આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધુ વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ૨. વૈદ્ય
ગયા અંકમાં આપણે પાણી બાબત પરિસ્થિતિની વાત કરી. પાણીને અંગત સ્વાસ્થ્ય અને જાહેર આરોગ્ય એ બંનેની ચાવી માનવામાં આવી છે. તે જ રીતે શૌચાલય પણ જાહેર તેમ જ અંગત આરોગ્યનો મહત્ત્વનો ઘટક છે. યોગાનુયોગ તેનો પાણીની પ્રાપ્તિ જોડે પણ સંબંધ છે. આપણે જોયું કે પાણીની બાબતમાં ‘ત્યારે’ અને “અત્યારે’ વચ્ચે બહુ ફરક નથી. પરંતુ આ ગાળામાં શૌચાલયની બાબતમાં ખૂબ મોટા ફેરફાર જોવા મળ્યા છે. આજે એની વાત કરીશું. જેમ હિંસાથી ભરપૂર ફિલ્મમાં અગાઉથી કહેવાય છે કે અમુક હિસ્સા જોવા મુશ્કેલ થશે, તેમ અહીં પણ સુગમ વાચકોને ચેતવી દઈએ કે અમુક વાક્યો વાંચતાં સુરચિનો ભંગ થઈ શકે છે, પરંતુ એ વાસ્તવિકતાનો ભાગ છે.
આજે શૌચાલય આપણાં ઘરની અંદર બેઠાં છે. ઘણી વાર તો એકદમ રસોડાની સામે જ હોય છે. ૬૦ વર્ષ પહેલાં આ વિચારથી જ લોકોને કમકમાટી છૂટી હોત. પરંતુ આજે એ ચાલી જાય છે, કારણ કે હવે એ ઘણાં સાફ હોય છે. કેટલીય જગ્યાએ નહાવાનો બાથરૂમ અને શૌચાલય એકસાથે, એક દરવાજાની અંદર હોય છે અને તેથી સરસ શણગારેલાં હોય છે. રંગરંગીન અને ચિત્રોવાળી ટાઇલ્સથી મઢેલો બાથરૂમ અને તેમાં “એર ફ્રેશનર’ મૂડ્યું હોય તો દાખલ થઈને ઘડી ભર ભૂલી જાઓ કે તમે જાજરૂમાં છો! પંચતારક હોટેલમાં તો એ જ ઓરડીમાં નહાવાનું ટબ મૂક્યું હોય. ઘણા લેખકો તો અહીં ચિંતન પણ કરતા હોય છે.

આ સ્વચ્છતા બે ઘટકોને આભારી છે. એક તો ગટર યોજના અને બીજી લીસી, ચળકતી ટાઇલ્સ, ચીનાઈ માટીનાં બનેલાં ટાઇલ્સ અને ભાંડા (કમોડ)ને ગ્લેઝ ચડાવેલો હોવાથી તેને સાફ રાખવાં સરળ છે. આજથી ૭૦ વર્ષ પહેલાંનાં જાજરૂ જેણે વાપર્યા છે તેને ખબર છે કે પથ્થર અને સિમેન્ટની રચનામાં દીવાલો કે ફર્શને સાફ રાખવાં કેટલાં મુશ્કેલ હતાં, પણ તેની અસ્વચ્છતા પાછળ આ મુખ્ય કારણ નહોતું.
ઘરથી બહુ દૂર
એ દિવસોમાં શૌચાલયને ઘરની અંદર તો શું, તેની નજીકમાં પણ સ્થાન ન હતું. આંગણ મોટું હોય તો મૂળ મકાનથી શક્ય તેટલું દૂર તેને રખાતું. સામાન્ય રીતે ફળિયાની ડેલી સૌથી દૂર હોય, આથી એ એક્લુંઅટ્લું ડેલીની બાજુમાં ઊભું રહેતું. ક્યારેક ફળિયાની રચના એવી હોય કે ઘરથી એક સો ફૂટ દૂર સુધી જવું પડતું. બત્તી વિનાના એ દિવસોમાં રાત્રે ત્યાં જતાં બાળકો તો ઠીક, મોટેરાં પણ ડરે. મુંબઈ જેવાં મહાનગરોમાં પણ ચાલીની સિસ્ટમમાં જાજરૂ ઘરની બહાર જ હતાં. ત્યાં એ સમૂહમાં રહેતાં. વખત જતાં સ્નાન માટે બાથરૂમ ઓરડામાં કરી શકાયા, પણ શૌચાલય તો કોઈ ન કરે. આજે પણ આવી ચાલો મોજૂદ છે. ૧૯૬૦ના દાયકામાં જ્યારે મધ્યમવર્ગને પરામાં જઈ ‘સેલ્ફ કન્ટેઇન્ડ’ ફ્લેટમાં જવાનું મળ્યું ત્યારે એ શબ્દનો અર્થ જ હતો, “જાજરૂને સમાવનારો ફ્લેટ’.
આ તો થઈ એવાં ઘરોની વાત જ્યાં જાજરૂ હતાં. દેશની પોણી વસતિ પાસે મકાન હોવા છતાં શૌચાલય હતાં નહીં. ગામડાં તેમ જ નાનાં ગામોમાં પ્રથા હતી વસતિથી થોડે દૂર ઝાડીમાં જઈ મોકળા થવાની. એ. થયું ઘરથી દૂર નહીં, પણ બહુ દૂર. એ એટલું સ્વાભાવિક હતું કે બોલચાલની ભાષામાં “જંગલ જવું’ કે “સીમે જવું’ એ કુદરતી હાજતનાં વૈકલ્પિક નામો હતાં, ત્યારે વસતિ આજ કરતાં ચોથા ભાગની અને ખાલી જગ્યા બમણી હોવાથી આ ‘રિવાજ’ની પર્યાવરણ કે શિષ્ટાચાર ઉપર કોઈ ખરાબ અસર પડતી નહોતી. ગાયના છાણની જેમ મનુષ્ય-મળ પણ નાઇટ્રોજનયુક્ત હોય, તેથી સીમની માટીમાં ભળી ખાતરનું કામ કરતો.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
સ્વચ્છતાની દષ્ટિએ નાનાં નગરો અને મધ્ય કક્ષાનાં ગામોની પરિસ્થિતિ સારી ન હતી. ગામની બહાર જંગલમાં જવાની સગવડ નહોતી, કારણ કે ગામનો વિસ્તાર મોટો હતો. બીજી તરફ હજુ ગટરવ્યવસ્થા કે સેપ્ટિક ટેન્કના વિચાર પણ ઊપસ્યા ન હતા. પાણીના નળ પણ આવ્યા નહોતા. એટલે જાજરૂ એ ખરેખર ‘પાયખાનાં’ હતાં. એ ઓરડીમાં બે પગ રાખવાનાં પગાં સિવાય કંઈ નહોતું. બે પગાંની વચ્ચે ફર્શમાં મોટું કાણું રહેતું. પાણી બહારથી લઈને જવાનું. ઓરડી જમીનથી બે-અઢી ફૂટ ઊંચી બનતી. બે પગથિયાં ચઢીને પગાં સુધી પહોંચાતું. જેથી કરીને ઓરડીની નીચેના ભાગમાં એક ચેમ્બર બને. એક બાજુથી ખુલ્લો ગોખલો જ સમજો. ઉપરના કાણામાંથી પડતો મળ આ ગોખલામાં જમા થાય. દષ્ટિના શિષ્ટાચાર ખાતર આ ચેમ્બરને પતરાનો દરવાજો કે ઢાંકણું રહેતું જેથી શેરીમાંથી જતા લોકોની સુરુચિ જળવાઈ રહે. તળપદી ભાષામાં આ જગ્યાને “પોખરો’ કહે છે.

ફ્લશ કરવાના શૌચાયલથી ટેવાયેલા વિચારશીલ વાચકને પ્રશ્ન તો થશે જ કે અહીં જમા થતા વિષ્ટાપિંડનો નિકાલ કેમ થતો હશે ? કમનસીબે એને ડબ્બામાં નાખીને લઈ જવા સિવાય નિકાલની કોઈ વ્યવસ્થા નહોતી. એમાં પાણી વગેરે પણ પડયાં હોવાથી એ દુનિયાનું સૌથી અઘરું કામ હતું. દુઃખદાયક સ્મરણ છે કે એક જીવતાજાગતા માણસે એ ડબ્બો માથે ઉપાડીને ગામને સોંસરવું તેના નિકાલ માટે જવું પડતું! કેટલીક સુધરાઈઓએ આ માટે ગાડીની વ્યવસ્થા કરી હતી, તે એક અપવાદ.
આજે પાછળ દષ્ટિ કરતાં એમ કહી શકાય કે એ જ વખતે ગામડાંમાં લોકો “ખુલ્લામાં શૌચ” કરતા હતા તે વધુ “માનવીય’ રીત હતી. એ સ્વચ્છ ન લાગે, પણ ગામડાંના લોકો એ રીતની સુધારેલી આવૃત્તિ – ખાડાનાં જાજરૂ – અપનાવીને સ્વચ્છતા પણ દાખવી શક્યા હોત. આઝાદીની પહેલાં જ્યાં મોટો માનવસમૂહ એકઠો થાય ત્યાં લંબચોરસ ખાડા તૈયાર કરી, સીધો તેમાં મળત્યાગ કરવાની પદ્ધતિ હતી જ. ગાંધીજીના કાર્યકર્તાઓએ આ વ્યવસ્થા સહજ રીતે અપનાવી હતી. કંતાન કે ગૂણીના પડદાથી પાર્ટિશન કરી અનેક જાજરૂ ઊભાં કરવાની રીત સર્વોદય સંસ્થાઓનાં મિલનોમાં આજ પણ વપરાય છે. ખાડા કરતાં નીકળેલી. માટીના ઢગમાંથી બે મુઠી માટી ઉપર નાંખી દેવાથી ગંધ પણ નથી આવતી અને કમ્પોસ્ટ જલદી બને છે. માટીમાં પ્રચુર માત્રામાં જીવાણુ (બૅક્ટેરિયા) હોય છે જે આ કામ કરી આપે છે.
આઝાદી પછી બનેલા ખાદી ગ્રામોદ્યોગ પંચે ખાડાના જાજરૂને વ્યાવહારિક બનાવવા ઘણો અભ્યાસ કર્યો. તેમાંથી બે-ત્રણ પ્રકારની ડિઝાઇનો બનાવી, જે શહેરોમાં પણ ઉપયોગમાં લઈ શકાય. સામાન્ય રીતે પ્રવર્તતી પાણીની અછતને ધ્યાનમાં લઈને ઓછાં પાણીથી ચાલતી વ્યવસ્થા પણ હતી. રાજ્ય સરકારોએ આ સુધારા અપનાવ્યા. સંયુક્ત મુંબઈ પ્રાંતમાં એ ક્યારે લાગુ થયા તે ખબર નથી, પરંતુ અમારા ગામમાં ગુજરાતનું જુદ્દુ રાજ્ય બન્યા પછી તરત નવી પદ્ધતિનાં શૌચાલય બનાવવાનું શરૂ થયેલું. જૂની પદ્ધતિનાં પોખરાવાળાં જાજરૂ બંધ કરી દેવાયાં. રાજ્ય સરકારે નગરપાલિકા મારફત સબસિડી આપી નવાં જાજરૂ બનાવવાનું દરેક ઘર માટે ફરજિયાત કર્યું, ત્યાર સુધી ચીનાઈ માટીનાં ભાંડાં પ્રચાલિત થઈ ગયેલાં એટલે સ્વચ્છતા જાળવવી શક્ય હતી. તેથી આવાં નવાં શૌચાલય ઘરની નજીક બનાવતાં લોકો અચકાતા નહોતા.
તે પછી ઘણા વખતે ગટરયોજના આવી. ઘરનાં બીજાં અશુદ્ધ પાણી સાથે જાજરૂને પણ જોડવાની પરવાનગી આવી. એ સ્વૈચ્છિક હતું, પરંતુ ૧૦-૧૫ વર્ષોમાં ચિત્ર એટલું બદલાઈ ગયું કે જાજરૂને ઘરમાં લઈ આવવાનું પણ શક્ય બન્યું. મહાનગર અને નાનાં નગરો વચ્ચેનો એક મહત્ત્વનો તફાવત દૂર થયો.
બાયો-ટોઇલેટ :
આ છે આવતી કાલનું શૌચાલય. ભારતીય રેલવેએ પ્રાયોગિક ધોરણે “બાયો – ટોઇલેટ’નો ઉપયોગ અમુક ટ્રેનોમાં કર્યો છે. એમાં લાકડાના વહેર જેવા માધ્યમમાં એવાં જીવાણુ (બેક્ટેરિયા) ભેળવવામાં આવ્યાં હોય છે જે પ્રાણવાયુની ગેરહાજરીમાં પણ જીવી શકે. મળનું વિઘટન કરી એ ખાતર બનાવે છે. આ બધું એક બોક્સમાં બંધ કરીને શૌચાલયની નીચે લગાડ્યું હોય છે. એ નાનું ખોખું પાણીથી ભરાઈ ન જાય તે માટે ફ્લશ કરવા માટે પાણીને બદલે શૂન્યાવકાશ દ્રારા કચરાને અંદર ખેંચી લેવામાં આવે છે. આટલા પૂરતી તેમાં વીજળી (કે બેટરી)ની જરૂર પડે છે. એ સફળ થાય તો બીજાં ઘણાં ક્ષેત્રે તેનો ઉપયોગ થઈ શકે. દૂર જનારી બસો કે મેટાડૉર જેવાં ટૂરિસ્ટ વાહનોમાં એ લગાડી શકાય તો સગવડભર્યું બને. રહેણાકનાં મકાનોમાં એ આવે છે કે કેમ તે તો સમય બતાવશે, કારણ કે એટલી બધી માત્રામાં ખાતરનું વિતરણ અને વપરાશ શક્ય છે કે નહીં તે તપાસવું પડે.
અને છેલ્લે..
જીવનમાં છ-સાત દાયકામાં આવેલા ફેરફારો વિશેની આ શ્રેણીમાં જાજરૂનો લેખ શા માટે? તો એ બતાવવા માટે કે પરિવર્તન માત્ર ટ્રાન્ઝિસ્ટર કે કમ્પ્યૂટર જેવી મોટી-મોટી ટેક્નોલોજીથી જ આવ્યું છે તેવું નથી. “એપ્રોપ્રીએટ ટેક્નોલૉજી” કહેવાય તેવા સાદા અને અસરકારક વિચારથી પણ જીવનની ગુણવત્તા સુધરી શકે છે તેનો દાખલો આપવા.
સૌજન્યઃ નવનીત સમર્પણ * એપ્રિલ ૨૦૨૫
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
