હવે આગળ…..
આશાનું કિરણ:
બાળપણની મારી સ્મૃતિમાં કેવળ આક્રોશ, હતાશા કે નિરાશાની જ લાગણીઓ હતી, તેવું લખવું વાજબી નથી. અન્ય બાળકો અને કિશોર અવસ્થાના દોસ્તોની સાથે ક્રિકેટ રમવાનો આનંદ પણ હતો. મિત્રો સાથે જોરદાર ચર્ચાઓ થતી. શેતરંજની રમત અને પત્તાંબાજી પણ ખરી. પુસ્તકાલયમાં બેસીને વિવિધ પ્રકારનાં પુસ્તકો વાંચવાનો આનંદ પણ મળ્યો હતો. બ્રાહ્મણ કુટુંબમાં જન્મવાનો બીજો એક લાભ હતો. યજમાન આવે ત્યારે બ્રહ્મભોજનનો રિવાજ હતો. એટલે લાડવા અને વિવિધ પ્રકારનાં સ્વાદિષ્ટ ભોજન માટે આમંત્રણ મળતાં. આ એક સુખનો સમય! સંસ્કૃત પાઠશાળામાં ગુરુજી શ્લોકો બોલતાં શીખવતા, તે પણ મને ખૂબ જ ગમતું. આ બધા પ્રસંગોની જે સ્મૃતિ છે, તેમાં બે પ્રસંગો મારા માનસપટ ઉપર હજી તાજા હોય તેવું મને વારંવાર લાગ્યું છે.
ઉનાળાની રજાઓમાં કોઈપણ પ્રકારની ફી લીધા વિના શ્રી ગિરિજાશંકર પંડ્યા અમને ગણિત શીખવતા. ઘરનું કેરોસીન બાળીને ફાનસના અજવાળામાં ભણાવતા. મને ભૂમિતિ, અંકગણિત, બીજગણિત શીખવાનો ખૂબ લાભ મળ્યો. બાર વર્ષના શાળાના અભ્યાસ દરમિયાન ગણિતમાં મારા માર્ક્સ ૯૦ ટકાથી વધારે આવતા. જેનો યશ પંડ્યા સાહેબને જાય છે. ઘણીવાર પંડ્યા સાહેબ થાકી જાય, ત્યારે અન્ય વિદ્યાર્થીઓને શીખવવાની જવાબદારી મને મળતી. તેથી નાની ઉંમરે મને શિક્ષક થવાના કોડ જાગ્યા. વર્ષો પછી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવવા આ ગણિતનો અભ્યાસ મને ખૂબ ઉપયોગી થઈ પડ્યો. કારણ કે સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રિ મેડિકલમાં Biology (જીવશાસ્ત્ર) ઉપરાંત ગણિતના ગુણાંક પણ મેડિકલ કૉલેજમાં પ્રવેશ માટે ઉપયોગી હતા. ભણવાનું અને ભણાવવાનું મને ગમતું, એટલે ફાજલ સમયે ગુજરાતી નવલકથાઓથી કંટાળું, ત્યારે હું ગણિતના દાખલા ગણતો અને એમાં મને વિશેષ આનંદ મળતો. ઉમાશંકર જોશી અને જયંત પાઠકનાં કાવ્યો મને ગમતાં. પરંતુ બ.ક. ઠાકોરનાં કાવ્ય વાંચું, ત્યારે મને પ્રશ્ન થતો કે આમાં કાવ્યતત્ત્વ ક્યાં છે? વાંચ્યા પછી આનંદ ઓછો આવે. કૉલેજકાળમાં રાજેન્દ્ર શાહનાં કાવ્યો પણ મને ગમતાં. સુરેશ જોશીની વાર્તાઓ અને કવિતાઓ તો અમેરિકા આવ્યા પછી વાંચવા મળી. મૅટ્રિક પાસ થયો ત્યાં સુધીમાં ક.મા.મુનશી અને ર. વ. દેસાઈની લગભગ બધી જ નવલકથાઓ હું વાંચી ચૂક્યો હતો.
ડાકોરનો બીજો પ્રસંગ મારા પિતાશ્રીની બીમારીનો છે. અમે ભાઈ-બહેનો પિતાજીને ‘મોટાભાઈ’ના સંબોધનથી જ બોલાવતા. મોટાભાઈના પેટમાં દુખાવો થતો. એમની બીમારી પ્રસંગે હું ખૂબ ચિંતાતુર રહેતો. આખા કુટુંબની આર્થિક જવાબદારી પિતાજી માથે હોવાથી એમને ઘણી ચિંતા રહેતી હતી. અમારા ફેમિલી ડૉક્ટર શ્રી હરિહર જોશી. મારા હરિપ્રસાદ મામાના ખાસ મિત્ર હતા. એટલે હરિહર ડૉક્ટરને પણ અમે ‘મામા’ શબ્દથી જ સંબોધતા અને ડૉક્ટર પણ અમને “આવો ભાણાભાઈ” એવા સ્નેહથી સત્કારતા. નાની-મોટી બીમારીમાં એ અમારા કુટુંબની સારવાર કરતા અને ફી લેવાની કે બિલ મોકલવાની સ્પૃહા એમણે કદી કરી હોય તેવું મારી સ્મૃતિમાં નથી. મારા મોટાભાઈની બીમારી સમયે હું દોડીને ડૉક્ટર મામાને તેડવા જતો. ડૉક્ટર આવે એટલે મારી બા પાણી ગરમ કરે. જેથી ઇન્જેક્શનની સિરીંજ અને સોય વગેરે ઉકાળીને ચોખ્ખી કરી શકાય. ડૉક્ટર આ પ્રક્રિયા દરમિયાન હસતાં હસતાં કહેતા: “શશિબેન, સ્ટવ ચાલુ છે, તો એક કપ મસાલાવાળી ચા પણ મૂકી દો.” મારી બા સહર્ષ એમને માટે ચા બનાવતી. ઇન્જેક્શન પછી મોટાભાઈને સારું લાગતું. નોંધપાત્ર બાબત એ છે કે ઇન્જેક્શન આપીને ડૉક્ટર મામા દવાખાને પાછા ફરતા, જેથી બીજા દર્દીઓની સારવાર થઈ શકે. સાંજે દવાખાનું બંધ કરીને પોતાને ઘેર જવાને બદલે ડૉક્ટર સાહેબ અમારાં ઘરની બીજી મુલાકાત લેતા. મોટાભાઈ જોડે બેસતા. એમનું મન હળવું થાય તેવી વાતચીત કરતા. પિતાજીને આ શાંતિ, ધીરજ, વાર્તાલાપ વગેરે માનસિક સારવારથી વિશેષ ફાયદો થતો. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ મુલાકાત પણ દર્દીની સારવારનો અગત્યનો હિસ્સો છે તે વાત મને વર્ષો પછી સમજાઈ. મેડિકલ કૉલેજમાં જવાની પ્રેરણા મને આવા સ્નેહી ડૉક્ટર મામાના વર્તનમાંથી મળી. થોડા શબ્દો, પણ ઊંડી સમજ. એમની માનવતા અને દર્દીને સમજવાની શક્તિ પ્રત્યે મને ખૂબ જ સન્માનની લાગણી ઉત્પન્ન થઈ. જે ડૉક્ટર તરીકેના મારા વિકાસ માટે ખૂબ લાભદાયી બની.
ડાકોરમાં મને સારા મિત્રો પણ મળ્યા. હરીશ શાહ મારા કરતાં ખૂબ હોશિયાર. શાળામાં મારો નંબર પ્રથમ આવે. પરંતુ એનું કારણ, હરીશ મારા કરતાં એક વર્ષ પાછળ. જો એ મારા વર્ગમાં હોત, તો મારો નંબર પ્રથમને બદલે દ્વિતીય થઈ જાત! અમે દરરોજ સાંજે ચાલવા જઈએ. ગુજરાતી સાહિત્યની ચર્ચા થાય. લાઇબ્રેરીમાં બેસીને જે વાંચ્યું હોય તેની ટીકા ટીપ્પણ થાય. ‘ગુજરાતનો નાથ’ અને ‘જય સોમનાથ’ જેવી નવલકથાઓની તુલના થાય. અમારી સાથે વિજ્ઞાનના શિક્ષક શ્રી ચંપકભાઈ દોશી હોય, તો અમેરિકા અને રશિયા જેવા દેશોમાં થઈ રહેલાં નવા સંશોધનોની ચર્ચા કરે. ડાકોરના બાલ્યકાળ દરમિયાનનો એક અનુભવ હું કદી નહીં ભૂલી શકું.
મારી બાને ટી.બી.ની બીમારી થઈ ત્યારે ડાકોરના ડૉક્ટરોએ મોટા શહેરમાં સારવાર માટે જવાની સલાહ આપી. આર્થિક રીતે એ શક્ય ન હતું અને સૅનેટોરિયમમાં પણ જંતુનાશક ઍન્ટિબાયોટિક ઉપલબ્ધ ન હતી. ૧૯૫૨-૫૩ની સાલમાં સ્ટ્રેપ્ટોમાયસિન સિવાય અન્ય દવાની શોધ થઈ ન હતી.
આવા સંજોગોમાં મારાં માતા-પિતાના જીવનમાં કેવું અસહ્ય સંકટ આવી પડ્યું અને એમણે કેવી રીતે પ્રશ્નોના ઉકેલ શોધ્યા એની કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે. નડિયાદના એક પ્રખ્યાત વૈદ્ય (મણિલાલ વૈદ્ય) ની મદદ મળી. જેમણે આયુર્વેદિક પદ્ધતિથી મારી બાના રોગની સારવાર કરી. બે-ત્રણ મહિના મારી બા નડિયાદમાં રહી. આ સમય દરમિયાન અમે બાળકો મા વિનાના. પિતાજી નોકરી કરે, રસોઈ પણ બનાવે અને અમને તૈયાર કરીને સ્કૂલમાં મોકલે! એમને ભગવાનમાં અટલ શ્રદ્ધા. વહેલી સવારે ગાયત્રી મંત્રના જાપ પણ કરે. આ ગાળામાં હું પણ પ્રાર્થના કરતો અને પિતાજીને ઘરકામમાં મદદ કરતો. મારી બહેનના લાંબા વાળને કેમ વ્યવસ્થિત કરવા, ચોટલો કેવી રીતે વાળવો… આવું બધું ઘરકામ હું શીખી ગયો. ભગવાનની કૃપાથી બાનો ટી.બી. મટી ગયો. ટી.બી. સ્પેશિયાલિસ્ટ તરીકે મને એવું લાગે છે કે ૧૯૫૨ ના અરસામાં માત્ર આયુર્વેદિક પદ્ધતિથી ટી.બી. મટી જાય અને તે પછી ૫૦-૬૦ વર્ષ સુધી ડાયાબિટીસ હોવા છતાં ટી.બી.નો ઊથલો ન આવે એ ચમત્કારિક ઘટના કહેવાય! આજે પણ માતા-પિતાની શ્રદ્ધાનું બળ મને માનસિક ધરપત અને પ્રેરણા આપે છે.
પૈસાની અછત હોવા છતાં ઉત્તમ શિક્ષણ મળ્યું. સમાજમાં ખૂબ રૂઢિચુસ્ત અને બંધિયાર વિચારસરણી હતી. છતાં ડાકોરમાં એવા શિક્ષકો મળ્યા, જે નિ:સ્વાર્થ ભાવે અમને ટ્યૂશન આપતા. નાણાંની અપેક્ષા રાખ્યા સિવાય, વિદ્યાર્થી ઘેર આવે, તો આ શિક્ષકો ઉમંગથી ભણાવતા. મારા પિતાજી નજીવા પગારમાંથી ક્યારેક ગરીબ વિદ્યાર્થીની ફી પોતાના ગજવામાંથી ભરી દેતા, જેથી કોઈ વિદ્યાર્થીને પૈસાના અભાવે સ્કૂલ છોડવી ન પડે. શાળાનું શિક્ષણ પૂરું કરવાનો અનુરોધ ઘણા વિદ્યાર્થીઓને આપતા અને જરૂર લાગે ત્યાં પાઠ્યપુસ્તકો વગેરેની વ્યવસ્થા કરી આપતા. ભગવાનના દર્શનાર્થે જે હજારો ભક્તો ડાકોરના મંદિરમાં આવે છે, તેમની શ્રધ્ધા ભક્તિને મારા શત શત વંદન. ડોંગરેજી મહારાજ ભાગવત્ કથા કરતા, પરંતુ દક્ષિણાની અપેક્ષા બિલકુલ નહીં. એક કથામાં ધાર્યા કરતાં વધારે આવક થઈ, ત્યારે બધી જ રકમ બ્રાહ્મણ સમાજની સંસ્થાને દાનમાં આપીને, માત્ર બસ ભાડું રાખીને ઘર તરફ પ્રયાણ કરી ગયેલા. પુનિત મહારાજ દરેક પૂર્ણિમાએ ભજનનો કાર્યક્રમ રાખતા. હૃદયસ્પર્શી ભજનોની રચના પોતે કરતા અને મધુર કંઠે ગાતા. લોકો જે ભેટમાં આપે તે અન્નક્ષેત્રમાં દાન રૂપે આપી સવારની બસ પકડી, અમદાવાદની એમની નોકરીમાં હાજર થઈ જતા. કોઈ મિથ્યા આડંબર નહીં. બાલમંદિરના શિક્ષક ઠાકોરભાઈ રેંટિયો કાંતીને પોતાનાં કપડાં તૈયાર કરતા અને સાધારણ પગારથી થોડા રૂપિયા બચે તે સમાજસેવામાં ખર્ચતા. આ રીતે જોતાં, ડાકોરમાં અસાધારણ વિરોધાભાસ જોવા- જાણવા મળ્યો.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી:
મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી, અંગ્રેજી માધ્યમમાં ભણવા વડોદરા જવાનું નક્કી કર્યું. આર્થિક મુશ્કેલી તો હતી. પરંતુ કેન્દ્ર સરકારની સ્કૉલરશિપ મળે, એટલે મ.સ. યુનિવર્સિટીમાં જવાની મારી ઇચ્છાને થોડું સમર્થન મળ્યું. ત્યાં એક અણધાર્યો વિકલ્પ ઊભો થયો. નવી વિજ્ઞાન વિષયક કૉલેજ શરૂ થતી હતી. અજય તાંમ્બવેકરને અને મને ચાર વર્ષની સ્કૉલરશિપ સાથે કપડવંજ આવવાનું આમંત્રણ મળ્યું. કૉલેજના પ્રિન્સિપાલ સાહેબ ડાકોર આવ્યા. એમનો આશય હતો, ડાકોરના થોડા ‘હોશિયાર’ વિદ્યાર્થીઓને તેમની કૉલેજમાં લાવવાનો. પિતાજી પીગળ્યા. તેમની ઇચ્છા એવી કે મારે કપડવંજ ભણવા જવું. જેથી ખર્ચો બચે. છેવટે મારે તરકીબ કરવી પડી. પિતાજીને નરહરિ જ્યોતિષી પ્રત્યે સન્માન અને ખૂબ ભરોસો. એમણે નરહરિજીને જમવા આવવાનું આમંત્રણ મોકલ્યું. આગલી રાત્રે હું જ્યોતિષ મહારાજને મળી આવ્યો અને ખૂબ વિનંતી કરી કે ‘મારે વડોદરા ભણવા જવું છે, એટલે એ દિશા જ મારે લાયક ‘શુભ’ છે. તેવું પંચાંગ અને મારા જન્માક્ષરમાંથી શોધી રાખજો.’ જોષીજીએ મારી માન્યતા સ્વીકારી અને બીજે દિવસે મારા પિતાજીને સલાહ આપી કે ‘આ કિશોર માટે વડોદરાની દિશા લાભદાયી છે અને એ દિશામાં એનું ગ્રહબળ સારું છે.’ પિતાજી માની ગયા અને મને એમ. એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ પ્રારંભ કરવાની સુંદર તક સાંપડી. શ્રીમતી ચંપાબેન-બાબુરાવે અભ્યાસ અર્થે લોન આપવાની તૈયારી દાખવી, એટલે મારો ઉત્સાહ વધ્યો. મારે તો ગણિતના અધ્યાપક થવું હતું, પરંતુ પિતાજીનો આગ્રહ મેડિકલ કૉલેજ તરફ ઢળતો. મારા વડીલ ભાઈ શ્રી પ્રમોદભાઈ તથા એમના મિત્ર શ્રી ટી.સી. શાહ દ્વારા પણ આવું જ સૂચન આવ્યું.
“તારે અધ્યાપક થવું છે, તો ડૉક્ટર બનીને મેડિકલ કૉલેજમાં ભણાવજે.” સાહેબે તર્કપૂર્વકની દલીલ કરી. આમ ખૂબ ઇચ્છા ન હતી, છતાં મેં મેડિકલ કૉલેજનું અરજીપત્ર ભર્યું. ઇન્ટરવ્યૂ આવ્યો.
“તારે કયા કારણસર ડૉક્ટર થવું છે?” સાહેબે પ્રશ્ન પૂછ્યો. વાજબી જવાબ તો એવો હોય કે ગરીબોની સેવા કરવા માટે તબીબ થવું છે. પરંતુ યુવાન વયની ખુમારીમાં મેં જવાબ આપ્યો,
“મારા પિતાજીની ઇચ્છા છે, એટલે ફૉર્મ ભર્યું છે. મારા અનુજ બંધુઓ મેડિકલમાં જઈ શકશે કે કેમ, તે મને ખબર નથી. એટલે આ મારી કૌટુંબિક ફરજ સમજીને આવ્યો છું.”
મેડિકલ કૉલેજમાં એડમિશન મળવું ખૂબ જ મુશ્કેલ હતું. છતાં મને પ્રિ મેડિકલમાંથી બીજા કોઈ ટેસ્ટ લીધા સિવાય સીધો જ પ્રવેશ મળી ગયો. ઓળખાણ કે ભલામણ ચિઠ્ઠી સિવાય આવું બને તે નવાઈ ગણાય. ગણિતના ગુણાંક સારા હતા. પણ જીવશાસ્ત્રમાં માત્ર ૬૫ ટકા હતા. વડોદરાને બદલે બીજા કોઈ સ્થળે ભણવા ગયો હોત, તો મારું જીવન કોઈ બીજી દિશામાં વળ્યું હોત. વિધાતા ક્યારે, કેમ, શું નિયત કરે છે, તે જાણવાનું માનવ માટે શક્ય નથી. વડોદરાની મેડિકલ કૉલેજ અને સયાજી હૉસ્પિટલમાં એવા ઘણા પ્રસંગો બન્યા કે એ બધાનું વર્ણન કરવા બેસું, તો નાનું પુસ્તક થાય. અહીં માત્ર બે-ત્રણ પ્રસંગોનું બયાન રજૂ કરીશ.
મેડિકલ કૉલેજના ત્રીજા વર્ષમાં એક રબારી કુટુંબની સ્ત્રી મારી દર્દી હતી. હું ક્લિનિકમાં હતો, ત્યારે આ દર્દીની સારવાર કરવાનું કામ મને સોંપવામાં આવ્યું. આ યુવાન સ્ત્રી, એના પતિ અને સાસુ સાથે બહુ દૂરથી સયાજી હૉસ્પિટલમાં સારવાર માટે આવી હતી. વડોદરામાં રહેવાની સગવડ નહીં હોય, એટલે આ કુટુંબ ઝાડ નીચે રહેતું હતું. એની ફરિયાદ હતી પેટમાં દર્દ અને ઝીણો તાવ. એના પતિ અને સાસુમાની ફરિયાદ હતી, ‘આ વહુ ચાર વરસથી પરણી છે. પણ એને એક પણ સંતાન નથી થતું.’ ઊંચી, રૂપાળી, તંદુરસ્ત લાગતી આ યુવતીના ચહેરા ઉપર ગ્લાનિ અને ઊંડી હતાશાના ભાવ ઊપસી આવતાં. એની શારીરિક તપાસ કરતાં જાણવા મળ્યું કે નાભિના નીચેના ભાગમાં એના પેટમાં ગાંઠ હતી અને પેટના એ ભાગને અડતાં એને ખૂબ દુખાવો થતો. ૧૯૬૦-૬૫ ના અરસામાં સયાજી હૉસ્પિટલમાં નિદાન માટેની સુવિધા લગભગ નહિવત્ હતી. કેટ સ્કેન (CAT SCAN) તો ક્યાંથી હોય? લોહી અને પેશાબની તપાસ કરાવી. પેટનો ફોટો પાડવો હોય તો મોટા સાહેબની પરવાનગી લેવી પડે. થોડી સિફારસ લગાવી, ત્યારે એને દવાખાનામાં દાખલ કરવાનો નિર્ણય લેવાયો. ગાયનેકૉલૉજિસ્ટને બોલાવ્યા કન્સલ્ટેશન માટે. બે દિવસ તો જનરલ સર્જન અને ગાયનેકૉલૉજિસ્ટ વચ્ચેની વાદ-વિવાદમાં ગયા. કૅન્સરની બીમારી હશે તેવી ધારણા હતી.
ત્રીજે દિવસે આ યુવતીનું ઑપરેશન થયું. હું વિદ્યાર્થી તરીકે ઑપરેશન થિયેટરમાં હાજર હતો. ગર્ભાશયની ડાબી બાજુએ જે ગાંઠ હતી, તે કાઢવા જતાં મારા પ્રોફેસરને વિચાર આવ્યો કે એમાં સોય મૂકીને તપાસ કરવી કે આ કયા પ્રકારની ગાંઠ છે. આ તપાસ કરતાં તુરંત ખબર પડી કે આ ગાંઠમાં તો પરુ છે અને પરુ કાઢ્યા પછી જે નાની ગાંઠો મળી છે, તે ટી.બી.ને કારણે છે! કૅન્સર નથી એ જાણીને મને આનંદ થયો. પરંતુ દર્દી અને એનાં કુટુંબીજનોએ તો એક જ પ્રશ્ન પૂછ્યો, “આ સ્ત્રી સગર્ભા થશે કે નહીં?” મને ખૂબ ગુસ્સો આવ્યો. આ યુવતીની સાસુની દ્રષ્ટિએ સ્ત્રીના જીવનનું મુખ્ય ધ્યેય બાળકો પેદા કરવાનું! યુવતીનો પતિ થોડો સમજુ હતો અને પત્ની પ્રત્યે એને વહાલ અને મૈત્રીપૂર્ણ વલણ હતું. છતાં સાસુમાની અપેક્ષાને કારણે બંને બહુ ઉદ્વેગમાં હતાં. પરિસ્થિતિ સમજાવવાના પ્રયત્નો લગભગ નિષ્ફળ ગયા. ગર્ભાશયની એક બાજુની ટ્યૂબ કાપવી પડી હતી. એટલે આ યુવતી સગર્ભા બને તેવી શક્યતા ઘટી ગઈ હતી. દસ દિવસ પછી ટી.બી. ની દવા શરૂ કરીને યુવતીને ઘેર મોકલી. પરંતુ મારા મનમાં ટી.બી.થી સર્જાતી કરુણતા અને સ્ત્રીજીવનની કફોડી પરિસ્થિતિની ગાઢી અસર પડી. સામાજિક કાર્યકર્તા કે કુટુંબની સહાયતા કરી શકે તેવી કોઈ સંસ્થા કે વ્યવસ્થા ન હતી. ટી.બી.ની દવા એક મહિના સુધી ચાલે તેટલી દવાખાના તરફથી આપવામાં આવી હતી. પરંતુ ટી.બી.ની સારવાર તો બાર મહિના સુધી ચાલે. વડોદરાથી ૪૦ માઇલ દૂર, એક ગામડામાં રહેતી આ બાઈ એની શેષ દવા ક્યાંથી મેળવશે? રબારી કુટુંબ એક સ્થળેથી બીજા સ્થળે ફરતું રહે, એટલે ભરોસાપાત્ર તબીબી સારવાર ક્યાંથી મળે? આ બધા પ્રશ્નોથી હું અકળાઈ ગયો. પરંતુ અન્ય ડૉક્ટર અથવા સારવાર પદ્ધતિને આ બાબતની કોઈ ચિંતા જ ન હતી. એમનો અભિગમ આવા અનેક કેસ જોયા પછી રીઢા ગુનેગાર જેવો બેદરકાર થઈ ગયો હશે?
બીજો પ્રસંગ સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટર-નર્સની મર્યાદિત સંખ્યાને કારણે ઊભા થતા પ્રશ્નો અંગે છે. ક્લિનિકમાં સો-દોઢસો દર્દીઓ આવતા. અમે ત્રણ-ચાર વિદ્યાર્થીઓ, બે-ત્રણ શિખાઉ ડૉક્ટરો અને એક અનુભવી ડૉક્ટર. માત્ર બે નર્સો! જે અધ્યાપક અને અનુભવી ડૉક્ટર આવતા, તે માનદ અધ્યાપક. અર્થાત્ તેમની પોતાની પ્રાઇવેટ મેડિકલ પ્રૅક્ટિસ હોય. પરંતુ સયાજી હૉસ્પિટલમાં સેવા આપવા આવે અને અમને ભણાવે. દર્દીઓની આટલી મોટી લાઇન હોય, ત્યાં ભણાવવાનો સમય ક્યાંથી હોય? આ લાઇનમાં ત્રણ-ચાર દર્દીઓ, જે સારા કપડાં પહેરીને આવ્યા હોય, તે માનદ અધ્યાપકના ખાનગી દર્દીઓ હોય. સાહેબે અગાઉથી જ નક્કી કર્યું હોય કે એમના X-Ray પાડવાના છે અથવા મોંઘા ટેસ્ટ કરવાના છે. આ દર્દીઓને લાઇનમાં ઊભા રહેવાની જરૂર ન હતી. ફોટા પડાવીને સાંજે ખાનગી ક્લિનિકમાં જવાનું. જ્યાં માનદ અધ્યાપક (Honorary Professor) એમની સારવાર કરતા. X-Ray અને મોંઘા ટેસ્ટ સરકારી હૉસ્પિટલમાં, અને સારવાર ખાનગી ક્લિનિકમાં! ફી મળતી આ ડૉક્ટરશ્રી માનદ અધ્યાપકને! મેડિકલ કૉલેજનું બજેટ એટલું ઓછું કે કાયમી પૂરા પગારદાર અધ્યાપકોને નોકરીમાં રાખવાના નાણાં જ ન હતાં અને હોય તો પણ ઓછા પગારમાં ડૉક્ટરો, સરકારી નોકરી શા માટે સ્વીકારે?
આવા અનેક પ્રસંગો જોયા પછી એક વિચાર મારા મગજમાં ઘોળાયા કરતો. આવી સ્થિતિમાં ડૉક્ટર, દર્દીની ઉત્તમ પ્રકારની સારવાર કેવી રીતે કરી શકે? જેમ ડાકોરથી ભાગી છૂટી મારે વડોદરા આવવું હતું, તેમ વડોદરા છોડીને પરદેશ ચાલ્યા જવું જોઈએ, એ વિચાર મારા મનમાં દ્રઢ થતો ગયો. M.B.B.S. થયા પછી M.D.ના વિશેષ અભ્યાસ માટે જે આર્થિક સગવડ જોઈએ, તે તો મારી પાસે હતી જ નહીં. બીજી બાજુ મારા પિતાશ્રી મારું ભણતર ક્યારે પૂરું થાય અને મારો પગાર ક્યારે શરૂ થાય તેની પ્રતીક્ષા કરી રહ્યા હતા. નાના ભાઈ-બહેનો હતાં. જેમનાં ભણતરનો બોજ પણ પિતાજીના માથે હતો જ. મારા વડીલ બંધુ પ્રમોદભાઈની આર્થિક સહાયતા મળતી અને અંબુ કાકાની પણ મદદ મળી રહેતી. પરંતુ અન્યના આધારે જીવન જીવવાનું મારે માટે અસહ્ય બનતું જતું હતું. કુટુંબને આર્થિક સહાય કરવાનું તો બાકી હતું. આ સમય દરમિયાન હું મારા પિતાજી માટે આર્થિક બોજારૂપ હતો, તેવી ભાવના મારા દિલમાં પ્રબળ બની.
એ દિવસોમાં (અત્યારે પણ) વડોદરા મેડિકલ કૉલેજના ઘણા સ્નાતકો ભારત છોડીને પરદેશ જતા. ઇંગ્લેન્ડ, અમેરિકા જેવા દેશોમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જવાનો ઉમંગ હતો. આ દેશોમાં કમાણી પણ સારી હતી અને પૈસા કમાવવા કાળાબજારના ધંધા કરવાની જરૂર ન હતી. બૃહદ અંશે ડૉક્ટરોના મગજમાં ‘પરદેશ ભણી-ગણીને ભારત પાછા આવીશું’ તેવો વિચાર હતો. મારા મગજમાં આવો વિચાર ન હતો. અમેરિકામાં અભ્યાસ કરીને ત્યાં જ રહેવું અને પરદેશમાં રહીને સ્વદેશની સેવા કરવી તથા ભાઈ-બહેનોને યથાશક્તિ મદદ કરવી તેવો આદર્શ મારા મનમાં સ્થિર થતો ગયો. આરોગ્યની સવલતોનો અભાવ, ઉપરાંત રાજકારણના ક્ષેત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારથી મેં અને મારા સહાધ્યાયીઓએ ભારત છોડી અમેરિકા જવાનો નિર્ણય લીધો હતો. પરંતુ મનમાં એક જોરદાર દ્વિધા હતી. ‘ભારતની જનતાને ડૉક્ટરોની આવશ્યકતા હતી અને અમે ભાગી જઈએ તો ભારતનું બુદ્ધિધન પરદેશમાં ચાલ્યું જાય.’ તે વિચાર હૃદયમાં શૂળની જેમ ખૂંચતો હતો. આજે પચાસ વર્ષ પછી પણ આ દંશ ઘટ્યો નથી.
ક્રમશઃ
