પાર્થ નાણાવટી

મોબતપુરા

આમ’તો ગામ ચાલીસ કિલોમીટર દૂર હતું. પણ એના માટે તો જાણે બાર વરસની યાત્રા હતી અને એ પણ ઉંધી. બાર વરસ થયાં ઘર’તો જોયું નથી. ઘણું બદલાઈ ગયું હશે. સમય કોઈનો ગુલામ થતો નથી. વાત સાવ સાચી છે. ફકીરબાબા દર પૂનમે બેઠક કરતા ત્યારે આ પ્રકારની ફિલોસોફીવાળા સૂફીગીતો ને આવી સમયની આરપાર થવાની વાતો થતી. ફકીરબાબા, એમને જોઈને કોઈ કહે નહીં કે આ માણસે…

“રીંગ રોડ, રીંગ રોડ.” ચોકડીએ ઉભેલા રિક્ષાવાળાએ બૂમ પાડી ત્યારે એનો ધ્યાનભંગ થયો.

“રીંગ રોડ? આ વળી કયો નવો રોડ છે.” એ મૂંઝાયો.

“આવવું છે રીંગ રોડ?” રિક્ષાવાળાએ એને ફરી પૂછ્યું.

“મારે અડાલજ ચોકડી જવું છે.” એણે કહ્યું.

“એ તો ત્યાંથી બીજું શટલ મળી જશે. બેસી જાઓ.” રિક્ષા ઉભી રહી.

“કેટલા થશે?” એણે પૂછ્યું.

“દસ રૂપિયા, આવવું હોય’તો જલદી બેસી જાઓ નઈતર પેલો ટ્રાફિક પોલીસવાળો મારી પાવતી ફાડશે.” રિક્ષાવાળાની ચિંતા વાજબી હતી. રસ્તાની સામેની બાજુ હવાલદાર એની મોટરસાયકલ પર બેઠો બેઠો ધ્યાનથી એ બંનેને જોઈ રહ્યો હતો.

એ ઝડપથી રિક્ષામાં બેસી ગયો. એને થયું કદાચ એના ગામનો રસિક હશે. એ પોલીસમાં ભરતી થયો હતો એવું સાંભળ્યું હતું. પોલીસવાળાના હાઇટ-બોડી પણ રસિક જેટલા જ હતા. હોય પણ ખરો, અને જો હોય તો પણ મને ઓળખે ખરો? શું કામ ઓળખે? હું એની જગ્યાએ હોઉં તો હું પણ નજર બીજે ફેરવી નાખું.

“પાર્ટી, જરા આગળ આઈ જાઓને.” રિક્ષાવાળાએ રસ્તામાં કોઈ વાહનની રાહ જોઈ ઉભેલી બે લેડીઝ પાસે રિક્ષા ઉભી રાખી કહ્યું.

એ યંત્રવત રિક્ષાવાળાની સુચનાનું પાલન કરતો આગળ બેસી ગયો. જીવનમાં એકવાર સૂચનાઓનું ઉલ્લંઘન કર્યા બાદ હવે પાલન કરવાનું પણ બરોબર ફાવી ગયું હતું.

સ્ત્રીઓ સારા ઘરની હતી. તાપથી બચવા મોઢે દુપટ્ટા બાંધેલ તે બેમાંથી એકેયનો ચહેરો તો દેખાયો નહીં, પણ એમણે છાંટેલા અત્તરની ખુશ્બુ ને ખભે લટકાવેલા મોંઘાદાટ પર્સ જોઈને એણે અંદાજો બાંધી લીધો. બે માની એક જણીએ રીક્ષામાં બેસતાની સાથે જ ફોનમાં માથું નાખી દીધું.

કોઈ લેડીઝને આટલી નજીકથી જોયે પણ લગભગ દાયકો થઈ ગયો હશે. મારે પણ જીવતી માટે આવું સુંગધી અત્તર લઈ લેવાનું હતું. રાજીના રેડ થઈ જાત. જોકે રાજીના રેડ તો મને જોઈને પણ થઈ જશે.

પોતાને એકમાંથી બીજા ને એમાંથી ત્રીજા કેવા ગાંડાઘેલા વિચારો આવે છે એની નોંધ એના મગજે કરતા એણે જરા ક્ષોભ અનુભવ્યો. ખુલ્લી હવાને વાતાવરણની જુદાજુદા લોકો પર જુદીજુદી અસર થતી હોય છે. કોક રડવા માંડે, કોક લવારે ચડી જાય, તો કોક વળી ભૂત ભાળ્યું હોય એમ ચકળવકળ આંખો ફેરવે. પણ, એના માટે વ્યક્ત થવું એટલે વિચારો કરવા.

વિચારોનું એક સુખ કે કોઈ સાંભળે નહીં. આમ પણ બોલવાની હોય એનાં કરતાં ચુપ રહેવાની આદત વધારે હતી. કેમ હતી, એ ક્યારેય એ સમજી શક્યો નહીં. જયારે બોલવાનું હતું ત્યારે પણ ચુપ રહ્યો. અને જયારે ચુપ રહેવાનું હતું ત્યારે પણ.

બસ હવે. જાણે એણે એના બેફામ દોડતા મગજને હુકમ આપ્યો.

રિક્ષા ઊભી રહી ને બંને લેડીઝ ઉતરી ગઈ. પણ એ બેઠો રહ્યો. અત્તરથી રંગાયેલો તડકો જાણે બે ઘડી વધુ માણવો ન હોય!

“પાર્ટી રીંગ રોડ આયી ગયો.” રિક્ષાવાળાને પણ નવાઈ લાગતા એણે કહ્યું.

“હે! હા, ભલે, આ અડાલજ ચોકડીનું સાધન.” એણે દસ રૂપિયાની નોટ આપતા પૂછ્યું.

“રોડ ક્રોસ કરીને સામે જતા રો, ત્યાં સાઈડમાં જે ગાડીઓ પડી એ બધી એ બાજુ જવાની છેક મેહસાણા સુધી.” રિક્ષાવાળાએ તમાકુ દબાવી કહ્યું.

એણે અક્ષરશ: સુચનાનું પાલન કર્યું. રસ્તો ક્રોસ કરી સામે ગયો ત્યાં પડેલી એક જીપના ચાલકને પૂછ્યું.

“મોબતપુરા.”

“રસ્તે ઉતારી દઈશ, ગામમાં ના જાય.” ચાલકે ચોખવટ કરી.

“ભલે વાંધો નઈ, એ તો ચાલી નાખીશ. કેટલા થશે.”

“વીસ.”

એ ચાલકની બાજુમાં બેસવા ગયો, ત્યારે પેલા એ એને રોક્યો.

“પાછળ જતા રો, અહીં આ પેટી સાથે ના ફાવે કોક પેસેન્જરને વાગે.” જીપનો ચાલક એની પતરાની પેટીને આશ્ચર્ય અને શંકાથી જોઈ રહ્યો. એ જીપની પાછળની સીટમાં જઈને બેઠો.

તારીખ નજીક આવી ત્યારથી દરરોજ રાતે એ કલ્પના કરતો કે પહેલા શું કરશે. શું ખાશે. સૌથી પહેલા કોને મળશે. કોને નહીં મળે. ગામમાં રહેશે કે જીવતી જોડે કોઈ બીજે ગામ જતો રહેશે.

પણ આ ઘડીએ આ જીપમાં બેઠો ત્યારે કંઈજ સૂઝતું કે સમજાતું નથી. બીજું બધું તો ઠીક પણ જીવતીને સૌથી પેલ્લી જોવી છે. પાંચ વરસ પહેલાં ઘરે ખોટું બોલીને મળવા આવેલી. હવે’તો કોણ જાણે કેવી દેખાતી હશે. ત્યારે’તો પંજાબી પેરેલું ને વાળ પણ કપાવેલા.

“ભઈ જરા ખસો ને.” જીપમાં ચડેલા બીજા સહપ્રવાસીએ કહ્યું.

“હં, હા.” કહીને એ ખસી ગયો. પેલાએ બીડી સળગાવી..ને એની આંખે ચમકારો બાઝી ગયો. દસ વરસથી છોડી છે.

“ઘરે જાય એ પેલા મુંબઈ જઈને હળવો થઈ આવજે.” પપ્પુ પાયલોટે આંખ મારીને કહેલું.

“કેટલા ચાર પાંચ હજાર તો જમા હશે ને તારા, એમાંથી બે ત્રણ મુંબઈમાં વાપરજે.”

“અરે પપ્પુ ભાઈ, મુંબઈ સુધી લાંબા થવાની પણ ક્યાં જરૂર છે. કાલુપર સ્ટેશન જતા રેવાનું, ત્યાં સમ્રાટ ગેસ્ટ હાઉસ છે. બધીજ ચોઇસ મળી રે. પણ નેપાળી સૌથી બેસ્ટ.” પપ્પુના સાગરિત શકીલ સાણસાએ પગના ખરજવાને વલુરતા એક આંખ ઝીણી કરી કહ્યું.

આ તો બડા ચક્કરનો ગાર્ડ જો ન આવ્યો હોત’તો સાણસો ને પાયલોટ શબ્દોથી જ સુંવાળી સફર પર લઈ જાત.

આ લોકો મને શું સમજતા હશે. બાર વરસની રાહ જોઈ છે ને જો હજુ જોવી પડે તો પણ જોઈશ, પણ જીવતી એટલે જીવતી. જેવી હોય એવી પણ એના વિના હું શરીર અભડાવું નહીં.

પંજાબી પેરેલી જીવતીનો શરમાતો ચહેરો યાદ આવતા એના ગળામાં ડૂમો બાઝી ગયો.

ખેર હવે તો મોબતપુરા પહોચું એટલી વાર, પોતાના ઘરે તો જશે કે નહીં એ પણ નક્કી હતું નહીં. પણ જીવતીને ગામ જશે ને સિધ્ધો એના ઘરે. ખેતરેથી હજી આવીજ હશે રોજ ભરીને, ત્યાંજ મને જોઈને..

બાર વરસ પહેલા બની ગયેલા બનાવે જીવતીના પરિવારને ગામ છોડાવેલું અને એને ગામ અને જીવતી બંને.

ઊંચી દીવાલો વચ્ચે બાર વરસ એ આશાએ જીવી નાખ્યા કે જીવતીને ખાતર જીવતો રહીશ એક દિવસ બા’ર નીકળીશ, આ દીવાલોમાંથી.

બે ઘડીમાં તો એણે ક્યાંથી ક્યાંની સફર કરી નાખી.

“ભઈલા, તમે એક કામ કરો. તમે નીચે ઉતરી જાઓ, સાહેબને એમના બાબાને બેસી જવા દો. પછી તમે બેસી જાઓ ને મેરબાની કરીને પેટી સાચવજો, કોઈને વાગે નઈ.” જીપના ચાલકનો નવા આવેલા મુસાફર માટેનો આદર જોઈ બીજા બધા પેસેન્જરને નવાઈ લાગી.

થોડું આમતેમ થયું ને અંતે બધા ગોઠવાયા. ચાલકે જીપને ઉછાળો મારી ઉડાડી. હાઇવે પર સુસવાટા મારતી જીપના મિરરમાં જોઈ એણે સાહેબને ઉદેશીને કહ્યું.

“સર, અમદાવાદ ગયેલા. હમણાં તો વેકેશન ને.”

“હા, દિવાળી છે તે થોડી ખરીદી કરવા ને બાબાને કાંકરિયા લઈ ગયેલો. સાબરમતી મારા પેરેન્ટ્સ રહે છે એમને ત્યાં.” સાહેબે વિગતે જવાબ આપ્યો.

“આ સાડી તમે મમ્મી માટે લીધી?” બાબાએ એના પપ્પાને પ્રશ્ન કર્યો.

“હા બેટા, પણ ઘરે જઈને કહેવાનું નથી, ઓકે?”

“ના, નહીં કહું.” બાબો સમજુ હતો.

“બેનની તબિયત કેવી છે.” ચાલક ઊંડો ઉતર્યો.

“સારી છે, હજુ વાર છે.” સાહેબ બોલ્યા.

“મારો નંબર છે ને? અડધી રાતે’ય ફોન કરજો. દવાખાને જવાનું હોય, બીજું કોઈ પણ કામ હોય.” ચાલકે ચલાવ્યું.

“હા, તને જ કરીશ. માતાજીની દયા છે. સાતમો મહિનો છે, ને હાલ સુધી બધું બરોબર છે.” સાહેબે કહ્યું.

“મમ્મીને ભાઈ આવશે કે બેન.” બાબો બોલ્યો.

“બેટા એ તો માતાજી જે નક્કી કરે એ.” સાહેબે બાબાને સમજાવ્યો.

એ અજનબી બની વાતો સાંભળતો હતો. જીપમાં બેઠેલા બીજા પેસેન્જરોમાંના એક વૃદ્ધથી ન રહેવાયું એટલે એ બોલી પડ્યા.

“સાહેબ, તમને તો સલામ. દુખિયારી બાઈનો હાથ ઝાલ્યો. બધા શિક્ષકો જો તમારી જેવા હોય તો આ દેશની સકલ ફરી જાય. સાચી વાત કે નઈ પટેલ.” વૃદ્ધએ બાજુમાં બેઠેલા સહપ્રવાસીને વાતમાં સામેલ કર્યા.

“સો ટકાની વાત, મોબતપુરા એનું કુટુંબ આવ્યું ત્યારે અમારા ફળિયામાં રેતા’તા. અઢાર વરસની છોકરીએ એવડી નાની ઉંમરમાં કેટલું વેઠી લીધું. આપણા સમાજમાં તો કોઈ તૈયાર થાય નઈ ને આ સાહેબ જુઓ. છોકરીને પરણીને ઘેર લઈ આવ્યા. ફેમિલીને વાંધો પડ્યો તો ઘર છોડી દીધું.”

પટેલની વાત સાંભળી બધા હોંકારામાં માથું ધુણાવવા લાગ્યા.

એ હજુ બધું પ્રોસેસ કરતો હતો. જેલની શુષ્ક જિંદગીએ મગજને થોડું ધીમું કરી નાખ્યું હતું. પછી એણે સમજાયું કે કદાચ વાત જીવતીની થાય છે.

એ સાંજે જીવતીને મેળામાં મળવાનું નક્કી થયું હતું. શિકોતર માતાના મંદિરે. બી.એડ થઈ ગયો’તો. નોકરીનો ઓર્ડર પણ નીકળેલો. એણે ખુશખબર આપ્યા તો બોલી કે કુલ્ફી અપાવો. મોડી સાંજે પાછા આવતી વખતે બનાવ બન્યો’તો. એ ચાર જણા હતા. પરપ્રાંતીય, ઈંટના ભઠ્ઠા પર કામ કરતા હતા. પીધેલા હતા. એ એકલો કેવી રીતે પહોંચે. જીવતીને ભઠ્ઠામાં ઢસડી ગયા. એને મારી મારી બેભાન કરી નાખ્યો. ભાનમાં આવ્યો ત્યારે જીવતી એની પડખે બેઠી બેઠી કણસતી હતી. બસ, એણે પથરો ઉપાડ્યો ને એક ને છુંદી નાખ્યો. બાર વરસ વીતી ગયા.

“ભઈલા આજે સાહેબના લીધે તમારા નસીબ સારા છે. સાહેબને ઉતારવા ગામમાં જવાનો એટલે ચાલવું નહીં પડે.” જીપના ચાલકે એને ઉદ્દેશીને કહ્યું.

“ના મને રસ્તા પર ઉતારી દો.” એ બોલ્યો.

“ઓકે. વીસ છુટા આપજો.” ચાલકે રસ્તાની સાઈડ પર જીપ ઉભી કરી.

એ પૈસા આપી ઉતરી ગયો. જીપ ધૂળના ગોટા ઉડાડતી મોબતપુરાના કાચા રસ્તે જતી રહી.

એ રસ્તો ક્રોસ કરી પાછા જવા માટે વાહનની રાહ જોતો ઉભો રહ્યો.

જીવતીનું મોબતપુરા. જીવતીના સાહેબ..એ પોતે હસી પડ્યો કે રડી પડ્યો એને સમજાયું નહીં.