સેવાયજ્ઞની શુભ ભાવનાથી અમેરીકાના ગામડાઓમાં જેમણે આરોગ્ય સંસ્થાઓ સ્થાપવામાં અગ્રક્રમે ફાળો આપ્યો છે તેવા ડો. જયંત મહેતાનો જન્મ ડાકોર(૧૯૪૫)માં થયો હતો.
૧૯૭૧માં તેઓ અમેરીકા આવ્યા ત્યાર પહેલાં ઈસ્ટ આફ્રિકામાં પણ ડોક્ટર તરીકે સેવા આપેલી. અમેરીકા આવ્યા બાદ ટેનેસીને છેડે આવેલા જોન્સનસીટી નામના નાનકડા શહેરમાં પીસ્તાલીશ વર્ષો સુધી સેવા આપીને અમેરીકન રૂઢિચૂસ્ત સમાજમાં એમણે માનભયું સ્થાન મેળવ્યું એટલું જ નહી પણ આસપાસના ગામડાઓમાં આરોગ્ય સંસ્થાઓ સ્થાપવામાં સરકારની મદદ મેળવવામાં સફળ રહ્યા. ૧૦૦ જેટલા પરિપત્રો અને સંશોધન લેખો અને અનેક પારિતોષિકોથી ઝળહળતા એમના તબીબી વ્યવસાયમાં ટી.બી.ની સારવાર માટે માતાની સ્મૃતિ સાથે એમણે ખુબ જહેનત ઊઠાવી છે.
સાથે સાથે હિંદુ ધર્મ વિષેનું જ્ઞાન પ્રસારવા ઈન્ડો-અમેરીકન સંસ્થાની સ્થાપક સમિતિમાં જોડાઈને ધર્મ વિષેના ઘણા વ્યાખ્યાનો એમણે આપ્યા અને ગોઠવ્યા છે. ગુજરાતી સાહિત્ય સાથેનો એમનો મજબૂત નાતો એમના કાવ્યો અને અન્ય પ્રકાશનો પરથી સ્પષ્ટ છે.
હાલ નેશવીલ, ટેનેસીમાં રહી મેડિકલના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા ઉપરાંત સાહિત્યિક પ્રવૃતિઓમાં પણ તેઓ રસ લે છે. આનંદ નામના દૌહિત્ર સાથે ચેસ રમવાનો આનંદ એ એમના નિવૃતિકાળની ઉમદા પળો છે.
Email: jay.bm445@gmail.com
અમેરિકાના નકશામાં પાતળા લંબચોરસ જેવું નાનું રાજ્ય દેખાય, તો તે છે ટેનેસી. આ રાજ્યના પૂર્વ છેડે એક રળિયામણું ગામ છે. નામ જ્હૉનસન સિટી. વસ્તી માંડ ૪૫ હજારની. ૯૮% ધોળા અમેરિકન. ભારત ભલે મારી જન્મભૂમિ હોય, આ ગામ મારી કર્મભૂમિ છે.
પ્રકૃતિએ મહેંદી મૂકેલા હાથના ખોબામાં એક સુંદર રમકડા જેવું ગામ ગોઠવ્યું હોય, તો તે જોહ્ન્સન સિટી જેવું જ લાગે! ચારે બાજુ એપેલેચીયન પર્વતોની મનોરમ્ય હારમાળા. અનેક લીલા વૃક્ષોની હરિયાળીથી આચ્છાદિત આ હારમાળા, પાનખરમાં લાલ, પીળી, બદામી અને કેસરી રંગોથી દીપી ઊઠે. હિમવર્ષા થાય ત્યારે ડુંગરાઓએ સફેદ ટોપી પહેરી હોય તેવું લાગે. આવા રમ્ય ગામમાં મેં ૪૫ વર્ષ સુધી ધીકતી મેડિકલ પ્રૅક્ટિસ કરી છે. હું આ ગામને ઓળખું છું અને આ ગામના લોકો મને ઓળખે છે. આ વિસ્તારની એક માત્ર મેડિકલ કૉલેજમાં હું ૧૯૭૭માં આવ્યો, ત્યારે અધ્યાપક તરીકે હું સાવ નવો અને અજાણ્યો હતો. આજે ૭૫ વર્ષની વયે આ પ્રોફેસરની પદવી છોડી, મેં નિવૃત્તિ સ્વીકારી છે. પરંતુ યુનિવર્સિટીએ વિશેષ સ્થાન આપીને અધ્યાપક તરીકેની મારી ઉપાધિ સાચવી રાખી છે. (Professor Emeritus)
અહીં ગામના એક ટેકરા ઉપર મારું ઘર છે. હું આર્કિટૅક્ટ નથી, પણ આ ઘર બનાવ્યું ત્યારે એની યોજના, રચના વગેરે મેં કાગળ ઉપર દોરીને મારી કલ્પના પ્રમાણે મકાન બનાવ્યું, એટલે એને છોડતાં મને દુઃખ થશે. મકાનની બાલ્કનીમાં બેસીને આખા ગામનું સૌંદર્ય હું માણી રહ્યો છું. ‘૪ જુલાઈના દિવસે આતશબાજી ફૂટશે, ત્યારે મારે હાઇસ્કૂલનાં પ્રાંગણમાં પાર્કિંગ શોધવાની જરૂર નહીં પડે. ઘરની બાલ્કનીમાં બેસીને હું આ ઉત્સવને માણી શકીશ’ એવા વિચારોમાં ગૂંથાયો છું, ત્યારે અનેક ખટમધુરા પ્રસંગોની સ્મૃતિ મારા મગજમાં સરિતાની જેમ વહેતી થાય છે. ભૂતકાળની યાદ જાગૃત થાય છે.
ડાકોરમાં જન્મ:
મારો જન્મ ગુજરાતના લોકપ્રિય યાત્રાધામ ડાકોરમાં. બ્રિટિશ હકુમતથી સ્વતંત્ર થવા માટે ભારતની જનતાએ સત્યાગ્રહની લડત હજી બે વર્ષ માટે ટકાવી રાખવાની છે. બીજા વિશ્વયુદ્ધનો અંત લગભગ નજીક આવ્યો છે.
ડાકોરના એક બ્રાહ્મણ પરિવારમાં મારો જન્મ થયો. પાંચ ભાઈ અને બે બહેનો. વિશાળ પરિવાર અને પિતાજી સ્કૂલમાં શિક્ષક. કમાણી કરનાર એક અને ખર્ચા અનેક. બે ટંક ખાવાનું મળી રહેતું. સવારે નાસ્તાની ટેવ નહીં. કેવળ એક પ્યાલો દૂધ મળે. કપડાં પણ બે જોડથી વિશેષ નહીં. આજે વિચાર કરું છું ત્યારે મને નવાઈ લાગે છે, કે મારાં માતા-પિતાએ એમનો ગૃહસ્થાશ્રમ કેવી રીતે ચલાવ્યો હશે? નજીવી આવક, અને છતાં અમે બધાં બાળકો કૉલેજ સુધી અભ્યાસ કરીને સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી શક્યાં.
મારી બા માત્ર પાંચ ચોપડી ભણેલી અને બાર-તેર વર્ષની ઉંમરે પરણેલી. છતાં અમે વધારે ભણી-ગણીને પ્રગતિ કરીએ તેવી અદમ્ય ઇચ્છા સાથે એ અમને પ્રોત્સાહન આપતી. ‘ભણવામાં કોઈનો ભાગ નથી’ એના શબ્દો શિક્ષણના મહત્ત્વને પ્રગટ કરતા.
આર્થિક કારણોસર ઘરમાં છાપું કે સામયિકો મંગાવવાનો શિરસ્તો ન હતો. પરંતુ પાંચમા ધોરણથી જ મને સાર્વજનિક લાઇબ્રેરીમાં જવાની ટેવ પડી, એટલે ‘કુમાર’, ‘અખંડ આનંદ’ જેવાં મૅગેઝિન વાંચતો. સાંજે અજય તાંમ્બવેકર અને હરીશ શાહ જેવા મિત્રો સાથે ચાલવા જતો. જ્યાં ક. મા. મુનશી અને ર.વ.દેસાઈની નવલકથાની અમે ચર્ચા કરતા. બાળપણથી જ સાહિત્ય ચર્ચામાં રસ જાગ્યો હતો. અનેક આર્થિક મુશ્કેલીઓ હતી, પરંતુ માતા-પિતાનો અઢળક પ્રેમ મળ્યો જેથી ગરીબાઈનો અહેસાસ કદી થયો નથી. પહેરવા માટે સ્કૂલના ગણવેશ ઉપરાંત માંડ બે જોડ કપડાં, અને તે જાતે જ ધોવાનાં અને ઇસ્ત્રી પણ જાતે જ કરવાની! ઘરમાં નોકર-ચાકર હતા જ નહીં…અમે જ નોકર અને અમે જ શેઠ!
ડાકોર ગામની વસ્તી માંડ દસ હજારની. પરંતુ પૂનમને દિવસે ગામની વસ્તી પાંચ ગણી થઈ જાય. યાત્રાધામ ડાકોરમાં દ્વારકાધીશ શ્રી રણછોડરાયજીનું ભવ્ય મંદિર. દરેક પૂર્ણિમાએ ત્રીસ-પાંત્રીસ હજાર લોકો દર્શનાર્થે આવે. હવે તો આ વૈષ્ણવોની સંખ્યા લગભગ એક લાખ સુધી પહોંચે છે. ગામની સાંકડી, ધૂળવાળી શેરીઓમાં રવિવારે અને પૂર્ણિમાને દિવસે એટલા બધા યાત્રાળુઓ હોય કે ચાલવાની જગ્યા નથી તેવું લાગે! મોટા ભાગના એન.આર.આઇ.ને અમેરિકા જોયા પછી એમના વતનનું ગામ સાંકડું લાગે. પરંતુ મને એ જમાનામાં, ૧૧-૧૨ વર્ષની ઉંમરે મારું ગામ સાંકડું અને ગંદકીથી ઊભરાતું હોય તેવું લાગતું. લાઇબ્રેરીમાં બેસીને હું દેશ-વિદેશનાં પુસ્તકો વાંચતો અને ફોટા પણ રસપૂર્વક નિહાળતો. એટલે જાણે-અજાણે સરખામણી થઈ જતી.
પૂર્ણિમા પછી ડાકોરની ગંદકીમાં ખૂબ વધારો થતો. ભૂસું, ભજિયાંના કાગળ, ડૂચા વગેરે ઠેર ઠેર રસ્તાઓ પર રઝળતાં દેખાય. આપણાં યાત્રાધામો પવિત્ર ગણાય, પરંતુ સ્વચ્છતાનો સદંતર અભાવ. નગર પંચાયત કે મંદિરના વહીવટદાર, પ્રજાહિત માટે નજીવા નાણાં ખર્ચે. યાત્રાળુઓને ઘણી અગવડ પડે. એમના ગયા પછી ગામના લોકોને પણ ઘણું સહન કરવું પડે. લોકોનાં પર્સ ચોરાય, સ્ત્રીઓના અછોડા ખેંચી લેવામાં આવે અને અન્ય અનેક ગોરખધંધા ચાલે, જેનું વર્ણન અત્રે પ્રગટ કરવાનો કોઈ અર્થ નથી. ગામના વેપારીઓ, ખાસ કરીને મગસ અને ગોટા વેચનારને ખૂબ નફો થાય. ડાકોરના ગોટા, લોટા અને જનોઈ જોટા ખૂબ વખણાય. યાત્રાળુઓ ખૂબ ખરીદી કરે. આ વાણિજ્યની આવકમાંથી યાત્રાળુઓને કે ગામલોકોને જે સુવિધા મળવી જોઈએ, તે કદી મળી જ નથી. આજે પણ નહીં!
ગોમતી સ્નાન:
ડાકોરના પ્રખ્યાત મંદિરની સામે ગોમતી તળાવ છે. અમે કિશોર અવસ્થામાં આ તળાવના પુલ ઉપરથી પાણીમાં ભૂસકો મારીને તરવાનું શીખેલા. આ તળાવ પવિત્ર ગણાય. એટલે યાત્રાળુઓ તળાવમાં સ્નાન કરીને ભગવાનનાં દર્શનાર્થે જાય. કેટલાક ભક્તો આ પાણીમાં હાથ-પગ ધોઈને પાણીનું આચમન કરે, પાણી માથે ચડાવે. અમેરિકા આવ્યા પછી સમજાયું કે આ જળ પવિત્ર હશે, પણ સ્વચ્છ નથી અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પીવા લાયક પણ નથી. લોકો અહીં કપડાં ધુએ અને અનેક પ્રકારની ગંદકી ઠાલવે. સામે કિનારે સ્મશાન, એટલે શબની દહનક્રિયા પતે પછી વધેલાં હાડકાં પણ તળાવમાં જ પધરાવવાનો રિવાજ. આ તળાવમાં ઊતરવા માટે પથ્થરનાં પગથિયાં. જેના ઉપર શેવાળ-લીલ વગેરે બાઝે અને પગથિયાં ખૂબ જ લીસ્સા બની જાય. ગામલોકો આ પરિસ્થિતિ જાણે, પણ યાત્રાળુઓ અજાણ હોય. એક પૂર્ણિમાને દિવસે એક નવદંપતી દર્શનાર્થે આવ્યું. પવિત્ર જળને માથે ચઢાવવા, તાજા પરણેલા આ યુવાને તળાવમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. પહેલા પગથિયે જ એનો પગ લપસ્યો. બીજું પગથિયું વધારે ચીકણું હતું. આ યુવાનનું માથું પથ્થર ઉપર ઝીંકાયું. એ બેભાન થઈ ગયો અને એનું શરીર તળાવનાં ઊંડા પાણીમાં સરકી ગયું! માથાના ઘામાંથી નીકળેલા લોહીથી તળાવનું પાણી લાલ લાલ થઈ ગયું. નવોઢા યુવતીએ ચીસો પાડી. બે-ત્રણ યુવકો દોડી આવ્યા. તળાવમાં પડ્યા અને યુવાનના શરીરને બહાર કાઢ્યું. એ દિવસોમાં C.P.R. કે તાત્કાલિક સારવાર જેવું કશું ઉપલબ્ધ ન હતું. આ યુવાન થોડી ક્ષણોમાં મૃત્યુ પામ્યો. આ પ્રસંગ પછી પણ ગોમતી તળાવનાં પગથિયાં સાફ કરાવીને શેવાળ કાઢવાનું કામ નગરપંચાયતે હાથમાં લીધું જ નહીં. ત્રણ મહિના પછી આવો કરુણ કિસ્સો ફરી બન્યો અને છાપામાં ચર્ચા ચાલી, ત્યારે આ પગથિયાં સાફ થયાં. યાત્રાળુઓને ચેતવણી આપતું બોર્ડ આવતાં લગભગ ત્રણ વર્ષ વીતી ગયાં.
આવો બીજો પ્રસંગ મંદિરના પ્રાંગણમાં જ બન્યો. પૂર્ણિમાએ ભક્તોની એવી ભીડ જામતી કે લોકો ધક્કામુક્કી કરીને દર્શન કરવા કૂદાકૂદ કરતા. વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરોમાં વિવિધ ભોગ ચઢાવવામાં આવે છે. સવારે મંગળાભોગ થાય, તે પછી ગોવાળભોગ અને રાજભોગ થાય. સાંજે સુખડીભોગ ધરાવાય. આ ભોગ દરમિયાન મંદિરના ગર્ભદ્વારનાં બારણાં બંધ થાય. ભક્તો આ દરવાજા ખૂલે તેની રાહ જોતાં ગિરદીમાં ઊભા રહે. ઘણાંને બસ અથવા રેલગાડી પકડીને ઘેર પાછા જવાની ઉતાવળ હોય. આ ગિરદીમાં સોનાના અછોડા કપાય, પાકીટ ચોરાય, ધક્કામુક્કી થાય. સ્ત્રીઓને વિશેષ સહન કરવું પડે. એક પૂર્ણિમાને દિવસે મંદિરના દરવાજા ખૂલ્યા, ત્યારે લોકોનું ટોળું દર્શનાર્થે ગર્ભદ્વાર તરફ ધસી ગયું. એક વૃદ્ધ સ્ત્રી મંદિરના પ્રાંગણમાં જ પડી ગઈ. લોકોનું ટોળું એના શરીર ઉપર પગ મૂકીને દર્શન કરવા આગળ ધપ્યું. ભક્તો ઊંચે જોઈને દર્શન કરવા માટે તલપાપડ! પગ નીચે એક માનવ દેહ છે, તેનું તેમને ભાન જ ન રહ્યું! આ વૃદ્ધ વૈષ્ણવ બાઈ અન્ય લોકોના પગ તળે કચડાઈને મૃત્યુ પામી. કરુણતાની હદ તો એવી કે આ ઘાયલ સ્ત્રીને ઊભી કરવા જે નીચે વળ્યા, તે પણ પડ્યા અને ઘાયલ થયા. ઘાયલ વ્યક્તિઓની સારવાર કરવાની કોઈ સવલત અહીં ઉપલબ્ધ ન હતી. આવા પ્રસંગોનું પુનરાવર્તન પણ થયા કરતું. છતાં કાયદો, વ્યવસ્થા જેવા શબ્દો આ પ્રજાના જોડણીકોશમાં આવ્યા જ નહીં! બાળપણમાં જોયેલા આવા પ્રસંગોની ગાઢ અસર માનસપટ પર હજી પણ અકબંધ છે.
અમારા ફળિયાનો વિસ્તાર ગોપાલપુરામાં થોડા ઘણા કિશોર મિત્રોને ભેગા કરી અમે ‘ગોપાલપુરા મિત્રમંડળ’ શરૂ કર્યું. મુખ્ય આશય તો ક્રિકેટ ટીમ શરૂ કરવાનો હતો, પણ ‘શેરી સફાઈ’ અને જાગૃતિ લાવવાના પ્રયત્નો અમે શરૂ કરેલા. પરંતુ કોઈ નોંધપાત્ર સુધારો થયો હોય તેવું મને યાદ નથી.
ક્રમશઃ
