(૧) લખ મને ~ દિલીપ પરીખ
 
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !
અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !
કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !
**********************************************************
 
(૨) જો ભીંત ખખડાવશો ~ ભરત ભટ્ટ ‘પવન’
રંગ થોડો ઊખડે, જો ભીંતને ખખડાવશો ;
અવસરો નીચે પડે, જો ભીંતને ખખડાવશો. 
ઈંટના કંઠે ડૂમો બાઝે અને એવું બને –
સ્હેજ ત્યાં રેતી રડે, જો ભીંતને ખખડાવશો.
બારીઓ લાચાર થઇ જુએ તમાશો, પણ પછી ;
બારણાં તમને લડે, જો ભીંતને ખખડાવશો.
જે જૂની છબિઓ હતી કાલે ભીંતોની શાન, એ –
એકદમ નજરે ચડે, જો ભીંતને ખખડાવશો.
યાદમાં જેની તમે મુઠ્ઠી પછાડી’તી કદી,
એ જ આવીને અડે, જો ભીંતને ખખડાવશો.