કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

ન કરે નારાયણ અને માનો કે કોઇને જીવડું [સાપ] અડી ગયું તો ? તો કોઇપણ જાતના દોરા=ધાગા-ડોકમાં ફાળકી કે ઝેર ઉતારવાના મંત્રો-તંત્રો જેવા ઇદંતૃતિયં નુસ્ખા અજમાવવાના બંધ રાખી જેમ બને તેમ વહેલામાં વહેલા નજદીકના સારા દવાખાને દરદીને કેમ પહોંચાડવો  એ જ હિતાવહ ગણાય.

જો કે સાપ અમસ્તો અમસ્તો વિના કારણે કદિ કરડતો નથી. પણ આપણે તો રહ્યા ખેડૂત ! વેળા ક વેળા-વાડી-ખેતર્ના શેઢા-પાળા કે અડાબીડ ઊભી મોલાતોમાં કામ કરતાં ક્યારેક ઘાસ-પૂસમાં છૂપાએલ સાપની પૂંછડી દબાઇ ગઈ હોય તો એ પોતાના સ્વબચાવ અર્થે અથવા તો કોઇ વેળા એના ઋતુકાળની ઉછળકુદમાં ઓચિંતાની આપણા દ્વારા કોઇ ખલેલ ઊભી થઈ ગઈ હોય, તો ખીજવાઈ જઈને સાપે ડંખ મારી દીધો હોય ત્યારે એ સીમ-વગડેથી ઝટ ઝટ રવાના થઈ ઘણી ઉતાવળ કરવા છતાં દવાખાને પહોંચવામાં કેટલોક વખત લાગી જ જવાનો ને ?

તો બસ, મારું કહેવાનું એટલું જ છે કે “આ બટકું ભરવાથી તે દવાખાને પહોંચવા સુધીના વચ્ચેના સમયગાળામાં સાપનું ઝેર ઉતારી દઈ, દરદીને રાહત કરાવી આપે એવો કોઇ ઉપાય મળી જાય તો આપણે એની અજમાયેશ કરીએ કે નહીં ?” સાપનું ઝેર ઉતારી આપી, દરદીને ઝેરમુક્ત કરી દે એવો સફળ ઉપાય છે-જે વૈદ શ્રી શોભન વસાણી [દલપતભાઇ વસાણી] એ અમોને લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીઓને શિખવ્યો હતો.

એમાં કરવાનું શું ?  “સાપે દંશ દીધો” એવા સમાચાર મળ્યા ભેળું કોઇ એક ઉતાવળિયા જણે દોડતાં જઈ, નજદીકના પીપળાના ઝાડવે પહોંચી કુણાં કુણાં પાનવાળી બે-ત્રણ તીરખી તોડી લાવવાની. તેનાં પાન તોડતાં ડીટિયાં પર ધસી આવેલ ક્ષીર-પ્રવાહી લુછાઇ ન જાય તે રીતે બે પાંદ તોડી, પોતાના બન્ને હાથમાં એક એક પકડી, દરદીના બન્ને કાનમાં એક એક ડીટિયું દાખલ કરી, પાનની ડાંડલીને કાન સાથે બરાબર સજ્જડ રીતે પકડી રાખવી. આમ કરવાથી દરદીને કાનમાં જોરદાર દુ:ખાવો શરૂ થશે, એટલે તે માથું ધુણાવવા માંડશે કે હાથ વતી કાન છોડાવવા ધમપછાડા કરવા માંડે એવે ટાણે જરૂર પડે તો બીજા એક-બે જણાની દરદીને  પકડી રાખવામાં મદદ લેવી.

થોડા સમયમાં કાનમાં દાખલ કરેલ ડીટિયાં કાળાં પડી જશે. એટલે એ પાન દૂર કરી, બીજાં નવાં પાનનાં ડીટિયાં કાનમાં દાખલ કરી ટકાવી રાખવાં. આમ ચાર-પાંચ વખત કરવામાં આવશે ત્યાં દરદીની પીડા ઘટી જશે અને દવાખાને પહોંચતાં સુધીમાં દરદી ઝેરમુક્ત થઈ જશે. આ પ્રયોગની કોઇ આડ અસર નથી, અને એને માટે કોઇ વધારાનો સમય પણ વેડફવાની વાત નથી. માત્ર દવાખાને પહોંચતા સુધીના સમયગાળામાં જ અજમાવી જોવાની ભલામણ છે.  આમ પીપળાના વૃક્ષને માનવ-જીંદગીને પૂન: ધબકતું કરવા માટે અપાએલ પ્રકૃતિદત “વરદાન” ન કહીએ તો બીજું શું કહીશું કહો !

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

“પ્રાણવાયુ” બાબતે કેવડું મોટું યોગદાન ? ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે  “अश्व्स्थ: सर्व वृक्षाणामहम“ – વૃક્ષોમાં હું પીપળો છું !” વૃક્ષોની તો આખી દુનિયા છે ભૈ ! લીમડો, વડલો, ખીજડો, હરમો, જાંબુડો, આંબો, ઇંગોરિયો, કેરડો જેવા અસંખ્ય વૃક્ષોમાંથી માત્ર “પીપળો” જ ભગવાન કૃષ્ણને વધુ મહત્વનો કેમ લાગ્યો ?

મિત્રો ! પીપળા પ્રત્યે ભગવાનના પક્ષપાતનું કારણ એ પણ ખરું કે બીજા વૃક્ષોની સરખામણીએ પીપળાના વૃક્ષની દેહરચના નીરખીશું તો ખ્યાલ આવશે કે આ વૃક્ષના દરેક પાન એકબેજાથી છૂટા છૂટા અને સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરી શકે તેવા ગોઠવાયેલાં જણાશે. જેમકે પાંદડાંની નસો બધી સ્પષ્ટરીતે ઉપસેલી હોવાછતાં તેની સપાટી ખુબ જ લીસી અને એવી ચકચકિત હોય છે કે તે વધુમાં વધુ સૂર્યપ્રકાશને સમાવી લઈ, વધુમાં વધુ પ્રકાશ સશ્લેષણની ક્રિયા કરી શકે ! અરે, બીજાં વૃક્ષો ઝાંખા પ્રકાશમાં આવું કામ નથી કરી શકતા એવા ઝાંખા પ્રકાશમાં પણ પીપળો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા-અંગારવાયુને પોતાના ખોરાકની રાંધણક્રિયામાં વાપરી-બદલામાં પ્રાણવાયુ રૂપે વધુ રૂપાન્તરિત કરી આપવાનું વિરલ કામ કરી દેખાડે છે. તેજ કારણે  આપણા ઋષિ-મુનીઓ અને ગલઢેરાઓએ ધર્મ અને પવિત્રતા સાથે વિજ્ઞાનને વણી લઈ, દેવમંદિરો અને ગામડાંઓની ભાગોળે પીપળાના વૃક્ષો બહુ ગણતરી પૂર્વક જ ઉછેરાવ્યા હોય એવું નથી લાગતું ?

આ વાતને આધુનિક વિજ્ઞાનનો ટેકો : થોડા વરસો અગાઉ અમેરિકાના બોસ્ટન શહેરમાં દુનિયાભરના પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રીઓની એક કોન્ફરસ યોજાએલી. અને એમાં જર્મનીના એક વનસ્પતિશાસ્ત્રીએ એવું જણાવ્યું કે “ આ પૃથ્વી પર અનેક જાતના વૃક્ષો છે. પરંતું એ બધામાં “પીપળો’ એક માત્ર એવું ચમત્કારિક વૃક્ષ છે કે જે 24 કલાક એટલે કે દિવસ અને રાત વાતાવરણમાં વધુમાં વધુ ઓક્સિજન છોડી પર્યાવરણને શુદ્ધ કરવામાં મોટામાં મોટો ફાળો આપી રહ્યું છે.” આમ આપણે જેને દેવતુલ્ય ગણી જેની પૂજા-અર્ચના અને આરધના કરીએ છીએ એ પીપળાને હવે વિદેશના વિજ્ઞાનીઓ પણ અત્યંત ઉપયોગી વૃક્ષ જણાવી રહ્યા છે.

અભિનંદન : તા- ૧૦-૦૮-૨૦૨૧ના ફૂલછાબ અખબારમાં “વાચકોના દરબાર” માં છપાએલ વિગત જાણી કે “વાગુદડ ગામે પીપળાના અસંખ્ય વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું.” ઘટના વખાણવા લાયક અને પર્યાવરણ માટે ખુબ જ હિતકારી હોઇ, વિશ્વના આ ભયંકર પ્રદુષિત વાતાવરણમાંથી બચાવવા માટેનું આ ઉમદા કાર્ય કરનાર સૌ કર્મવીરોને અમારા તરફથી રાજીપો અને અભિનંદન !

ઓળખ : પીપળાને હિંદીમાં “પીપલ” , સંસ્કૃતમાં “અશ્વસ્થ” અને અંગ્રેજીમાં “સેક્રેડફીગ કે બો ટ્રી” કહે છે. આમ જોઇએ તો આજ દિન સુધી પીપળાના વૃક્ષોનું કોઇએ વ્યવસ્થિત પ્લાંટેશન કર્યું હોય તેવું જાણવામાં આવ્યું નથી. આ વૃક્ષો ગામડાંની ભાગોળે, સીમ-વગડે કૂવા-તળાવના કાંઠે, ખીણો, ડુંગરાઓ, જૂનાં ખંડેરો અને નદીના કોતરોમાં ટવર્યાં ટવર્યાં જોવાં મળતાં હોય છે. આ ઝાડને પ્રકૃતિએ એવા કઠ્ઠણ સ્વભાવનું બનાવ્યું છે કે એ એકવાર ઊગી ગયું ? પછી વરસો સુધી સારી-નરસી ગમે તે જમીનમાં અને પાણી-માવજતની કોઇ જ માગણી વિના ટકી રહેવાની ક્ષમતા ધરાવનારું છે.


સિમેન્ટ ચણેલી દિવાલમાં પીપળો
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

તેનાં પાન હદય આકારનાં, ડીંટા પાસે સહેજ સંકોચાયેલાં, અને તળિયે પહોળાં તથા વચ્ચેના ભાગે વધુ પહોળા-ટોચ તરફ સાંકડાં અને છેલ્લે છેલ્લે અણિદાર-એવાં ઘાટનાં હોય છે. ઝાડની છાલ પર કાપ મૂકીએ તો દૂધ [ક્ષીર] નીકળે છે. પાનખર ઋતુમાં આ વૃક્ષનાં બધાં પાન ખરી જઈ, વૃક્ષ સાવ ઠુંઠા જેવું બની જાય છે અને પછી આખા ઝાડ પર કૂણી કૂણી કાચ જેવી ચમકદાર-તબકતી કુંપળો ફૂટી નીકળે છે. ઝાડ પરનું આ દ્રશ્ય જોઇ, કોઇ કવિએ “પીપળ પાન ખરંતા હસતી કુંપળિયાં, અમ વીતી તમ વિતશે ધીરી બાપુડિયા !” કુંપળો અને વૃદ્ધ થઈ –પાકીને ખરી પડતાં પાંદડાંઓ વચ્ચેનો સંવાદ આ રીતે સંભારીને મનુષ્ય જીવનમાં પણ નાની ઉંમરવાળાઓએ વૃદ્ધોને દેખી તેની અવગણના ન કરવી જોઇએ, કારણ કે તમે પણ ધીરા રહો, ધીરે ધીરે કરતા તમ સૌને પણ વૃદ્ધાવસ્થા આવવાની જ છે ! એવો શીખ-સંદેશ પીપળાને નિમિત્ત બનાવી આપી દીધો છે.

પીપળાના ફૂલો તો હોય છે એકદમ બારીક ! તેના ફૂલમાંથી ફળ બંધાતાં તે ગોળ ચણા જેવડાં થાય, જે સ્વાદે તૂરાં-મધુરાં હોય છે. કાચાં ફળને તોડતાં દૂધ નીકળે છે.અને પાકાં ફળમાં ઝીણી ઝીણી જીવાતોનો પાર હોતો નથી. પણ પક્ષીઓને તો આ ફળો મીજબાનીની ગરજ સારે છે. પીપળા વૃક્ષોનું રોપાણ આમ ગણીએ તો પંખીની ચરક દ્વારા- બિયાં જ્યાં ને ત્યાં ચોતરફ ધરતી પર પડી, વરસાદ આવતાં ઊગી નીકળવાની રીતે થાય છે. અને બીજી રીતે તેનું વર્ધન કરવું હોય તો જે પીપળાને ઝીણી ઝીણી વડવાઇઓ આવી હોય તેવા ઝાડની ડાળીઓના કટીંગ ચોપવાથી પણ નવું ઝાડ તૈયાર કરી શકાય છે.

ઔષધીય પ્રદાન : પીપળાના પાન, તેની છાલ, તેના ફૂલ અને ફળ તેમજ મૂળ સહિતના દેહભાગો ઔષધીય ગુણો ધરાવતા હોવાથી માનવ જીંદગીની દરેક બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે એવું આયુર્વેદનું કહેવાનું છે. ડોકટરની સલાહ અનુસાર ઉપયોગ કરવાથી તેના ફળનું કે ચૂર્ણનું સેવન મગજના કોષોને ચેતનવંતા બનાવે છે. બુદ્ધિ અને યાદશક્તિમાં વધારો કરી શરીરમાં બળ-ઉત્સાહનો સંચાર કરે છે.

તેનાં પાન અને છાલના ઉપયોગથી પેટનો દુ:ખાવો, કબજિયાત, એસીડીટી, હદયરોગ તેમજ ચામડીના ખુજલી, ધાધર જેવા હઠીલા દરદોમાં રાહત અને દાંતના દુ:ખાવામાં તેની પાતળી ડાંડલીનું દાંતણ  તથા તોતડું-બોબડું બોલનાર બાળકને પાકાં ફળોનું સેવન લાભદાયી બને છે. લીવરનું દર્દ હોય કે આંચકી આવતી હોય, નપુસંકતા હોય, આંખનો દુ:ખાવો હોય કે ભલેને ઝેરી જીવડાંનું ઝેર ચડ્યું હોય, પાનનો રસ, છાલનું ચૂર્ણ અને તેની ભસ્મ અક્સીર ઉપાય છે.

પિરામિડ ઘાટનાં પાન : લગભગ તો સૌને આ બાબતનો ખ્યાલ હશે જ કે કોઇપણ મંદિરનો ઘુમ્મટ હોય, સારા- નરસા પ્રસંગોમાં વપરાતું નાળિયેર-શ્રીફળ હોય, ધાતુનો કોઇ કળશ હોય, કે પછી ભલેને કોઇ મોદકરૂપી તૈયાર થયેલ પ્રસાદ હોય ! દરેકનો આકાર શંકુ-પિરામિડ જેવો જ હોય છે ને ? વિજ્ઞાને કબુલ્યું છે કે પિરામિડ આકારની વસ્તુઓમાં શક્તિ સંચય કરવાની અને તેમાં વધારો કરવાની જબરી ક્ષમતા રહેલી છે. તે દ્રષ્ટિએ મૂલવતાં આપણા આ પીપળવૃક્ષના પાંદાડાંઓને પણ પ્રકૃતિએ શંકુ-પિરામિડનો આકાર આપી એની શ્રેષ્ટતામાં એક છોગું ઓર ચડાવી દીધું છે !

અન્ય યોગદાન : મનુષ્યોને ખોરાક પાણી અને ઔષધી કરતાંયે વધારે જરૂરિયાત ચોખ્ખી હવાની હોય છે. એટલે પીપળા જેવા વધુ પ્રાણવાયુ ઉત્પન્ન કરનાર વૃક્ષની ફરતે સવારમાં પ્રદક્ષિણા કરવામાં આવે તો શુદ્ધ પ્રાણવાયુ શરીરમાં સંચાર થતાં રક્તની શુદ્ધિ થાય. અને તેનાથી શરીરના દરેક અંગમાં શક્તિ-સ્ફુર્તિ અને સ્વસ્થતાનું ઉમેરણ થવા ઉપરાંત મગજને પણ શુદ્ધ લોહી મળવાથી મન પણ પ્રફુલિત અને ઉત્સાહી બને છે.

આ વૃક્ષ મનને શાંત કરી શકે તેવી હકારાત્મક ઉર્જાનું ઉદભવસ્થાન હોઇ, મંદિરોનાં પ્રાંગણમાં ઉછેરાય છે.તેની નીચે બેસીને જ ભગવાન બુદ્ધે આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલું. તેથી તો પીપળાને “બોધી વૃક્ષ” જેવું આધ્યાત્મિક હુલામણું નામ પ્રાપ્ત થયેલ છે. જેથી બૌધ ધર્મમાં પણ પીપળાના વૃક્ષને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે.

પીપળો મસ્ત એવો ગુણકારી પ્રાણવાયુ યુક્ય છાંયડો આપવા ઉપરાંત સીલ કરાવામાં અને રંગકામ કરવા ઉપરાંત દવાઓ બનાવવામાં ખુબ જ ઉપયોગી એવી બોરડીની લાખ કરતાંએ ગુણવત્તામાં શ્રેષ્ઠ એવી લાખ પણ આપે છે.

લોક માન્યતાઓ :પીપળાને પૂજનારા, એને થડિયે પાણી રેડનારા અને એની ફરતે પ્રદક્ષિણા ફરનારા ઘણા બધા લોકો સમાજમાં મળી આવે છે. અરે ! જે વૃક્ષમાં બ્રહ્મા-વિષ્ણું અને મહેશનો વાસ છે એવા આ ઝાડ નીચે બેસીને શ્રાધ વગેરે ક્રિયાકર્મો પણ કરવામાં આવે છે. કોઇ લોકો પીપળાને દેવવૃક્ષ માની બહુ જ ભાવથી પાણી-સાકર-દૂધ અને સિંદૂર વડે તેની પૂજા કરે છે, તો બ્રાહ્મણો જનોઇ ઉતારી પીપળાને અર્પણ કરે છે. આ વૃક્ષના દેહભાગો યજ્ઞાદિ હોમ-હવનમાં “સમિધ’ તરીકે ઉપયોગી હોઇ, તેને કાપવા કે બાળવા બાબતે ધર્મે મનાઇ ફરમાવાયેલ છે.

વિચારો ! કૃષ્ણાવતાર-અંતમાં પારધીનું બાણ વાગી ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગની ઘટના પીપળાના વૃક્ષ નીચે જ ઘટી હોવાથી- ભગવાનના દેહત્યાગ માટે નીમિત્ત અને સાક્ષી પણ પીપળો જ થયો ગણાય ને ? અરે ! નવજાત શીશુના જન્મના છઠે દિવસે બહેનો દ્વારા કરવામાં આવતી “છઠ્ઠી” ની વિધિ વખતે વિધાતાએ બાળકની જિંદગીનું ભવિષ્ય લખવા એ નનકુડા બાળકની પાસે “પેન” ની સાથે “પીપળાના પાંચ પાન” મૂકવાનો રિવાજ આજે પણ ચાલુ જ છે !

તો કેટલાક વળી “ભૂતનું સ્થાન પીપળે” કહી અકાળે અવસાન પામેલા કે અધુરી ઇચ્છાએ મૃત્યુ પામેલા જીવોએ મૃત્યુ પછી તુરત પૂનરજન્મ નહીં પામતાં કર્મભૂમિની આસપાસ સુક્ષ્મદેહે એટલેકે આત્મા સ્વરૂપે ભટકતા હોય, જેને સૌ ભૂત પ્રેત કહે છે, તેઓનું પણ આશ્રયસ્થાન આ પીપળાનું વૃક્ષ જ છે, એવી લોકમાન્યતા છે.

દેશ અને દુનિયા પર હાવી થઈ બેઠેલા “કોરોના” વાઇરસના હુમલા પછી સૌને સમજાઇ ગયું છે કે આપણી જીંદગી માટે “પ્રાણવાયુ” કેટલું અગત્યનું પરિબળ છે ! ઘેર ઘેર કંઇ વેંટિલેટર વસાવી ન શકાય, પણ આવા બધા વૃક્ષો તો વેંટિલેટરના બાપ સમાન છે અને પાછા કુદરતી છે ! આપણે આવા વૃક્ષોના ગુણોને ધ્યાનમાં લઈ તેનું વધુમાવધુ રોપાણ થાય તેવા પ્રયત્નો કરીએ. અને તેઓને  કદિ દુભવવા નહીં એવું પ્રણ લઈએ.


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com