વિમલાતાઈ

વજ્રાઘાત થી આગળ

અમે રહેતા હતા તે બિલ્ડિંગમાં એક ખાનદાન બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. ભાઈ, બહેન, પતિ અને પત્ની. તેમને એક જ દીકરો હતો. તેઓ અમને હંમેશાં મદદ કરતાં. કોઈ ને કોઈ બહાને તેઓ મને મહિનામાં પાંચ-દસ રૂપિયાની સહાયતા અચૂક કરતાં. તેમણે મને તેમની ઓળખાણવાળા કાપડના અને કરિયાણાના વેપારી પાસે પોતાની અંગત બાંહેધરી પર ખાતું ખોલાવી આપ્યું. મારો ચોખ્ખો અને પ્રામાણિક વહેવાર જોઈ આ દુકાનદારો મને જોઈએ એટલો સામાન આપતા. હું પણ દર મહિને તેમની પાઈએ પાઈ ચૂકવી આપતી. આમ છતાં અમે જે હાલાકીમાં દિવસ કાઢયા અને દુઃખમાં દિવસ ગુ્જાર્યા તેનું તો વર્ણન પણ કરવું હવે મને પ્રશસ્ત નથી લાગતું.

આર્થિક તંગી તો એવી હતી કે ન પૂછો વાત. તેવામાં મારા બનેવીની ફરીથી બદલી થઈ. આ વખતે તેમને એવા ગામમાં મૂકવામાં આવ્યા હતા જેને પોલીસખાતામાં “કાળા પાણીની સજા’ કહેતા. તેઓ લાંબી રજા પ૨ ઊતરી ગયા અને ભાવનગર આવ્યા. પોતે એકલા તેમના મોટા ભાઈ – જે અમારી બાજુમાં જ રહેતા હતા અને મારી પાસેથી ધમકી આપીને બસો રૂપિયા લઈ ગયા હતા અને કદી પાછા આપ્યા નહિ, તેમને ત્યાં ઊતર્યા. દમુ, તેની બે યુવાન દીકરીઓ, એક જમાઈ, તેમની દીકરી, દમુનો નરેન જેવડો પુત્ર, દમુનાં વિધવા જેઠાણી અને તેમનાં બે છોકરાં – તેમને બધાંને મારે ત્યાં રાખ્યાં. કાયમની આર્થિક મુશ્કેલીથી એક તો હું અત્યંત પરેશાન હતી, તેમાં આ નવ માણસોનો પરિવાર મારે ત્યાં આવી પડ્યો. એક દિવસ કોઈ કારણસર હું મારું માનસિક સંતુલન ગુમાવી બેઠી. કશાનું ભાન રહ્યું નહિ અને સાવ ગાંડા જેવી થઈ ગઈ હતી.

અમારા બિલ્ડિંગમાં એક ભાઈ રહેતા હતા જે મારા મોટા પુત્રની સાથે ભણ્યા હતા અને તેમની જેમ તારખાતામાં નોકરી કરતા હતા. તેમણે મોટાને તાર કર્યો કે તમારાં બા અત્યંત બીમાર છે તો તત્કાળ ભાવનગર આવો. મોટા તાર મળ્યાના ચાર દિવસ પછી આવ્યા. તેમણે બધા સાથે વિચારવિમર્શ કર્યો કે બાઈનું શું કરવું. દમુએ કહ્યું, “અમારી બદલી થઈ છે, તો હું વળી આને મારી સાથે ક્યાં લઈ જઉં? મારી બહેનનું તમારે જે કરવું હોય તે કરો,’ કહી એ તો છટકી ગઈ.સૌએ મને હોસ્પિટલમાં દાખલ કરવાનો વિચાર કર્યો. મને નવાઈ લાગે છે કે લોકોમાં સાજાંનાં સગાં અને પૈસાના ગુલામ થવાની વૃત્તિ કેવી રીતે આવતી હશે? પોતાનાં આપ્તજન માટે આવું કોઈ કરતું હરો?

પરંતુ ઈશ્વરની કુપા અને મારાં ચારે બાળકોનાં સદ્‍ભાગ્ય કે મારી તબિયત એકદમ સુધરી ગઈ. નહિ તો મારું અને મારાં બાળકોનું શું થાત એની તો કલ્પના પણ કરી શકતી નથી. આશ્ચર્યની વાત તો એ છે કે મારા સગા બનેવીએ મારા તરફ આંગળી દર્શાવી દમુને સખ્ત ચેતવણી આપી હતી કે, “આ બાઈના હાથનું પાણી પણ પીવાનું નથી. તમને કંઈ થઈ બેસશે! મારી પુત્રી મીના સમજુ હતી તેણે આ વાત સાંભળી હતી અને મને સાવ સાજી થઈ ગયા બાદ આ વાત કહી આવા હતા મારાં હિતચિંતક સગાં! મારા બનેવીના પેલા નાલાયક ભાઈએ મને મારા પૈસા પાછા આપ્યા જ નહિ. ફક્ત તેમની પત્નીએ ચોરીછૂપીથી થોડા રૂપિયા મને પહોંચાડયા હતા.

આખો પ્રસંગ બન્યો ત્યારે નરેન દસમા ધોરણમાં હતો અને મોટાને ત્યાં અમદાવાદમાં ભણતો હતો, તેને મોટાએ આ વાત કરી ન હતી.

સંપાદકની પૂર્તિ: બાઇએ જીવતેજીવ કદી પણ કોઇને દુભાવ્યાં નહોતાં, તેથી તેમના જીવનના આ છેલ્લા વર્ષમાં જ્યારે તેમણે આ આત્મકથા લખી, તેમાં કોઇના પણ માટે કટુતા દશવી નથી, અને કોઈના પ્રત્યે કટુ વચન લખ્યાં નથી. બાઈએ અહીં જે પ્રસંગ લખ્યો છે તેનું કારણ તેમની મોટી દીકરી મીનાએ વર્ષો બાદ કહ્યું. દમુનો મોટો દીકરો કિશન – જે નરેન કરતાં એક વર્ષે નાનો હતો, તે અત્યંત તુમાખી, ઉદ્દંડ અને ભાવવિરહીત હતો. તેનામાં તેના પિતાની સત્તાનું અભિમાન હતું અને તે વખતે એકનો એક પુત્ર હોવાથી તે અતિ લાડમાં ફાવે તેવા અત્યાચાર કરતો. બાઈના શિર પર દમુના આવડા મોટા પરિવારની જવાબદારી નાખી તેમના બનેવીએ તો હાથ ધોઇ નાખ્યા હતા. તે દિવસે બાઇએ બપોરની રસોઈ પતાવી, બધાંને જમવા બેસાડ્યાં. કિશને તે વખતે જમવાની ના કહી. બધાંનાં ભોજન પતી ગયા બાદ બાઈએ વાસણ ધોયાં અને શ્વાસ ખાવા જરા બેઠાં હતાં ત્યાં કિશને આવીને બાઈને કહ્યું, ‘મારા માટે હમણાં ને હમણાં જમવાનું બનાવી આપો.’ બાઈ ચિંતામાં વ્યગ્ર હતાં અને કિશનને કહું, “બધાં જમવા બેઠાં હતાં ત્યારે કેમ ન આવ્યો? થોડો ખમી જા તો તને કંઈક બનાવી આપીશ.’ બસ, આટલી વાત અને કિશનનો પારો સાતમા આસમાન પર પહોંચી ગયો. તેણે ચીસ પાડીને કહ્યું, ‘તું મને ના પાડે છે?’ કહી તેણે બાઇને કચકચાવીને લાત મારી. બાઈ આ અણધાર્યા હુમલાથી પડી ગયાં. આજ સુધી બાઇને તેમનાં સગાં કે સાવકાં બાળકોમાંથી કોઇએ પણ તુંકારો કરીને બોલાવ્યાં નહોતાં, ત્યાં તેમની ઉપર હાથ ઉપાડવાની તો વાત ક્યાં થાય? તેમને એટલો આઘાત લાગ્યો કે મગજની સમતુલા ખોઇ બેઠાં. તેમના માનસમાં ૧છ૦૧છ૫ડાં૦૦ આવી ગયું અને ભ્રમણાવસ્થામાં લગ્ન પછીના એવા યુગમાં પહોંચી ગયાં જ્યારે તેઓ વઢવાણ કેમ્પમાં હતાં. જાણે તેમના પતિ ઓફિસમાંથી ઘેર આવતા હોય તેવું લાગે અને તેમના માટે પાન બનાવવા લાગી જતાં. તેમને કશાનું ભાન નહોતું, હાથમાં પાન હોય તેમ હથેળી પર ચૂનો અને કાથો લગાડવા લાગતાં, ત્યારે દમુની મોટી દીકરીઓ તેમની મજાક ઉડાવવા પીપળાનું પાન લાવી બાઈના હાથમાં મૂકતાં અને બાઇ તેનું બીડું બનાવતાં. આમાંની સૌથી મોટી દીકરી તેના પતિ અને બે બાળકો સાથે બાઈને ત્યાં આશ્રિત થઈને રહેતી હતી. દમુ જણે આ મજાક હોય તેમ તેમાં ભાગીદાર બની હસ્યાં કરતી. તેમના પરિવારના આ ટોળામાં મીના, સુધા અને જયુ એટલાં નાનાં અને અલપસંખ્યક થઇ ગયાં હતાં કે આ બધું જોઇને તેમનાથી રુદન સિવાય બીજું કંઈ શક્ય ન હતું. ફક્ત દમુનાં વિધવા જેઠાણી દમુની આ દુષ્ટ છોકરીઓને વઢતાં અને બાઈનું ધ્યાન રાખતાં હતાં.

નરેન એસ.એસ.સી.માં પાસ થઈ ગયો અને ભાવનગર આવ્યો. મારે એને ઉચ્ચ શિક્ષણ આપવું હતું અને કૉલેજમાં મોકલવો હતો. પરંતુ મારી પાસે તો તેને આગળનું શિક્ષણ આપવા માટે એક પાઈ પણ બચી નહોતી. મારા બનેવી પાસે મારી લેણી રકમ લેવા જતી ત્યારે ‘આજ નહિ, કાલ આવો’ એવા વાયદા કરતા. તેમની બદલી નજીકના ગામમાં જ થઈ હતી. જ્યારે જ્યારે હું મારા પૈસા લેવા તેમની પાસે જતી ત્યારે દમુનાં દેરાણી-જેઠાણી કટાણું મોં કરી મારી સામે જોઈ મોઢું મચકોડતાં. મહામુશ્કેલીએ મેં તેમની પાસેથી નરેનની પહેલી ટર્મની ફી કઢાવી.

પણ મારો નરેન એટલો લોકપ્રિય અને લાગણીવશ છોકરો હતો કે તેના બધા પ્રોફેસર તેને પુસ્તકો વગેરે આપતા. આમ કરતાં નરેન ઇન્ટરની પરીક્ષામાં પાસ થયો. મારી દીકરીઓ પણ હવે હાઈસ્કૂલમાં આવી હતી. એમને પણ ફી ભરવી પડતી ન હતી. મહિનાના ફક્ત છ આના ભરવા પડતા. ભાવનગરમાં એક જગ્યાએ એવી યોજના હતી કે ત્યાં વાર્ષિક દસ રૂપિયા ભરવાથી મારી દીકરીઓને નિશાળનાં ઘણાંખરાં પુસ્તકો મળી રહેતાં. થોડાં પુસ્તકો વેચાતાં લેવા પડતાં. વર્ષ પૂરું થતાં ચોપડીઓ પાછી આપતાં દસ રૂપિયા પાછા મળે. મેં તેમનું ભણતર પૂરું થાય ત્યાં સુધી આ રકમ જમા કરાવી રાખી.

ભાવનગરમાં શિક્ષણ વિનામૂલ્યે મળતું હોવા છતાં મને ઘર ચલાવવા મળતી રકમમાંથી ખર્ચ પૂરો થતો નહોતો. દિવસે દિવસે મોંઘવારી વધતી જતી હતી અને અનાજનું પૂરેપૂરું રેશનિંગ હતું. સરકારી દુકાનમાંથી જે સામાન મળે તેમાંથી જ પૂરું કરવું પડતું. રેશનિંગ પણ વિચિત્ર પ્રકારનું હતું. કોઈ કોઈ વાર ફક્ત ચણાનો લોટ જ વધારે મળે અને ઘઉંનો લોટ સાવ ઓછો! આમ થાય ત્યારે બેસનની રોટલી બનાવવી પડતી. ઘણી વાર એકલો બાજરો મળતો. આથી બાજરાના રોટલા અને બાજરીની ખીચડી બનાવવી પડતી. આવી રીતે બેહાલીમાં મેં દિવસ કાઢ્યા.

આવી વિકટ પરિસ્થિતિમાં પણ મારાં ચારે બાળકોએ કદી રંજ, નાખુશી કે અણગમો પ્રદર્શિત કર્યા નહિ. નરેન તો કૉલેજમાં જતો હતો, પણ તેણે કદી પણ મારી પાસે સારાં કપડાંની માગણી કરી નહિ. આવો સમજુ મારો દીકરો હતો. મારી બહેન દમુએ પણ મને કદી જ મદદ કરી નહિ. એ તો જવા દો, મેં આપેલા પૈસાની મને જરૂર પડતી ત્યારે પણ મને અણીના સમયે તેની પાસેથી કદી પૈસા મળ્યા નહિ. આથી મારાં બાળકોને વેકેશન પડતું, ત્યારે હું દમુના ઘેર વેકેશન ગાળવા જવા લાગી. તે મહિનાના ખર્ચની જે બચત થતી તેમાંથી મારી દીકરીઓ માટે વર્ષના કપડાં સિવડાવતી.

નરેન બી.કૉમના પહેલા વર્ષની પરીક્ષામાં પાસ થઈ ગયો. છેલ્લા વર્ષની બીજી ટર્મમાં તે આવ્યો ત્યારે તેની તબિયત અચાનક બગડી ગઈ. ચાર દિવસમાં તેનો જમણો પગ એવો દુખવા લાગ્યો કે તે ચાલી પણ નહોતો શકતો. અમારા બિલ્ડિંગમાં ઘણા સારા લોકો રહેતા હતા. આમાંના એક ભાઈ તખ્તસિંહજી હૉસ્પિટલમાં નોકરી કરતા હતા. તેમણે અને અમારા અન્ય પાડોશીઓએ નરેનને હૉસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા કરી અને મોટા ડૉક્ટરને બતાવી તેને દાખલ કરાવ્યો. બીજા ડૉક્ટરોએ આવીને નરેનને તપાસ્યો અને પૂછયું કે તે શું કરે છે, કઈ કૉલેજમાં ભણે છે. બધી વાત જાણી, તેને બરાબર તપાસી તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. અમે ઊંડી તપાસ કર્યા પછી રોગનું નિદાન કરીશું. તેમને લાગ્યું કે કદાચ બોન ટી.બી. હશે. સદ્‍ભાગ્યે એક્સ-રે લીધા બાદ તેમણે કહ્યું કે આ કોઈ ગંભીર બીમારી ન હતી. નરેનને એક પગના એક મોટા મજ્જાતંતુની બીમારી થઈ હતી [સાઈટિકા-સંપા.], ત્યાર બાદ તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. હું તો એટલી ગભરાઈ ગઈ કે મને થયું, મને જ કંઈ થઈ બેસવાનું છે. એકાદ કલાક બાદ તેને ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવ્યા ત્યારે મને ખબર પડી કે તેને એક મોટું ઇંજેક્શન એપિડ્યુરલ –સંપા.] આપ્યું હતું. નરેન હૉસ્પિટલમાં હતો ત્યારે હું આખો દિવસ તેની પાસે બેસી રહેતી હતી. હૉસ્પિટલ ખીચોખીચ ભરાયેલી હોવાથી દર્દીઓના ખાટલા મુખ્ય વૉર્ડની સાંકડી પરસાળમાં પણ ગોઠવ્યા હતા, તેમાંનો એક પલંગ નરેનનો હતો. પુરુષોનો વૉર્ડ હોવાથી હું ત્યાં રાતે રોકાઈ શકતી ન હતી, તેથી રાતે ઘેર જતી. વૉર્ડના બધા પેશન્ટ અને તેમનાં સગાં મને ઘણી ધીરજ અને હિંમત આપતાં અને કહેતાં, તમારા દીકરાનું અમે ધ્યાન રાખીશું.

એક દિવસ મુખ્ય વૉર્ડમાંના એક દર્દીનું અવસાન થયું અને તેના પાર્થિવ દેહને નરેનની સાવ નજીકથી લઈ જવાનો હતો. કોણ જાણે મને કેવો ડર લાગ્યો, હું તેને મારા ખભાનો આધાર આપી તે દિવસે ધીરે ધીરે ચલાવીને ત્યાંથી દૂર સુધી લઈ ગઈ. તે રાતે તેને એકલો ત્યાં મૂકી જતાં મને ઘણું દુઃખ થયું. હૉસ્પિટલમાં મારી ઓળખાણનાં એક મેટ્રન હતાં તેમને ભલામણ કરી કે નરેનનું ધ્યાન રાખજે. નરેનનો સ્વભાવ સારો હોવાથી બધી નર્સ અને સ્ટાફ તેની સાથે સારો વર્તાવ કરતાં હતાં. દસ-પંદર દિવસ બાદ તેને થોડું સારું લાગતાં હૉસ્પિટલમાંથી તેને રજા આપી. હવે તે ચાલી શકતો હતો, પણ પગમાં થોડો દુખાવો રહી ગયો હતો.

નરેન ઘેર આવ્યા પછી મારા પાડોશીઓના આગ્રહને વશ થઈ મેં ત્યાંના એક દેવીના મંદિરના પૂજારીને ઘેર બોલાવ્યા અને નરેનની હાલત વિશે પૂછ્યું. તેમણે કહ્યું કે નરેનને ભૂત-બાધા થઈ છે, અને તેના નિવારણ માટે ચાળીસ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. જો તમે આ વિધિ નહિ કરો તો તમારો દીકરો નહિ બચે. આ તો મારા લગભગ આખા મહિનાનો ખર્ચ હતો. આટલી રકમ ક્યાંથી ઊભી કરવી? નરેને મને કહ્યું, “બાઈ, આપણે આવું કશું નથી કરવું. મેં એક સારા જ્યોતિષીને ગ્રહ બતાવ્યા ત્યારે તેમણે કહ્યું કે મારા એક પગમાં અકસ્માત દુખાવો થવાનો છે, અને કૉલેજની એક ટર્મ બગડશે.” આથી મેં પેલા તાંત્રિક પાસેથી વિધિ કરાવ્યો નહિ. ત્યાર બાદ રૂવાપરી પાસે એક ભલા નાગર ગૃહસ્થ ડૉકટર અરવિંદભાઈ પાસે અમે નરેનને લઈ ગયાં. તેમણે નરેનને તપાસી તેને ઘણાં ઇંજેક્શન અને દવાઓ આપી તેથી તેને ઘણું સારું થયું, અને તે હરવાફરવા લાગ્યો.

ડૉકટર એવા સજ્જન હતા કે તેમણે અમારી પાસેથી ટ્રીટમેન્ટ કે દવાનો એક પૈસો પણ ન લીધો. તેમણે નરૈનને કહ્યું, “તું વિદ્યાર્થી છે. તારી પાસેથી હું પૈસા ન લઈ શકું.” ત્યાર પછી નરેન અમદાવાદ ગયો. ત્યાં અમારે ભાણા (મારી નણંદના દીકરા) ડૉકટર હતા તેમણે પણ નરેનને સારવાર આપી અને તે તદ્દન સાજો થઈ ગયો.

હવે મારું નસીબ પણ જોર કરવા લાગ્યું. રવિ પણ સાવ સાજો થઈને અમદાવાદ પાછો આવી ગયો હતો. તેને તેની જૂની નોકરી પાછી મળી ગઈ અને તેણે મારી પાસેથી લીધેલા પૈસાનું વ્યાજ આપવાનું શરૂ કર્યું. હવે મને માસિક પચાસ રૂપિયા મળવા લાગ્યા અને ઘર વ્યવસ્થિત રીતે ચાલવા લાગ્યું. આ પહેલાં અમારી પરિસ્થિતિ ઘણી ખરાબ હતી ત્યારે મારા નજીકના સગા થતા દિયરની બદલી ભાવનગર થઈ હતી. અમે કોઈ કોઈ વાર એમને મળવા જતાં. આવા કોઈ પ્રસંગે તેમની દીકરીઓ સરકારી મોટરમાં ફરવા જતી ત્યારે મારી નાની પુત્રીઓ તેમને વિનંતી કરતી કે, “અમને પણ ફરવા લઈ જાવ.” તે વખતે આ છોકરીઓ ગમે તેવા શબ્દો બોલીને કહેતી, “તમારાં કપડાંનાં તો ઠેકાણાં નથી. તમને કોઈ ક્યાંય નહિ લઈ જાય. અમારી સાથે જવાનું નામ ન લેતાં.” પણ તેમના ઘરમાં મોટો પ્રસંગ આવી પડે ત્યારે મદદ માટે મને જ બોલાવતાં. માણસે કદી પણ પોતાની શ્રીમંતાઈનો ગર્વ ન કરવો જોઈએ. મને તો આવા ઘણા અનુભવ આવ્યા.

નરેન માંદગીને કારણે બી.કૉમ.ની પૂરી પરીક્ષા આપ્યા વગર નોકરીની શોધમાં અમદાવાદ ગયો. શરૂઆતમાં પાકી નોકરીનું કોઈ ઠેકાણું પડ્યું નહિ. એક જગ્યાએ તેને માસિક ચાળીસ રૂપિયાના પગારે પાર્ટ-ટાઈમ કામ મળ્યું. ઘરમાં સાવ બેસી રહેવા કરતાં તાત્કાલિક રીતે જે કામ મળે તે લઈ લેવું સારું એમ સમજી તેણે આ નોકરી સ્વીકારી લીધી, અને તેમાંથી મને પૈસા મોકલવા લાગ્યો. રવિને પણ હવે નોકરી મળી ગઈ તેથી તેણે મારી પાસેથી લીધેલા કર્જની રકમનો હપતો બાંધી આપ્યો. આમ મને માસિક પંચોતેર રૂપિયા મળવા લાગ્યા અને મારો ઘરસંસાર સારી રીતે ચાલવા લાગ્યો.

ભાવનગરમાં મોટા અધિકારીના પદ પર મારા જે દિયર હતા તે રિટાયર થઈ ગયા અને તેમનું પલ્લું એકદમ પલટાઈ ગયું. હોદ્દો હતો ત્યાં સુધી તેમના ઘરમાં કોઈ જાતનું તાલતંત્ર ન હતું. ઘરમાં આવક-જાવકનો કોઈ હિસાબ નહોતો. સવારનું ભોજન નીકળે તો સાંજનું કેવી રીતે નીકળશે તેવા સાંસા થઈ ગયા. હવે એવો સમય આવી ગયો કે તેમની એ જ અભિમાની દીકરીઓ ભર બપોરે ખાલી થેલીઓ લઈને મારી પાસે જ દાળ, લોટ જેવી વસ્તુઓ લેવા દર ત્રીજેચોથે દિવસે આવવા લાગી. હું પણ આપી આપીને કેટલું આપું? છતાં પણ મેં તેમને બને તેટલી મદદ કરી. આવી રીતે મારા સગા દિયરે પણ મારી પાસે પૈસાની માગણી કરી. મને કહ્યું કે પૈસા આપો તો આપણે સાથે મળીને બિઝનેસ કરીશું. નરેનને પણ મોટા થતાંની સાથે તૈયાર વ્યવસાય મળી જશે. મને ખબર હતી કે મારા પતિની પૈતૃક જાહોજલાલી મારા આ દિયરની બેદરકારીને કારણે નષ્ટ થઈ ગઈ હતી. હવે તેમની પાસે કાંઈ કરતાં કાંઈ બચ્યું ન હતું. પૈસા અને પદ હતાં ત્યારે તેમનાં પત્ની પોઠિયાની જેમ ઘરેણાંથી લદાઈને બહાર નીકળતાં. ઘરમાં પણ એક રાજાને ઘેર હોય તેવી જાહોજલાલીમાં રહેતાં હતાં. તેમની નોકરી ગયા બાદ તેમણે કરેલા વ્યાપારમાં તેમની પાઈએ પાઈ ડૂબી ગઈ અને જે થયું તે કહેવામાં સાર નથી. ખેર, મેં તેમને કશો જવાબ આપ્યો નહિ. વળી મારી પાસે રોકડા પૈસા તો બચ્યા નહોતા.

જે જે લોકોને મેં અણીને વખતે તેમની જરૂરિયાતમાં પૈસા આપ્યા હતા તે મને કદી પૂરી રીતે પાછા મળ્યા નહિ. ફક્ત રવિ પર મને વિશ્વાસ હતો. મારી દીકરીઓ હવે મોટી થવા લાગી હતી. તેઓ તેમની બહેનપણીની માએ શરૂ કરેલ સામાજિક મંડળમાં જોડાઈ અને મંડળ દ્વારા સામાજિક કુરિવાજોની વિરુદ્ધ યોજાતી નાટિકાઓમાં ભાગ લેવા લાગી. નાટિકાની પ્રેક્ટિસ માટે તથા જ્યારે કોઈ વાર નાટક ભજવવાનું થતું ત્યારે તેમને મોડી સાંજે પણ પાછા આવવું પડતું આ જોઈ અમારા બિલ્ડિંગના લોકો અમારી કુચેષ્ટા કરવા લાગ્યા. મને મારી દીકરીઓના ચારિત્ર્ય અને મેં તેમનામાં રેડેલા સંસ્કાર પર પૂર્ણ વિશ્વાસ હતો. વળી આ સંસ્થા ચલાવનાર બહેન પોતે એક અત્યંત સંસ્કારી અને ખાનદાન પરિવારનાં હતાં, તેથી હું મારી દીકરીઓને તેમની પોતાની પુત્રી સાથે મોકલવામાં ક્ષોભ નહોતી અનુભવતી. મને થતું, મારી પારાવાર ઈચ્છા હોવા છતાં મને પોતાને તો કશું જ્ઞાન મળી શક્યું નહિ તથા કોઈ જાતની સ્વતંત્રતા મળી ન હતી. મારી પુત્રીઓને આગળ વધવા માટે પ્રોત્સાહન મળશે તો તેઓ હોશિયાર થશે અને જીવનમાં પ્રગતિ સાધી શકશે, એવું ધારી હું તેમને આ પ્રવૃત્તિમાં ભાગ લેવા મોકલવા લાગી.

કેટલાક મહિના બાદ નરેનને એક વીમાકંપનીમાં રૂપિયા એકસોના પગારની નોકરી મળી. હવે તે અમારા ત્રણ નંબરના પુત્ર – જે રવિથી નાનો હતો – ને ઘેર રહેવા ગયો, અને ત્યાં રહેવાનો ખર્ચ આપવા લાગ્યો. કોઈ કોઈ વાર વધારે પૈસા પણ આપવા પડતા હતા. તેમ છતાં પગારમાંથી તે અમને પણ પૈસા મોકલતો. આમ તેણે ઘણી તકલીફ વેઠી. હવે મારી આવક માસિક એકસો પાંચ રૂપિયાની થઈ અને પરિસ્થિતિ ઘણી સુધરવા લાગી. ફરીથી મધના માટલા ફરતી માખીઓ બણબણવા લાગી! મને તો બધા પ્રકારના અનુભવ આવી ગયા હતા. વઢવાણમાં પતિગૃહે હતી ત્યારે મારાં જેઠાણી તેમના આઠ જણના પરિવાર સાથે અમારે ઘેર દર વર્ષે દોઢ-બે મહિના રહી જતાં, અને પૂરા અધિકાર સાથે અમારા ઘરમાંથી જે જોઈએ તે વસ્તુઓ ઉપાડી જતાં. તેમણે મને કદી કહ્યું નહિ કે, “બાઈ તમે અમદાવાદ અમારે ત્યાં આવજો.” હું અમારાં મોટાં સંતાનોને મળવા કદીક અમદાવાદ જતી ત્યારે પણ મને ઘેર મળવા આવવા માટે કહ્યું નહિ. જાણે તેમને અમારી શરમ ન આવતી હોય! ચડતીપડતી તો બધાંને આવતી હોય છે, પણ તેમણે મારી આવી વિડંબના હંમેશાં કરી.

મીના અને સુધા હવે એસ.એસ.સી.ના વર્ગમાં આવી હતી અને મારી સૌથી નાની – ડૉલી દસમા ધોરણમાં. હવે નરેને અમને અમદાવાદ લઈ જવાનો વિચાર કર્યો. તેણે તેના મોટા ભાઈઓને આ વિશે પૂછયું ત્યારે ત્રણે ભાઈઓએ કહી નાખ્યું કે તારી પોતાની જવાબદારી પર તેમને લાવવાં હોય તો લઈ આવ. અમે તને કોઈ જાતની મદદ નહિ કરી શકીએ. નરેને કહ્યું, “કશો વાંધો નહિ. મારી તો એ મા છે. તેને અને મારી બહેનોને મારી જવાબદારી પર લાવીશ.”

આ વાત ચાલતી હતી ત્યાં હું એકદમ માંદી પડી ગઈ, તેથી નરેન મને એકલીને અમદાવાદ ત્રણ નંબરના જે ભાઈ (મધુ)ને ઘેર રહેતો હતો ત્યાં લઈ આવ્યો ત્યાં મોટા દવાખાનામાં મને તપાસી મારી સારવાર શરૂ કરી. અહીં હું એક મહિનો રહી. મારા ત્રણ નંબરનાં પુત્રવધૂએ મારું સારું ધ્યાન રાખ્યું. મને શી માંદગી હતી તે કોઈને ખબર ન હતી, તેથી હું તેમની દીકરી (મારી પૌત્રી)ને સંભાળતી અને તે મારી પાસે આખો દિવસ રહેતી. તે મારી સાથે એવી હળી ગઈ હતી કે તેને મારા વગર જરા પણ ન ચાલતું. મારી પાસે આવવા તે રડવા લાગતી. એક દિવસ મારી વહુની કામવાળીએ મને કહ્યું, “બાઈ હવેથી તમે બેબીને લેશો મા.” આ કહ્યું ત્યારે મને કલ્પના આવી કે મને કોઈ ગંભીર માંદગી થઈ છે. ઘણાં ઇંજેક્શન લીધા બાદ મને સારું થયું. મારા ઇંજેક્શન, દવાદારૂ વગેરેનો બધો ખર્ચ એકલા નરેને કર્યો.

સાજી થયા બાદ હું ભાવનગર પાછી ગઈ અને ફરીથી રૂવાપરીના પેલા ભલા ડૉકટર અરવિંદભાઈને તબિયત બતાવી. તેમણે તપાસ્યા બાદ મને કહ્યું કે મને વધારે પડતા વાયુનો વિકાર છે, તેથી પેટમાં દર્દ થતું હતું. તેમણે મને દવા આપી અને નરેને અપાવેલાં ઇંજેક્શનથી મારી તબિયત સારી થઈ.

અમદાવાદના અમારા મકાનમાં નીચેનો એક ભાગ ખાલી થયો તેથી નરેન અમને લેવા ભાવનગર આવ્યો. મોટા ભાગનું પેકિંગ તો અમે કરી લીધું હતું. નરેન આવ્યા બાદ મેં બાકીનો સામાન પેક કર્યો. મેં કોઈનું કરજ માથા પર રાખ્યું નહોતું. કરિયાણાની દુકાન, દૂધવાળા, અનાજની દુકાન – એમ બધાંના પૈસા મેં ચૂકવી આપ્યા હતા. અમે હવે ભાવનગરથી કાયમ માટે વિદાય થયાં. અમારા બિલ્ડિંગના બધા લોકો સાથે મારી અને મારી દીકરીઓની એવી માયા બંધાઈ હતી કે જ્યારે અમે ત્યાંથી નીકળ્યાં ત્યારે બધા લોકો ઘણું રડ્યા. રડતાં રડતાં મને તેમણે કહ્યું, “તમે જાવ છો તેથી આખું બિલ્ડિંગ ખાલી થઈ ગયું.”
જેટલો વખત અમે આ બિલ્ડિંગમાં રહ્યાં બધા લોકો પરત્વે અમારો ઘનિષ્ઠ હેત-સંબંધ બંધાયો હતો. આખા મકાનનાં નાનાં બાળકોને રોજ રાતે હું વાર્તાઓ કહેતી. સૌરાષ્ટ્રમાં રહ્યાં

તે દરમિયાન મારા બનેવીના હોદ્દાને કારણે મારી બહેન મને જુદાં જુદાં સ્થળો જોવા લઈ જતી અને ઘણી યાત્રાઓ કરી. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર તો હું ઠેઠ ગુરુ દત્તાત્રેયની ટૂંક ચઢી આવી હતી. તળેટીએ આવેલ બ્રહ્મકુંડમાં સ્નાન કર્યા, અડી કડી વાવ, નવઘણ કૂવો, ઉપરકોટ, લડાઈના છૂપા રસ્તા, તોપ અને જે જગ્યાએથી સિદ્ધરાજે રાખેંગાર પર ઘેરો નાખી જે જગ્યાએથી સૈન્ય દાખલ કર્યું હતું તે પણ જોયું. રા’ખેંગારની મોટી કોઠાર હજી જેમની તેમ છે, તે પણ જોઈ. ત્યાંથી સોમનાથ પાટણ જઈ સોમનાથના જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા. સિહોર જવાનો મોકો મળ્યો ત્યારે પણ જોવા લાયક સ્થળોનાં દર્શન કર્યાં. ઋષિના તપોબળથી જે સ્થાન પર નદી વહેવા લાગી હતી તે જોઈ અને પાલિતાણાનાં શિખરો ચઢી આવી. આવી જ રીતે નિંગાળા-ગઢડાનાં સ્વામીનારાયણનાં મંદિર, સાળંગપુરના હનુમાનજી, ગોપનાથ, મીઠી વીરડી – આ બધું જોયું. ફક્ત દ્વારકા જવાનું રહી ગયું!

સૌરાષ્ટ્ર છોડ્યું અને એક નવા યુગમાં પ્રસ્થાન કર્યું.


ક્રમશઃ


કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
બ્લૉગઃ  www.captnarendra.blogspot.com