દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
“મહાભારત અને ‘રામાયણ’ના બંને સમર્થ ઋષિકવિઓએ તેમનાં અપૂર્વ પાત્રો દ્વારા સત્ તત્વનું મહિમાગન કર્યું છે. માંડીને ‘મહાભારત’ કહેતા વ્યાસનું કથચિતગ્ય તો એક જ છે – “સત્ય છે ત્યાં જય છે.’ પરંતુ વ્યાસનું તા સત્યસ્થાપન આપણાજેવા વિનિમયચાહક ભાવકોના ચિત્તમાં એક પ્રકારનો સંક્ષોભ ઊભો કરે છે. અનેક પાત્રોને લઈને આપણું ચત્ત સંદેહથી ભરાઈ જાય છે. ‘મહાભારત’ વાંચીને બળવો ઉઠાવતું મન બોલી પડે છે: “ક્યાં છે સત્યનો જય ? ભીષ્મ, વિદુર. કુંતી. પાંડુ, દ્રૌપદીથી માંડીને સત્યના પરમ આશ્રયરૂપ ધર્મરાજ યુધિષ્ઠિર સુધ્ધાં સત્યની લપટમાં રાખ-ખાખ થી જતા નથી લાગતા ? ક્યાં છે મહર્ષિ વ્યાસનો કાવ્યન્યાય ? આવા પ્રશ્નો જાગે છે ત્યારે શંતિથી વિચાર કરતાં વ્યાસનો મર્મ પામી શકાય છે. આ પાત્રોને જોતાં લાગે છે કે આ મહામાનવો જીવનની અપાર વિસંગતિઓની વચ્ચે સત્ તત્વની ઉપાસના ત્યજતાં નથી. એ જ તો છે સત્યનો જય. કેવું હશે એ તત્ત્વ જેનો આશ્રય પાત્રોએ કોઈ પણ ભોગે જતો કર્યો નથી ! આ ઘટના એક સાથે વ્યાસનો, તેમનાં વિરલ પાત્રોનો અને સત્યનો મહિમા પ્રગટ કરે છે ને સત્યનું સંસ્થાપન કરવામાં સકળ થાય છે.
મહાભારતત નું આવું એક સત્ય ને સત્ત્વશીલ પાત્ર છે દમયંતી. એ પુણ્યશ્લોક નળરાજાની પત્ની છે એ તો એની ઓળખનો બાહ્ય ખંડ છે. મહત્ત્વ એ વાતનું છે કે એ દમયંતી છે – રૂપ, ગુણમાં જેણે જગત પર શાસન કર્યું છે એવી દમયંતી છે. ‘મહાભારત’નાં ‘વનપર્વ’માં અર્જુનના વિયોગથી દુઃખી થયેલા યુધિષ્ઠિરને સમાશ્ચાસિત કરવા વ્યાસે ઋષિ બૃહદસ્વના મુખ પરથી ૭૯ અધ્યાય નળ-દમયંતીની કથા માટે ફાળવ્યા છે. વ્યાસે ધાર્યુ હોત તો તેમણે દમયંતીને પણ દ્રૌપદીના પાત્ર જેટલો જ ઉઠાવ આપ્યો હોત. પણ અહીં વ્યાસને ઉતાવળ છે. યુધિષ્ઠિરના ચિત્તને શાંત કરવાની. આથી દમયંતીનું પાત્ર વ્યાસે ઉપર ઉપરઘી આલેખ્યું છે ને તેમ છતાંય એનાં નિરવઘ વ્યક્તિત્વથી આકર્ષાઈને દમયંતીની આકર્ષક રેખાઓ દોર્યા વિના વ્યાસ પણ રહી શક્યા નથી.
વ્યાસની અપૃરી ઇચ્છાની પીર્તિ ગુજરાતી સાહિત્યના સિદ્ધહસ્ત આખ્યાનકાર પ્રેમાનંદના હાથે ‘નાળાખ્યાન’ માં જાણે થઈ છે. ગુણાનુરાગે કરીને પ્રેમાનંદ દમયંતી પર ઓવારી ગયા ચે ને દમયંતીને પોતાના અભિવાદનનું ભાજન બનાવી છે. પ્રેમાનંદની કલમે વ્યાસનું આ મહામૂલું પાત્ર ભારે ઊંચકાયું છં. અનેક સંદર્ભ પ્રેમાનંદની આ નાયિકા ‘દર્શનીય’ બની છે.
‘દર્શનીય’ શબ્દનો પ્રેમાનંદનો પ્રથમ અર્થ સ્થૂળ છે. અપરિણીત નળરાજાના દરબારમાં આવેલા દેવર્ષિ નારદ, નળના મનમાં દમયંતી પ્રત્યેનું આકર્ષણ જગવવા દમયંતીનાં શારીરિક સૌંદર્યનું અભિભૂત થઈ જવાય તેવું વર્ણન કરે છે. તેમને મતે દમયંતીનું સૌંદર્ય અનંત છે. તેનો ચોટલો, વદન, હાથ, રોમ, દાંત, – શું વખાણવું ? કહેતા નારદ ખારસાં લાંબાં વર્ણનને અંતે પણ ‘જ્યમ સાગરમાંથી ચંચ જળની ભરે પક્ષીજંન’ કહીને જાણે એ વર્ણનને અધૂરૂં મૂકે છે ! આ પ્રકારની સ્થૂળ દર્શનીયતાને ચગાવીને વર્ણવતા દેવર્ષિ એક જ ક્ષણમાં દમયંતીની સૂક્ષ્મ પાત્રતાને –
“જો થઈ ત્યજ્યું હશે સર્વસ્વ જે તીર્થ નાહ્યો હશે સમસ્ત;
જેણે હિમ ગળ્યા હશે અસ્થ, તે તો ગ્રહશે હરિવદનીનો હસ્ત.”
કહીને કેવી તો ઝળહળ કરી દે છે ! હજુ તો આ દમયંતીને “સતી’નું બિરુદ તો પછી મળવાનું છે. આથી જ કદાચ દમયંંતીની પતિપરાયણતાનો નહીં, એના સત્ તત્ત્વનો ગ્રેમાનંદને મહિમા કરવો હોય તેવું જણાય છે. અલબત્ત, તેની પતિનિષ્ઠા આ સત્ તત્વનો એક ભાગ તો છે જ.
નારદની આંખે દમયંતીને જોયા પછી ભાવકને તેનું દર્શન હંસની આંખે કરવાનું આવે છે. નારદ ને હંસનો અભિપ્રાય તંતોતંત મળતો આવે છે. હંસને મતે તો દેવોનો અમૃતકુંભ જયારે પીતાં પીતાં ખાલી થાય છે ત્યારે દમયંતીની વાણીને અમૃત માની લઈને દેવો કુંભમાં તેને ભરી દે છે ! હંસ પણ નળને કહી દે છે :
“યજ્ઞ યજન ધ્યાન કીધાં હશે તીર્થ સમસ્ત:
તેણે પૂણ્યે પુણ્યશ્લોકજી, ગ્રહેશો હરિઆનનીનો હસ્ત.”
અત્યાર સુધી પરોક્ષ રહેલી દમયંતી પ્રત્યક્ષ તો થાય છે ત્યારે જ્યારે નળ દેવોનું દૂતત્વ કરવા, દમયંતી દેવોને પરણે એ માટે તેને સમજાવવા દમયંતીના આવાસમાં વેશપલટો કરીને જાય છે. આ ક્ષણે પણ કવિ પોતાના પ્રિય, પુણ્યશ્લોક નાયક નળ કરતાં પણ દમયંતીનું વિશેષ ગૌરવ કરતાં કહે છે :
“તારૂણીનું તેજ તાપ ન સહેવાય, ઝબકા ને નળ ઝંંખવાય..”
સૌંદર્યથી ઝળહળ થતી દમયંતીનો બુદ્ધિવૈભવ પણ એટલો જ દેદીપ્યમાન છે. સ્વયંવરમાં પોતાને વરવા માટે આવેલા દેવો નળના રૂપમાં ઉપસ્થિત છે. આથી દમયંતી પ્રણામપૂર્વક સોને તેમના પિતાનું નામ પૂછે છે. આ તેની પહેલી યૂક્તિ છે. સતી માટે કરીને કોઈ પિતા તો ન જ બદલે એવું માનતી દમયંતીની ધારણા ખોટી પડે છે કેમ કે ચારેય દેવો નળના જ પિતાનું નામ પોતાના પિતા તરીકે આપે છે ! આથી દમયંતી તેમને જણાવે છે કે દેવો તો તેના પિતા સમાન છે. તેમણે દમવંતીને આશીર્વાદ આપવાના હોય કે સ્વયંવરમાં ઉમેદવારી નોંધાવવાની હોય ? તેનો આ પાસો સવળો પડે છે ને દેવો શરમાઈને પ્રગટ થાય છે. વિનયનમ્ર બનીને દમયંતીએ નારીશક્તિનો અહીં કુમાશપૂર્વક પરિચય કરાવ્યો છે. પાવિત્ર્ય અને પ્રાવીણ્યનો તેનામાં રહેલો સુમેળ તેની દર્શનીયતાને ભારે ઓપ આપે છે. નળમાં રહેલી પ્રામાણિકતા તેણે માપી લીધી છે. દેવોનું દૂતત્વ કરવા આવેલો નળ, પોતે દમયંતીને ચાહતો હોવા છતાં તેને દેવોને પરણવા સમજાવીને દેવોની ઉચ્ચતા વર્ણવે છે. નળમાં રહેલી આ સમતા દમયંતીને આકર્ષી ગઈ છે. આથી જ કદાચ તેણે દેવોનાં વ્યક્તિત્વને નળ પાસે વામન ગણીને નળની જ પતિ તરીકે પસંદગી કરી છે. આ પ્રકારનો નીર-ક્ષીર વિવેક તેને બુદ્ધિમાન સ્ત્રી ઠેરવે છે.

સત્યએ જેના પર પસંદગી ઉતારી છે એવી આ “સતી’ સ્ત્રી પર ઝળુંબવા માટે જી્રનની વિષમતાઓ તૂટી પડવાની જાણે કે રાહ જોઈ રહી હોય તેમ “નળાખ્યાન ‘માં કળિનું પાત્ર પ્રવેશે છે ને નળ-દમયંતીના સુખી દામ્પત્ય પર વિષાક્ત નજર નાખે છે. કળિના પ્રતાપે નળની નિર્મળ મતિને ડાઘ લાગે છે તે એ ભાઈ પુષ્કર સાથે નળ દ્યુત રમવા તૈયાર થાય છે. દમયંતીનો સમજાવ્યો પણ એ સમજતો નથી ને હારે છે. આ ક્ષણે પણ દમયંતીને કવિ જાગ્રત બતાવે છે ને એ રીતે ફરીથી નળ એની પાસે ઝાંખો પડતો સૂચવાય છે.
પતિ સાથે વનમાં જતી દમયંતી દુ:ખોની જાળમાં ફસાય છે, પણ એનું હીર સાયા અર્થમાં ત્યારથી જ પ્રગટવાનું શરૂ થાય છે. પ્રેમાનંદે ઉમેરેલા પ્રસંગ પ્રમાણે દમયંતીને દેવો તરફથી હાથમાં અમૃત રહેવાનું વરદાન મળ્યું છે. આથી ભોજન માટે નળ લાવેલાં માછલાં દમયંતીનો સ્પર્શ પામીને સજીવન થઈ જાય છે. કળિના પ્રવેશથી કલુષિત ચિત્ત થયેલા નળને આથી દમયંતી પર ક્રોધ ચઢે છે ને વનમાં દમયંતીને એકલી મૂકીને નળ ચાલ્યો જાય છે.

નળ વિનાની વિરહી દમયંતી વિલપતી, ટૂટતી ભમી રહી છે ત્યારે એક અજગર તેનો પગ ગળે છે. દમયંતીને આ દુ:ખમાંથી પારધીને વેશે આવેલો કલિ છોડાવે છે ને ધમયંતીને પોતાની પત્ની બનવા કહે છે. પારધીની માગણીથી ત્રસ્ત થયેલી દમયંતી પોતાને બચાવવા માટે હરિે પ્રાર્થે છે ત્યારે તેણે કરેલી પ્રાર્થનામાં રહેલો મર્મ જોવા જેરો છે :
‘સત હોય સદા નિરંતર, અસત્યથી હોઉં સ્વતંતર’
દમયતી અસત્યથી સ્વતંત્ર છે માટે ‘સતી’ છે. હંમેશાં અન્યનું કલ્યાણ વાંછતી દમયંતી સ્વરક્ષણ અર્થે પારધીને સત્યબળે નષ્ટ કરે છે તો પણ પોતાને અપરાધી માને છે !
નળ પ્રત્યેનો દમયતીનો પ્રેમ અનુપમ છે. તાપસ વેશે આવેલો કલિ દમયંતીને નળના ક્ષેમકુશળ જણાવીને કહે છે કે “નળ તો બીજી સ્ત્રી શોધે છે.” ત્યારે દમયંતી કહે છે :
“લક્ષ નારી કરો રાજન, પણ માહારે તો નળનું ધ્યાન.”
નળના નળત્વને એ બરોબર જાણે છે, પ્રમાણે છે. નળને શોધતી દમયંતી એને મળેલા રેપારીઓને નળની ઓળખ આપતાં કહે છે : “દીઠે અડસઠ નળે જાત્ર.” સાચે , નળે પુણ્ય કર્યા છે જેથી કરીને દમયંતી જેવી સ્ત્રી પાસે તે આવી ઓળખ પામ્યો છે.
અપાર વિપત્તિઓ પછી દમયંતી માસીના રાજ્યમાં પહોંચીને બાહ્ય રીતે ઠરીઠાગ થાય છે પણ એનું આંતરમન વ્યાકુળ છે. નળ વિના વિરામ કેવો ?
“દમયંતિ મંદિરમા પળે, આવાસ ન આણ્યા આંખડી તળે
તેમ જ
“કહે દમયંતિ રાખ મામ, નહિ કરું હું નીચ કામ”
કહેતી દમયંતીની ગરિમા એની દર્શનીયતાનો એક બીજો આયામ દર્શાવે છે.
અંતનાં કડવાંઓમાં સોંધર્યમંડિતા દમયંતીનું આંતરસોંદર્ય કમળની જેમ ખીલતું જાય છે. પ્રેમાનંદે કરેલાં બીજાં અગત્યનાં ઉમેરણ મુજબ, માસીની પુત્રી દમયંતીનો હાર કળિ લઈ જાય છે, ને આરોપ આવે છે દમયંતી ઉપર. આ ક્ષણે દમયંતીએ પોતે શું કરી શકે છે તે બતાવ્યું છે. ચોરીના આરોપથી પુણ્યપ્રકોપ પ્રગટાવતી દમયંતી પોતાનો વિષાદ પ્રગટ કરે છે હરિ પાસે. દમયંતી માટે મન ખોલવાની આ એક જ જગા હોઈ શકે. જોવાનું તો એ છે કે દમયંતીએ વ્રત, તપ, યોગ, ધ્યાન – કશું જ કર્યું નથી. કર્યું છે, ગીતાની ભાષામાં કહીએ તો, શુદ્ધ સ્વધર્માચરણ. સ્વધર્માચરણનો પ્રતાપ આ ક્ષણે તેની વાણીમાં જોમ બનીને પ્રગટ્યો છે :
“હો હરિ સત્યસંથાતી, હું ક્યંહીએ તથી સમાતી.”
એ પૂછે છે : ‘હરિ, હું શા માટે દુખ પામું ?’ ને પછી લાલ આંખ કરીને ‘લેનારું ફાટી પડજો’ કહેતી દમયંતીના રોષ સાથે જાણે અપરાધભાવે કરીને હરિનો રોષ પણ પ્રગટ્યો હોય તેમ હારનો વરસાદ થાય છે.
જીવન તેમ જ જગતને દમયંતીએ ભારે સમજપૂર્વક જોયું છે. એમાંથી એ હારી જવાય તેવી તંગ પરિસ્થિતિ વચ્ચે ગુજરી છે ને તેમ છતાં એનામાં કોઈ ફરિયાદી વૃત્તિ નથી. માસીને ઘેર પિયરથી આવેલા પુરોહિત પૂછે છે, “નાથજીએ કાં મૂકી ?” ત્યારે દમયંતી કહે છે : “ને કંઈ હું ચૂકી.’ એના ઉત્તરમાં રહેલો આ સાક્ષીભાવ વિરલ સ્વાસ્થ્યનો સૂચક છે. પિયર પહોંચેલી દમયંતી એનામાં રહેલા બુદ્ધિવૈભવને ફરી કામે લગાડીને પોતાની કંકોતરી લખાવડાવીને ફરીથી સ્વયંવર રચવાનો ડોળ કરે છે. એ લગ્ન એટલું તાત્કાલિક લેવાયું છે કે અશ્વવિઘા જાણતો નળ જ આટલા ટૂંકા સમયમાં પહોંચી શકે. તેમ જ જ્યાં નળ હોય ત્યાં આ સમાચારથી તેનામાં રહેલો પ્રેમી ઉશ્કેરાઈને ઝડપથી પહોંચે તેવું દમયંતીનું માનવું છે.
દમયંતીનું અનુમાન સાચું પડે છે ને નળ મારતે રથે દમયંતી પાસે પહોંચે છે. અલબત્ત, તેનું રૂપ બાહુકનું છે. શાપને કારણે હવે તે સૌંધર્યશ્રીથી મંડિત રહ્યો નથી. પણ દમયંતી તેના વિચિત્ર રૂપથી સહેજ પણ વિચલિત થતી નથી. તેને મન મૂલ્ય છે ગુણોનું. બાહુકની પરીક્ષા કર્યા પછી તેની પાસે પણ દમયંતી મન ઠાલવે છે. જેમાં પ્રિયતમાના અધિકારે સૌમ્યતાથી અપાયેલો ઠપકો પણ છે. શાપમાંથી મુક્ત થયેલા નળનું મૂક અભિવાદન કરતી દમયંતીના મનમાં નળ પ્રત્યે કોઈ અભાવ નથી.
દમયંતીની દર્શનીયતા અહીં પૂર્ણત્વને પામે છે. કલિથી એ અકલુષિત રહી શકી તેના મૂળમાં તેની અનન્ય માનુષી પ્રતિભા પડેલી છે. આ રીતે એ નળનું પણ અતિક્રમણ કરે છે.
પ્રેમાનંદનું “નળાખ્યાન? વાંચતાં પહેલી નજરે દમયંતી કરુણનો વિભાવ બનતી લાગે, પણ હકીકતમાં એવું નથી. સહજ રીતે એણે જીવનના આટાપાટાને પાર કર્યા છે. શ્રી અનંતરાય રાવળે દમયંતીના પાત્રને આદર ને સહાનુભૂતિ જીતી જતું પાત્ર કહ્યું છે, પણ એમનાથી જરા જુદા પડીને એમ કહેવાનું મન થાય છે કે એણે સહાનુભૂતિ તો પ્રેમાનંદકાલીન શ્રોતાવર્ગની ઝીલી હોય તો ભલે, સહૃદય ભાવક તો એની આંતરશ્રીનું દર્શન કરીને ધન્યતા જ અનુભવે છે.
માત્ર દમયંતીને કારણે જ “નળાખ્યાન’ નળ-દમયંતીના સત્યનું સ્થાપન કરવામાં કામિયાબ નીવડ્યું છે. નળ પરથી કલિની છાયા પણ દમયંતીને કારણે જ હટી શકી છે. નળ બીજી વાર પુણ્યશ્લોક બની શક્યો છે તે પણ આ જ કારણે.
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

“મહામાનવો જીવનની અપાર વિસંગતિઓની વચ્ચે સત્ તત્વની ઉપાસના ત્યજતાં નથી. એ જ તો છે સત્યનો જય.” વાહ!
દર્શનાબહેનનો બહુ જ રસપ્રદ લેખ તેમજ નળ-દમયંતીની કથા બરાબર જાણી, બહુ ગમ્યું.
સરયૂ પરીખ.
LikeLike