નરેશ પ્ર. માંકડ
વહેલી સવારનો સમય, ૨૫મી જૂન ૧૯૭૫, હજી તો ઊંઘમાંથી જાગ્યો હતો ત્યાં જ મારા પ્રથમ સંતાન, પુત્રીના જન્મના સમાચાર મળ્યા. હું હોસ્પિટલમાં દોડી ગયો.
ત્યાં મને ધારાસભ્ય અરવિંદભાઈ મણિયારના ભત્રીજા બહાર જ મળી ગયા અને લાગલો જ સવાલ કર્યો, ” સમાચાર મળ્યા? ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી છે, અરવિંદકાકાથી માંડીને દેશના તમામ નેતાઓ – જેપી, મોરારજીભાઈ, અટલજી બધાને જેલમાં નાખ્યા છે.”
આજે એ ઐતિહાસિક ઘટનાની પચાસમી વર્ષગાંઠ છે.
એના વિશે અસંખ્ય રસપ્રદ પુસ્તકો લખાયાં છે.
પરંતુ, અત્યારે એની વાત નથી કરવી, માત્ર એક નામને વધાવવું છે, જેણે તત્કાલીન રાજ્યવ્યવસ્થા સામે ગાંધીજીની જેમ જનસમુદાયને જગાવી દીધો: જયપ્રકાશ નારાયણ.
કિશોરવયમાં એમનું ” સમાજવાદથી સર્વોદય” વાંચ્યું ત્યારે મારી એમના વિશે છાપ અનિર્ણિત, અનિશ્ચયી ,ફાંફાં મારતા રાજકારણી તરીકે ગણી કાઢવા જેવી હતી.
પછી ૧૯૬૨ – ૬૩ ના વર્ષોમાં જ્યારે બે સમાજવાદી પક્ષો – પ્રજા સમાજવાદી તથા સંયુક્ત સમાજવાદીનું જોડાણ કરવાના પ્રયાસો ચાલતા હતા ત્યારે ફરી જયપ્રકાશનું નામ ઉભર્યું. અદમ્ય નેતા રામ મનોહર લોહિયાએ જાહેર કર્યું કે જો જોડાણની નેતાગીરી જયપ્રકાશ લેતા હોય તો તેઓ પોતાના પક્ષનું બિનશરતી વિલીનીકરણ કરવા તૈયાર છે. સમાજવાદીઓમાં જેપીનું આવું ઉચ્ચ સર્વમાન્ય સ્થાન હતું.
ત્યાર બાદ લગભગ એક દશક પછી ફરી તેઓ દેશવાસીઓના દિમાગમાં ઊભર્યા – બિહારના છાત્ર આંદોલનથી. એ આંદોલનની અસર ગુજરાતના ઉકળતા ચારુ જેવા રાજકારણ પર પડી. જેપીને એની પણ નેતાગીરી લેવાનો આગ્રહ થયો અને ચળવળને બળ મળ્યું.

એ સમયનું એક લોકપ્રિય સૂત્ર હતું:
અંધકારમાં એક પ્રકાશ
જયપ્રકાશ, જયપ્રકાશ
બિહાર આંદોલન વખતે એક ગીત આવ્યું હતું:
जयप्रकाश का बिगुल बजा तो जाग उठी तरुनाई है
રાજકોટમાં પોતાના વક્તવ્યમાં જયપ્રકાશે પોતે જ એની બીજી પંક્તિ ઉમેરી:
तिलक लगाने तुम्हें जवानों क्रांति द्वार पर आई है।
એ ઉન્મુક્ત સાહસના એ દિવસો આજે યાદ આવે છે અને સાથે વિલિયમ વર્ડ્સવર્થના શબ્દો પણ યાદ આવે છેઃ
Bliss was it in that dawn to be alive
But to be young was very heaven.
ઈશ્વરકૃપા હતી એ પરોઢ કે જીવતા છીએ
પણ યુવાન હોવું એ તો સ્વર્ગ જ છે.
આ યાદગીરી પણ એક લહાવો છે, અન્ય એક કવિએ કહ્યું છે તેમ:
God gave us memory so that we might have roses in December.
ભગવાને આપણને એટલે યાદશક્તિ આપી છે કે ડિસેમ્બરમાં પણ આપણે ગુલાબ માણી શકીએ.
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
