ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
કોઈ રક્તદાતાએ એવું જોયું છે કે એનું રક્ત સીધું એક શીશીમાં જાય અને એ શીશીમાંથી જ બીજો છેડો નીકળે જે રક્ત લેનાર દર્દીના શરીરમાં જાય? આટલું સાંભળતાં જ જાણકારો કહેશે કે એક નહીં, ત્રણ ત્રણ રક્તદાતાઓના શરીરમાંથી રક્ત એક જ શીશીમાં જાય અને એ જ શીશીમાંથી એક છેડો દર્દીના શરીરમાં જાય એવું પણ જોયું છે. આવી અનોખી તબીબી સિદ્ધિ નિર્માતા-દિગ્દર્શક મનમોહન દેસાઈએ પોતાની ફિલ્મ ‘અમર અકબર એન્થની’માં દેખાડી છે. 1977માં રજૂઆત પામેલી આ ફિલ્મ મને બારેક વર્ષની વયે, મુંબઈના ‘બાદલ’ થિયેટરમાં જોવા મળેલી. રજૂઆતના એકાદ બે સપ્તાહમાં જ મારા પિતરાઈ ભાઈબહેનો કિશનભાઈ, મયુરભાઈ અને સુજાતાબહેન સાથે હું ગયેલો. ફિલ્મ કેવી હોવી જોઈએ એ હજી સમજણ નહોતી પડતી, પણ મારાં એ ત્રણે પિતરાઈઓએ બહાર નીકળતાં જ કહેલું, ‘ટાઈમપાસ ફિલ્મ છે. ગોલ્ડન જ્યુબિલી આરામથી કરશે.’ ખ્યાલ છે ત્યાં સુધી આ ફિલ્મે પ્લેટીનમ જ્યુબિલી કરેલી. એ પછીનાં વરસોમાં પણ મુંબઈ રહેતા મારા કાકા શૈલેષ પરીખને ત્યાં જવાનું થાય ત્યારે તેઓ આ ફિલ્મનો ઉલ્લેખ ‘સરસ ફિલ્મ’ તરીકે કરતા. આજે મને એ સમજાય છે કે ફિલ્મમાં તર્ક, કાર્યકારણ વગેરે જેવાં પાસાંનું મહત્ત્વ ઘણું હોય છે, પણ મનમોહન દેસાઈ પોતાની ફિલ્મનું પેકેજિંગ એ રીતે કરતા કે દર્શકો આવું કશું વિચારે નહીં. તેમને શુદ્ધ મનોરંજન મળે અને ‘પૈસા વસૂલ’નો સંતોષ થાય.

આ ફિલ્મનાં કુલ સાત ગીતો હતાં, જે આનંદ બક્ષીએ લખેલાં અને લક્ષ્મીકાન્ત – પ્યારેલાલે સંગીતબદ્ધ કરેલાં. આ પૈકીનાં છ ગીતો ખૂબ જાણીતાં છે. ‘પર્દા હૈ પર્દા’ (મહમ્મદ રફી), ‘દેખ કે તુમ કો દિલ ડોલા હૈ’ (કિશોરકુમાર, મુકેશ, મ.રફી અને લતા), ‘માય નેમ ઈઝ એન્થની ગોન્સાલ્વિસ’ (કિશોરકુમાર, અમિતાભ બચ્ચન), ‘તૈયબઅલી પ્યાર કા દુશ્મન હાયે હાયે’ (મ. રફી અને સાથીઓ), ‘શિરડીવાલે સાઈબાબા’ (મ. રફી અને સાથીઓ) તેમજ ‘અનહોની કો હોની કર દે’ (કિશોરકુમાર, મહેન્દ્રકપૂર, શૈલેન્દ્રસિંહ). આમાંનું ‘શિરડીવાલે સાઈબાબા’ કોણ જાણે કયા કારણથી, પણ લગ્નના વરઘોડાઓમાં બહુ ગવાય છે. આ છ ગીત ઉપરાંત ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે મ.રફીના સ્વરમાં ગવાયેલું એક ગીત પણ હતું. ફિલ્મનાં ટાઈટલ દરમિયાન રક્તદાનવાળી આખી સિક્વન્સ ચાલતી રહે છે. ડૉક્ટર પલ્સ ચેક કરે, સ્ટેથોસ્કોપ લગાડે, કશુંક નોંધે- આ બધી હરકતો અત્યારે જોતાં મનોરંજન આપે છે, પણ કોને ખબર સીત્તેરના દાયકાના ઉત્તરાર્ધમાં આ રીતે થતું પણ હોય!

ફિલ્મના ટાઈટલ્સ દરમિયાન સંભળાતા ગીતના શબ્દો આ મુજબ છે:
माँ सिर्फ नाता नहीं
ये कुछ और भी है
माँ से बिछड़ के भी
ये टूट जाता नहीं
ये सच है कोई कहानी नहीं
ये सच है कोई कहानी नहीं
खून खून होता है पानी नहीं
खून खून होता है पानी नहीं
खून खून होता है पानी नहीं
फूलों की पहचान है रंग-ओ-बू से
पहचाने जाते हैं ईन्सान लहू से
ईन्सान लहू से
हाँ ईससे बडी कुछ निशानी नहीं
हाँ ईससे बडी कुछ निशानी नहीं
खून खून होता है पानी नहीं
खून खून होता है पानी नहीं
ये खून जिसने पैदा किया है
वो दूध माँ का सब ने पिया है
सब ने पिया है
क्या इसकी कीमत चुकानी नहीं
क्या इसकी कीमत चुकानी नहीं
खून खून होता है पानी नहीं
खून खून होता है पानी नहीं
खून खून होता है पानी नहीं.
આ આખું ગીત અહીં સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
