પરેશ ૨. વૈદ્ય
આપણી ત્રણ ઋતુ શિયાળો,ઉનાળો અને ચોમાસાં. એ ત્રણેયમાં સૌથી સુંદર ચોમાસું. એનુ સૌંદર્ય માણવા માટે હળવા વરસાદમાં કોઇ નદી કે સમુદ્ર સામે જઈને ઉભા રહો કે પછી પહાડ કે જંગલમાં હો, તો કુદરત સાથે એક થઈ ગયાની લાગણી થશે. વરસાદ એ પ્રકૃતિએ માણસને આપેલી અનુપમ ભેટ છે. પાણી તો પૃથ્વી પર હતું, તેથી જ તો સજીવસૃષ્ટિ પેદા થઈ, પરંતુ વરસાદ તેને વારંવાર તાજું કરીને આપે છે. કુદરતે એવી પ્રક્રિયાઓ ઘડી છે કે જેથી વરસાદની ઘટના બને.

આપણે દક્ષિણ એશિયાના દેશોનો વરસાદ પ્રત્યેના ભાવ વિશેષ છે કારણ કે અહીં એ મુખ્યત્વે એક ખાસ ઋતુ દરમિયાન જ આવે છે. આમ ચોમાસું એવી લાખેણી ભેટ છે, જે વિશ્વની મોટા ભાગની પ્રજાને નથી મળી. ભૂગોળ અને વિજ્ઞાનની આંખે જુઓ તો એ એક અજાયબી જ છે. આપણા દેશ માટે ચોમાસું એટલે માત્ર વરસાદ નથી. તેને વીંટળાઈને આપણી આખી સંસ્કૃતિ પડી છે – કુદરતી સૌંદર્ય, રિવાજો, ધર્મ, પ્રેમ, સમાજકારણ અને અર્થકારણ. આપણાં અસ્તિત્વમાં જેનો આટલો ફાળો હોય તેવી ઘટનાને સમજી લેવી એ આપણી ફરજ અને જરૃરત છે. અહીં પુસ્તકમાં એ કરવાનો પ્રયત્ન છે. વરસાદને લગતાં વૈજ્ઞાનિક સત્યો, તેની આગાહી માટેના પ્રયત્નો, ચોમાસાંને સંલગ્ન ઘટનાઓની સમજૂતી અને તેના પાણીની પ્રાપ્તિ જોડેના સંબંધની ક્રમશઃ ચર્ચા કરી છે. ઊંડાણ એટલું જ છે જેટલું તેના પરિચય માટે જરૃરી હોય.
આપણી સંસ્કૃતિની બીજી ખાસિયત એટલે હિન્દી સિનેમા. સ્વભાવિક છે કે તેનાં સંગીતમાં પણ ચોમાસું વ્યાપ્ત હોય. આથી દરેક પ્રકરણને છેડે એ પ્રકરણની વાતનો પડઘો પાડતું એક ગીત મૂક્યું છે, તેની યુ-ટયૂબ લિંક સાથે. વાંચકો તેને સાંભળીને એ વાતાવરણની અનૂભુતિ કરીને પછીનાં પ્રકરણ તરફ જઈ શકે.
આપ લેખમાળા બાબત આપના અભિપ્રાય આવકાર્ય છે.
વાશી (નવી મુંબઈ)
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
૨૦૨૨માં આ લેખમાળા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયેલ. ઇ-બુક સ્વરૂપે એ ‘આપણું આગવું ચોમાસું‘ [ASIN : B0B7XJS5Y4] એ શીર્ષક હેઠળ એમેઝોન.ઈન પર ઉપલ્બ્ધ છે. તેમજ, આ પુસ્તકની મુદ્રિત આવૃતિ નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ / અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલ છે.
આપણે અત્યારે ચોમાસાના મહિનાઓમાં પ્રવેશી રહ્યાં છીએ. તેથી આ પુસ્તક પર આધારિત લેખમાળા દ્વારા આપણે વરસાદ અને ચોમાસાં વિશે બહુ રસપ્રદ વૈજ્ઞાનિક માહિતી વેબ ગુર્જરી પર હવે પછી દર બુધવારે મેળવતાં રહીશું.
