ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
અતરાપી નવલકથામાં ધ્રુવદાદાએ સારમેયનાં સંવાદો દ્વારા જીવનમાં પળેપળે ધ્યાનમાં લેવા જેવી અનેક વાતો સહજતાથી સમજાવી છે જેમાંની મને એક વાત ખૂબ ગમી તેની વાત આજે આપ સૌ સાથે વહેંચીશ.
સારમેય જેના ખેતરમાં રહે છે, તે તેના દોસ્તાર સાથે સપનું-સપનુંની રમત રમે છે. આ સપનું-સપનુંની રમત જે આપણે સૌ રમી રહ્યાં છીએ. “આ જીવન જ એક સપનું છે” જે આપણે સૌએ સમજવાની જરૂર છે.આપણે સૌ આપણું સમગ્ર જીવન ઘર, જમીન, જાયદાદ, પૈસા, કુંટુંબકબીલાનાં મોહમાં વિતાવીએ છીએ. જીવનની પાછલી અવસ્થામાં પણ આ બધું છોડીને જવાનું છે એ ખબર હોવા છતાં તેનો મોહ કે માયા જરા પણ છોડી શકતા નથી. ખરાબ સપનામાંથી જાગી જઈએ અને ખબર પડે કે આ તો સપનું હતું તો કેટલો હાશકારો અનુભવીએ છીએ. પરતું આ જીવન જ સ્વપ્નવત્ છે. અહીં ભેગું કરેલું બધું એમ જ મૂકીને જતાં રહેવાનું છે અને સ્વપ્નવત્ જીવન ક્યારે અચાનક પૂરું થઈ જવાનું છે તેની પણ જાણ આપણને નથી.છતાં તે સપનાને સાચું માનીને જ સૌ જીવી રહ્યાં છીએ.
સારમેયનો દોસ્તાર જ્યારે કહે છે કે હમણાં હમણાં હું ઊંઘી નથી શકતો,મને વિચારો આવ્યા કરે છે કે મારી આ મિલકતોનું શું થશે? અહીં કોણ રહેશે? મને કોણ સાચવશે? મારી પાછળ શું થશે? અને ત્યારે જીવન સ્વપ્નને સમજાવવા એ દોસ્તાર સાથે સારમેય સપનું-સપનુંની રમત રમવાની વાત કરે છે.
દોસ્તારનો દીકરો પ્રશાંત શહેરમાં રહે છે. દોસ્તારનાં મોટાં ઝાડપાનથી લીલાંછમ્મ ખેતરમાં પ્રશાંતને રિસોર્ટ કરવી છે. આ વાતે દોસ્તાર ચિંતિંત છે. સારમેયને જ્યારે દોસ્તાર આ અંગે વાત કરે છે ત્યારે સપનું-સપનુંની રમત રમાડી સપનામાં આપણને જે ગ્રહ કે નક્ષત્ર ખૂબ ગમતું હોય તેની પર રહેવા જઈને તેના સૌંદર્યને કેવી રીતે સપનામાં આપણે માણીને આનંદ લઈએ છીએ એ સારમેય સમજાવે છે. ખરેખર તો આપણે પૃથ્વી પર જ હોઈએ છીએ તેવી રીતે જ આ ખેતર, જમીન બધું તારું સમજે છે એ તારી ભૂલ છે. એ પણ તારે અહીં જ છોડીને જવાનું છે. એમ સપનું -સપનુંની રમત રમાડી સારમેય દ્વારા ધ્રુવદાદા આપણને સમજાવે છે. આપણાં સૌની ચિંતા પણ દોસ્તાર જેવી જ હોય છે. દોસ્તારની વાત કહી દરેક દુનિયાનાં આમ આદમીની મનોસ્થિતિ ધ્રુવદાદાએ અરીસો ધરી આપણને સૌને બતાવી દીધી છે.
બીજી પણ એક સરસ વાત સારમેય કહે છે કે “તું વીલ કરીને આ જમીન, આ દરિયા કિનારાની જગ્યા પ્રશાંતને આપવાનો નિર્ણય કરે, પણ એ નિર્ણય માત્ર તમે બે જણ ન લઈ શકો. તારે આ ઝાડવાંને, દરિયાને, વાડીને પણ તેની ઈચ્છા પૂછવી જોઈએ. આ વાત દોસ્તાર સરસ રીતે સમજી ગયો.”
તેણે તેના દીકરાને બોલાવીને કહે છે, “આ ખેતર અને જમીન અને મિલકત એક શરતે કોઈને પણ મળશે કે આમાંનું એકપણ ઝાડવું આપમેળે સુકાય નહીં ત્યાં સુધી તેને કાપવું નહીં ,તે જેને માન્ય હશે તેને જ આ મિલકત મળશે.”
આમ અતરાપીમાં ધ્રુવદાદાએ “જીવન એક સપનું છે “તેમ સમજી જીવવાનો અને વૃક્ષોમાં પણ જીવ છે, તે પણ આપણી મૂલ્યવાન સંપત્તિ છે.- એમ સમજાવી અને પર્યાવરણ રક્ષણની સુંદર વાત કરી છે.
અતરાપીનાં અંતમાં સારમેય સાક્ષીભાવ સાથે, મોહ-માયાથી વિમુક્ત જીવન જીવે છે અને મોક્ષ પામે છે. કૌલેયક સાધુ બનીને જીવે છે અને ઘણું પુણ્ય કમાય છે છતાં તે પુણ્ય ભરપાઈ થઈ જતાં ફરી જન્મ લેવો પડે છે એવો સંદેશ પણ અતરાપી દ્વારા દાદાએ આપ્યો છે.
સારમેય કેવું જીવન જીવે છે તેની જ રજૂઆત હોય તેવું આ ઘ્રુવગીત જૂઓ-
“નામ સંકીર્તન ભજન મેં ના કર્યું.
સંતનું કહેવું સજન મેં ના કર્યું.
આવીને ઉપદેશકો બોલી ગયા
સાંભળી લીધું શ્રવણ મેં ના કર્યું
ક્યા ગુરુ ક્યા ગ્રંથને શોધ્યા કરું
તો સુણો સાધો વચન મેં ના કર્યું
આ ભવે પેલા જનમની વારતા
કેટલું કેવું સરસ મેં ના કર્યું
શું કરું વૈકુંઠની આશા કરી
મોક્ષને નામે તરસ મેં ના કર્યું
શબ્દને મારી તરફ વાંધો પડે
એટલું મોટું કવન મેં ના કર્યું
હું કશુંયે નહીં કરું આપો વચન
તેં કહેલું તરત મેં ના કર્યું
સારમેય આ ગીતમાં લખેલ જિંદગી જીવ્યો.
પરતું જે જીવ્યો તે સાફ દિલ સાથે, માનવતાવાદી જીવન, કશાય દંભ કે ડોળ વગરનું તથા તેને જે સત્ય લાગ્યું તે પ્રમાણે જીવ્યો અને મોક્ષનો અધિકારી બન્યો. આમ અતરાપીમાંથી પસાર થઈ તેની અનેક વાતો મારા મનને સ્પર્શી ગઈ . તમને સૌને પણ તે વાતો ગમશે.
આવતા અંકે દાદાનાં બીજા પુસ્તક સાથે મળીશું.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
