વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ભારતીય સીમાના સુરક્ષા ગાર્ડની ચોકી કહો કે નજર, એનાથી બચીને હું આગળ વધ્યો. બપોરના બાર વાગ્યાનો સમય હશે, પણ હજુ બંકરોમાંથી કોઈ બહાર નીકળેલું દેખાતું નહોતું. શક્ય છે ગાઢ નિદ્રામાં હશે. શક્ય છે કે, આવા ધોળા દહાડે કોણ માઈનો લાલ સીમા પાર કરવાનું સાહસ કરશે એવું વિચારીને એકદમ નિશ્ચિંત બનીને બંકરમાં બેઠા હશે.
મુઠ્ઠીઓ વાળીને તેજ ગતિએ મેં ગાડી તરફ દોટ મૂકી. પસીનાના રેલાથી શરીર તરબતર થવા માંડ્યું. અત્યારે તો નજર સામે ફક્ત મારા ભાઈનો ચહેરો દેખાતો હતો. એની હાલત ખૂબ ગંભીર છે, એવા સમાચાર મળ્યા હતા.
નીલમ (કૃષ્ણગંગા)ની એ સાવ ઓછી વસ્તીમાં ભયંકર શાંતિ પથરાયેલી હતી. સીમાની પેલે પાર એ રહેતો હતો એટલે એના માથે પાકિસ્તાનીનું લેબલ લાગ્યું હતું. સંદેશો લાવનારે તો એ પણ કહ્યું હતું કે, અર્ધ અભાનાવસ્થામાં પણ એ મને જ યાદ કરે છે.
આવો સંદેશો મળ્યા પછી ન તો મને ચેન પડવાનું હતું કે ન તો હું શાંતિથી બેસી શકવાનો હતો. એક બસ પુલ જ ઓળંગવાનો હતો. ફક્ત પાંચ જ મિનિટ લાગે એમ હતી, પણ ખુલ્લેઆમ એ પાર કરવો એ કપરું હતું છતાં મુઠ્ઠીઓ વાળીને હું દોડતો રહ્યો.
હજુ તો થોડો જ આગળ વધ્યો હોઈશ અને કરડો અવાજ સંભળાયો.
“થોભી જા.” પગમાંથી ચેતન સાવ ઓસરી ગયું. સામે બે સિપાહી રાઇફલ તાકીને ઊભા હતા.
“ભારતીય લાગે છે.” એકે કહ્યું.
“ગિરફ્તાર કરી લો એને.” બીજાએ કહ્યું.
“નહીં, નહીં ભાઈસા’બ. હું નથી ભારતીય કે નથી પાકિસ્તાની. કાશ્મીરી છું. પે….લું તૂટ્યુંફૂટ્યું ઘર દેખાય છે ને એમાં મારો ભાઈ રહે છે. બહુ બીમાર છે. ખુદા સિવાય એનું કોઈ નથી. ફક્ત અડધા કલાકની રજા આપો તો એની ખબર પૂછી આવું, દવા આપી આવું. અરે, કંઈ નહીં તો પાણી પીવડાવી આવું.”
એક સિપાહીએ તો મારી ગરદન પર બંદૂકથી ગોદો માર્યો. જાણે ભૂકંપ આવ્યો હોય એમ મારા હોશ ઊડી ગયા, ગાત્રો ગળી ગયાં. પછી તો મને બંકરમાં લઈ ચાલ્યા. ત્યાં પહેલેથી કેટલાય સિપાહીઓ હતા. એમણે તો હું ભારતીય જાસૂસ જ છું એમ કહી દીધું ને પછી તો મને જે માર પડ્યો છે!!
“સાફ સાફ લખી આપ કે, તું પાકિસ્તાનનો દુશ્મન, ભારતીય જાસૂસ છું.”
“મારે એવું કહેવાનું કે, જેની બીમારીના સમાચારે હું આટલો પરેશાન હતો એ મારા ભાઈનો દુશ્મન છું?”
મને હેડ-ક્વાર્ટર લઈ જવામાં આવ્યો.
મારા ભાઈનું ઘર એની એકદમ પાસે હતું. મેં કેટલીય વાર કાકલૂદી કરી કે. “ભલે મને હાથકડી પહેરાવો, હાથકડી પહેરાવીનેય મને મારા ભાઈના ઘર સુધી તો લઈ જાવ. બસ, ખાલી એની ખબર પૂછી લઈશ”
પણ, કોણ મારું સાંભળે? ઉપરથી મારા શરીર પરના ખુલ્લા ઘા પર મીઠું ભભરાવામાં આવ્યું. હું બેહોશ થઈ ગયો.
બેહોશીમાંય જાણે નજર સામે ખાટલા પર પડેલો અંતિમ શ્વાસ લેતો, વારંવાર પાણી માંગતો મારો ભાઈ દેખાતો હતો. ક્યાંય દૂર સુધી પાણીનું નામનિશાન નહોતું દેખાતું. બેડીની તીણી ધારવાળી ખીલીથી ઉઝરડા પડેલા મારા એક હાથમાંથી લોહી વહેતું હતું. જાણે એની તરસ છીપવવા એ કામ ના લાગવાનું હોય એમ એ લોહીની ધાર નીચે મારા બીજા હાથનો ખોબો ધરી દીધો. જેવો હું એના મોં પાસે લોહી ભરેલો ખોબો ધરું એ પહેલાં તો એને છેલ્લું ડચકું લીધું અને શ્વાસ છોડી દીધા.
બેભાન અવસ્થામાંય મારા મોંમાથી ચીસ નીકળી ગઈ, “સર્વનાશ થાય માણસજાતના આવા વિચારોનું જેણે ઈશ્વરે સર્જેલી આ જમીનને ટુકડાઓમાં વહેંચી દીધી. અરે, ભાઈ તે વળી ભાઈનો દુશ્મન હોતો હશે?”
બેહોશીમાંથી જાગ્યો ત્યારે “આમ બહાર જો.” કહીને સિપાહીઓએ બારીની બહાર ઈશારો કર્યો. બારીની બહાર મારા ભાઈનો જનાજો જતો દેખાયો.
“મને થોડી વાર માટે તો છોડો. મારે એનો ચહેરો જોવો છે, એના જનાજાને કાંધ આપવી છે.”
“અમને ખબર છે કે એ તારા ભાઈનો જનાજો જઈ રહ્યો છે, પણ શું થાય; અમેય લાચાર છીએ. તને એમાં જોડાવાની રજા ના આપી શકીએ.”
“અરે ભાઈ, તમે લાચાર છો પણ ઑફિસર પાસેથી તો રજા લઈ શકો ને?” મેં વિનંતી કરી.
“એ લોકો પણ લાચાર છે અને કોની રજા લઈ શકાય એની અમને કોઈને ખબર નથી.”
હું તો લાચાર હતો, પણ મારાથીય વધુ એ લોકો લાચાર હતા.
અબ્દુલ ગની બેગ અખ્તર લિખીત ( ઓમકાર કૌલ અનુવાદિત) વાર્તાનો ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
