વિમલાતાઈ

હિંમતનગર થી આગળ

એમને પરલોક ગયે બે મહિના થઈ ગયા. મને થયું કે હવે મારે કોઈ હુન્નર શીખી લેવો જોઈએ જેથી હું મારા પોતાના પગ પર ઊભી રહીને મારાં બાળકોનો માનભેર ઉછેર કરી શકું. મેં સીવણકામના ક્લાસમાં જોડાવાનું નક્કી કર્યું. પ્રશ્ન હતો મારી નાની દીકરીઓનો. તેમને કોણ સંભાળે? મને લલિતાબાઈ પાસેથી સૂચના કહો કે આદેશ મળ્યો સુધા અને જયુને તેમની માસીને ઘેર મોકલી આપો. માસી એટલે દમુ નહિ, પણ મારાં કાકીની મોટી દીકરી નલિની, જે પોતાના તેર વર્ષના નાના ભાઈ, બે નાની બહેનો અને કાકીનો સંસાર નિભાવતી હતી. મારી પાસે અન્ય કોઈ રસ્તો ન હતો. મન કઠણ કરીને હું મારી નાની દીકરીઓને નલિની અને કાકી પાસે વીસનગર મૂકી આવી અને સીવણક્લાસમાં જોડાઈ. આ ત્રણ મહિનાનો કોર્સ હતો અને માસિક દસ રૂપિયાની ફી અને સાધનસામગ્રીના મળીને ચારસો રૂપિયા આપવાના થતા હતા. મારી પાસે જે થોડાઘણા પૈસા હતા તેમાંથી થોડી રકમ ફી તરીકે આપી.

મારો ક્લાસ સવારના સાત વાગ્યે શરૂ થતો. ક્લાસની જગ્યા અમારા ઘરથી દોઢેક માઈલના અંતર પર હતી અને ત્યાં પગપાળા જવું પડતું. રોજ વહેલાં ઊઠી, નાહીધોઈ, રસોઈ અને બીજાં ઘરકામ પતાવી સવારના સાડા છ વાગ્યે ઘરમાંથી નીકળી જતી. અમારો સીવણક્લાસ સ્ત્રી-પુરુષોનો મિશ્ર વર્ગ હતો, અને સ્ત્રીઓ માટે બે મહિના પહેલાં જ વર્ગ શરૂ થઈ ગયો હતો. ક્લાસ શરૂ કરીને એક મહિનો પૂરો થયો અને સ્ત્રીઓને અભ્યાસક્રમ પૂરો થઈ ગયો. વર્ગમાં હું એકલી જ સ્ત્રી રહી ગઈ હતી. અહીં પણ નસીબ બે ડગલાં આગળ હતું! એમના અવસાન બાદ મને માનસિક તાણને લીધે ફિટ આવતી હતી (જેમાં મારું આખું શરીર ખેંચાતું અને લાકડાની જેમ અક્કડ થઈ જતું) તેની મારી શ્રવણશક્તિ પર વિપરીત અસર થઈ હતી અને મને હવે ઓછું સંભળાવા લાગતું હતું. કોઈ સામાન્ય રીતે વાત કરે તો મને સંભળાય નહિ તેથી અમારા શિક્ષક અમને જે શીખવતા તે મને સમજાતું નહિ. અંતે તેઓ પણ કંટાળી ગયા અને મેં સીવણ ક્લાસને તિલાંજલિ આપી. વીસનગરમાં મારી બેઉ દીકરીઓને ગોઠતું નહોતું. તેમાં જયુ તો ફક્ત ત્રણ જ વર્ષની હતી. આટલી નાની બાળકી મા વગર કેવી રીતે રહી શકે? આખરે મેં જ વિચાર કર્યો કે જે નસીબમાં લખ્યું હરો તે થશે અને બન્નેને વીસનગરથી ઘેર લઈ આવવાનો વિચાર કર્યો.

થોડા દિવસ બાદ અમને સમાચાર મળ્યા કે અમારે હિંમતનગરનો સરકારી બંગલો ખાલી કરવાનો હતો. આ માટે હું અને લલિતાબાઈ ત્યાં ગયાં. અમારા મોટા દીકરાઓનાં લગ્ન માટે મેં જય્થાબંધ સામાન વેચાતો લીધો હતો તે આ બાઈએ માટીના મૂલથી વેચી નાખ્યો. મારા ઘરસંસાર માટે વર્ષોથી અને પ્રેમથી એકઠો કરેલ સામાન પણ પાણીના ભાવે કાઢી નાખ્યો. મેં તેમને ઘણી વિનવણી કરી કે, “મને અને મારાં બાળકોને હાલ પૂરતું હિંમતનગર રહેવા દો. અહીં મેં આખા વર્ષનું અનાજ, તેલના ડબા વગેરે ભરી રાખ્યાં છે અને નરેનનું શિક્ષણ પણ ફી ભર્યા વગર થઈ જરે.’ મારાં જેઠાણીએ કહ્યું, “ત્યાં એકલાં રહીને તમે બધાં બગડી જશો. અમે તમને હિંમતનગર રહેવાની રજા નહિ આપીએ. પરિવારનાં “મોટાં’ઓના આવા વિરોધ સામે મારું શું ચાલે? એક તો કાનમાં બહેરાશની વિકલાંગતા આપીને ભગવાન પણ મારી પાછળ પડી ગયા હતા. કોઈ વાતનું મને સુખ નહોતું લાધ્યું. થોડા દિવસ બાદ મારી બેઉ નાની દીકરીઓ – સુધા અને જયુ-ને તેમની માસીએ સથવારો જોઈને મારી પાસે મોકલાવી આપી. મારા દિવસ હવે દુઃખમય થઈ ગયા અને પરતંત્રતામાં વીતવા લાગ્યા.

લલિતાબાઈએ હવે મોટાભાઈ અને રવિનાં લગ્નની તૈયારી કરવાનું નક્કી કર્યું, અને ફરીથી અનાજ-સામગ્રી વેચાતી લેવા લાગ્યાં. પરંતુ રવિ અચાનક માંદો પડી ગયો. [તેને લોહીની ઊલટી સાથે ફેફસાંનો ક્ષય થયો હતો -સંપા.] તેથી તેનાં લગ્ન મોકૂફ રાખવા પડયાં. તેની માંદગીની વાત જાણી તેના ભાવિ સસરાએ રવિને પોતાની દીકરી આપવાની સ્પષ્ટ ના કહી. તેમની સુશીલ દીકરીએ કહ્યું, “મારા નસીબમાં જે થવાનું હશે તે થશે, પણ લગ્ન તો રવિ સાથે જ કરીશ.’ આ કન્યા એટલી સારી અને સુસ્વભાવી હતી કે જ્યારે “એમનું’ અવસાન થયું ત્યારે તેણે અમારે ત્યાં સતત દસ દિવસ સુધી અમારા ઘરનું બધું કામ ઉપાડી લીધું હતું. તેની મરજી, મનોમન જેને પતિ માન્યો હતો તેની સાથે જ લગ્ન કરવાની હતી, તેની પરવા કર્યા વગર તેના પિતાએ આ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો અને તેનાં લગ્ન અન્ય સ્થળે કરી નાખ્યાં. આ છોકરીનો ઝૂરી ઝૂરીને થોડા જ મહિનામાં દેહાંત થયો.

“એમનું” અવસાન થયું ત્યારે અમારું આખું મકાન ભાડે આપ્યું હતું, તેમાંના ઉપરના માળે રહેનારા ભાડવાતોએ મકાન ખાલી કર્યું ત્યારે અમે અમારા મકાનમાં રહેવા ગયાં. ઘરનો સમગ્ર કારભાર તો સંપૂર્ણ રીતે લલિતાબાઈના હાથમાં જ હતો. તેમણે રવિને હવાફેર કરવા સૌરાષ્ટ્રમાં મોકલ્યો. મારાં જેઠાણી તેની સાથે ગયાં. થોડા દિવસ બાદ લલિતાબાઈએ મોટાભાઈને મુંબઈ લઈ જઈ તેનાં રજિસ્ટર લગ્ન કર્યા અને મને પ્રથમ પુત્રવધૂ મળ્યાં. અમે બન્ને સાસુ-વહુ ઘણાં સંપીને રહેતાં હતાં. તેમનો સ્વભાવ પણ ઘણો જ સારો હતો, તેમ છતાં તેમને કોઈ જાતની સ્વતંત્રતા ન હતી. બજારમાં સસ્તામાં સસ્તું જે શાક હોય તે લલિતાબાઈ પોતે જઈને લઈ આવતાં, અને તેઓ જે કહે તે પ્રમાણે હું અને મારાં પુત્રવધૂ કરી  આપતાં.

મારાં વહુ ગર્ભવતી થયાં. તેમને ડિલિવરી માટે લલિતાબાઈએ તેમને પિયર મોકલી આપ્યાં. પોતાની માતા પાસે તેઓ જવા નીકળ્યાં ત્યારે પણ તેમની સાથે તેમણે કોઈને ન મોકલ્યાં. મારી ઘણી ઇચ્છા હતી કે મારાં વહુના સીમંત વખતે પૂજન અને ભોજનસમારંભ યોજું, પણ સત્તા આગળ શાણપણ ચાલતું નહોતું. દિવસ પૂરા થતાં તેમને દીકરી આવી. રિવાજ અને મારી હોંશ મુજબ મારી પાસે જે થોડુંઘણું હતું તેમાંથી મારી પહેલી પૌત્રી માટે સુંદર ભેટ આપવાનો વિચાર કર્યો અને તેમની અમદાવાદ આવવાની રાહ જોતી હતી. કમનસીબે મારી પૌત્રી એક મહિનાની થઈને ગુજરી ગઈ.

હવે લલિતાબાઈએ મને જુદા થવાનું કહ્યું. મેં તેમને આર્જવતાપૂર્વક કહ્યું, “નરેન મેટ્રિક પાસ થાય ત્યાં સુધી તો અમને તમારી સાથે રહેવા દો! ત્યાર પછી અમે ખુશીથી જુદાં રહેવા જઈશું.’ લલિતાબાઈએ મને ચોખ્ખું કહી દીધું કે, “તમારી પાછળ ખરચા કરાવીને મારા ભાઈઓને મારે દેવાળિયા નથી બનાવવા. તમે કોઈ કામધંધો શરૂ કરો. આજના જમાનામાં કામ કરવામાં કોઈ નાનમ નથી.” આવી વાત સાંભળીને મને ઘણું લાગી આવ્યું અને મેં મનમાં જ નક્કી કરી નાખ્યું કે આવું ઓશિયાળું અને પરતંત્ર જીવન જીવવા કરતાં સ્વતંત્ર રહેવું વધુ સારું. બનવાજોગ તે વખતે લલિતાબાઈએ અમારા મકાનમાં નીચેના માળે રહેનારા એક ભાડવાત પાસેથી જગ્યા ખાલી કરાવી. મને તો અમારા ઘરમાં પણ જગ્યા ન મળી હોત, પણ હું મારાં બાળકોને લઈને ક્યાં જઉં? અમારું પોતાનું મકાન હોવા છતાં હું બહાર અન્ય કોઈ જગ્યાએ શા માટે રહેવા જઉં?

અંતે નીચેના માળે એક વિશાળ હૉલ હતો તેમાં પાર્ટિશન નાખ્યું અને હોલનો લગભગ બેતૃતીયાંશ ભાગ અને તેની પાછળની પરસાળ અમને રહેવા માટે આપી. પરસાળના બે ભાગ કરેલા હતા જેમાંના એક ભાગમાં નાનકડી બાથરૂમ બનાવી હતી અને બીજામાં રસોડું. મકાનમાં બે ભાડવાત રહેતા હતા, તેમની પાસેથી આવતા ભાડાના લલિતાબાઈએ ચાર ભાગ પાડ્યા. તેમાંનો એક ભાગ મને અને બાકીના ત્રણ ભાગ પોતાના ભાઈઓ માટે રાખ્યા. આ ભાગ કરતાં પહેલાં અમારાં સાસુમાએ વસાવેલા ૫૦૦-૬૦૦ માણસોની રસોઈ થઈ શકે એવા મોટાં વાસણોને લલિતાબાઈએ ભંગારના ભાવે કાઢી નાખ્યાં, જેની મને ખબર પણ પડવા દીધી નહિ, અને બધી રકમ પોતાની પાસે રાખી લીધી. અમને જુદા કાઢ્યા ત્યારે બાકી રહેલાં વાસણોની વહેંચણી વખતે પણ કોઈ વડીલ વ્યક્તિને મધ્યસ્થી તરીકે ન રાખી. મનમાં ફાવ્યું તે પ્રમાણે નાનાં નાનાં વાસણો મને આપી દીધાં. મેં કશું ન બોલતાં તેમણે મને જે આપ્યું તે લઈ લીધું.

ખરું જોવા જઈએ તો “એમણે” પોતે પોતાની હયાતીમાં જ બધી જણસ, ઘરવખરીની વસ્તુઓ અને ઘરની વહેંચણી કરવી જોઈતી હતી. મારી પોતાની ઉમર નાની હતી – તેમનાં મોટાં ત્રણ છોકરાંઓ કરતાં પણ મારું વય નાનું હતું. વળી મારા ખોળામાં “એમનાં” ચાર નાનાં નાનાં બાળકો હતાં. “એમનો” પોતાનો સ્વભાવ પણ એવો કે એમણે કદી પણ મારી સાથે સ્વસ્થ ચિત્તથી પોતાની ઘરસંપત્તિની કે પોતાના જીવન પશ્ચાત્ તેની વહેંચણી કેવી રીતે કરવા માગતા હતા તેની કદી પણ વાત કરી ન હતી. જીવતેજીવ કશું કરી શક્યા નહિ, તો મૃત્યુ સમયે તેમનાથી શું થઈ શકવાનું હતું? અંત સમયે “એમને” અમારી ચિંતા એટલી મૂંઝવતી હતી કે તેમના ખોળિયામાંથી પ્રાણ નીકળતા નહોતા. મને પાછળથી જાણવા મળ્યું કે અંતે જ્યારે મોટાએ એમનો હાથ ઝાલીને વચન આપ્યું કે, “બાઈને અને સૌથી નાનાં ચાર ભાઈબહેનોને હું સંભાળીશ” ત્યારે એમનો જીવ પ્રસ્થાન પામ્યો. પરંતુ આ વચનનો કશો ઉપયોગ નહોતો.

એમના ગયા બાદ કેવળ દોઢ વર્ષમાં જ તેમણે અમને જુદાં કરી નાખ્યાં. મકાનના ભાડાના ચોથા ભાગના હિસ્સા તરીકે લલિતાબાઈએ મને માસિક ૩૬ રૂપિયા આપવાનું ઠરાવ્યું. મોટાએ કદાચ અમને સાચવ્યાં હોત, પણ લલિતાબાઈને હસ્તક નિયંત્રણની ધુરા હતી તેથી તેઓ પોતે જે નક્કી કરે તે પ્રમાણે ઘરની પ્રત્યેક વ્યક્તિએ કરવું જ પડતું. ખેર, અમે હવે સ્વતંત્ર રહેવા લાગ્યાં હતાં. આ નાનકડી આવકમાંથી જે છાશ રોટલો અમને મળી રહેતાં હતાં તેને અમે સંતોષથી સ્વીકારીને રાજીખુશીથી રહેવા લાગ્યાં.


ક્રમશઃ


કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
બ્લૉગઃ  www.captnarendra.blogspot.com