વિમલાતાઈ

ફરી સૌરાષ્ટ્ર ભણી થી આગળ

લલિતાબાઈ નરેનની ઘણી કાળજી લેતાં હતાં. તેમણે નરેનને એસ.એસ.સી. સુધી ભણાવવાની જવાબદારી લીધી, તેથી તેને અમદાવાદ મૂકી હું મારી દીકરીઓ – મીના, સુધા અને જયુને લઈ ભાવનગર પહોંચી. ત્યાં માણેકવાડી સ્ટેશનની નજીક માસિક રૂ.૪ના ભાડા પર જગ્યા લીધી. એક રૂમ, બાથરૂમ અને મોટી ઓસરીની જગ્યાનું મકાન સારું હવાઉજાસવાળું હતું.

ભાવનગર પહોંચતાં જ મેં મકાન લેવા માટે રોજ ધક્કા ખાવાનું શરૂ કર્યું. મકાનમાલિક મુંબઈ રહેતા હતા, પણ તેમનો કારકુન તેમનો સ્થાનિક વહીવટ જોતો હતો. એક દિવસ તેણે કહ્યું, “આ બંગલો લેવો હોય તો હવે તમારે સાડા પાંચ  હજાર આપવા પડશે.’

મેં તો મારું સર્વસ્વ વેચીને પાંચ હજાર ઊભા કર્યા હતા. હવે આ વધારાના પાંચસો ક્યાંથી લાવું? હું પાછી અમદાવાદ ગઈ અને બધા આગળ વિનંતી કરી કે કોઈ પણ હિસાબે પાંચસો રૂપિયાનું કરજ આપો. પણ મને કોણ આટલી રકમ આપે? મારા સગા બનેવી, જેઓ પોલીસઅધિકારી હતા, તેમણે પણ મદદ કરવા ઇન્કાર કર્યો, તો બીજાં કયાં સગાં મને મદદ કરે?

હું ફરીથી મકાનમાલિકના કારકુન પાસે ગઈ અને તેને વિનવણી કરી કે કોઈ પણ હિસાબે આ મકાન મને આપો. બાકીના પાંચસો રૂપિયા હું તેમને મકાનના ભાડામાંથી નિયમિત હપતો બાંધીને ભરપાઈ કરી આપીશ. પરંતુ મારું દુર્દેવ એવું કે મારી વિનંતીનું કશું પરિણામ આવ્યું નહિ. મારી વાત ચાલતી હતી તેવામાં રાતોરાત પેલા કારકુને આ બંગલો એક સિંધી નિર્વાસિતને સાડા સાત હજારમાં વેચી નાખ્યો! તે વખતે પાકિસ્તાનમાંથી હજારોની સંખ્યામાં સિંધી નિર્વાસિત સૌરાષ્ટ્રમાં આવ્યા હતા અને મોં માગી રકમ આપીને તેઓ મકાન, જમીન ખરીદી લેતા હતા. મકાનોની કિંમત એટલી વધી ગઈ કે મારે હવે ભાડાના મકાનમાં રહેવાનો વારો આવ્યો. ખેર, જેવાં જેનાં નસીબ! જે આવ્યું તે સ્વીકારીને મેં મારી ત્રણે દીકરીઓને નિશાળમાં દાખલ કરાવી અને દિવસ વ્યતીત કરવા લાગી.

અમારા પરિવારના બે નંબરના દીકરા રવિને ટી.બી. થયો હતો, તેની તબિયત સુધરતી નહોતી. તેને ખાસ સારવાર લેવા માટે મીરજની નજીક વાનલેસવાડીમાં એક અંગ્રેજ ડૉકટર હોસ્પિટલ ચલાવતા હતા, ત્યાં જગ્યા મળી. તેણે મને પત્ર લખ્યો, “ગમે તેમ કરીને પણ મને બે હજાર રૂપિયા ઉછીના આપો તો હું રોગમુક્ત થઈ શકીશ. સાજો થતાં તમને પૈસા પાછા આપવા હું બંધાયેલો રહીશ, અને તે અંગે જોઈએ તો હું તમને દસ્તાવેજ કરી આપીશ.’ સમય સમયની વાત છે. રવિના આવા કપરા સમયમાં મારે મદદ કરવી જ જોઈએ તેવું મને લાગ્યું. આમ જોવા જઈએ. તો રવિ પણ મારો જ દીકરો છે. તે સાજો થતો હોય તો ગમે ત્યારે મને મારા પૈસા પાછા આપશે. મેં બીજો કશો વિચાર કર્યા વગર તેને બે હજાર રૂપિયા મોકલી આપ્યા અને તે મીરજ ગયો.

ભાવનગર આવ્યા બાદ મને અમદાવાદથી અમારા ભાગનાં ભાડાનાં દર મહિને ૩૬ રૂપિયા આવતા હતા. આટલી નાની રકમમાં મારું ઘર ચાલતું નહોતું,  તેથી બેન્કમાંથી મારે થોડી થોડી રકમ ઉપાડવી પડતી હતી. આમ મારા દિવસ વ્યતીત થતા હતા. ઉનાળાની રજામાં નરેન ભાવનગર આવતો, અને રજા પૂરી થતાં વીલા મોઢે તે અમદાવાદ પાછો જતો. તે એટલો સમજુ દીકરો હતો કે તેને ગમે એટલી તકલીફ થાય, ત્રાસ થાય તો પણ મને કદી કહેતો નહિ. આમ કરતાં કરતાં તે પોતાની હોશિયારીથી ભણવામાં આગળ આવતો ગયો.

આમ દિવસ ચાલતા હતા, ત્યાં મારા ફોજદાર બનેવીની બીજા ગામમાં બદલી થઈ. ઉતાવળે તેઓ મારી પાસે આવ્યા અને પાંચસો રૂપિયા ઉધાર માગ્યા. મને કહ્યું કે એક મહિનાની અંદર ગમે તેમ કરીને આ પૈસા પાછા આપી દઈશ…

મારો સ્વભાવ ભોળો હતો. મારી સગી નાની બહેનના પતિએ આ રીતે વિનંતી કરી હતી તેથી મેં કશો વિચાર કર્યા વગર તેમને આ રકમ આપી દીધી. એ પણ વિચાર ન કર્યો કે મારે મકાન લેવા માટે આટલી જ રકમ જોઈતી હતી ત્યારે મને મદદ કરવા કોઈ જ આવ્યું નહોતું. મારા આ જ બનેવીએ. મને કરજ તરીકે પણ પૈસા આપવાની ચોખ્ખી ના પાડી હતી, અને પાંચસો રૂપિયા ખાતર મારે બંગલો ગુમાવવો પડયો હતો. અમારો દીકરો રવિ હજી મીરજમાં સારવાર લેતો હતો, અને તેની પાસેના પૈસા ખૂટી ગયા. તેણે મારી પાસેથી વધુ એક હજાર રૂપિયા માગ્યા. મને રવિ પર પૂરો વિશ્વાસ હતો, કેમ કે ગમે તેમ તોય આખરે તે મારો જ પુત્ર હતો. મેં તેને તરત જ આ રકમ મોકલી આપી.

અહીં મારી પાસે થોડીક મૂડી રહી હતી તેના પર મારા બનેવીની નજર હતી જ. તેઓ મારી પાસે ફરીથી આવ્યા અને આર્જવતાથી વિનંતી કરીને આબરૂ બચાવવા માટે પૈસાની જરૂર છે કહી બીજા પાંચસો રૂપિયા માગ્યા. આવી સ્થિતિમાં હું તેમને કેવી રીતે ના કહી શકું? મેં તેમને ફરીથી જોઈતી રકમ આપી. આ લોકો કોણ જાણે કઈ માટીના ઘડાયેલા હતા ભગવાન જાણે. એક દિવસ મારા બનેવીના મોટા ભાઈ મને મળવા આવ્યા અને કહેવા લાગ્યા, “અમને પૈસાની સખત અડચણ આવી છે તો બસો રૂપિયા આપો. અને જુઓ, આ વાત કોઈને – તમારા બનેવીને પણ ના કરશો. જો પૈસા નહિ આપો તો જોયા જેવી થશે.’ મેં તેમને ડરના માર્યા પૈસા આપ્યા. જતાં પહેલાં કહે, “જુઓ લીલાબહેન, આ વાતની કોઈને ખબર પડશે તો મારી એટલી લાગવગ અને પહોંચ છે કે આ તમારું આ ભાડાનું મકાન ખાલી કરાવીને રસ્તા પર ઊભાં કરાવી દઈશ.’

જુઓ તો માણસની નિમ્નતાનો નમૂનો! એક તો તેને પૈસાની ગરજ પણ હતી અને ઉપરથી દમદાટી આપતો હતો. હું તો એકલી સ્ત્રી હતી અને કોઈનો આધાર ન હતો. તેથી તેની ધમકીથી હું ડરી ગઈ અને તરત પૈસા કાઢી આપ્યા.

આવા ખરાબ માણસનું તો મોઢું પણ જોવાની ઇચ્છા ન થાય. આમ કરતાં કરતાં મારા બધા પૈસા ખલાસ થઈ ગયા. નાણાંની તંગીથી હું તો ત્રાસી ગઈ હતી. બેહદ તકલીફ થવા લાગી. તેવામાં મારા બનેવીની ફરીથી બદલી થઈ અને આ વખતે મારી પાસે પૈસા ન હોવાથી તેઓ તેમનો સમગ્ર પરિવાર મારે ઘેર મૂકી ગયા! વળી તેમનો પરિવાર કાંઈ નાનો નહોતો: દમુ, તેની મોટી દીકરી અને ઘરજમાઈ, દમુનો મારા નરેન જેવડો મોટો દીકરો અને મીના જેવડી દીકરી, દમુની વિધવા જેઠાણી અને તેમની એક મોટી દીકરી અને એક દીકરો – આવો વિસ્તૃત પરિવાર મારે ત્યાં આવી પડયો. મારા બનેવીએ કહ્યું, “મને ક્વાર્ટર મળે ત્યાં સુધી જ આ બધાં તમારે ત્યાં રહેશે.’ તેમના ખર્ચ માટે તેમણે કે દમુએ મને એક પાઈ પણ આપી નહિ. હું તો એવી બેજાર થઈ ગઈ કે ન પૂછો વાત. થયું, મારે સૌરાષ્ટ્ર આવવું જોઈતું નહોતું. જે આવે તે મને છેતરવા જ માગતું હતું. હાલત એવી આવી પહોંચી કે મારે હવે ઘરનાં નાનાંમોટાં વાસણ પણ વેચવા પડયાં. આખરે મારા બનેવીને સરકારી રહેઠાણ મળ્યું અને તેઓ સહકુટુંબ, સહપરિવાર રવાનાથયા. હા, જતી વખતે “આવજો’ કહેતા ગયા.


ક્રમશઃ


કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
બ્લૉગઃ  www.captnarendra.blogspot.com