેર પાછા ફર્યા ત્યારે કેવા ખુશ હતા તમે બધા પણ..એ ખુશીનો અનુભવ વારંવાર કરતા રહો અને કરાવતા રહો એવી આજે મારી પ્રાર્થના છે.
લિ. સદાનો તારો જ ઇશ્વર
પ્રાર્થના એટલે જે કોઇ પણ ના અજંપાને હરે, શાતા અને શાંતિ આપે,
જીવનનો હકાર..
જે માણસ આપણા માટે સાવ નકામો હોય તેની સરભરા આપણે કેવી રીતે કરીએ છીએ તેમાં આપણી સારપની કસોટી છે.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

નાનપણથી જ સ્વ-કેન્દ્રી બની રહેવાનાં બદલે બાળક પોતાનું સુખ સૌની સાથે વહેંચતા શીખે એનાંથી ઉત્તમ બીજું શું?
LikeLike