નટવર ગાંધી દ્વારા પોતાનાં વ્યક્તિત્વનો પરિચય આપણે ગયા સપ્તાહે કર્યો.
હવે આજે અંતિમ મણકો …..
અમેરિકાની બલિહારી
આજે નિવૃત્ત થયા પછી મારી સીએફઓ તરીકેની તેરેક વર્ષની કારકિર્દીનો હું વિચાર કરું છું ત્યારે થોડીક વસ્તુઓ સ્પષ્ટ થાય છે. પહેલી વાત તો એ કે વિશ્વની મહાસત્તા સમા અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનના સીએફઓ થવું એ મારે માટે ન માન્યામાં આવે એવી મોટી વાત હતી. એક તો હું પહેલી પેઢીનો એશિયન ઈમિગ્રન્ટ, બોલું ત્યારે મારી ભાષામાં ઇન્ડિયન ઉચ્ચારોની છાંટ હજી પણ સ્પષ્ટ તરી આવે. ભલે હું અમેરિકન સીટીઝન થયો, પણ દેખાવમાં પ્રેક્ટિકલી ફૉરેનર જ જોઈ લો. અહીં કાળાઓની બહુમતિ. વૉશિંગ્ટન એક જમાનામાં ચોકલેટ સિટી તરીકે ઓળખાતું. એનું આખું રાજકારણ કાળાગોરાના ભેદભાવથી રંગાયેલું. દાયકાઓથી ગોરા કૉંગ્રેસમેન અને તેમના ખાંધિયાઓ અહીં રાજ કરતા હતા. ડિસ્ટ્રીક્ટની બહુધા બધી ઉચ્ચ કક્ષાની પોઝિશન એ લોકો પચાવીને બેઠા હતા. હોમરુલ મળ્યા પછી કાળા લોકો અને તેમના પોલીટિશિયનોને થયું કે આ તો આપણું શહેર છે, એ બધી પોઝિશન હવે કાળા લોકોને મળવી જોઈએ. આ કારણે વિલિયમ્સ મેયર થયા એ પહેલાં આવી કોઈ પોઝિશનમાં કોઈ ગોરો માણસ મળે તો એ અપવાદ રૂપે જ.
આવા તીવ્ર રંગભેદથી કલુષિત રાજકારણમાં મારા જેવા એક ‘ફૉરેનર’ને સીએફઓની અત્યંત અગત્યની પોઝિશન મળે અને એ પોઝિશન ઉપર હું તેર તેર વરસ ટકી રહું એ મોટી અજાયબીની વાત છે. વધુમાં એ પણ નોંધવું ઘટે કે આ તેરે તેર વરસ મેં ચાર કાળા મેયરના હાથ નીચે કામ કર્યું અને મારી પાંચ પાંચ વાર નિમણૂક થઈ તે કાળા મેયરોએ જ કરેલી. હું એમ નથી કહેતો કે અમેરિકામાં કાળા ગોરાનો રંગભેદ સાવ નાબૂદ થયો છે કે અહીં ડીસ્ક્રીમિનેશન નથી, પણ મારું કહેવાનું એટલું જ છે કે એ બધા રંગભેદ અને ડીસ્ક્રીમિનેશનની વચ્ચે પણ અમેરિકનોમાં પારકી પ્રજાને સ્વીકારવાની અને પોતાના કરવાની અદ્દભુત ઉદારતા છે. એટલું જ નહીં, પણ એ ઇમિગ્રન્ટ પ્રજાને પોતાની રીતે જીવવાની, પોતાનો વિકાસ કરવાની તક અમેરિકા આપે છે. આ ઉદારતાને કારણે જ આખી દુનિયાના લોકો અમેરિકા આવવા તલપાપડ થાય છે.
હું તો ત્યાં સુધી કહીશ કે હું જે વ્યક્તિગત પ્રગતિ અમેરિકામાં કરી શક્યો તે બીજે ક્યાંય કરી શકત નહીં. અને આપણા દેશમાં તો નહીં જ નહીં. હું આવું વિધાન કરું છું ત્યારે ઘણા મિત્રો કહે છે કે હું દેશને અન્યાય કરું છું. મને કહેવામાં આવે છે કે હું જો દેશમાં વધુ રહ્યો હોત તો આટલી જ, બલકે આનાથી વધુ પ્રગતિ કરી શક્યો હોત! મારે ધીરજ રાખવાની જરૂર હતી. હું દેશમાંથી ઉતાવળે નીકળી ગયો. મને એમ પણ કહેવામાં આવે છે કે હજી પણ મારે દેશમાં જઈને સેટલ થવું જોઈએ. કેટલાક મિત્રો નિવૃત્ત થઈને દેશમાં જઈને સેટલ થયા છે. અને ત્યાં તેમને બહુ ફાવી ગયું છે. આવી વાત નીકળતાં હું એમને વિવેકથી ના પાડું છું. કહું છું કે હવે અમેરિકા જ મારો દેશ છે. અહીં મને પચાસથીય વધુ વર્ષ થયાં. સંતાનોના જન્મ અને ઉછેર અહીં જ થયાં. એમનાં સંતાનો પણ અહીં જ જન્મ્યાં અને ઉછર્યાં. એ બધાં તો જન્મથી અમેરિકન છે. જે દેશ અને પ્રજાએ મને ઉદારતાથી સ્વીકાર્યો અને મારો વિકાસ કરવાની અદ્ભુત તક આપી એને હું કેમ છોડી શકું? જે થાળીમાં ખાધું છે તેમાં કેમ થુંકાય?
અહીં રહેવામાં અમેરિકાની અનેક આધુનિક સગવડવાળું સુંવાળું જીવન તો છે જ, એની ના કેમ પડાય? પણ સાથે સાથે આ દેશનું મને જે આકર્ષણ છે તે મારા એક સૉનેટમાં આ રીતે રજૂ કર્યું છે :
ગમે ધનિક દેશ આ, પણ વિશેષ આકર્ષણ
ઈમર્સન પ્રબુદ્ધ, લિંકન વિમુક્તિદાતા તણું,
થરોનું, વ્હીટમેન, ટ્વૈન, કવિ એમીલીનું મને;
ભલે ઉર વસે સદા જનમભોમ મા ભારતી,
પરંતુ મન, કર્મ, ધ્યાન, દૃઢ આત્મના નિશ્ચયે,
કૃતજ્ઞ ધરું ધૂળ મસ્તક અમેરિકાની સદા.
અમેરિકા નહીં છોડવાની મારી દલીલ ઇન્ડિયા છોડવા માટે પણ લાગુ ન પડે? જે દેશે મને જન્મ આપ્યો, જિંદગીનાં પહેલાં પચીસ વરસ સુધી મારું જતન કર્યું, તેને મેં શું છોડ્યો નહીં? એમાં મારી કૃતઘ્નતા નથી? પણ સામે એમ પણ દલીલ થઈ શકે કે મેં દેશ છોડ્યો કે મને દેશમાંથી ધકેલવામાં આવ્યો? આ આત્મકથાના પહેલા ભાગના મુંબઈના પ્રકરણમાં મેં મારી દેશદાઝની વાત કરી છે, પણ સાથે સાથે મને મુંબઈમાં પડેલ અસહ્ય હાડમારીનું વર્ણન કર્યું છે. સીડનહામ જેવી ઉચ્ચ કક્ષાની કૉલેજમાંથી બી.કોમ.ની ડીગ્રી લીધા પછી પણ મને એક સામાન્ય ક્લાર્કની નોકરી મેળવવામાં કે દૂરના પરાંમાં એક નાનકડી ઓરડી લેવામાં એટલી મુશ્કેલી પડી હતી કે હું મુંબઈ છોડવા તૈયાર થઈ ગયો હતો. આવી મુશ્કેલીઓ સહન કરવામાં હું કાંઈ નવી નવાઈનો ન હતો. મારા જેવા ભણેલાગણેલા અસંખ્ય લોકોની પણ આ જ કહાણી હતી. કોઈ એમ ન કહી શકે કે મેં પ્રયત્નો કરવામાં પાછું વાળીને જોયું છે, કે મારી દેશદાઝ ઓછી હતી. હતાશાના એ દિવસોમાં હું ખલિલ જીબ્રાનની કવિતા, ‘Pity the Nation’નો મકરંદ દવેએ કરેલો અનુવાદ, ‘એ દેશની ખાજો દયા,’ વારંવાર ગણગણતો.
દેશને છોડીને અહીં આવીને રહી જવામાં દરેક વિચારશીલ ભારતીયને એક પ્રકારની મથામણ તો રહે છે જ. મારી એ મથામણ મેં મારા એક સોનેટમાં આ મુજબ રજુ કરી છે :
જરૂર તજી હિંદની સરહદો, પરંતુ મટ્યો
નથી જ નથી હિન્દી હું, તજી નથી જ એ સંસ્કૃતિ
કદી બૃહદ હિંદની, નથી ભૂગોળ પૃષ્ઠે ભલા,
સીમિત કદી ભવ્ય ભારત, વળી સવાયો થઈ
અમેરિકન, હું થઈશ ગુજરાતી ગાંધી તણો,
ઉદારઉર, ક્ષાંત નાગરિક હું બનું વિશ્વનો,
સદૈવ રટું મંત્ર એક: વસુધૈવ કુટુંબકમ્!
આજે જીવનના સંધ્યાકાળે દેશ વિશેની જૂની વાતો ઉખેળવાનો કોઈ અર્થ નથી. માત્ર એટલું જ કહીશ કે જીવનમાં મેં જે કેટલાક અગત્યનાં પગલાં ભર્યા છે તેમાં અમેરિકા આવવાનું તે બહુ જ મહત્ત્વનું પગલું હતું. એ બાબતનો મેં ક્યારેય રંજ કર્યો નથી. ઊલટાનું જ્યારે જ્યારે દેશની મુલાકાતે જાઉં છું ત્યારે જે કાંઈ જોઉં, સાંભળું છું ત્યારે થાય છે કે મારું અમેરિકા આવવાનું પગલું મારે પોતાને માટે નિશંક સાચું હતું. દરેક વ્યક્તિની કૌટુંબિક, સામાજિક અને આર્થિક પરિસ્થિતિ જુદી જુદી હોય છે. તેથી જ તો આજથી સાઠેક વર્ષ પહેલાંની મારી પરિસ્થિતિ જોતાં જો મારું અમેરિકા આવવાનું પગલું યોગ્ય હતું તો બીજાઓ માટે પણ એ ઉચિત હોય એવું કહેવાની ધૃષ્ટતા હું નહીં કરું.
નિવૃત્તિમાં પ્રવૃત્તિ
૨૦૧૪ની શરૂઆતમાં છેલ્લાં લગભગ સાંઠેક વર્ષોથી કંઈક ને કંઈક કામમાં પ્રવૃત્ત રહેલો હું હવે નિવૃત્ત થયો! સીએફઓના અગત્યના જોબમાંથી હું રિટાયર થયો ત્યારે મારે શું કરવું અને ખાસ તો શું ન કરવું તેનો મને સ્પષ્ટ ખ્યાલ હતો કે. સામાન્ય રીતે સીએફઓ જેવી ઉચ્ચ કક્ષાની પોઝિશનમાંથી નિવૃત્ત થયા પછી કન્સલ્ટિંગ કરવાની તક બહુ મળે. તમારા ક્ષેત્રમાં હોશિયાર છો, વધુ જાણકાર છો, અને એ બાબતમાં મદદ કરી શકશો એ બહાને અમેરિકાની કન્સલ્ટિંગ કંપનીઓ તમને હાયર કરે. પણ મૂળ આશય તો તમારી લાગવગ અને ઓળખાણથી તમે જ્યાં કામ કર્યું હોય ત્યાં એમને મોટા કોન્ટ્રેક્ટ અપાવશો એ હોય છે. મેં નક્કી કર્યું હતું કે એવું દલાલીનું કામ હું નહીં કરું. મોટી કંપનીઓ તમારી ખ્યાતિને લીધે એમના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં નિમણૂંક કરે અને તમારાં સલાહસૂચન માગે. પણ આવી બોર્ડ અપોઈન્ટમેન્ટ માટે એ લોકો ૫૦-૬૦ની ઉંમરના લોકો પસંદ કરે. એ ઉંમર તો હું ક્યારનોય વટાવી ચૂક્યો હતો. એટલે કોર્પોરેટ બોર્ડ્સની બારી મારે માટે બંધ હતી.
એવામાં અહીંની જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાંથી કોલ આવ્યો કે તમે અમારે ત્યાં બે વરસ માટે Distinguished Policy Fellow તરીકે આવો. પણ મારે કોઈ યુનિવર્સિટીમાં પ્રૉફેસર થઈને પાછું ઍકાઉન્ટિંગ ભણાવવું નહોતું. એમાં ક્લાસની તૈયારી કરવી પડે, લેટેસ્ટ ઍકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ અને પ્રેક્ટિસનો વળી અભ્યાસ કરવો પડે, એ બધું આ મોટી ઉંમરે કરવાની ઇચ્છા નહોતી. એ મારા રસના વિષયો પણ ન હતા. એક જમાનામાં કરવું પડે એટલે એવું કંટાળાજનક કામ કરેલું, પણ હવે એવું કાંઈ નહીં કરવાનું મેં નક્કી કરેલું. વધુમાં મેં નક્કી કર્યું હતું કે આ જતી જિંદગીએ બને ત્યાં સુધી ન ગમતી એવી એક પણ વસ્તુ નહીં કરું. મેં યુનિવર્સિટીવાળાઓને શરત મૂકી કે હું ભણાવીશ નહીં. યુનિવર્સિટીના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટના હેડ મને કહે કે તમારે ભણાવાની જરૂર નથી. ક્યારેક ક્યારેક મ્યુનિસિપલ ફાઈનાન્સ વિશે લેકચર આપજો, તમારા ડિસ્ટ્રીક્ટના અનુભવ વિશે વિદ્યાર્થીઓ સાથે વાતો કરજો, અમને જરૂર પડે સલાહસૂચનાઓ આપજો. આમ બે વરસની એ અપોઈન્ટમેન્ટ લીધી.
બીજી એક અગત્યની પ્રોફેશનલ પ્રવૃત્તિમાં હું વર્લ્ડ બૅંક સાથે કન્સલ્ટિંગ કરું છું. હું જ્યારે ડિસ્ટ્રીક્ટનો સીએફઓ હતો ત્યારે ઘણી વાર બૅંકના અધિકારીઓ મને ડિસ્ટ્રીક્ટના અનુભવો વિશે પ્રવચન આપવા બોલાવતા. એમને માટે આફ્રિકા અને એશિયાના ગરીબ દેશો માટે ડિસ્ટ્રીક્ટ જે રીતે કથળેલી નાણાંકીય પરિસ્થિતિમાંથી ઊગરીને જે રીતે સદ્ધર થયું તે એક અનુકરણીય દાખલો હતો. દેશ ગરીબ હોય કે સમૃદ્ધ, પણ જો પ્રાથમિક નાણાંકીય જવાબદારીની અવગણના થાય તો દેવાળું કાઢવા સુધી જવું પડે એ સમજાવવા માટે ડિસ્ટ્રીક્ટ એક જીવતો જાગતો દાખલો હતો. બૅંકના અધિકારીઓએ મને વિનંતિ કરી કે હવે હું નિવૃત્ત થયો છું તો ડિસ્ટ્રીક્ટના આ નાણાંકીય ઉદ્ધારની વાતો કરવા પરદેશ જાઉં ખરો? મેં ખુશીથી હા પાડી. તો આમ બૅંકના આશ્રયે હું દક્ષિણ કોરિયા, જોર્ડન, ટર્કી, ઇન્ડિયા અને ઇથિઓપિયા ગયો છું. બૅંકના આ મિશનમાં મને એશિયા અને આફ્રિકાના ઘણા બધા ફાઈનાન્સિયલ ઑફિસરોને મળવાની અને એમની સાથે ચર્ચાવિચારણા કરવાની તક મળે છે. સાથે સાથે દુનિયા ભમવાની તક મળે છે.
વૉશિંગ્ટનના ચીફ ફાઈનાન્સિઅલ ઑફિસરનો અગત્યનો હોદ્દો ધરાવતા હોવાથી સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લેવા મને અનેક આમંત્રણો મળતાં. સીએફઓના મારા હોદ્દાની રુએ મારાથી બનતી કાયદેસરની બધી મદદ એમને કરતો. નિવૃત્ત થયા પછી અહીંની પ્રખ્યાત શેક્સપિયર અને અરીના સ્ટેજ થિયેટર કંપનીઓના બોર્ડ મેમ્બર થવાનું નિમંત્રણ મળ્યું. આમ તો આવી બોર્ડ મેમ્બરશીપ માટે હજારો ડોલર આપવા પડે, પણ મારી બાબતમાં થિયેટર કંપનીઓ મારી મેમ્બરશીપનો જુદી રીતે લાભ લેવા માંગતી હતી. એમને એમ છે કે હું મારી ઓળખાણ અને લાગવગથી ડિસ્ટ્રીક્ટ પાસેથી ગ્રાન્ટ કે બીજી કોઈ રીતે એમને માટે મદદ મેળવી શકીશ! આ બોર્ડ મેમ્બરશીપનો એક ફાયદો એ કે અહીંની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવાની તક મળે. વધુમાં વૉશિંગ્ટનની સાંસ્કૃતિક દુનિયાના અગ્રણીઓનો પરિચય થાય. આવી સંસ્થાઓ ચલાવવી કેટલી મુશ્કેલ છે તે પણ સમજાય.
છેલ્લાં દસેક વરસથી હું અહીંની વિખ્યાત મેટ્રોપોલિટન ક્લબનો મેમ્બર છું. ૧૮૬૩ અમેરિકાની દારુણ સિવિલ વોર જ્યારે ચાલતી હતી ત્યારે એની સ્થાપના થએલી. અત્યારે વ્હાઈટ હાઉસની બાજુમાં એ જે ક્લબ હાઉસમાં છે તે બિલ્ડિંગ પણ સોથી પણ વધુ વરસ જૂનું છે. માત્ર અમેરિકાના જ નહીં પણ આખી દુનિયાના અગત્યના માણસો એમાં જોડાવા ઇચ્છે એવી એ ક્લબની મહત્તા છે. એબ્રાહમ લિંકનથી માંડીને લગભગ બધા જ અમેરિકન પ્રેસિડેન્ટ, સેનેટરો, કૉંગ્રેસમેન, એમ્બેસેડર્સ, કેબીનેટ મેમ્બર્સ, યુનિવર્સિટી પ્રેસિડેન્ટ વગેરે એના મેમ્બર્સ છે. હું મેમ્બર હોવાથી ત્યાં થતા અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળે છે. વૉશિંગ્ટનના અગ્રણી નેતાઓ અને અગત્યના નાગરિકોનો ત્યાં પરિચય થાય છે. આ બધી પ્રવૃત્તિઓ પન્ના નાયકના સહકારથી અને સાંનિધ્યમાં જ થાય છે. નલિનીના અવસાન પછી પન્નાનો સહવાસ એ મારા જીવનનું એક અત્યંત ઊજળું અને અવિભાજ્ય પાસું છે.
આ લખવાનો મુખ્ય આશય તો જાતને હિસાબ આપવાનો છે. મનુષ્ય જીવન જીવવાની જે અમૂલી તક મળી છે તે મેં વેડફી નાખી છે કે એ તકનો મેં કઈં સદુપયોગ કર્યો છે તે ચકાસવું હતું. એ ઉપરાંત આગળ જણાવ્યું છે તેમ હું મહત્ત્વાકાંક્ષાના મહારોગથી સદાય પીડાતો રહ્યો છું, અને હજી પણ પીડાઉં છું. જે કાંઈ ધાર્યું હતું તે સિદ્ધ નથી થયું તે તો સ્પષ્ટ જ છે, પણ એ માટે મેં યથાશક્તિ અને યથામતિ પ્રયત્નો કર્યા છે કે નહીં તે તો વાચકમિત્ર જ નક્કી કરી શકે.
