પ્રકૃતિની પાંખો
હીત વોરા
દૂધરાજ (Paradise Flycatcher) ને ઉડતા જોવું એ એક જાદુઈ અનુભવ છે. જેમણે આ પક્ષી જોયું છે તેઓ સહમત હશે કે જ્યારે તે તેની લાંબી રિબીન જેવી પૂંછડી સાથે ઝાડ પરથી ઉડે છે, ત્યારે આ પક્ષી એક અલૌકિક દૃશ્ય બનાવે છે. તેની અનોખી અને ભવ્ય ગતિ આપણને યાદ અપાવે છે કે કુદરત આવા મોહક સૌંદર્યનું ઘર છે, અને આપણે આપણા વ્યસ્ત જીવનમાં ઘણીવાર તેમને અવગણીએ છીએ.
હું ગિરનારના જંગલની એક કેડી પર ચાલતો હતો, ત્યારે મેં દૂધરાજને પહેલી વાર જોયું હતું. ગાઢ જંગલના છાંયડામાં નાના નાળાના કિનારે એક ઝાડની ડાળખી પરથી બીજી તરફ ઊડતી અને તેની લાંબી સફેદ રિબિન જેવી પૂંછડી ફરકાવતી તે ખૂબ જ મોહક લાગે છે. થોડી વાર એક ડાળી પર જઈ ને બેસે અને તેનું ખૂબ સુંદર કાળું ચળકતું માથું ફેરવી ઊડતા જીવજંતુઓ શોધે અને એક જંતુ દેખાતાં જ તેની પાછળ ઊડી તેને હવામાંજ ચાંચ વડે પકડી લે છે. તમે પક્ષીઓનું અવલોકન કરતા હો કે સામાન્ય વોક પર નીકળ્યા હો, આ પક્ષી એ દિવસને એક ખાસ યાદમાં ફેરવી નાખે છે.

માદા પક્ષી દેખાવમાં એટલું ચળકતું હોતું નથી અને તેનું માથું ગ્રે-બ્લેક જેવા રંગનું હોય છે અને પૂંછડીના પીંછા નર જેટલા લાંબા હોતા નથી અને તેની પાંખ અને પાછળનો ભાગ રુફસ એટલે કે નારંગી રંગ જેવો હોય છે! નર પક્ષી પણ બે અલગ અલગ રંગના જોવા મળે છે! અમુક નરની પાંખ અને પૂંછડીના પીંછા સફેદ હોય છે જ્યારે અમુકની પૂંછડી અને પાંખના પીંછા માદા જેવા નારંગી જેવા રંગના હોય છે!


દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં આ પક્ષી રેસિડેન્ટ (નિવાસી) છે, જ્યારે કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં ખાલી શિયાળામાં જ જોવા મળે છે!
આ પક્ષી ચોમાસાના પહેલાના સમયે પ્રજનન કરે છે જેથી બચ્ચા આવે ત્યારે તેમના માટે ખોરાક સ્વરૂપે જીવજંતુઓ પુષ્કળ મળી રહે! પ્રજનન કાળ દરમીયાન, સંભવિત સાથીઓને પ્રભાવિત કરવા માટે, નર ઘણીવાર સુંદર પ્રણય વર્તન કરે છે, ચપળ, એક્રોબેટિક ફ્લાઇટ્સમાં હવામાં ઉડાન ભરે છે, અને તેમની પૂંછડીઓ સ્ટ્રીમરની જેમ પાછળ રહે છે.
બંને નર અને માદા દૂધરાજ માળો બનાવવામાં અને બચ્ચાઓને ઉછેરવામાં સમાન ભૂમિકા ભજવે છે.તેઓ ઝાડની ડાળીઓના ફાંટામાં ઉત્કૃષ્ટ કપ આકારનો માળો બનાવે છે. નર અને માદા બંને માળો બનાવવા માટે કરોળિયાના જાળા, છોડના રેસા અને ઝાડની છાલ જેવી સામગ્રી લાવે છે.

છતાં, ભારતમાં ઘણી અન્ય પક્ષીઓની પ્રજાતિઓની જેમ, તેઓ ગંભીર પડકારોનો સામનો કરે છે. શહેરીકરણ અને વનનાબૂદીને કારણે રહેઠાણના નુકશાન અને વિભાજનથી સુરક્ષિત માળા બનવાની જગ્યાઓની ઉપલબ્ધતામાં ઘટાડો થયો છે. ઘણા પક્ષીઓ હવે માનવ સર્જિત લેન્ડસ્કેપ્સમાં અનુકૂલન કરવા મજબૂર છે, જ્યાં એક સમયે ગાઢ જંગલો હતા ત્યાં હરિયાળીના પોકેટ્સ શોધે છે.
આ પક્ષીઓનું રક્ષણ કરવાનો અર્થ એ છે કે તેઓ જેના પર આધાર રાખે છે તે રહેઠાણોનું રક્ષણ કરવું. કચ્છની ખુલ્લી ઝાડીઓમાં હોય કે ગિરનાર અને ગીરના લીલા, છાંયડાવાળા જંગલોમાં, ઇન્ડિયન પેરેડાઇઝ ફ્લાયકેચરની હાજરી આપણને સમજાવે છે કે જ્યારે કુદરતને પૂરતી શ્વાસ લેવાની જગ્યા મળે તો તે કેટલી સુંદર હોઈ શકે છે!
શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
