– પ્રવાસી યુ. ધોળકિયા

પુરાણ, આગમ અને તંત્ર એ પૌરાણિક સનાતન હિંદુ ધર્મના ત્રણ આધાર સ્તંભો ગણાય છે. વિધિની એ વક્રતા છે કે ૯૦ ટકાથી વધારે હિંદુઓને આગમ શું છે તેની જાણ નથી.

આગમનો અર્થ સામાન્ય રીતે જે વેદમાં નથી એમ કરવામાં આવે છે. પરંતુ દક્ષિણ ભારતના મહાજ્ઞાની રામાનુજાચાર્ય જણાવે છે કે વેદ સિવાયની પરંપરાઓથી પ્રાપ્ત થયેલું જ્ઞાન પણ માનવ ઉત્કર્ષ માટે આધારભૂત છે. તેનું કારણ એ છે કે આવું જ્ઞાન આચાર્યોના આંતરિક અનુભવો પર આધારિત છે. આમાનું એક શાસ્ત્ર આગમ છે.

આગમનો એક અર્થ એવી પરંપરા છે જે પરમ તત્વમાંથી બનેલ છે. તેમાં વિવિધ યોગાસનો, યંત્રવિજ્ઞાન અને પૂજન અર્ચન વડે સામાન્ય વ્યક્તિ પોતાની ઈચ્છાપૂર્તી કરી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

શિવમાં માનતા આચાર્યો એમ માને છે કે પાર્વતી શિવને કર્મ અને આધ્યાત્મ વિશે પ્રશ્ન કરે છે. શિવજીએ તેના જે ઉત્તર આપ્યા છે તેમાં આગમની ઉત્પતિ છે. પરંતુ શિવપંથીઓ કરતાં વૈષ્ણવપંથીઓનાં આગમ વધારે પ્રાચીન છે. બન્ને આગમશાસ્ત્રોમાં શંકરાચાર્યના અદ્વૈતવાદને જાકારો આપવામાં આવે છે. આ આગમોમાં ઈશ્વર અને વ્યક્તિ જુદાં છે. વ્યક્તિ અનન્ય ભક્તિ દ્વારા ભગવતકૃપા પામી શકે છે. દ્વૈતવાદ સ્વીકારવાનું મૂળ કારણ એ હતું કે દક્ષિણના આચાર્યો અતિ સંવેદનશીલ અને ભાવનાપ્રધાન હતા. તેથી તેઓને ઈશ્વરને પોતાની કક્ષાએ લાવવા ન હતા. તેમના માટે ભજન, કિર્તન અને અનન્ય શ્રદ્ધા દ્વારા ભગવાનની ભક્તિ સર્વોપરી હતી.

અત્રે એ વાત પણ નોંધવી જોઈએ કે પુરાણમાં સાંપ્રદાયિક ભક્તિવાદ અને તંત્રની વિધિઓમાં જે અદ્‍ભૂત વિજ્ઞાન છે તેને જોડતી કડી આગમો છે.

આગમોમાં એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિમાં સરખા ગુણો નથી હોતા. પરંતુ સત્વ, રજસ અને તમસના ગુણો દરેક વ્યક્તિમાં વધતે ઓછે અંશે જરૂરથી હોય છે. હાજરા નામના ભારતીય વિદ્વાન કહે છે કે સાત્વિક ગુણ ધરાવતા હિંદુને તત્વજ્ઞાન વધારે ગમશે. ભાવનાશીલ અને રજોગુણી વર્ગને ભક્તિમાર્ગ પસંદ પડશે. સૌથી મોટી સંખ્યા ધરાવતો વર્ગ બહુ પ્રાથમિક કક્ષાનો હોય છે. એ વર્ગ તત્વજ્ઞાન કે ભક્તિને સમજી નથી શકતો. આ બાળકબુદ્ધિ ધરાવતો વર્ગ બીજા સમુહને અનુસરીને ભગવાનમાં શ્રદ્ધા ધરાવતો ચોક્કસ થશે. આગમ ભગવાન અને તેની ભક્તિનાં અનેક પાસાંઓ દર્શાવે છે. તે આપણું માન્ય શાસ્ત્ર છે.

આગમ શાસ્ત્રમાં ઈશ્વરને જીવેતર ચિહ્ન રૂપે (aniconic) – વિષ્ણુને શાલિગ્રામ રૂપે. શિવને લિંગ રૂપે અને શક્તિ (માતાજી)ને શ્રીયંત્ર રૂપે – પૂજવામાં આવે છે.

શાલિગ્રામ                                    લિંગ                                         શ્રીયંત્ર

સાકાર રૂપમાં વિષ્ણુને અનંત પર શયન કરતા તથા ચતુર્ભુજ સ્વરૂપે, શિવને પંચમુખધારી અને માતાજીને નવ સ્વરૂપોવાળી મૂર્તિ રૂપે દર્શાવાય છે. આ બન્ને સ્વરૂપોને મંદિરમાં અને હિંદુઓ પોતાના ઘરના મંદિરમાં રાખીને પુજી શકે છે. વિદ્વાનો વિષ્ણુને સાત્વિક શિવને તામસિક અને માતાજીને રાજસિક માને છે. તેના મંત્રો નીચે મુજબ છે.

૧) શ્રી વિષ્ણુ         ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ૐ નમો નારાણાય

૨) શિવ              ૐ નમઃ શિવાય

૩) માતાજી          ૐ श्री क्लीं, ऍं, क्रीं, ह्रीं, दुम, क्रौं, धुं

આગમોમાં મંત્ર ઉપરાંત પાણિનીના યોગ પ્રમાણે સાધના વિધિ કરવાનું સૂચન છે. આગમમાં હોમ વિધિનું પ્રમાણ ઓછું છે, પરંતુ ગણપતિ માટે ખાસ હોમ વિધિ કરવામાં આવે છે. આ પ્રમાણે ઘી વડે આહુતિ અપાય છે. ઈશ્વરની તર્પણ વિધિમાં ભગવાનને પુષ્પ, જળ, અત્તર, દીપ, અન્ન અર્પણ કરવામાં  છે. અદ્વૈતવાદી શંકર પણ મૂર્તિમાં વેદના પુરુષસુક્તનું સ્વરૂપ નિહાળે છે. આગમમાં મૂર્તિઓને વિગ્રહ કહેવામાં આવે છે.

વૈષ્ણવ આગમ

વૈષ્ણવ આગમને સંહિતા કહેવામાં આવે છે. વૈષ્ણવ આગમના વૈખાનસ અને પાંચરાત્ર એમ બે વિભાગો છે. આ બન્ને પદ્ધતિઓએ ભારતના તમામ પંથોની પૂજા અર્ચના પર ભારે અસર કરી છે. વૈખાનસ પરંપરામાં ભક્તિમાર્ગ એ વિષ્ણુને પામવા માટેનો સરળ માર્ગ છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પાંચરાત્ર ફાંટો આ બાબતમાં વૈખાનસ પરંપરાને અનુસરે છે. બન્ને પરંપરાઓમાં મંદિરોમાં કરાતા કર્મકાંડો, મૂર્તિની સેવા, દૈનિક પૂજનવિધિ, તથા ખાસ પ્રસંગોએ કરાતી વિધિઓ છે. બન્ને પરંપરા મંદિરના પૂજારીની ફરજો અને તેમની જીવન પદ્ધતિ માટેની સૂચનાઓ છે.

વૈખાનસો પોતાને અતિ પ્રાચીન માને છે. તેના સમર્થનમાં તેઓ જણાવે છે કે વૈખાનસ ઋષિને આગમ શાસ્ત્રનું જ્ઞાન સ્વયં બ્રહ્માજીએ આપ્યું હતું. તેઓ પોતાને વિષ્ણુ સાથે સીધી રીતે જોડાયેલા છે તેમ દૄઢપણે માને છે. બ્રહ્માજી ઉપરાંત સ્વયં વિષ્ણુએ વૈખાનસ ઋષિને વિષ્ણુની પૂજાવિધિ કઈ રીતે કરવી તે શીખવ્યું હતું. તેથી વૈખાનસ આગમમાં ભગવાન વિષ્ણુની પૂજનવિધિ પર સૌથી વિશેષ ભાર મુકવામાં આવે છે. એ પૂજનવિધિમાં વિષ્ણુજીની નાની મોટી બધી જરૂરિયાતોની પૂર્તિ કઈ રીતે કરવી તેની સચોટ માહિતી આપવામાં આવી છે.

કાળક્રમે, વૈખાનસ પરંપરાના પણ બે ભાગલા પડ્યા. તિરૂપતિ બાલાજી (આંધ્ર પ્રદેશ)ને વૈખાનસ પરંપરાનું સ્થાનક માનવામાં અવ્યું છે. બીજા ફાંટાને શ્રી વૈષ્ણવે તામિલનાડુના તિરૂચિરાપલ્લીના શ્રી રંગનાથ સ્વામીના મંદિરમાં સ્થાપિત કર્યા. આ બીજી પરંપરાની નેતાગીરી દક્ષિણ ભારતના પ્રખર જ્ઞાની શ્રી રામાનુજાચાર્યે લીધી. આમ છતાં બન્ને સ્થાનકોના ગર્ભગૃહમાં વૈખાનસ પદ્ધતિથી જ પૂજન-અર્ચન વિધિ થાય છે, પછી  ભલે એ મંદિરોનાં પ્રાંગણના અન્ય મંદિરોમાં શ્રી વૈષ્ણવ પદ્ધતિ પ્રમાણે પૂજન થાય. શ્રી વૈષ્ણવ પરંપરાનું કાળક્રમે પાંચરાત્ર પરંપરામાં થયું. આ મંદિરોમાં લક્ષ્મીજીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

દક્ષિણના દરેક રાજવીઓ મંદિરોને અઢળક ધન અને ભૂમિનું દાન કરતા. દક્ષિણ ભારતની સંસ્કૃતિ મંદિર કેન્દ્રિત બની જવાથી રાજ્ય સત્તા કરતાં પણ મંદિરના પૂજારીઓની સત્તા વધતી ગઈ. આ પૂજારીઓ વેપારીઓને ઋણરૂપે ધન આપવા લાગ્ય. રાજવૉનું સ્થાન ગૌણ બન્યું. તિરૂપતિ બાલાજી અને ઓડીશાના જગન્નાથ મંદિરોના વૈભવ આજે પણ કોઈ રાજવીઓ કરતાં વધારે વૈભવશાળી અને ઓજસ્વી જણાય છે. વિદેશી આક્ર્મણો સમયે વૈષ્ણવ મંદિરો સૌથી વિશેષ લુંટાયાં. આપણી ધાર્મિક પ્રતિભા ઝંખવાઈ.

આગમ શાસ્ત્રની વૈખાનસ અને પાંચરાત્ર પરંપરાઓમાં ઋષિ સાધ્યે નારાયણની પૂજા પ્રસ્થાપિત કરી. નારદજીએ નારાયણની પૂજાને વિસ્તારી અને સર્વમાન્ય બનાવી. પછીથી, નારાયણની વિષ્ણુ, વાસુદેવ તથા ભાગવત પરંપરાઓનું એકીકરણ થયું. અંતમાં વિષ્ણુ કેન્દ્રમાં રહ્યા.

વૈખાનસ પરંપરામાં વૈખાનસ સંહિતા ઉપરાંત અથર્વવેદ, સ્માર્ત સૂત્ર, શ્રૌત સૂત્ર, અને તૈતરિય વૈદકિય સંહિતા પ્રેરિત ગ્રહ્યસૂત્રોનો સમાવેશ કરીને અનેક ગ્રંથો રચાયા. મંત્ર સંહિતામાં આપેલ વિધિવિધાન પ્રમાણે મૂર્તિની સ્થાપના, તેની પ્રાણપ્રતિષ્ઠા, મંદિરની સંરચના તથા ભક્તિસંગીત ઉપર માર્ગદર્શન આપતો આ ગ્રંથ પ્રમાણિત મનાય છે. આ રીતે દક્ષિણ ભારતમાં વૈષ્ણવ ભક્તિનો પ્રારંભ થયો અને તે પછીથી સમગ્ર ભારતમાં પ્રસરી ગયો.

ભારતમાં ધર્મ અને અધ્યાત્મનાં ક્ષેત્રોમાં અનેક પરિવર્તનો આવ્યાં. પરંતુ વૈખાનસ પરંપરાના મહાન તાંત્રિક અત્રિએ જણાવ્યું છે કે જ્યારે વેદ પરંપરાનો ક્ષય થયો ત્યારે સ્મૃતિશાસ્ત્ર પ્રેરિત ધર્મ સ્થપાયો. તે પતિત થાય છે ત્યારે લોકો પૌરાણિક ધર્મો તરફ આકર્ષાય છે. આ પરંપરા પણ ભક્તો પરની પોતાની પક્ડ ગુમાવે છે ત્યારે આગમ પ્રેરિત વૈષ્ણવ પરંપરા જ તમામ વર્ગ માટે સ્વીકાર્ય બને છે. સનાતન પરંપરા આ રીતે અનેક પરિવર્તનો છતાં આજ સુધી ટકી રહી છે.

પાંચરાત્ર પરંપરા

આપણે ઉપરોક્ત પરંપરામાં માનીએ છીએ તેવો અર્થ નથી થતો. તેમાં પાંચનો અર્થ સમગ્ર થાય છે અને રાત્ર એ બ્રહ્મા-વિષ્ણુનું સ્વરૂપ છે. આમ પાંચરાત્રનો અર્થ સર્વસ્વની ઉપાસના એવો થાય છે. તેના ત્રણ મૂળ ગ્રંથો – શાત્વત, જયાખ્ય અને પૌષ્કર – ત્રય રત્ન કહેવાય છે. તે ઉપરાંત ત્રણ ગુણો પ્રમાણે પણ કેટલાક અન્ય ગ્રંથો છે, જે આ પ્રમાણે છે –

સાત્વિક – ઈશ્વર ભારદ્વાજ સૌયત્ન, દ્વૈખાનસ, ચિત્ર શિખંડી ઈત્યાદિ

રાજસિક – સનત કુમાર, પમોદભવ, સાંતત્પ, તેજોદર્પણ ઈત્યાદિ

તામસિક   – પંચપ્રશ્નો, સંકપ્રશ્ન, તત્વસાગર

તેના કુલ ૩૦૦ જેટલા ગ્રંથ છે.

તેના વિષયવસ્તુમાં શ્રેડર નામના વિદેશી વિદ્વાન નીચેના વિષયોનો સમાવેશ કરે છે –

૧) દર્શન

૨) મંત્ર

૩) યંત્ર

૪) માયા યોગ

૫) પતંજલિ યોગ

૬) મંદિર નિર્માણ

૭) દેવ પ્રતિષ્ઠા વિધિ

૮) સંસ્કાર

૯) વર્ણાશ્રમ ધર્મ, અને

૧૦) ઉત્સવ.

જોકે ભારતના વિદ્વાનો પાંચરાત્ર પરંપરામાં જ્ઞાન, યોગ, ક્રિયા અને ચર્ચા પર વધારે ભાર મુકે છે. તેના ઉપાસ્ય દેવોમાં વિષ્ણુ, નારાયણ, વાસુદેવ, પુરુષોત્તમ, કેશવ અને ગોપાલ મુખ્ય છે. પાંચરાત્ર વિધિવિધાનો દ્વારા આ દેવોના ભક્તો પૂજન અર્ચન કરી સાંસારિક દુઃખોમાંથી મુક્તિ મેળવે છે. આ પરંપરામાં પુષ્કર સંહિતા મંત્ર, તંત્ર, પુરાણ અને ઇતિહાસને પણ સ્થાન આપે છે. શંકરાચાર્યના અદ્વૈતવાદને સંપૂર્ણ જાકારો આપવામાં આવ્યો છે.

પાંચરાત્ર પરંપરાનો તાત્વિક આધાર વ્યૂહ છે, જેને ચાર વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રથમ વિભાગ વાસુદેવ એ સાક્ષાત બ્રહ્મ છે. અન્ય ત્રણમાં સંકર્ષણ એટલે જીવસૃષ્ટિ, પ્રદ્યુમ્ન એટલે માનવીમાં રહેલું મન અને અનિરૂદ્ધ એટલે આપણું અહંકાર તત્વ છે. સાચા અર્થમાં તો આ ચાર ચતુર્વ્યુહ વિષ્ણુએ સર્જેલ સૃષ્ટિ છે. તેની ઉપાસના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વિષ્ણુની મૂર્તિ ચતુર્ભુજ રૂપ છે. તેની દક્ષિણ બાજુએ મુખ પર ઉગ્ર ભાવ ધરાવનારી મૂર્તિ સંકર્ષણની છે. તેની બીજી બાજુએ પ્રદ્યુમ્નની મૂર્તિ છે. અનિરૂદ્ધની મૂર્તિના હાથમાં ધનૂષબાણ છે. આગમ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુનાં ૧૧૬ નામ આપવામાં આવ્યાં છે, જેમાં દશ અવતારો અને તેના અંતિમ અવતાર તરીકે ભગવાન કલ્કિનું નામ મળે છે. પાંચરાત્ર પરંપરામાં આ દેવોની અર્ધાગિનીઓનાં ૩૮ નામોનો ઉલ્લેખ છે.

પાંચરાત્ર મંદિરોમાં જે વૈષ્ણવ તહેવારો અને ઉત્સવો ઉજવાય છે તેમાં અંકુર પ્રસ્ફૂટન, ધ્વજારોહણ, અમાવાસ્યની વિધિઓ આપવામાં આવી છે. દેવોની પૂજામાં નિત્ય અને નૈમિતિક કારણોથી કરવામાં આવે છે. તેના વ્રતોમાં અગીયારસ દરેક વૈષ્ણવ માટે ફરજિયાત છે. અન્ય વ્રતોમાં દેવપોઢી અને દેવઊઠી અગીયારસ છે. જયંતીઓ અને વાર્ષિક ઉત્સવો ભારે ઉત્સાહથી ઉજવાય છે.દરેક માસની પણ ઉજવણી થાય છે. જાગરણ વિધિ પણ એક મહત્વની વિધિ છે. વધારામાં તિલોત્સવ, તિર્થોત્સવ, દાન, પૂનમવ્રત, અને હોલિકોત્સવ પણ મહત્વના ઉત્સવો છે. પાંચરાત્ર પરંપરામાં વ્યક્તિએ કોઈ પણ વિધિ વિધાન કરતાં પહેલાં પોતાના દેહની ભૂત શુદ્ધિ, એટલે કે પવિત્ર બનવાની, વિધિ પણ ફરજિયાત છે. સ્વાધ્યાય અને યોગ પણ તેમાં ખાસ મહત્વ ધરાવે છે.

આ રીતે વૈષ્ણવ આગમ વિના હિંદુ પરંપરા અપૂર્ણ છે.

સૌજન્યઃ वैष्णव पांचरात्र आगम | લેખકઃ रामचार्य मिश्र


હવે પછીના મણકામાં આગમ શાસ્ત્રો પૈકી શિવાગમ અને અન્ય આગમો વિશે વાત કરીશું.


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.