એ અરસામાં હજી અમેરિકામાં ભારતીય વ્યક્તિઓ ઘણી ઓછી દેખાતી હતી. મારી કોલેજમાં તો બીજી કોઈ નહતી. મારે ભાગ્યે જ કોઈ ભારતીય ઓળખાણો થઈ હતી, પણ ન્યુયોર્કમાં નાનપણની એક મિત્ર હતી. એણે અને એના પતિએ પણ મને પોતાના કુટુંબની ગણી લીધી, પોતાનાં મિત્રો સાથે ઓળખાણો કરાવી, અને ઘણી હુંફ આપી. ન્યુયોર્ક જેવા મહાનગરના રોજિંદા જીવનમાંનાં વહેવારુ જ નહીં, પણ સર્વ પ્રકારનાં કળાત્મક પાસાં સાથે પરિચય શરૂઆતમાં તો આ મિત્રો સાથેના હળવા-મળવામાંથી મને થતો ગયો. પછી ધીરે ધીરે એ પાસાં મારી અંદરના ચેતન-તત્ત્વનો મોટો અંશ બની ગયાં.
આ મારો ત્રીજો જન્મ થયો કહેવાય. એક તો ભારતમાં, બીજો અમેરિકા આવી ત્યારે થયો, ને આ હવે ન્યુયોર્ક શહેરમાં વસવા માંડી ત્યારે થયો ગણાય. આ ત્રીજા જન્મે તો મને ઉગારી લીધી. ન્યુયોર્કમાંના પ્રત્યેક દિવસે મારામાં કશું ને કશું ઉમેરાતું ગયું. સામાન્યતાની દીવાલો તૂટતી ગઈ. સાંસ્કૃતિક સીમાઓ વિકસતી ગઈ. રહેવા માટે ભાડાનો નાનો ઓરડો જ હોય, તે ભલે, પણ આકાશ જેવું વિશાળ વિશ્વ મારું ઘર બનતું ગયું. વળી, વિશ્વભરના દરેક ક્ષેત્રની મૌલિક રજુઆતો ન્યૂયોર્કમાં થતી જ રહે, તેથી નૃત્ય, નાટક, સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય વગેરે દરેક કળા-પ્રકારને વૈશ્વિક સ્તરે હું જોવા પામી, એમને સમજતી થઈ, અને માણતી રહી.
મોટા ભાગના લોકો પરદેશ ગયા પછી મૂળ છૂટી જવાની વાત કરતા રહેતા હોય છે. એવું કશું હું કહી શકું તેમ નથી. હા, તીવ્ર ઘર-ઝુરાપો ભારતને માટે અનુભવતી રહી, ને દસ વર્ષ સુધી એ ભૂમિ, એ હવા માટે રડતી રહી. (જોકે દર વર્ષે ભારત જવા પણ માંડેલી.) છતાં, ન્યુયોર્કમાં વસતાં, સમાંતર રીતે, મારી અંદર જે ઉમેરણ થતું ગયું તેણે કાંઈ મારાં મૂળથી મને જુદી ના કરી દીધી. જે ઈન્ડિયન મૂલ્યો અને સંસ્કાર લઈને નીકળી હતી તે તો રહ્યાં જ, પણ સાથોસાથ, સાચે જ, વિશ્વની કળાત્મક, સર્જનાત્મક, વ્યાપક ઉર્જા મારામાં પ્રાણ ભરતી રહી.
કાળક્રમે ગુજરાતી સર્જકો આમંત્રણથી અમેરિકા આવતા થયા. ઉમાશંકરભાઈ, હરીન્દ્રભાઈ, ચિનુભાઈ, મનોજભાઈ, ભગવતીકુમાર, રજનીકુમાર, મકરંદભાઈ, કુન્દનિકાબેન અને અન્ય સર્વે મારે ત્યાં ઊતયાં હોય. એમના સમય ને રસ પ્રમાણે મેં એમને ન્યૂયોર્ક શહેર બતાવ્યું હોય. ગુણવંતભાઈને પુસ્તકોની દુકાન આકર્ષે, તો નિરંજનભાઈને પગે ચાલીને શહેર જોવામાં રસ. શહેરની એતિહાસિક તેમજ આધુનિક ઈમારતો અને એમના સ્થર્પાતેઓ વિષે, મારા પોતાના અંગત રસ અને કુતૂહલને કારણે, હું વિગતો જાણવા માંડી ગઈ હતી. ચાલતાં ચાલતાં વાતોમાં એ વિગતો વણી લેતી જાઉં. નિરંજન ભગત તો શહેરની ગાઈડ બૂક વાંચીને, એને હાથમાં રાખીને ફરે. મને કહે, “પ્રીતિ, આવું બધું તો ગાઈડ બૂકમાં નથી !” મેં કહ્યું, “અરે, હું આ શહેરની જીવતી-જાગતી ગાઈડ બૂક છું.”
રસ, કુતૂહલ, ઉત્સાહ, વિસ્મય – આ જાણે મારી આંતર્ચેતનાનાં ધરવ-તત્ત્વો બનતાં ગયાં હતાં. બધી જ બાબતોમાં રસ, સતત કુતૂહલ, ના ખૂટતો ઉત્સાહ, મુગ્ધકર વિસ્મય. કૈંક આમ. ને રવીન્દ્રનાથના એક ગીતમાં છે તેવી અનુભૂતિ, કે “ આનંદની ધારા રાત-દિવસ આખા ભુવનમાં કેવી વહેતી રહે છે.”
ગુજરાતી આગંતુકો ઉપરાંત ભારતનાં અન્યભાષી સર્જકો સાથે પણ ખૂબ પ્રમાણમાં મળવાનું થયું. મોહન સામંત, કૃષ્ણ રેડી, ભગવાન કપુર જેવા જાણીતા ચિત્રકારો, અને વસંત રાય, રમેશ મિશ્રા, ઈન્દ્રનીલ રૉયચોધુરી જેવા સંગીતકારો સાથે સારો પરિચય થયો. વળી, અસમ, કેરળ, ઉત્તર પ્રદેશ વગેરેમાંથી આવેલાં સર્જકો; ને બંગાળનાં તો અનેક કળાકારો ને સર્જકો મળ્યાં, જેમકે, સત્યજીત રાય, ભવાનિ સેન, સમરેશ મજુમદાર, સુભાષ ઘોષ, જય ગોસ્વામી, નવનીતા દેવ-સેન, સલિલ ચૌધરી, કનિકા બેનરજી, સુચિત્રા મિત્ર, હેમંતકુમાર, ઉત્તમકુમાર, ફીરોઝા બેગમ, દેવપ્રસાદ હાલદાર, જોગેન ચોધુરી ઇત્યાદિ કેટલાંય. સુનીલ ને સ્વાતિ ગંગોપાધ્યાય સાથે તો કોટુંબિક ઘનિષ્ટતા થઈ. પછી સુનીલદાનાં ચાર પુસ્તકો મેં ગુજરાતીમાં અનુદિત કર્યા. મારા કામથી એ ખૂબ પ્રસન્ન થયા હતા.
બંગાળી સાહિત્ય વાંચવાની શર્આત, વર્ષો પહેલાં, મેં છસો પાનાંની “ચોરંગી” નામની નવલકથાથી કરેલી. એના લેખક કેવળ ‘શૉંકૉર’ (શંકર) તરીકે બંગાળમાં વિખ્યાત છે. ન્યુયોર્કમાં એમને મળવાનું થયું ત્યારે મારા આનંદનો પાર નહતો. આખી સાંજ મેં એમને કહ્યા કર્યું, “ તમે તો મારું બંગાળી બાળપણ છો.”
પણ હું અમેરિકામાં રહેતી હતી. શું ફકત ઈન્ડિયન નામો અને વ્યક્તિઓના સંપર્કમાં જ આવી હતી હું? ના, ના. ગ્રીન કાર્ડ મળી જવું જો જાદુ જેવું હતું, તો ખરેખર તો, ન્યુયો્કમાંનું મારું આખું જીવન જાણે કોઈ જાદુઈ છડીથી સ્પશીયેલું હતું. ચમત્કાર જ કહી શકાય. નહીં તો પાશ્ચાત્ય, અપરિચિત કળાઓ માટે આવો રસ પાંગયી કઈ રીતે? વેસ્ટર્ન મ્યુઝીકના અમુક પ્રકારો તો પહેલેથી સાંભળવા માંડ્યા હતા (મને હજી યાદ છે કે સોથી પહેલો કાર્યક્રમ, લિન્કન સેન્ટરમાં, વાન ફિલબર્ન નામના યુવાન પિયાનિસ્ટનો સાંભળ્યો હતો), પણ કાળક્રમે મને બે મૌલિક અમરિકન સંગીત-પ્રકાર સૌથી વધારે ગમવા માંડ્યા – કન્ટ્રિ મ્યુઝીક અને જાઝ મ્યુઝીક. જાઝના સૂર તો પ્રાણ સુધી સ્પર્શી જતા હોય છે. અને ગાયકોમાં બે તો મુખ્ય- ફ્રેન્ક સિનાત્રા અને એલા ફિત્ઝજેરાલ્ડ. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય પઠન, વક્તૃત્વ અને રજુઆતોમાં પણ હું હાજર રહેતી હતી, એટલે દુનિયાનાં મુખ્ય સર્જકો અને ભાષાઓ પ્રત્યે પણ ધ્યાન આપી શકાયું.
વિશ્વનાં સાહિત્ય, સંગીત અને વિવિધ કળા માટે મારા શોખ અને અભ્યાસ જેમ જેમ વધતા ગયા તેમ તેમ અનેક વિશિષ્ટ વ્યક્તિઓનાં નામ અને કામ પણ યાદ રહેવા માંડ્યાં. આ કળા-ક્ષેત્રોના સંદર્ભે જેનો અભ્યાસ કે ખાસ પરિચય ના હોય તેવું પણ આપોઆપ મગજમાં, સ્મરણમાં નોંધાવા લાગ્યું, સમાવા લાગ્યું. હું ન્યુયોર્ક શહેરની પ્રેમી બની ગઈ હતી, અને ન્યુયોર્ક સાથેની ઘનિષ્ઠતાને કારણે જાણે મારી બુદ્ધિ પણ વધી હતી !
ફક્ત યાદો જ નહીં, જે યાદગાર છે તેમાં મને વધારે રસ છે, અને એવું જ થોડું અહીં નોંધી રહી છું : નાટ્યકાર જોસેફ પાપ્પ એક એવા આર્ષદૃષ્ટા હતા, જેમને લીધે શેક્સપિયરથી માંડીને સમકાલીન નાટકો ન્યુયોર્કની આમજનતાને માટે જોવાં શક્ય બન્યાં. હું એમને મળી ત્યારે એમણે ખાદીનો આછા કેસરી રંગનો ઝભ્ભો પહેરેલો. જુડિથ જેમિસન નામનાં આફ્રીકન-અમેરિકન નૃત્યકારને મેં સ્ટેજ પર ઘણી વાર જોયેલાં. એક વાર એમને નજીકથી જોયાં. એમનું વ્યક્તિત્વ એવું તો શાલીન, કે એમની સાથે સરસ વાતો થઈ શકી.
બધાં આવાં સરળ નથી પણ હોતાં. નોબેલ ઈનામ-વિજેતા રશિયન સર્જક જોસેફ બ્રૉડ્સ્કીનાં કાવ્યોના મેં ગુજરાતીમાં અનુવાદ કરેલા. એક સાહિત્યિક કાર્યકર્મમાં મળ્યા ત્યારે એમણે એ જોયા, સહેજ આભાર માન્યો, પણ સામે હસવાનું નામ નહીં. વિખ્યાત સંગીતકાર ફિલિપ ગ્લાસ પણ એવા જ અતડા. એમણે “સત્યાગ્રહ” નામના ગાંધીજી-વિષયક ઓર્પેરા માટેનું મ્યુઝીક લખ્યું છે. મુલાકાત દરમ્યાન આખો વખત એમનું મુખ ગંભીર જ રહ્યું. ક્રાંતિકારી ગણાતા અમેરિકન કવિ ગિન્સબર્ગનું પણ એવું જ. કોઈ વાર કવિ-ગોઠડીમાં સાથે થઈ જઈએ, પણ જલદી સ્મિત ના કરે. સાવ જુદો અનુભવ થયો ઍથૉલ ફ્યુગાર્ડ નામના વિખ્યાત દક્ષિણ આફ્રીકી નાટ્યકાર સાથે. એમને તો વળી ત્રણેક વાર મળવાનું થયું. એ તો હસમુખા અને વાચાળ. એમનાં નાટકો જોવા હું એકસો માઈલ દૂર ગાડી ચલાવીને જતી. એ અત્યંત અસરકારી નાટકો ઉપરાંત, એમની સાથે મો.ક.ગાંધીની વાત પણ નીકળેલી.
મારા પ્રિય અમેરિકન નાટ્ય-લેખક માર્ક મૅડૉફ સાથે અને મારા પ્રિય અમેરિકન વાતીકાર રેમન્ડ કાર્વર સાથે મળવાનું ના થયું. મૅડૉફ કયાંયે ગુમ થઈ ગયા, ને કાર્વર ખોટી ટેવો અને અનિયમિત જીવનને કારણે સમય પહેલાં મૃત્યુ પામેલા. એમનાં સંગિની અને જાણીતાં અમેરિકન કવયિત્રી ટૅસ ગાલાઘર એક વાર મળેલાં. એ દેખાવે ને સ્વભાવે સુશીલ, એમનાં કાવ્યો સંવેદનશીલ. કાર્વરનું કામ યુરોપના દેશોમાં પણ વંચાય છે, એમ મેં કહ્યું ત્યારે એ ખુશ થયેલાં, અને કાર્વરને ગુમાવવાને કારણે કૈંક ઉદાસ પણ.
જેને ન્યૂયોર્કની “નાટ્ય-આકાશગંગા’ કહી શકાય તેવા બ્રૉડ્વે-મંચ પર રોજનાં પચાસથી વધારે નાટકો રજૂ થાય. અનેક વર્ષોના નિવાસ દરમ્યાન ત્યાં અસંખ્ય, અને કેટલાંક અસામાન્ય, નાટકો અભ્યાસીની નજરથી જોયાં. અમુક પર લેખ પણ લખ્યા. વિખ્યાત અમેરિકન સમકાલીન નાટ્યકારો, જેવાકે નીલ સાયમન, આર્થર મિલર, ટેનેસિ વિલિયમ્સ, યુજીન ઑનીલ વગેરેનાં નાટકો વાંચેલાં, તે બધાંની રજુઆતો નરી આંખે જોવા મળતી રહી. રાતે બાર વાગ્યે નાટક જોઈને, સબ-વે ટ્રેન લઈને, કે ચાલીને ઘેર જતાં મને કશી બીક નહીં. હું ત્યારથીયે પોતાને “ન્યુયોર્કર” જ માનતી થઈ ગઈ હતી!
ઉપરાંત, ન્યૂયોર્કના અનેકવિધ નાટ્ય-મંચ પર અનેકાનેક જાણીતાં અદાકારોને પણ જોયાં : બેન કિન્ગસ્લિ, હૈન્નિ ફૉન્ડા, ગ્લૅન ક્લોઝ, મેંડોના, જીન હેંકમેન વગેરે. અને વિશ્વ-વિખ્યાત કેટલીયે વ્યફિતઓ પણ જોવા મળી : દલાઈ લામા, ઇસામુ નોગુચિ, ઍંડી વૉહૉલ, બિલ ફિલન્ટન, મુખ્ય પ્રમુખ બારાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ, માથી સ્ટુઅર્ટ વગેરે. મિસિસ જેંકિ કૅનેડિ તો એક નાના ઓંડિટેરિયમમાં એક ખાસ ફિલ્મ જોવા જતાં લિફ્ટથી જ સાથે હતાં. અડકી શકાય તેટલાં પાસે, પણ સામે ય જોવાય નહીં. તાકીને તો નહીં જ! ઔચિત્ય-ભંગ તો ક્યાંથી કરાય?
+ + +
અમેરિકામાં હું કાંઈ કેવળ પરોક્ષ ઉપસ્થિતિ રાખીને જ નહતી રહી. જેમ ભારતમાં જુદી જુદી કળાઓ શીખતી ગયેલી, તેમ અહીં પણ જાતજાતની કળાઓ હું શીખવા માંડેલી. જેમકે, ચાઈનિઝ બ્રશ પેઈન્ટિન્ગ, મૅક્રૅમૅ, વીવિન્ગ, પોંટરી, પિયાનો પ્લેઇન્ગ, મશિન પર સિલાઈ, અરબી-ડાન્સિન્ગ વગેરે. ને ફોટા તો બધાં પાડતાં હોય, પણ ફોટોગ્રાફીની કળાને શીખવાની હોય છે. હું ડાર્કરૂમ-વર્ક શીખી. ઘરમાં એનલાર્જર, પ્રિન્ટર વગેરે જર્રી ચીજો વસાવી. પછી રસોડામાં કાળા પડદાથી બારી-બારણાં ઢાંકીને ડાર્કરૂમ બનાવું, ને એમાં ધીરજથી બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ તૈયાર કરું. પણ આ દરેક કળા એવી હતી કે તૈયારી કરવામાં જ બહુ સમય નીકળી જાય.
આ બધાંની, તેમજ ગુજરાતી કાર્યક્રમોમાં હાજરી આપવાની અને કાવ્ય-પઠન વગેરે કરવાની સાથોસાથ ન્યૂયોર્કમાં થતા, એટલેકે અમેરિકન સાહિત્યના કાર્યક્રમોમાં પણ નિયમિત રીતે હું હાજરી આપતી ગઈ. એવા અનેક કાર્યક્રમોમાં અંગ્રેજીમાં લખેલાં મૌલિક કાવ્યો વાંચવાની તકો પણ મને મળી. અમુક વિખ્યાત વિશ્વ-કવિઓનાં કાવ્યોના ગુજરાતીમાં અનુવાદ પણ કરવાના થયા. કેટલીક વાર આંતરરાષ્ટૄય એંન્થોલોજી માટે પણ એ કામ કરવા મળ્યું. મારાં અંગ્રેજી કાવ્યો પણ કેટલીક એંન્થોલોજીમાં સ્થાન પામ્યાં છે. આમ, અનેકવિધ પ્રવૃત્તિઓ સમાંતરે ચાલતી ગઈ હતી.
અલબત્ત, દરેક પ્રવૃત્તિ દરરોજ ના થાય, પણ થતી તો રહે જ. મને લાગ્યા કર્યું છે, કે એક પછી એક જુદાં જુદાં દ્વાર કેવાં ખૂલતાં ગયાં હતાં. ઉપરાંત, બન્યું એવું કે ભ્રમણ કરવાનું શરૂ થઈ ગયું હતું, અને લખવાનું પણ. છેવટે, ધીમે ધીમે કરતાં, આ બે પ્રવૃત્તિઓમાં જ મહત્તમ સમય જવા માંડ્યો, અને કાળકમે એ બંને જ મારા જીવિતનો ઊંડામાં ઊંડો અર્થ બની ગઈ.
“અમેરિકન ડ્રીમ”નો અર્થ હું એમ સમજી હતી, કે સમય પાસેથી જીવનમાં સ્થાવર ને સંપત્તિની નહીં, પણ આંતરિક આનંદ, સંતોષ, મુક્તતાની ભેટ મળે તો જ આ શબ્દ-પ્રયોગની વ્યાખ્યા સાર્થક થઈ ગણાય. શું નથી જોઈતું, તે વિષે મારા મનમાં હું સ્પષ્ટ હતી. મને અમેરિકામાં “વધુ ને વધુ મેળવવા’ પ્રત્યે કશું આકર્ષણ ક્યારેય થયું જ નહીં. ન્યુયોર્ક શહેરની અસાધારણતાએ મારી સર્વે ઈન્દ્રિયોને સતેજ કરી દીધી, મારા મનને સઘળું પ્રિય કરી લેવા માટે મુક્ત કરી દીધું, ને મારા હુદયને સુંદર બધું ચાહવા માટે વિશાળ કરી દીધું.
નોકરી લીધી તો હતી. પહેલી નોકરી ન્યુયોર્ક પબ્લિક લાયબ્રેરીમાં હતી. ત્યાં જ ટકીને, અન્ય હજારો-લાખો આગંતુકોની જેમ, આગળ વધી શકી હોત. પણ મેં છ જ મહિના કામ કર્યું, પછી એ છોડીને દેશ ચાલી ગઈ. પહેલવહેલી અમેરિકા આવી ત્યારે કકળીને વિચાર્યું હતું કે ક્યારેય દેશ જવાશે ખરું? ને તે પછી દોઢેક વર્ષ થતાંમાં જ, ત્રણેક મહિના માટે, હું દેશ જતી રહી. પાછી આવી ત્યારેય કાંઈ નોકરીમાં ના લાગી ગઈ. બલ્કે, બે સૂટકેસમાં સમાય તેટલી મારી “સંપત્તિ” કોઈને ત્યાં મૂકીને હું, જે હજી નહોતો ગમતો તે, અમેરિકા દેશને જોવા ને સમજવા નીકળી પડી. ત્યારથી જ મને ભૂમિ-દર્શન અર્થપૂર્ણ લાગે, તેથી મેં વિમાન નહીં, પણ બસ
દ્વારા મુસાફરી કરી. ગ્રેહાઉન્ડ કહેવાતી બસ-કંપની આખા દેશમાં એકથી બીજે છેડે જાય. મેં ત્રણ મહિના સુધી સળંગ અમેરિકાની બધી દિશાઓમાંનાં દૂર દૂરનાં, નાનાં ને મોટાં, નામ સાંભળ્યું હોય તેવાં ને સાવ અજાણ્યાં હોય તેવાં પણ અનેક સ્થાનો જોયાં. દિવસે કલાકોના કલાકો, અને રાતની રાતો ય બસમાં. મન અને હુદય છક થતાં ગયાં – શબ્દાતીત પ્રાકૃતિક સુંદરતા, ને એમાં વળી અકલ્પ્ય વૈવિધ્ય. અમેરિકાનું આ બહુલ ભૂમિ-દર્શન કર્યું તે પછીથી મારું હૈયું અહીં ઠરવા લાગ્યું.
મારા જીવનનો આ સો પ્રથમ સાવ એકલાં કરેલો પ્રવાસ. સાંસ્કૃતિક સીમા પ્રમાણેના જે પણ પ્રતિબંધ કુટુંબમાં હતા તેમને અતિક્રમી જઈને, સાવ જુદા, જાતે જ કહું તો ઘણા વિશિષ્ટ એવા, પરિમાણનું મારી વ્યક્તિગતતામાં પ્રદાન થયું. પાછું ફરી થોડા મહિના કામ કર્યું ના કર્યું ને યુરોપ જોવા જતી રહી. એમાં તો ઘર-ઝુરાપાનું કારણ અપાય તેમ નહતું. બસ, હું હજી અજાણ હતી પણ મને પ્રવાસી બનાવવા માટેનો,
વિશ્વ તરફથી, એ પહેલો સાદ હતો. યુરોપ જતાં પહેલાં ફેન્ચ ભાષા શીખી. ત્યાં કેટલાક દેશોમાં એ કામમાં આવી શકે, તે કારણે. સળંગ અઢી મહિના યુરોપના દેશોમાં બસ, ટ્રેન અને બોટ લઈને ફરી. છેલ્લે, ત્યાંથી પણ ફરી ભારત જઈ જ આવી. પછી તો સ્પેનિશ શીખી, ને એ ભાષા બોલાતા કેટલાયે દેશોમાં ગઈ. જાપાન પહેલેથી મારો પ્રિયમાં પ્રિય દેશ રહ્યો છે, તેથી જાપાની ભાષા શીખવા પણ હું પ્રેરાઈ.
ક્રમશઃ

એક મુક્ત આત્માની રસભરી જીવન સફર.
સરયૂ પરીખ.
LikeLike