મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર

“તમે કુંભમેળામાં જઈ આવ્યા?” પ્રયાગરાજમાં મહાકુંભ ચાલતો હતો તે વેળાએ એક મિત્રે મને પૂછ્યું.

“ના, નથી ગયો.”

“શું વાત કરો છો ? હજુ સુધી નથી ગયા? જ‌ઇ આવો, જઈ આવો. હવે થોડા દિવસો જ બાકી છે છે.”

“પણ મારી ઇચ્છા કુંભમેળામાં જવાની નથી, ત્યાં જવાથી શું ફાયદો થાય?.”

“અરે આટઆટલું માણહ જાય છે તે કાંઇ અમસ્તું જતું હશે?”

“એ કાંઇ ખબર નથી, પરંતુ મને કાંઈ જરૂર જણાતી નથી”

“કાંઇ નહિ, ના જવું હોય તો.” મિત્રે નાખુશ થતા કહ્યું.

સામાન્ય રીતે માનવામાં આવે છે કે કુંભમેળામાં જઈને પ્રયાગરાજમાં ડૂબકી મારવાથી પૂણ્ય મળે છે. પરંતુ ઉપર પ્રમાણે ઘણાબધા મિત્રો-સગાસબંધીઓ સાથે વાત કર્યા પછી મને લાગ્યું કે કુંભમેળામાં જઈને પૂણ્ય મેળવવાનો હેતું ઉપરછલ્લો જ હોય છે. ખરેખર તો ત્યાં ખૂબ લોકો જઈ રહ્યાં છે માટે આપણે પણ જવું જોઇએ એવી સમજને કારણે લોકો જતા હોય છે..

આવી રીતે એક શેઠિયાને ત્યાં લગ્નનાં રિસેપ્શનમાં જઈ આવ્યા પછી મારા એક સબંધીએ મને પ્રસંગના વખાણ કરતા કહ્યું

“આને કહેવાય પ્રસંગ કર્યો.”

“એટલે?” મેં પૂછ્યું.

“અરે આખા પાર્ટીપ્લોટમાં નાખી નજર કરો ત્યાં માણહ ને માણહ જ દેખાય” એમ કહ્યા પછી જમવાનાં દરેક કાઉ‌ન્ટર પરની ભીડની વાત કરી. આમ પ્રસંગની સફળતા પણ તેમાં થયેલી આમંત્રિતોની ભીડને આધારે નક્કી થાય છે.

માત્ર શુભપ્રસંગને જ નહિ સ્મશનયાત્રા કે બેસણાને પણ આ જ માપદંડ લાગુ પડે છે.

કેટલાક ગામોમાં અને લગભગ દરેક શહેરમાં એવું બનતું હોય છે કે અમુક મંદિરો વર્ષો સુધી સૂનાં પડ્યા હોય છે. રસ્તે ચાલનાર તેની નજીકમાંથી પસાર થાય તો પણ કદી તેની સામે જોતા નથી હોતા. ભાગ્યે જ કોઇનો પગફેર ત્યાં થતો હોય છે. પરંતુ અચાનક એ મંદિરના દેવ કે દેવીનાં(વાસ્તવમાં તો પૂજારીનાં કે ટ્રસ્ટીઓનાં) ભાગ્ય ખૂલી જાય છે અને લોકો ત્યાં જવાનું શરૂ કરે છે. કોઇ પ્રચારથી કે અન્ય કોઇ કારણે વધારે લોકો ત્યાં જવા લાગે છે. પછી તો એક વખત જો ભીડ જામી તો જેમ પૈસો પૈસાને ખેંચે છે તેમ ભીડ પણ ભીડને ખેંચવા લાગતી હોય છે.

દાકતરોનાં કહેવા મુજબ કોલોસ્ટ્રોલ બે પ્રકારના હોય છે એક સારું કોલોસ્ટ્રોલ અને બીજું ખરાબ કોલોસ્ટ્રોલ. તે જ રીતે ભીડના પણ બે પ્રકારો હોય છે એક નહિ ગમતી ભીડ અને બીજી મનપસંદ ભીડ. રેલગાડીમાં, બસમાં કે રસ્તા પરના ટ્રાફિકને કારણે થતી ભીડ લોકોને ગમતી નથી. પરંતુ એ જ લોકો જ્યારે મેચ ચાલતી હોય છે ત્યારે સ્ટેડિયમમાં માત્ર ભીડનો આનંદ લેવા જ જતા હોય તેમ લાગે છે. એ જ રીતે ક્રિકેટનો વર્લડકપ કે એવી મોટી મેચ જીત્યા પછી તેની ઉજવણી કરવા જાણે આખું શહેર રસ્તા ઉપર ઉતરી પડ્યું હોય એટલી મોટી ભીડ થાય છે. અહીં પણ આનંદ તો ભીડનો ભાગ બનવાનો હોય છે. ચોક્કસ તિથિએ કે તહેવારે મંદિરોમાં કે યાત્રાધામોમાં થતી ભીડ એ લોકોની પસંદગીની ભીડ છે. અહીં ભગવાનની મૂર્તિના દર્શન કદાચ થાય કે ન થાય પરંતુ ભીડમાં જ ભગવાનનાં દર્શન કરીને લોકો ધન્ય થતા હોય છે.

જેમ માણસનાં જીવનમાં દસકાદસકી આવે છે તેમ કેટલાક દેવોને પણ તડકીછાંયડી આવતી હોય છે. અમદાવાદથી પચાસેક કિલોમીટરના અંતરે જ આવેલું હોવા છતાં ‘ગણપતપુરા’ નામ પણ મેં અગાઉ સાંભળેલું નહિ. અચાનક ત્યાંના ‘બાપા મોરિયા’નાં ભાગ્ય ખૂલી ગયા. કોઇ પ્રચાર થયો કે નહિ એની ખબર નથી પરંતુ લોકો અહીંના ગણપતિની કૃપા મેળવવા ઉમટી પડ્યા. ગામોગામથી અને અમદાવાદ જેવા શહેરના દરેક વિસ્તારમાંથી ગણપુતપુરા જવા માટે ખાસ બસો ઉપડવા લાગી. મંદિરમાં દર્શનિયાઓની ભીડ થવા લાગી. પરંતુ હવે ત્યાંના ‘સ્વામી સૂંઢાળા’નો દસકો બદલાયો હોય એમ લાગે છે. એ યાત્રાધામમાં દર્શાનાર્થીઓની સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ છે.

પરંતુ કેટલાક લોકોની શ્રીમતાંઇ પેઢી દર પેઢી ચાલું જ રહે છે. એટલું જ નહિ ધનસંપત્તિ વધતાં જ જાય છે. તેમને કોઇ દસકાદસકી આવતા નથી. આ વાત ડાકોર કે અંબાજી જેવા યાત્રાધામોને વિશેષ લાગુ પડે છે. દિનપ્રતિદિન અહીં આવતા યાત્રાળુઓની સંખ્યા વધતી જ જતી હોય છે. ક્યારેક ભીડને લીધે થતી ધક્કામુક્કીને કારણે થતાં મૃત્યુના સમાચારો પણ ભાવિક ભક્તોની ભીડમાં ઓટ આણી શકતા નથી.

લોકો કહેતા હોય છે કે નેતાઓને ખુરશી પસંદ હોય છે. પરંતુ નેતાઓ માનતા હોય છે કે ખુરશી સુધી પહોંચવાનો રસ્તો સભાઓ કે રેલીઓની ભીડમાંથી પસાર થાય છે. જે નેતાની સભામાં વધારે લોકો આવે તે નેતાની ચૂંટણી જીતવાની શક્યતા વધારે એમ માનવામાં આવે છે. આથી ગામોગામથી લોકોને બોલાવીને ભીડ એક્ઠી કરવામાં આવે છે, તો ક્યારેક શ્રોતાઓની સંખ્યા ઓછી હોય તો કેમેરાની કરામતથી મોટી ભીડ બતાવવામાં આવે છે.

નેતાઓને જેમ ભીડ પસંદ હોય છે તેમ જેમનો વ્યવસાય ‘હાથકી સફાઈ’ હોય છે તેવા કલાધરોને માટે પણ પોતાનાં કલાકૌશલ્ય માટે બસમાં, ટ્રેનમાં, બજારોમાં કે જ્યાં પણ વધારે માણસો એક્ઠા થતા હોય તેવા ભીડભરેલાં સ્થળો અનુકૂળ હોય છે. આથી એવા સ્થળો પર તેઓ પોતાના વ્યવસાયની પસંદગી ઉતારતા હોય છે. નેતાની રેલીમાં મંચસ્થિત નેતાનું અને નીચે સભામાં ગોઠવાઇ ગયેલા ‘હાથકી સફાઇ. ના કલાધરોનું કામ મૂળભૂત રીતે એક જ હોય છે. જો કે  બન્નેમાં થોડો ફરક તો હોય જ છે. મંચ પરના નેતા ચૂંટણી જીત્યા પછી પ્રજાના પૈસા સેરવી લેવાનું કામ કરતા હોય છે. જ્યારે નીચે સભામધ્યે રહેલા કલાધરો તાત્કાલિક પોતાનું કામ આટોપી લે છે. આ કલાધરો સભામાં હાજર રહેલા સુરક્ષા કર્મચારીઓ અને સામાન્ય સભાજનોમાં ભેદ કરતા નથી. કોઇ વખત પોલીસ ઈ‌ન્સેપેક્ટર જેવા મોટા સુરક્ષા કર્મચારીના ખિસ્સા પણ અસુરક્ષિત બની જાય છે. બીજો એક મોટો ફરક એ હોય છે. નેતાનાં રક્ષણ માટે મંચ પર સુરક્ષા કર્મચારીઓ રાખવામાં આવે છે. જ્યારે પેલા સામાન્ય કલાધરો તો નોધારા અને તદ્દન અસુરક્ષિત હોય છે. તેઓ કદાચ કોઇનાં ખિસ્સાનો ભાર હળવો કરતા પકડાઇ જાય તો ટોળું તેમનો ન્યાય કરવા લાગી જાય છે.

કેટલાક રાજકીય પક્ષો કે નેતાઓ માને છે કે સત્તા સુધી પહોંચવા માટેનો ટૂંકો રસ્તો ભાષા ધર્મ કે પ્રદેશના નામે પ્રજાના અલગ અલગ સમૂહ વચ્ચે વૈમનસ્ય ઊભું કરીને તે દ્વારા કરાતા તોફાનોમાથી પસાર થાય છે. કોઇ એકલદોકલ નાગરિકને આ માટે ઉશ્કેરવાનું શક્ય નથી બનતું. આથી નેતાઓ ભીડ એક્ઠી કરીને લોકોને ઉશ્કેરે છે. આટલું કર્યા પછી નેતાનું કામ પૂરું થાય છે અને નેતાનું લક્ષ્ય પૂરું કરવા માટે ભીડ કામ શરૂં કરી દે છે. કેટલીક વખત નેતાનું આ કામ નેતા વતી અને નેતાના લાભાર્થે ધર્મગુરુઓ સંભાળી લેતા હોય છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

એમ કહેવાય છે કે માણસને સૌથી વધારે પજવનાર હોય તો એ તેનાં મગજમાં થતી વિચારોની ભીડ છે. આથી આધ્યાત્મિક માર્ગના ભોમિયાઓ વિચારોને કાબૂમાં રાખવા માટે ધ્યાનના પ્રયોગો સૂચવતા હોય છે. આ પ્રયોગો કેટલા સફળ થાય છે તેની જાણકારી નથી, પરંતુ માણસ ભીડનો ભાગ બને છે ત્યારે તેના મગજમાંથી વિચારો સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. કોઇ રસ્તે જતા માણસને તમે સામેની બિલ્ડિ‌ન્ગ કે રસ્તે જતી બસ પર પથ્થર મારવનું કહેશો તો તેના મગજમાં હાજર રહેલા વિચારોને કારણે તમને પાગલ સમજશે. પરંતુ એ જ માણસ જ્યારે ભીડનો ભાગ બનશે ત્યારે પૂરેપુરો વિચારમુક્ત થઈને સમૂહની સાથે પથ્થરમારામાં જોડાઇ જાય છે. આમ ભગવાન બુધ્ધ, જે કૃષણમૂર્તિ કે ઓશો રજનીશ જે કરી શક્યા નથી તે માણસને વિચારમાંથી મુક્તિ આપવાનું કામ ભીડ પળવારમાં કરી શકે છે. જેમ લોઢું લોઢાને કાપે છે તેમ માણસ બાહ્ય જગતની ભીડનો ભાગ બનીને પોતાનાં મગજમાંના વિચારોની ભીડથી છૂટકારો મેળવી શકે છે!


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.