ગિરિમા ઘારેખાન                     

બાજુની રૂમમાંથી આવતા ભાઈ-ભાભીની વાતચીતના અવાજો સાંભળીને શોભા પથારીમાં બેઠી થઈ ગઈ. ગાઢ નિદ્રા તો એ ઘરમાં પાછી આવી એ દિવસથી દુ:શ્મન જ થઈ ગઈ હતી. સહેજ ખડખડાટથી પણ એની આંખ ખૂલી જતી. આ અવાજો તો બધી રીતે એની ઊંઘ ઉડાડી દે એવા હતા.

‘કાલે પાછા એક છોકરાવાળા પ્રતિમાને જોવા આવવાના છે. શોભાનું શું કરીશું?’ ભાઈ ભાભીને પૂછતો હતો.

‘એને કહીશું કે ભરાઈ રે રસોડામાં. બહાર આવે જ નહીં.’

‘જે આવે છે એ બધા થોડુંક તો સાંભળીને જ આવે છે. આ છોકરાની મા કોઈ ને કોઈ બહાને ઘરમાં  આમ તેમ ફરશે જ. એ વખતે શોભાને રસોડામાં જોશે તો શું કહીશું?’

‘આ તમારી બેન ! શું કામ પાછી આવી હશે? ગામમાં તો લોકો ગુસપુસ કરે જ છે. આવી વાત છાની રહેતી હશે? એ તો હવે જિંદગીભર આપણા માથે જ બેસવાની છે. હવે એને લીધે નાનીનું ય નહીં ગોઠવાય? અરેરે! મારું તો જીવવાનું હરામ થઈ ગયું.’

ઉશ્કેરાટમાં ભાભીનો અવાજ મોટો થઈ ગયો હતો. અડધી બહેરી મા તો નીચે કંઈ સાંભળતી નહીં હોય. આમે ય એ ભાઈને ક્યાં કશું બોલી શકે છે? પ્રતિમા અહીં સૂતી હોત તો એને સીધું પૂછી જ લેત કે મારું પાછા આવવાનું તને ય નથી ગમ્યું? પણ એ તો હમણાંથી જાણે અભડાઈ જતી હોય એમ પોતાનાથી આઘી જ રહે છે. સૂઈ જાય છે પણ નીચે મા સાથે.

શોભા સમજી ન હતી શકતી કે જે થયું એમાં એનો વાંક શું હતો? એ તો અવારનવાર જતી એમ એ દિવસે પણ મા સાથે શહેરમાં દરજી પાસે ગઈ હતી- હાથસિલાઈનું કામ લેવા અને થઈ ગયેલા કપડાં  પાછા આપવા. મા બહુ વર્ષોથી આ કામ કરતી હતી. ભણવામાં હોશિયાર હોવા છતાં શોભાએ પણ  બારમા પછી આ કામે વળગી જવું પડ્યું હતું. પ્રતિમા અત્યારે બારમામાં ભણતી હતી એટલે એ મદદ નહોતી કરતી. ભાભી બબડાટ કરતી કરતી ઘરનું કામ કર્યા કરતી. ભાઈને કારખાનાનું સ્થળ નજીક પડે અને ભાડું પણ ઓછું હોય, એટલે એમણે શહેરથી દૂર ઘર ભાડે રાખ્યું હતું. એ અને મા શહેરમાં જઈને દરજી પાસેથી કપડાં ઉપર હાથસિલાઈ કરવાનું કામ લઈ આવતાં. છકડા રીક્ષામાં આવવા જવાનું રાખતાં એટલે પૈસા ઓછા થતાં.

શોભાના કમનસીબે એ દિવસ ખરાબ ઊગ્યો હતો. એ લોકો પહોંચ્યા ત્યારે દરજી દુકાન બંધ કરીને ક્યાંક બહાર ગયો હતો. ખાસો વખત રાહ જોવી પડી. પાછા ફરતાં જે છકડામાં બેઠાં એ બંધ પડી ગયો. અધવચ્ચે ઊતરી જવું પડ્યું. બીજી છકડો મળ્યો ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું. જોરદાર વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. શોભાને એ આખું દૃશ્ય અત્યારે પણ નજર સામે દેખાતું હતું. દર વખતની જેમ એ કપડાં ભરેલો થેલો લઈને રીક્ષાના ખૂણામાં બેસી ગઈ હતી જેથી ચડઊતર કરતા માણસોને થેલો વચ્ચે ના નડે. માને અંદરની બાજુ રૂંધામણ થતી, પરસેવાની વાસ સહન ન થતી, એટલે એ બહારના છેડે બેસતી. એટલે કોઈ પણ પેસેન્જર ચડે કે ઊતરે, મા એ તો નીચે ઊતરવું જ પડતું.

એ દિવસે રીક્ષામાં પાછળ છ પેસેન્જર બેઠેલા હતા–એ બે જણ અને ચાર પુરુષો. શહેરથી એમના ઘેર પહોંચતા સુધી રસ્તામાં થોડો નિર્જન રસ્તો આવતો હતો. ત્યાં જ બે પેસેન્જરે ઉતરવા માટે રીક્ષા ઊભી રખાવી. શોભાની મા નીચે ઊતરી. પેલા બે પણ નીચે ઊતર્યા અને જાણે આગળથી નક્કી કરેલું હોય એવી રીતે મા પાછી બેસે એ પહેલા તો રીક્ષાવાળાએ રીક્ષા મારી મૂકી. શોભાએ મા ને બૂમો પાડતી પાછળ દોડતી આવતી જોઈ. પરિસ્થિતિ સમજાતાં એણે ચાલુ રીક્ષાએ કૂદી જવાનો પ્રયત્ન કર્યો. પણ એક જણાએ એને બાથ ભરીને પકડી લીધી. બીજાએ એનું મોં દાબી દીધું.

ટી.વી.માં જોયેલા અને સમાચારોમાં સાંભળેલા બળાત્કારના અનેક દૃશ્ય શોભાની આંખ સામે આવી ગયાં. પણ એના આશ્ચર્ય વચ્ચે પેલા લોકોએ એવું કશું જ ન કર્યું. એમણે રીક્ષાના પડદા પાડી દીધા. એ લોકો એને દૂરની કોઈ અવાવરું ઓરડીમાં લઈ ગયા અને બહારથી તાળું મારી દીધું.

શોભા આખી રાત ફફડતી રહી. એ લોકો ઓરડીની બહાર જ બેસી રહ્યાં હતા. શોભાને એમની વાતો સંભળાતી હતી.

‘છોડીને કોઈએ હાથ નથી લગાવાનો. કુંવારી છોડીના વધારે પૈહા મળે એવું કાનજી કેતો’તો. એણે જ આ આઇડિયા આપેલો.’

‘તે આપણે આને વેસવા ક્યાં જૈહું?’

‘કાનજી કાલે અહીં આવીને આને લઈ જાહે અને પૈહા દઈ જાહે. પસી આપડે સૂટા.’

શોભાને ખ્યાલ આવી ગયો કે આ લોકો કોઈ રીઢા ગુનેગારો નથી. પણ, પેલો કાનજી કોઈ કોઠામાં મૂકી આવશે પછી નહીં છૂટી શકાય. અહીંથી જ ભાગવું પડશે. રીક્ષાવાળો જાય તો બીજા બેને પહોંચી વળાશે.  બીજા દિવસે બપોરે એણે સાંભળ્યું કે રીક્ષાવાળો ખાવાનું લેવા ગયો છે એટલે એણે બારણું ખખડાવ્યું. પેલા બે એ અંદર ડોકિયું કર્યું. શોભાએ બે આંગળી બતાવી.

‘અલ્યા હું કરસું?’

‘તું લઈ જા. પેલો કાનજી આવશે તો કોક તો અહીં હોવું જોય ને?’

ખાસા આગળ જઈને શોભાએ પેલાને દૂર ઊભા રહેવાનું કહ્યું. પછી તો સહેલું હતું. જ્યાં રસ્તો લઈ જાય ત્યાં દોડવાનું જ હતું. એના નસીબે બાઇક પર જતો એક પોલીસવાળો મળી ગયો અને રાત પહેલા તો શોભા ઘેર હતી. આમ તો એની આટલી ગેરહાજરી ગામમાં કોઈને ધ્યાનમાં પણ ના આવત. પણ એની મા એ ઘેર પહોંચતા પહેલાં જ એમના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. બીજા દિવસ બપોર સુધીમાં તો આખું ગામ શોભાના અપહરણ વિશે જાણી ગયું હતું. રાઈને પહાડ બનતા વાર ક્યાં લાગવાની હતી ?

શોભાના ભાઈ- ભાભીએ વિચારી લીધું હતું કે હમણાં શોભાનું ક્યાંય ગોઠવાવાનું શકય નથી. વાત વધુ વણસે એ પહેલા એમણે પ્રતિમા માટે બહારગામના છોકરાઓ જોવાનું ચાલુ કરી દીધું હતું.

************                        **************                *********

આજે ફરી એક વાર ભાઈ ભાભીની વાતચીતના અવાજથી શોભાની આંખ ખૂલી ગઈ હતી.

‘તમારી કલંકીની બેને જીવવાનું હરામ કરી નાખ્યું છે. પાછી આવવાને બદલે એ ગાડીના પાટા પર સૂઈ કેમ ના ગઈ? એને લીધે નાનીનુંય ક્યાંય ગોઠવાતું નથી. મારે તો બે ય નણંદો જિંદગીભર મારા માથે ચડીને નાચવાની.’ ભાભીએ રડવાનું ચાલુ કર્યું.

‘તું રડ નહીં. આપણે કોઈ ઉપાય શોધીશું.’

‘ઉપાય શું? હવાયેલી દીવાસળીને ફેંકી જ દેવી પડે.’

અવાજ ધીમા થઈ ગયા. આગળની વાતચીત શોભા સાંભળી ન શકી.

બીજે દિવસે ધોધમાર વરસાદને લીધે ગામમાં પાણી ભરાઈ ગયા હતા. લાઈટ જતી રહી હતી. શોભા મા સાથે રસોડામાં હતી. ઉપરથી ભાઈની બૂમ સંભળાઈ. શોભા ઉપર ગઈ એ સાથે ભાભીએ રૂમનું બારણું બંધ કરી દીધું. પ્રતિમા પણ એમની સાથે ઊભેલી હતી. ભાભીએ પકડેલા કેરબામાંથી કેરોસીનની વાસ આવી રહી હતી.

શોભા બધું સમજી ગઈ. આ વરસાદમાં કોઈને એની બૂમો સંભળાવાની નથી. સળગાવી દીધા પછી આપઘાત સાબિત કરવાનું કેટલું સહેલું છે ! આવું તો રોજ છાપામાં આવે છે. એક વાર તો એને વિચાર આવ્યો કે ભલે આ લોકો સળગાવી દે. ગામલોકોની રોજે રોજ વીંધતી નજરોથી મરવા કરતાં એકવારમાં પાર આવી જાય. સ્મશાનને બદલે અહીં ઘરમાં જ ચિતા ભલે થઈ જતી.

પણ બીજી જ પળે માનો દયામણો ચહેરો દેખાયો. જીજીવિષા જાગૃત થઈ ગઈ. કોઈ વાંક વિના મારે શું કામ મરવાનું? ઘરમાંથી કાઢી મૂકશે તો માને લઈને નીકળી જઈશ. સિલાઈ કામ આવડે છે, એ કરીશ. પણ આમ કમોતે તો નહીં જ મરું.

થોડીક ક્ષણો સુધી શોભા ત્રણે ય જણ સામે જોતી રહી. પછી મક્કમ અવાજે બોલી, ‘તમારું ભલું ઈચ્છું છું એટલે કહું છું. કાલે રાત્રે તમારી વાત સાંભળ્યા પછી હું આજે સવારે જ પોલીસસ્ટેશનમાં લેખિત આપી આવી છું કે, મને કંઈ થાય તો મારા ભાઈ-ભાભી એને માટે જવાબદાર હશે. હવે કાલે જઈને પ્રતિમાનું નામ પણ ઉમેરાવીશ.’

ગુસ્સાથી ધ્રૂજતો ભાઈ શોભા તરફ ધસ્યો પણ પ્રતિમાએ એને પકડી લીધો. ભાભી હજી ખૂણામાં કેરબો પકડીને ઊભી હતી. શોભાએ સળગતી નજરે એની સામે જોયું. ભાભીને લાગ્યું કે એ જ્વાળામુખીની આગથી કેરોસીન સળગવા માંડશે. એના હાથમાંથી કેરબો પડી ગયો. નીચેથી માની બૂમ સંભળાઈ, ‘શોભા, બીજી માચીસ ક્યાં રાખી છે? આમાં તો બધી દીવાસળી હવાઈ ગઈ છે. ગેસ કેવી રીતે સળગાવું?’

શોભાએ જવાબ આપ્યો, ‘આવું મા. હવાયેલી દીવાસળીને કેવી રીતે સળગાવવી એ મને આવડે છે.’


[ઉત્સવ, દીપોત્સવી, ૨૦૨૨ ]

ગિરિમા ઘારેખાન

૧૦, ઈશાન બંગલોઝ,સુરધારા-સતાધાર રોડ, થલતેજ ,અમદાવાદ-૩૮૦૦૫૪
ફોન-૮૯૮૦૨૦૫૯૦૯