ડો. શ્યામલ મુનશી
સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;
સુખનું સરનામું આપો.
સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું ?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો ?
સુખનું સરનામું આપો.
ચરણ લઈને દોડું, સાથે રાખું ખુલ્લી આંખો;
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો !
સુખનું સરનામું આપો.
કેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર ?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર ?
મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો.
સુખનું સરનામું આપો.
: આસ્વાદ :
દેવિકા ધ્રુવ
કવિ શ્રી શ્યામલ મુનશીનું કાવ્ય ‘સુખનું સરનામું આપો’ ખૂબ મઝાનું અને અર્થપૂર્ણ કાવ્ય છે. ત્રણ અંતરામાં પથરાયેલ આ કાવ્ય ઘણું જાણીતું અને માનીતું થઈ ગયું છે. કારણ કે, જીંદગીનો અસલ અર્થ અને માનવ સ્વભાવનો ખરો રંગ એમાં ઝીલાયો છે.
ગીતની ધ્રુવપંક્તિમાં સુખના સરનામાની અરજ છે એવો સીધો અર્થ સમજાય છે પણ ખરેખર માત્ર એટલું જ નથી. એમાં એક સનાતન ખોજની તીવ્ર આરત છે, ઊંડેથી નીકળતી એક સાચી ઝંખનાનો સૂર સંભળાય છે.
જીવન-સિક્કાના બે પાસાં છે; સુખ અને દુઃખ. અને માણસ માત્રને સુખની જ અભીપ્સા છે. દરેક વ્યક્તિએ સુખને જ અનુભવવું છે, કાયમ માટે સુખમાં રહેવું છે. પણ હકીકતે એને દુઃખ જ દેખાયા કરે છે. જે નથી તેને પામવાની સતત શોધમાં એ ભટકતો રહે છે. એ મૂંઝાતો રહે છે, એવા અટવાઈ ગયેલા માનવીનો ભાવ, આ ગીતની ધ્રુવપંક્તિ સાથે અનાયાસે જોડાઈને યથોચિત લયમાં વ્યક્ત થાય છે કે, ‘જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો; સુખનું સરનામું આપો.’ કવિને બરાબર જાણ છે કે, સુખ એ કોઈ નકશા પર દર્શાવેલ ટપકું નથી કે જ્યાં જમીન, દરિયાઈ કે હવાઈ માર્ગે પહોંચી જઈ શકાય. છતાં પણ જીવનપથ પર મૂંઝાયેલ માણસની મનોવ્યથાને, એના મનમાં જાગી રહેલા સવાલોને પ્રથમ અંતરાના શબ્દોમાં પ્રતિબિંબિત કરે છે. જેને સુખની શોધ કરવી છે પણ સમજણ નથી કે ક્યાંથી મળે ને કઈ રીતે એ મળે? એ પૂછે છે કે,
સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું ?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો ?
સવાલો જ કેટલા દયાને પાત્ર છે? સામાન્ય જનસમુદાય આનાથી વધારે બીજું વિચારી પણ શું શકે? મોટાભાગના લોકોની બંધ આંખ સામે એક સુખ નામનો સોનેરી ઝાંપો જ હોય છે એવું કવિને અહીં ફલિત કરવું છે જે સાહજિક રીતે અભિવ્યક્ત થયું છે. અહીં કેટલીક કાવ્યપંક્તિઓ યાદ આવ્યા વગર રહેતી નથી. કવિ શ્રી જગદીશ જોશીએ એક કવિતામાં ‘મને આપો ઉછીનું સુખ થોડું, હજી યે ના એવડું તો થઈ ગયું મોડું’ દ્વારા આવી જ કોઈ વાત કરી છે. ઘણાં કવિઓએ ગુજરાતી ગીતો થકી સાચા સુખને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, અનેક પ્રશ્નો ઊભા કરી, સુખને પામવાના જુદા જુદા માર્ગો આલેખ્યા છે.આ ગીતના બીજા અંતરામાં વિષયને આગળ વધારતાં કેટલીક અટકળોની વાત આવે છે. ગીતનાયક વિચારે છે કે,
ચરણ લઈને દોડું, સાથે રાખું ખુલ્લી આંખો;
ખુલ્લી આંખો એટલા માટે રાખવાની કે રસ્તે ખાડા -ટેકરા આવે તો દોડતાં દોડતાં પડી ન જાઉં કે ચોર લૂંટારા આવે તો લૂંટાઈ ન જાઉં.
વળી એ વિચારે છે કે, સુખ કદાચ આકાશમાં હશે તો? તો પક્ષીની જેમ પાંખો ફેલાયેલ રાખું જેથી ઝટ દઈને ઊડી શકાય! અને જો સુખ મધદરિયામાં મળતું હોય તો પછી તરાપો પણ તૈયાર રાખું ને? બધી જ રીતે તૈયાર રહેવાની અવનવી રીતો વિચારી રાખે છે.
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો !
ખરેખર માણસની મનોદશા અને વ્યથાની નરી વાસ્તવિકતાનું સૂક્ષ્મ વર્ણન આ બીજાં અંતરામાં અનુભવાય છે. વિચારોના વમળોમાં વીંટળાતી વ્યક્તિ છેવટે થાકી જાય છે. એની ધીરજ ખૂટી જાય છે. સુખને ઝંખતી અને ખોટી રીતે વિચારતી વ્યક્તિઓને થાય છે કે, સુખ કેટલે હશે, ક્યાં હશે? કેટલા માઈલ દૂર હશે? ક્યારે મળશે? હવે હું છલાંગ મારું કે ડગ ચાલુ રાખું? આ આખીયે ધારણાઓ એ ખરેખર તો માનવ સ્વભાવની કરુણ વાસ્તવિક્તા છે, જનસમાજનું દર્પણ છે. મર્કટ મનડું એમ જ વિચારે કે,
કેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર ?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર ?
એ ભાવ સુપેરે વ્યક્ત કરી, છેલ્લી પંક્તિમાં કવિએ સંભવિત ઉત્તર આપી દીધો છે કે, આવું બધું કંઈ ન કરો, મૂંઝાવાને બદલે,અટવાવાને બદલે અને ખરું ખોટું વિચારવાને બદલે,
‘મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો.’
વાહ..વાહ.. કવિ. મન અને મૃગજળ વચ્ચેના અંતર માપવાની વાતનો ઈશારો કરી એક ગહન ભીતરનો દીવો પ્રગટાવી દીધો. બધું જ ભીતર છે. સુખ, શાંતિની સાચી સમૃદ્ધિ આપણી અંદર છે, બહાર તો કેવળ મૃગજળ છે. સુખનું સાચું સરનામું ભીતર છે. સુખ એ કોઈ પાનાં પરનો નક્શો નથી કે મનગમતા રંગનો સુશોભિત ઝાંપો નથી. એનું કોઈ GPS નથી કે જેને હાથમાં રાખી,એણે ચીંધેલા માર્ગ મુજબ ચાલીને, દોડીને,ઊડીને કે તરાપા થકી પહોંચી શકાય. એ કેટલા ફર્લાંગ, માઈલ કે જોજનો દૂર છે એ સવાલ જ નથી. કારણ કે, માણસના મનમાં જ છે, માયાવી મૃગજળને વીંધતી સાચી સમજણમાં જ છે. એટલે કે, સુખનું સરનામું આપણા અંતરમાં જ છે.
અહીં કવિવર ટાગોરની વિચારધારા યાદ આવે છે કે, વિધાતા આપણાં જીવનની છબી ઝાંખી રેખાઓ વડે ચીતરે છે. તેમનો હેતુ એવો હોય છે કે આપણે પોતાને હાથે તેમાં જરાજરા ફેરફાર કરી, મનપસંદ બનાવી લઈ તેને સુખનો સ્પષ્ટ આકાર આપીએ. કેટલી સાચી વાત છે! મન અને મૃગજળ વચ્ચેના અંતરને માપતાં આવડે તેને સુખનું સરનામું મળે જ.
કવિ શ્રી તુષાર શુક્લની પણ એક પંક્તિ આ જ વાતને સમર્થન આપે છે કે, “સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.”
ગીતસ્વરૂપે રચાયેલ આ કાવ્ય નખશીખ સુંદર છે. એમાં વિષયને અનુરૂપ આરત અને અરજભર્યા યથોચિત શબ્દોથી ઉઘાડ છે, ત્રણે અંતરામાં વિષયનો ક્રમબદ્ધ વિકાસ છે. પ્રશ્નો અને આશ્ચર્યોના ભાવ અને તે મુજબનો સરળ લય છે, તો છાપો, ઝાંપો, તરાપો, માપો જેવા મઝાના પ્રાસ પણ કાવ્યત્ત્વને વધુ ઘેરો રંગ બક્ષે છે. છેલ્લી પંક્તિમાં પ્રયોજાયેલા લાઘવભર્યા શબ્દો કવિતાના હાર્દની ઊંચાઈ સુધી પહોંચ્યા છે.
વ્યવસાયે સર્જન, ડો. શ્યામલ મુનશીની કલમ તેમને એક અચ્છા સર્જક તરીકે પણ બિરદાવે છે. આ ગીતના સ્વરાંકનને તેમના જ અવાજમાં સાંભળવાનો પણ એક લહાવો છે. કવિ, સંગીતકાર અને ગાયકને સલામ.
અસ્તુ.
Devika Dhruva. | ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
