રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…
અલ્પા શાહ
“ગીતબિતાન” શ્રેણીમાં આપ ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. આ લેખમાળામાં આજથી આપણે રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન કરવાની શરૂઆત કરીશું.
આમ તો ગુરુદેવે કળા અને સાહિત્યના અનેક આયામો સર કર્યા છે પણ બહુમુખી પ્રતિભા ધરાવતા ગુરુદેવ હંમેશા કહેતા કે “আমি কবি” અર્થાત પ્રથમ હું એક કવિ છું. જે પારદર્શિતાથી તેમની સંવેદનાઓની અભિવ્યક્તિ તેમની કવિતામાં અને ગીતોમાં થયેલી જણાય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ તો એવું ચોક્કસ લાગે કે આટલી સચોટ અભિવ્યક્તિ માત્ર એક કવિ હૃદય જ કરી શકે.
ગુરુદેવને સતત એવું લાગ્યા કરતુ કે કોઈક અણદીઠી ચેતના, કોઈક અગમ્ય શક્તિ તેમને સર્જન કરવા પ્રેરી રહી છે. આ દિવ્ય શક્તિથી અભિભૂત થઇ ગુરુદેવ કહેતા કે મારી સર્જનાત્મકતા એ “મારી” નથી પણ આ દિવ્ય શક્તિ મને હાથ પકડીને કરાવી રહી છે. તેમના માટે એ દિવ્ય શક્તિ, એ પરમ ચેતના તેમની સર્જનત્મકતાની ધરોહર હતી. એ પરમ ચેતનાને ઉદેશીને અને એ ચેતના માટેની ગુરુદેવની સંવેદનાઓને પ્રદર્શિત કરતી બધીજ રચનાઓનો સમાવેશ ગીતબિતાન પુસ્તકના પૂજા વિભાગમાં થયો છે. ગુરુદેવના ગીતોમાં રહેલા ભાવના ઊંડાણને સમજવાની મારી કોઈ પાત્રતા નથી તે છતાંય ગીતબિતાન લેખમાળાના હવે પછીના ૬-૮ભાગમાં આપણે આ પૂજા વિભાગમાંથી ચૂંટેલી કવિતાઓ માં રેલાતી સંવેદનાઓનું આચમન કરવાનો પ્રયત્ન કરીશું.
આજે આપણે પૂજા પારજોયમાં વર્ગીકૃત થયેલી એક ખુબજ સંવેદનશીલ કવિતા જેની રચના ગુરુદેવે 1914 માં કરી હતી અને તેનું શીર્ષક છે আমার হিয়ার মাঝে লুকিয়ে ছিলে Aamar hiyar maajhe lukiye chhile અર્થાત “ભીતરે મારી રહ્યો, વાસ તમારો…” માં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું. આ રચનાનું સ્વરાંકન રાગ પીલુ પર આધારિત છે અને તેને એકતાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે.
ભીતરે મારી રહ્યો, વાસ તમારો…
ભીતરે મારી રહ્યો વાસ સદા તમારો
સહવાસ તમારો મને ન ઓળખાયો
ખૂંદી વળ્યો એકેએક મંદિરો મઝારો
મારા અંતરનો મારગ મુજથી ભુલાયો
મુજ પર વરસતી હેતની હેલી મહી
કૃપાનો મેહ તમે જ તો વરસાવ્યો
મુજ આશા-નિરાશાને આંગણીયે
પડછાયો તમારો જ નિત્ય અંકાયો
ધબકી રહ્યા તમે શ્વાસ થઇ મારો
બસ,ભાસ તમારો મને ન પરખાયો
મારી ખુશીઓના ખુલ્લા ખજાનામાં
નિત તમારા સ્મિતનો પડઘો ઝીલાયો
મારી અવળી સવળી થતી બાજીમાં
નિત તમારી રમતનો દાવ ખેલાયો
અંતરે રહી તમે કરતા રહ્યા પોકારો
બસ ,સાદ તમારો મને ન સંભળાયો
મારા રુદિયાના ઊંડા કોતરો મહી
પગલાંનો પગરવ તમારો પરખાયો
આર્તનાદ ભરેલા મારા ગીતો મહી
બસ, ફક્ત તમારો જ સૂર રેલાયો
બિરાજી ભીતરે, કરતા રહ્યા તમે ઈશારો
બસ, ઈશારો તમારો મને ન સમજાયો
©અલ્પા શાહ
એ પરમ ચેતના, એ દિવ્ય શક્તિને ઉદબોધીને ગુરુદેવ આ કવિતામાં પોતે પોતાની ભીતર વસેલા પરમાત્માને નિહાળી શકવાની અસમર્થતા નમ્ર અને દીન ભાવે રજુ કરે છે. આ દીનતાના ભાવને ઘેરો કરતા આગળ ગુરુદેવ લખે છે કે, જીવનમાં અનુભવાતા પ્રત્યેક આશા-નિરાશા, હાર-જીત, આનંદ-વિશાદમાં એ દિવ્ય શક્તિની હાજરી હતી, જેની અનુભૂતિ કરવામાં તેઓ અસમર્થ નીવડ્યા. આમ જોવા જઈએ તો આ ગીતમાં ગુરુદેવ એક કબૂલાત(confession) કરે છે. આ દીનતા અને અસમર્થતાનો ભાવ અને કબૂલાત કરવાની તાકાત જયારે આપણો અહં બાજુમાં મૂકીએ ત્યારેજ ઉદ્ભવે. આધ્યાત્મિક માર્ગની સીડી પર લાંબી સફર કાપ્યા પછી જ આવો ભાવ હૃદયમાં પેદા થાય. ગુરુદેવ પોતે તો એક સિદ્ધ આધ્યાત્મિક કવિ (Spiritual Poet) હતા અને કદાચ એટલેજ તેમને તેમની સંવેદનાઓને આટલી પારદર્શિતા થી અહીં રજુ કરી છે.
મારા, તમારા સૌના હૃદયના ઊંડાણમાં એ દિવ્ય ચેતનાનો વાસ છે પણ કદાચ રાગ દ્વેષ અને મોહ કેરા પડળોની નીચે દટાયેલી એ ચેતનાની જ્યોતને આપણે અનુભવી નથી શકતા. આ સમગ્ર સૃષ્ટિમાં આપણાથી સૌથી નિકટ એ દિવ્ય પરમ શક્તિ જ છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ શ્રીમદ ભગવદ્દ ગીતાના નીચેના શ્લોકમાં અર્જુનને કહે છે તેમ
अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थित: |
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च || 20||
પરમાત્માનો વાસ દરેક દરેક આત્મામાં રહેલો છે. અને આ પરમશક્તિ એજ સર્વનો આદિ, મધ્ય અને અંત છે. જેમ ગુરુદેવે આ કાવ્યમાં લખ્યું છે તેમ પ્રભુને કોઈ મંદિરમાં શોધવાની જરૂર જ નથી, માત્ર આપણી ભીતર જ ઝાંખવાની જરૂર છે. એ પરમ ચેતના આપણા સૌમાં પ્રત્યેક શ્વાસ બનીને ધબકે છે, એ તો આપણા રોમેરોમમાં વણાયેલો છે અને આપણા જીવનની પ્રત્યેક ક્ષણ અને સંવેદનોનો કર્તા-હર્તા છે, બસ જરૂર છે માત્ર એને અનુભવવાની, એની સાથે તાદામ્ય સાધી એકરૂપ થવાની અને તેના મય બની જવાની…. અને જે દિવસે એ પરમ ચેતના ભીતરથી વિલીન થશે ત્યારે આ શ્વાસની ધમણ અટકી જશે અને માત્ર આ શરીરરૂપી ખોળિયું રહી જશે.
સો વર્ષથી વધારે સમય પહેલા રચાયેલી આ રચનાને ઘણા બધા પ્રખ્યાત બંગાળી કલાકારોએ પોતાનો સ્વર આપ્યો છે અને હજુ આજે પણ, બંગાળી ભાષાની કોઈ પણ સમજ ન હોય તે છતાંય આ રચનાનો એક એક શબ્દ આપણા હૃદય સોંસરવો ઉતરી જાય તેવું સુંદર સ્વરાંકન ગુરુદેવે કરેલ છે.. રબીન્દ્રસંગીતની એક ખાસિયત એ છે આ બધીજ રચનાઓને આધુનિક સમય દરમિયાન પણ તેના મૂળભૂત સ્વરાંકન પ્રમાણે જ ગાવામાં આવે છે (થોડી ઘણી વાદ્યોની છૂટછાટ ને બાદ કરતા)
તો ચાલો, આ ગીતના મુખડાંને માણતા માણતા આપણી ભીતર નજર કરીને એ પરમ શક્તિને ઓળખવાનો પ્રયત્ન કરતા કરતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાય હશો. તમારામાર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ….

I like your translation and article.
SaryuParikh@yahoo.com Austin, Tx.
LikeLike