પ્રવાસી યુ. ધોળકિયા

સનાતન પરંપરાવિશ્વના સાગરોથી ઊંડી અને હિમાલયથી ઊંચી છે. પુરાણો અને મહાકાવ્યો પર આપણે અગાઉના લેખોમાં ટુંકું વિવેચન જોઈ ગયાં.  હવે તેનાં ત્રીજા પાસાં, શ્રીમદ્‍ ભગવદ્‍ગીતા, પર અવલોકન કરીશું.

મૂળ લિથો પ્રિન્ટ – વાસુદેવ પંડ્યા આશરે ઇ.સ. ૧૯૩૨

વર્તમાન સમયમાં ભગવદ્‍ગીતા ખ્રિસ્તીઓનાં બાઈબલ કે મુસ્લિમોનાં ક઼ુરાન જેટલું જ પવિત્ર માનવામાં આવે છે. આપણે જાણીએ છીએ તેમ મહાભારતમાં ભીષ્મપર્વમાં અર્જુનના સારથિ તરીકેની ભુમિકા ભજવી રહેલા શ્રીકૃષ્ણના મુખેથી કહેવાયેલી આ બોધકથા સમાવવામાં આવી છે. યુદ્ધના મેદાનમાં અર્જુન જ્યારે પોતાની સામે પોતાના ગુરુઓ, વડીલો અને બાંધવોને સામે પક્ષે જૂએ છે, ત્યારે હામ હારી જઈને પોતાના હથિયાર હેઠાં મુકવા તત્પર બની જાય છે. આ સમયે અવતારપુરુષ એવા શ્રીકૃષ્ણ તેના સારથિ તરીકે માર્ગગ્દર્શક બનીને અર્જુનને ક્ષત્રિય ધર્મ સમજાવે છે અને પોતાનું કર્તવ્ય બજાવવાનું કહે છે. શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ રૂપે રચાયેલ આ ગ્રંથમાં સામાન્ય માનવીને ઉપદેશ સ્વરૂપે સમગ્ર વેદ અને ઉપનિષદના જ્ઞાનની ઊંડી સમજ અપાઈ છે.

ગીતાનું એટલું મહાત્મ્ય છે કે મધ્યકાળમાં તેના ઉપર શકરાચાર્ય અને અનેક તત્વજ્ઞોએ ટીકાભાષ્યો લખ્યામ છે. આધુનિક સમયમાં લોકમાન્ય ટિળક, શ્રી અરવિંદ, મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, ચિન્મયાનંદ, ઓશો રજનીશથી લઈને ડૉ. એસ રાધકૃષ્ણન જેવા અનેક લોકોએ ખુબ જ માર્મિક વિવેચનો લખ્યાં અને પ્રવચનો આપ્યાં છે. લોકોને પ્રેરણા આપનારા દીપ ત્રિવેદીએ તો અત્યારના સમયમાં પોતાના વિચારો રજૂ કર્યા છે.

સનાતન હિંદુ ધર્મના વિરોધી પશ્ચિમના વિદ્વાનો અને પશ્ચિમને અનુસરનારા આપણા દેશના તથાકથિત વિદ્વાનો ભગવદ્‍ગીતાની આકરી ટીકા કરે છે. આવી વિશ્વવંદ્ય કૃતિને પણ તેઓ બુદ્ધના ધમ્મપદ અને એવા અન્ય અનેક ઉપદેશો પર આધારિત છે એવું ભારપૂર્વક પ્રતિપાદિત કરવા મથતા રહે છે. પોતાની દલીલમાં સમર્થનમાં તેઓ કહે છે કે બુદ્ધે તેમના પ્રવચનોમાં ધર્મ અને કર્મ પર વિવેચન કર્યાં છે. તેઓ દરેક વ્યક્તિને બુદ્ધમાં માનવાનું, તેમણે સથાપેલ સંઘમાં જવાનું અને તેમના  ઉપદેશોને અનુસરવાનું કહે છે. શ્રમણ જો આ પ્રમાણે કરે તો નિર્વાણ પામી શકશે. શ્રીકૃષ્ણ પણ ભગવદ્‍ગીતામાં ધર્મ અને કર્મ પર ઉપદેશ આપે છે અને શ્રીકૃષ્ણ પર શ્રદ્ધા રાખવાનું કહે છે. વિદ્વાનોના ઉપરોકત વર્ગને આમાં બુદ્ધના આદેશોની બેઠી નકલ દેખાય છે. આ વિદ્વાનો એમ પણ પ્રતિપાદિત કરે છે કે મહાભારતનું સૌથી મોટું, સૌથી પ્રાચીન, મહાકાવ્ય છે. તેથી તેની રચનાને બહુ લાંબો સમય લાગ્યો. તેનું અંતિમ સ્વરૂપ આજથી ૨૩૦૦ વર્ષ પૂર્વે રચી શકાયું.

બુદ્ધના નિર્વાણ પછી પરિસ્થિતિ બદલાઈ. હવે બૌદ્ધ ધર્મ ભારતનો સર્વમાન્ય ધર્મ બન્યો. તેને પડકાર આપવા બ્રાહ્મણ વર્ગ આગળ આવ્યો. તેમણે લગભગ આજથી ૧૭૦૦ વર્ષ પહેલાં મહાભારતનું નવસંસ્કરણ કર્યું. આ સમયે તેમાં ગીતાજીનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આમ ધમ્મપદનો આધાર લઈને રચાયેલી ભગવદ્‍ગીતા મહાભારતનું અંગ બની વિશ્વપ્રસિદ્ધ બની ગઈ. આવી ક્ષુલ્લક ટીકાઓ પાયાવિહિન છે.

ગીતાજીમાં શ્રીકૃષ્ણે માત્ર ધર્મ અને કર્મ પર ઉપદેશ નથી આપ્યો. તેમણે તો કર્મયોગ, ભક્તિયોગ, ધ્યાનયોગ અને જ્ઞાનયોગનું એકીકૃત દર્શન કરાવ્યું છે. તેમાં તેમણે ત્રિગુણાત્મક – સત્વ, રજસ્ અને તમસ્ ગુણો-  સૃષ્ટિ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે સ્પષ્ટતા કરી છે. શ્રીકૃષ્ણે દરેક ભક્તને સંસારમાં રહીને છતાં સંસારથી અલિપ્ત રહીને ભક્તિરસના આનંદમાં તરબોળ થવાનું જણાવ્યું છે.  ભક્ત માટે આ માર્ગ મોક્ષનો માર્ગ છે.

બુદ્ધના શ્રમણોમાં એક પ્રકારની ઉદાસિનતા છે. તેઓમાં હકારાત્મકતાને અવકાશ નથી.બુદ્ધનો માર્ગ શ્રમણને શૂન્યમાં વિલિન કરે છે.

બન્ને ધર્મોની પરંપરાઓની કેટલીક ખાસ અનુકરણીય પરંપરાઓ છે. અસત્ય, કે અર્ધસત્ય,ના આધાર પર કોઈ પણ ધર્મની પરંપરાઓ પર ટીકા કરવી તે બુદ્ધ કે શ્રીકૃષ્ણ જેવી વિશ્વની મહાન વિભૂતિઓના અપમાન સમાન છે.

સંસ્કૃતમાં લખાયેલ ભગવદ્‍ગીતાનું દેવનાગીરી ભાષાનું સંસ્કરણ આશરે ઇ.સ. ૧૮૦૦-૧૯૦૦

આ ગંથ પર એટલું વિપુલ સાહિત્ય ઉપલબ્ધ છે કે હવે શું લખવું તે આ લેખકને સમજાતું ન હતું. અંતે, સ્વામી વિવેકાનન્દે ૧૮૯૯માં સ્થાપના કરેલ અદ્વૈત આશ્રમ, માયાવતી (પ્રકાશન શાખાઃ કોલકત્તા)  દ્વારા પ્રકાશિત થતાં માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના સપ્ટેમ્બર ૨૦૨૩ના અંકમાં તેના તંત્રીએ ભગવદ્‍ગીતાનું વેદ આધારિત જે દર્શન કરાવ્યું છે તેનો ઋણસ્વીકાર સાથે અહીં ટુંક સાર રજૂ કર્યો છે.

ભગવદ્‍ગીતામાં શ્રીકૃષ્ણે પ્રથમ વખત યોગના ચાર માર્ગ ઉપર પૂર્ણ વિવેચન આપ્યું છે. શ્રી અરવિંદ તેને એકીકૃત (Integral) યોગ તરીકે સમજાવે છે. આ ચાર યોગ એટલે

કર્મયોગ

ભક્તિયોગ

ધ્યાનયોગ, અને

જ્ઞાનયોગ.

ઉપરોક્ત તંત્રીલેખમાં પ્રબુદ્ધ ભારતના તંત્રી લખે છે કે મહાભારત કાળમાં  વૈદિક ધર્મમાં માત્ર અતિશય ખર્ચાળ અને પશુબલિથી રક્તરંજીત થયેલા યજ્ઞોની બોલબાલા હતી. ધનિક વર્ગ એ યજ્ઞોનો ઉપયોગ તેમની ભોગવિલાસની પ્રવૃતિઓને સંતોષવા કરતા હતા. સામાન્ય પ્રજા તો જાણે વૈદિક પરંપરાથી બહિષ્કૃત જ થઈ ગઈ હતી. શ્રીકૃષ્ણનું હૃદય આ પીડિત વર્ગ માટે અતિ આર્દ્ર બની ગયું હતું. તેઓએ ભોગવિલાસી જીવન જીવતા ધનિક વર્ગ અને પુરોહિતો બળવો પોકાર્યો. સામાન્ય લોકો ધર્મના માર્ગ તરફ વળે એ માટે ગીતામાં ઉપદેશ આપ્યો.

તેઓએ સામાન્ય પ્રજાને ઉદ્દેશીને કહ્યું કે તમારે તમારાં કર્મોથી ભાગવાનું નથી. પરંતુ તે તરફનો પોતાનો અભિગમ બદલવાનો છે. દરેક કર્મ એ જ એક પવિત્ર યજ્ઞ છે. તે કરતી વખતે માનવીએ પોતાને ઈશ્વર તરફની અનન્ય ભક્તિ તરફ વાળી દેવાની છે. આમ, સામાન્ય વ્યક્તિ ઈશ્વરના ઉપદેશને અનુસરીને કર્મયોગ અને ભક્તિયોગના માર્ગે પોતાનું જીવન વ્યતિત કરે તેવો તેમનો સંદેશ છે. આમ તો એ સમયે સામાન્ય લોકો ઉપરાંત અન્ય લોકો પણ કર્મયોગ અને ભક્તિયોગનું પાલન કરતા તો હતા, પણ તેમના જીવનમાં કશુ ખુટતું હતું. શ્રીકૃષ્ણે આ વર્ગને ત્રિગુણાત્મક સૃષ્ટિ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની ભેદરેખા, ઈશ્વરભક્તિ અને મનન, ચિંતન અને નિદિધ્યાસન પાળવાની પદ્ધતિઓ દર્શાવી.

તંત્રીશ્રીએ ઉપરોક્ત પોતાના લેખમાં ભગવદ્‍ગીતાના આ શ્લોકો ટાંક્યા છે

ભક્તિયોગ (ગીતા ૧૦-૧૦)

तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ।
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥

ભાવાનુવાદઃ

જેઓ મારામાં ભક્તિભાવ ધરાવીને મારી પુજા કરે છે તેઓને હું પ્રેમપૂર્વક જ્ઞાન આપું છું કે જેથી તેઓ મને પામી શકે.

ગીતા (૯-૧૪)

सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रता: ।
नमस्यन्तश्च मां भक्त्य‍ा नित्ययुक्ता उपासते ॥

ભાવાનુવાદઃ

યોગી સ્થિરમન (સ્થિતપ્રજ્ઞ) થઈને મને સતત ભજે અને મારૂં શરણ સ્વીકારે તો હું એમને ભક્તિના પ્રકાશથી પરિપૂર્ણ કરૂં છું.

ગીતા (૬-૧૪)

प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थित: |
मन: संयम्य मच्चित्तो युक्त आसीत मत्पर: ||

ભાવાનુવાદઃ

જે શાંત મન અભય અને બ્રહ્મચર્ય પાળીને પોતાના વિકારો પર અનુશાસન કેળવશે તેઓ મને સર્વોચ્ચ ગણશે.

ગીતા (૧૩-૨)

क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत |
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम ||

ભાવાનુવાદઃ

હે ભરતવંશી અર્જુન, તું આ ભૌતિક જગતને ક્ષેત્ર તરીકે અને મને (એટલે કે શ્રીકૃષ્ણને) ક્ષેત્રજ્ઞ તરીકે ઓળખ. આ જ સાચું જ્ઞાન છે.

શ્રદ્ધાભક્તિ (ગીતા ૧૭- ૩)

सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत |
श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्ध: स एव स: ||

ભાવાનુવાદઃ

હે ભરતવંશી અર્જુન, દરેક વ્યક્તિ શ્રદ્ધાવાન છે. જેની જેવી શ્રદ્ધા તેવું તેનું બાહ્ય સ્વરૂપ છે.

ઉમદા ગુણ (ગીતા ૬-૯)

सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु |
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ||

ભાવાનુવાદઃ

જે શ્રેષ્ઠ છે તે કલ્યાણકર્તા, મિત્ર, તટસ્થ, શત્રુ અને બંધુમાં કોઈ ભેદ નથી જોતો. તે પાપી હોય કે પુણ્યાત્મા હોય, તેને એક જ દૃષ્ટિથી જૂએ છે. (આવા લોકો જ મને બહુ પ્રિય છે).

સમાપન કરતાં તંત્રી લખે છે કે ભગવદ્‍ગીતામાં અનેક અધ્યાત્મ માર્ગોને એકીકૃત જ્ઞાન તરીકે દર્શાવાયા છે. આ માર્ગનું અનુસરણ કરી વ્યક્તિ પોતાના ભૌતિક જીવનનું પરિવર્તન કરીને દિવ્યતા પ્રાપ્ત કરી શકે છે. ભગવદ્‍ગીતામાં  ઈશ્વર સમગ્રને સ્વીકારે છે. તેથી ગીતા એ વેદનું દિવ્ય દર્શન છે અને શ્રીકૃષ્ણ જગતગુરુ છે.

ઉપસંહાર કરતાં કહી શકાય કે ભગવદ્‍ગીતાના ઉપદેશો માનવમાત્રને તેની અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ અને ઉદાસીનતામાંથી શાશ્વત આનંદ ભણી લઈ જવાનો અદ્‍ભૂત માર્ગ બતાવે છે.


હવે પછીના મણકામાં આગમ શાસ્ત્ર વિશે વાત કરીશું.


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.