કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

“મા ! તમે ક્યાં જવા તૈયાર થયા છો ? મારે તમારી સાથે આવવું છે.”

“અરે ભૂંડી ! તેં તો મૂરત્યમાં જ “ક્યાં કારો” કર્યો ? “કેણપા જાવ છો” એમ નથી કહી હકતી ?” વીરુમાએ પૌત્રીને ખખડાવી નાખી.

“ભલે મા ! કેણપા જાઓ છો ? મારે આવવું છે.”

“હું અહીં સિમાડે આવેલ પંચવટીની વાડીએ જાવ છું. ન્યાં તારી જેવડું કોઇ નૈ હોય. ન્યાં માલપરા-સોહલા-અણિડા-આંકડિયા અને આપડું ગામ સાજણાવદર- એમ પાંચ ગામની મારી જેવડીયું મોટી ઉમરની બાયુંને દર વરહે શરાવણ મહિનામાં ગોદાવરી બા વાડીએ કિરતન કરવા ભેગ્યું કરે છે. એમાં તને ટપો નહીં પડે. છતાં આવવું હોય તો હીંડ્ય, વાડી કંઇ બહુ છેટી નથી.

“હાલો હાલો, મજો પડી ગયો ! મારેય કીર્તન શીખવા છે.” કહી પૌત્રી તો કુદતી કુદતી માંડી ચાલવા.

.” અરે ઊભી રે ઊભી રે, વાલામૂઈ ! હાલવા કાં માંડી ? આ કૂતરું કાન કરે છે ઇ નથી ભળાતું ? વીરુમાએતો પૌત્રીને એકદમ રોકી

“મા, ઇ તો એના કાનમાં ખજવળ આવે એટલે એમ કરતું હશે. એમાં આપણે શુંકામ ઊભા રહી જવાનું ?”

“તું તો ઢાંઢા જેવડી થૈ તોય પૂરી ભાન નો આવી ! આપણે કોઇ સારા કામે બહાર જતા હોઇએ અને કૂતરું કાન કરે એટલે અપશકન થયા ગણાય બેટા !”  “અપશુકન થાય તો શું થાય મા ?” પૌત્રીને અપશુકનમાં સમજણ ન પડી.

“સોપડા તો તું ગાંહડી એક ફેરવ્ય છો, એમાં ક્યારેય અપશકનની વાત આવતી જ નથી ?” જો અપશકન થાય તો જે કામે જતા હોઇએ એમા સદ્ધિકલ્યાણ નો થાય, કૈંક ને કૈંક નો થાવાનું થાય બાઈ !’વીરુમાએ પૌત્રીને અપશુકનનું શાસ્ત્ર સમજાવ્યું.

“ તો હવે આપણે બહાર જવાનું બંધ રાખવું પડશે ને મા ?” નિરાશ થઈને પૌત્રી બોલી.

“ના ભૈ ના ! ઘડીક ઊભા રહી જઈ નીચે બેહી ગયા પછી હાલતા થઈએ તો અપશકન ટળી ગયા ગણાય.[થોડીવાર પછી] હાલ, હવે હાલતા થાઇ, હવે વાંધો નહીં”. માનો આવો ઉકેલ સાંભળી પૌત્રીને ઇંતેજારી થતાં પૂછી રહી કે “ તે હેં મા ! કૂતરાંથી બીજા કોઇ અપશુકન થાય ખરા ?” મા એ ખુલાસો કરતા કહ્યું, “થાય ને બેટા ! કોઇની ડેલી કે ખડકીને બારણે કૂતરાં ભેળાં થૈ લાંબા રાગે કાણ [રોવું] માંડે એટલે સમજવું કે એ ઘર માથે ભાર આવ્યો છે. કૂતરાં જમને ભાળતાં હોય, એ ઘરે કોઇ ગઢ્ઢા-બુઢ્ઢાનો જીવ લેવા “જમ”ના આવવાના એંધાણ લાંબા રાગે રોઇને કુતરાં આગમ ભાખતા હોય એવું હું એકલી નહીં, આખા ગામની બાયું સમજે છે, તું ન સમજી ?” “હેં મા ! કૂતરાની જેમ બિલાડી કાન કરે તો અપશુકન ન થાય ?” પૌત્રીને તો “કાન કરવા” માં બહુ રસ પડ્યો..

“અરે બાઈ ! તને તો શેનીય ખબર નથ્ય. બહાર જતા હોઇએ અને મીંદડી આડી ઉતરે તોય અપશકન થાય.”

“પણ મા ! મારા મામાના ઘેર પાળેલી બિલાડી છે. એ તો ઘેર આમથી તેમ ભટકાયા જ કરતી હોય છે, એનું શું સમજવું ?” પૌત્રી કેડો છોડતી નહોતી. ““ હેં બેટા, તારામાં કે દિ સમજણ આવશે ? પાળેલી મીંદડીનો બાદ નહીં. બીજી મીંદડી જ નડે.”

“તો તો પછી કૂતરાં-બિલાડાંની જેમ આપણાં ગામડાઓમાં તો ઘોડા-ગધેડા-બકરાં-ઘેટાં-ગાયો-ભેંશો જેવા જાનવરો બહુબધા હોય છે. આમાનાં કોઇ શુકન કે અપશુકન કરાવે ખરા ?” પૌત્રીએ વીરુમાનો છોડતી નહોતી.

“છોડી તું તો બહુ ચીબાવલી ! પડપૂછ મૂકતી જ નથી. આમ ધ્યાન રાખીને હાલ્ય, જો સામેથી વિહલા ભરવાડનું ભેંહોનું ખાડું હાલ્યું આવે છે, એકાદી શીંગડે ચડાવી દેહે ને તો આપણે તો આંય ને આંય કિરતન ગાતા થૈ જાહું. એને જ અપશકન થયા ગણાય”

“અને મા, જો ગાયો સામી મળે તો શું થાય ?” પૌત્રીના સવાલો તો ઉપરા ઉપરી આવ્યે જ રાખતા હતા..“જો એકાદી ગાય કે ગાયોનું આખું ટોળું સામું મળે તો –ગાય તો માતાજી ગણાય- બહુ સારા શકન થયા ગણાય.”

“અને મા, ઘોડા-ગધેડા સામા મળે તો ? પૌત્રીને મન તો બધાં પ્રાણી સમાન હતાં “ઘોડા-ગધેડા સામા મળશે ત્યારે જોયું જાહે, પણ તું જરાક હેઠું જોઇને હાલ્ય, ક્યાંક પડી આખડી તો તારી બાને હું શું જવાબ દૈશ કે મોટે ઉપાડે લઈ ગ્યા તા કીરતન કરવા હારે ને લંગડી કરીને લાવ્યા ?”   “નહીં મા, હું નીચે જોઇને, બરાબર ધ્યાન રાખીને જ ચાલુ છું ને ! અરે મા, પણ અહીં જુઓ તો, રસ્તામાં આવો વાંકોચુંકો સુંવાળો લીસોટો કોણે કર્યો હશે ?” પૌત્રીએ મા ને મારગમાં દેખાઇ રહેલો લીસોટો દેખાડ્યો.

“અરે વાલામૂઈ ! આ તો અહીંથી એરુ [સાપ] હાલ્યો હશે એનો લીહોટો ધૂળમાં અંકાઇ ગયેલો છે. એ તો સારું કર્યું કે આપણે આવ્યા પહેલાં જ અહીંથી પસાર થઈ ગયો. ન કરે નારાયણ ને બરાબર આપણી સામેથી જ જો આડો ઉતર્યો હોત તો તો નક્કી પાછું સાજણાવદર જાવું પડત. એરુ આડો ઉતરે ઇ તો મોટા અપશકન કહેવાય ! સારું થયું કે એ નીકળી ગયા પછી આપણે આવ્યા”

“તમારી ઇ વાત ખરી હો મા ! પણ આવા ખેતર-વાડીઓના રસ્તાના કાંઠેના ઘાસ-પૂસ કે ઝાળા-ઝાપટામાં તો કાચિંડા-નોળિયા-ઘો-સાપ-ઉંદરડાં જેવા જંગલી જીવડાં હરતાં ફરતાં હોય. આવા સ્થળો તો એનાં રહેણાક ગણાય, એવી અમારા પર્યાવરણના પીરયડમાં સરે વાત કરી હતી.” “અરે ગગી ! ઇ તો સારું છે કે અત્યારે મે [વરસાદ] ની રત્ય નથી. નહીં તો આપણે આમ હાલ્યા જતા હોઇએ અને જો બાજુમાં ચંદન ઘો નીકળે તો તો કઠણાઇ જ બેહી જાય !” – “ એવું કેમ મા ?” પૌત્રીએ વળી ચોખવટ માગી.

“એવું કહેવાય છે કે ચંદનઘો ઉપર વીજળીને બહુ દાજ્ય છે. એને તો એ ભાળી ન મૂકે. એટલે ચોમાહામાં ક્યાંય ચનદનઘો નજરે થાય તો ઝટ ઝટ દૂર ભાગી જવું, એમાં ભૂલ નો કરવી હો દીકરી ! હવે આગળ જો, ઓલ્યા મોટાં ઝાડવા દેખાય છે ને, ઇ ગોદાવરીબાની વાડીના જ છે. વાડી હવે  ઢુકડી આવી ગઈ છે. તને એક વાત પહેલેથી જ કહી દઉં છું કે ન્યાં તો પાંચ ગામની બાયું ભેળી થઈ હશે. તે બધ્યુ કીરતન કરશે, રાહડા ગાશે, કાળુભાર નદીના બેલડિયે ધરે નાવા જાશે અને પછી ગોદાવરીબા બધાને ફરાળ કરાવશે. એટલે છેક રોંઢો ઢળ્યે બધા છૂટા થાહે. પણ મારી વાત બરાબર હાંભળ્ય, આજ સવારના પહોરમાં માતાના મઢના લીમડે ,મારી સામું જોઇ જોઇ કાગડો બોલતો હતો. નક્કી કોઇ મહેમાન આવશે જ ! એટલે આપણે તો ફરાળ કર્યા ભેળું જ ખેંતાળી મૂકવાનું, તે વહેલું આવે સાજણાવદર ! આપણે બીજાનો વદાડ નહીં.સમજી ?” માએ ચેતવણી આપી.

“તે કાગડો બોલે એટલે મહેમાન આવે અને કબૂતર-હોલું કે કોયલ-ચીબરી બોલે તો ?” પૌત્રીને બધાં પંખી સરખાં લાગતાં હતાં.

“તેં ઠીક યાદ કરાવ્યું. ઘરના મોભારે જો હોલું બોલે તો એનો અરથ એમ થાય કે એ ઘર માથે ભાર છે, એ ય અપશકન જ ગણાય. અને ચીબરી ! ચીબરી તો બોલીને એવા ગભરાવી મૂકે કે પછી રાત્ય આખી ઊંઘ જ ન આવે ! લે હવે પડપૂછ મૂક્ય પડતી, જો વાડીના દરવાજે ગોદાવરીબા આવકારો દેવા ઊભાં છે. હેઠી નમીને પગે લાગજે પહેલાં. બા, આ મારા પશાની છોડી-ભણે છે સુરતમાં. લે હવે પૂછ્ય [પૌત્રીને સંબોધીને] શકન-અપશકનનું આ બા ને અને કર્ય ચોખવટ તારા મનના મુંઝારાની. આખી વાટે પડપૂછ કરી કરી મારો તો જીવ ખાઇ ગઈ છે હો બા !” વીરુમાએ ગુંચવણનો હવાલો ગોદાવરીબાને સોંપ્યો.

“કેમ બેટા, કેવી ચોખવટ કરવાની બાકી રહી ગઈ છે ? કહે, મને જાણ હશે એટલાની વાત કરીશ.” ગોદાવરીબાએ પ્રશ્ન સંભાળ્યો.

“ગોદાવરીબા ! આ મારી મા શુકન અને અપશુકનની એવી વાત કરે છે કે મને કાંઇ ગળે ઉતરતું નથી. શું આવું કાંઇ સાચું હોય ?”

“જો બેટા, બીજી બહેનો આવી રહી છે, એમનુંયે પહેલાં સ્વાગત કરી લઈએ. શુકન-અપશુકનનો તો લાંબો જવાબ આપવો પડે તેવું છે. એમ કરજે, હમણા ધીરજ રાખ. પણ આપણે સભામાં બેસીએ ત્યારે તું મને આ પૂછજે. શુકન-અપશુકનનું ભૂત તો ઘણી બહેનોને વળગેલું છે. મારે તો તમામ બહેનોને આ કહેવું પડે તેવું છે.” ગોદાવરીબાએ તત્પૂરતી વાત વાળી લીધી.

ભગવાનના ફોટા સામેની ધૂપ-દીપની વિધિ પૂર્ણ થયે સત્સંગની શરૂઆતપૂર્વે ગોદાવરીબાએ ઊભા થઈ સૌની સમક્ષ રજુઆત કરી કે “બહેનો, સાંભળો ! આપણાં કીર્તનમંડળમાં કાયમ સાથે રહેતા વીરુમાને તો તમે બધા ઓળખો છો. તેઓની સાથે આજ તેમની પૌત્રી નિરાલી પણ આવી છે. જે સુરતમાં અભ્યાસ કરી રહી છે, એ આપણને કેટલાક સવાલો પૂછવા માગે છે. બોલ બેટા નિરાલી ! તારે શું પૂછવું છે ?” ગોદાવરીબાએ રજુઆત કરવાની રજા આપી.

“ગોદાવરી બા, મારી મા મને એવી વાત કરે છે કે ક્યાંય બહાર જતાં હોઇએ ત્યારે કોઇ “ક્યાં કારો” કરે, કૂતરું કાન કરે, કે બિલાડી આડી ઉતરે તો અપશુકન થાય, ને સાપ આડો ઉતરે તો તો મોટા અપશુકન થાય. અને જે કામે જતા હોઇએ ત્યાં સફળ ન થવાય” એવું કંઇ હોતું હશે બા ?” નિરાલીએ પોતાના મનનો મુંઝારો રજુ કર્યો.

“જો બેટા ! આ બધા તો આપણી જેમ કુદરતે જન્માવેલા જીવ છે. અને એ બધા માટે હરતા ફરતા રહેવું અને એનાં અંગ-ઉપાંગોને હલાવ્યા કરવાનું સ્વાભાવિક ગણાય. એ ભલેને એની રીતે હર્યાંફર્યાં કરતાં, એમાં આપણને શું ફેર પડવાનો હોય ?”

“સાવ એવું ના હોય હો ગોદાવરી બા ! મારી સાસુ કહેતા હતા કે સારાકામે બહાર જતા હોઇએ અને કોઇ “બે જીવસોતી બાઈ” [પ્રેગનંટ} સામી મળે અને કોઇ “કુંવારકા” અગર “પનિહારી” સામી મળે તો એ બેમાં લાખ ગાડાનો ફેર ગણાય.એક કરે અપશકન અને બીજીથી થાય શકન !” તો મારી સાસુની વાત સાચી નહીં ?” મંડળમાં બેઠેલી બહેન રંભાથી કહ્યા વિના ન રહેવાયું.

“ જો રંભા, આવો વહેમ માત્ર તારો જ નહીં, આપણામાંથી જેટલા જેટલાનો હોય તે બધા એ વહેમને ખંખેરી નાખજો. શુકન કે અપશુકન એ આપણા મનમાં ઘર કરી ગયેલા માત્ર વહેમ છે. જેના ઉદરમાં નવો જીવ સંચરી રહ્યો છે એવી બહેન સામી મળે  એ તો બધાં કરતાં સારું ગણાય. એનો તો સત્કાર કરવો જોઇએ. એને બદલે આપણે સ્ત્રીઓ ઊઠીને એને ઉવેખવાનું વલણ લઈએ એતો આપણા માટે શરમજનક ઘટના ગણાય.ગંભીતાથી વિચારજો સૌ બહેનો. બોલ બેટા નિરાલી,બીજી કઈ બાબતની ચોખવટ જોઇએછે

“ગોદાવરી બા, મેં મારી માને એવું પૂછ્યું કે જો ઘોડા-ગધેડા સામા મળે તો શુકન થાય કે અપશુકન ? તો જવાબ ન આપ્યો.”

“એના વિશે પણ એવો જ ભ્રમ લોકમાનસમાં ઘર કરી ગયેલો છે. એની વાત કરું તો માત્ર નિરાલી જ નહીં, બધી બહેનો ધ્યાનમાં લો કે માત્ર આપણામાં જ આવી અંધશ્રદ્ધા ઘૂસી ગઈ છે એવું નથી, પણ મેં હમણાં ફૂલછાબ દૈનિકમાં વાંચ્યા પ્રમાણે એક વખત ખુબ જ ભાવનાશાળી એવા વૈષ્ણવ સંપ્રદાયનું એક કુટુંબ સમાજના એક મોટા આચાર્યને ત્યાં સત્સંગ માટે રહેવા ગયું. 8 દિવસ મહારાજશ્રીના સાન્નિધ્યમાં ખુબ મજા કર્યા પછી નવમા દિવસે કુટુંબના વડાએ પોતાને ઘેર જવાની રજા માગી એટલે મહારાજશ્રીએ આગ્રહ કર્યો કે આનંદ આવતો હોય તો ભેળાભેળ એક દિવસ વધારે રોકાઇ જાઓ તો સારું. પણ કુટુંબના વડાએ જ્યારે ખુબ વિનતિ કરી હવે રજા આપો એવું કહ્યું એટલે મહાત્માને થયું કે એમને બહુ જરૂરી કામ હશે, ભલે જતા. એમણે હા પાડી.

એ પરિવાર ગયો. અને હજુ માંડ થોડો સમય થયો હશે ત્યાં બધા પાછા આવ્યા. મહારાજશ્રીને આશ્ચર્ય થયું કે કેમ પાછા આવ્યા હશે ? મહારાજશ્રીએ પૂછતાં જવાબ મળ્યો કે , બાપજી ! અમે જઈ રહ્યા હતા અને હજુ થોડે દૂર ગયા ત્યાં એક ગધેડો સામો મળ્યો એટલે અમો પાછા આવ્યા છીએ. આ ૨૧મી સદીમાં એવા સત્સંગી વૈષ્ણવ પરિવાર પણ આવા ભ્રમમાંથી બહાર નથી, બોલો !”

“ગોદાવરી બા, મારીમા એમ પણ કહે છે કે મોભારે હોલું બોલે કે ઘર સામે ચીબરી બોલે એટલે એ ઘર માથે “ઘાત” ગણાય, એ સાચું ?” “અરે દીકરી, હોલું તો સાવ ભોળું ને ગરીબડું પંખીડું છે. એને પોતાનો માળો સરખો બનાવતાયે નથી આવડતું. એ શું બોલે છે એની એને ખુદને ખબર હોતી નથી. અને ચીબરી અને ઘુવડ તો આપણી મોલાતોના રાતના રખેવાળ છે. રાત્રિ દરમ્યાન ખેતીપાકોને નુકશાન કરનારા ઉંદરડાંઓને પકડી પકડી ઓહિયા કરી જનાર ખેડૂતોના મિત્રો ગણાય.

અને સાંભળ, આપણે માણસો તો આવી સાવ હંબક માન્યતાઓને મગજમાં સાચવી રાખી માત્ર શુકન-અપશુકન જ નહીં, પણ પ્રકૃતિના કેટલાક પશુ-પક્ષીઓનો નાશ નોતરવા સુધીના કુકર્મો કરતા અચકાતા નથી. આપણા જ દેશમાં દિલ્હી વિસ્તારમાં એવી અંધશ્રદ્ધા પ્રસરે છે કે “દિવાળીના તહેવારમાં જો ઘૂવડની બલિ ચઢાવવામાં આવે તો ધન-સંપતિમાં વધારો થાય છે”. આમ સ્વાર્થી લોકો આવી આંધળી શ્રદ્ધામાં નિર્દોષ પંખીઓનો જીવ લે છે. દર વરસે દિવાળીએ મોટી સંખ્યામાં ઘૂવડોની બલિ ચઢાવવામાં આવે છે. આવુંજ તો ન જ કરાયને બેટા ? આ પૃથ્વી ઉપર માત્ર માણસોને જ જીવવાનો અધિકાર છે શું ? નાનેથી માંડી મોટા સુધીના બધા જીવો-પછી તે જમીન પર વસનારા હોય, પાણીમાં વસનારા હો કે આકાશે વિહરનારા હોય-બધા જ પ્રકૃતિના સંતાનો છે. બધાને પ્રકૃતિએ સમાન જ રક્ષણ અને ભક્ષણની સૂઝબૂઝ અને સુવિધા બક્ષેલી છે. સૌને સૌની રીતે વર્તન કરવા દેવામાં આપણને વાંધો શેનો છે ભઈ !

અરે, અભ્યાસ બાદ વિજ્ઞાનિકોનું તારણ છે કે મનુષ્યોએ ખુદની રક્ષા માટે અન્ય નાના-મોટા જીવો સૌ જીવોને બચાવવા જરૂરી છે. આપણે ત્યાંની મનુષ્યોની વસાહતોમાં મકાનોની દિવાલો પર હરતી ફરતી ગરોળીઓ અને આંગણબાગમાં કુદાકૂદ કરતાં દેડકાં જેવા જીવો લુપ્ત થયા તો માઠા પરિણામો મળી શકે છે. માણસની તંદુરસ્તીને વેડતી કેટલીય જીવાતોનો સફાયો કરવાનું કામ ગરોળી-દેડકાં કરી રહ્યા છે. આવા જીવોની જ્યારે જ્યારે સંખ્યા ઘટી છે ત્યારે ત્યારે બીમારીઓએ મનુષ્યોની મુશ્કેલીઓ વધારી છે.

આવાં પશુ-પક્ષીઓના આવાગમન કે બોલવા થકી શુકન-અપશુકન થવાના હોય એવો તો અમોને કે અમારા પંચવટી આખા પરિવારને વિચાર સુદ્ધાં કદિ આવ્યો નથી. અમારે તો અહીં વાડીના આ દરવાજામાં દાખલ થયા ભેળા જ ગાયો ને બળદિયા તો ભાંભરે [બોલે] પણ, મોર અને ઢેલડીએ ગહેકવા માંડે, અમારો રોટલિયો રખેવાળ ગલો તો પગમાં મોર્ય મોર્ય આળોટવા માંડે ! અરે, અમારી પાલતુ મધમાખીઓ પણ ગણગણાટ કરતી માથા ઉપર ભમવા લાગે ! એ બધાની આવી લાગણીને શું શુકન કે અપશુકન જેવા વાહિયાત ભ્રમમાં ખપાવવાના ? એ બધાં તો અમે વાડીએ આવ્યા એનો હરખ અને રાજીપો વ્યક્ત કરી રહ્યા છે એવું અમે માનીએ છીએ બેનડી ! બસને હવે ! ખુબ વાતો થઈ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાની. આપણે હવે કીર્તન શરુ કરીએ.


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com