આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ૨. વૈદ્ય
‘સોના ઈંઢોણી, રૂપા બેલડું રે નાગર ઊભા રહો રંગરસિયા.’

આ જાણીતું લોકગીત છે, જે એટલું જૂનું છે કે જ્યારે ઈંઢોણી, બેડું અને ગાગર એ ઘરગથ્થુ શબ્દો હતા. આજે મોટાં અને નાનાં શહેરોમાં ઈંઢોણી કદાચજોવા જ નહીં મળે. જ્યાં બેડલું જ જોવા ન મળે તો તેને આધાર આપતી ઈંઢોણીનું શું કામ? એ વખતે ઈંઢોણીની આખી ‘રેન્જ’ દેખાતી. ખજૂરીનાં પાનોને ગૂંથીને બનાવેલ ઈંઢોણી, કપડાનો વીંટો વાળી બનાવેલ કામચલાઉ ઈંઢોણી અને છેવટે સુંદર, નાનાં મોતીઓથી સજાવેલ ઈંઢોણી. આ છેલ્લો પ્રકાર આજેય નવરાત્રીના ગરબાને ટેકો આપે છે. નવી પેઢીને એ કારણે તેનો પરિચય હોય તેમ બને.
એ દિવસોમાં નળમાં પાણી ગણ્યાંગાઠ્યાં શહેરોમાં જ આવતું. બાકીનાં ગામો કૂવા ઉપર આધાર રાખે અને ગામડાં તળાવ ઉપર. ત્યાંથી ઘર સુધી પાણી લઈ આવે તે પનિહારી. આજે પ્લાસ્ટિકના કેરબા (જેરી કેન) વપરાય છે, પરંતુ ત્યારે પ્લાસ્ટિક તો હતું જ નહીં, સ્રીઓ ગાગર અથવા બેડું વાપરે. તેમાં એક મોટો હાંડો હોય અને તેની ઉપર નાનો કળશો. આ ત્રીસ કિલોગ્રામનું વજન માથામાં એક બિંદુએ ન આવે એટલે પહેલાં ગોઠવે ઈંઢોણી અને તેના ઉપર ગાગર. જેમ સાઇકલ ધીમે ચલાવવા કરતાં ઝડપે ચલાવવામાં સમતુલન સહેવું પડે તેવું આ પનિહારીઓનું. એ ધીરેધીરે મહાલતી ક્યારેક જ દેખાય – ઝડપથી દોડી જતી હોય. અને એવી ઝડપી ચાલેય એ ત્રણ-ચારનાં વૃંદમાં વાતો કરતી જતી હોય. કેટલીક પોતાના ઘર માટે પાણી લઈ જતી હોય તો કેટલીક જેને ત્યાં કામ કરતી હોય તેના માટે પાણી લઈ જતી હોય.
આજે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ધોરણ રાખ્યું છે કે સ્વાસ્થ્યપ્રદ જીવન માટે દરેક વ્યક્તિદીઠ રોજનું ૧૪૦ લિટર પાણી જોઈએ. બહુ ઓછી નગરપાલિકા આ ધોરણે પાણી આપી શકે છે. પાણી નળમાં આવતું હોય ત્યાં આ પ્રમાણની ચકાસણી પણ સહેલી નથી. નળમાં પાણી આવવાનો સમય કુટુંબના સભ્યોની સંખ્યા પ્રમાણે નથી હોતો. કુટુંબ નાનું હોય તો માથાદીઠ વધારે પાણી મળી રહે અને મોટા કુટુંબને જણદીઠ ૧૪૦ લિટર કરતાં ઓછું.

સ્વેચ્છિક કાપ :
હવે, આ જ ધોરણ કૂવેથી લવાતાં પાણીને લાગુ કરો. પાંચ માણસના કુટુંબને માટે રોજ ૭૦૦ લિટર પાણી લાવવું પડે. બેડલું લઈને જાઓ તો ૨૦-ર૫ ફેરા કરવા પડે! હાથમાં વધારાનો કળશો ઉપાડો તો બે-ચાર ફેરા ઓછા. ઘરે ઠાલવી પાછા કૂવે આવો, પાણી ખેંચો, ભરો અને બીજો ફેરો કરો. કૂવો નજીક હોય તો પણ ૭૦૦ લિટર પાણી ભરવાને પાંચેક કલાક લાગે અને આટલું પાણી ઘરમાં ક્યાં સાચવવું? કેટલાં પીપ, કોઠી, ટાંકી અને માટલાં જોઈએ. એટલે વાસ્તવિકતા એવી કે લોકો ૮-૧૦ બેડાં પાણીથી ચલાવી લેતા. કામવાળાં બહેન એનાથી વધુ આપી જ ન શકે. પાંચ જણના કુટુંબ માટે આ થયું ૫૦થી ૬૦ લિટર માથાદીઠ પાણી. વાતનો સાર એ કે કૂવામાં પાણી તો રહેતું, પણ બીજાં કારણોસર લોકો મર્યાદિત પાણી વાપરતા.
એ જ સમયે મહાનગરો અને અમદાવાદ-વડોદરા જેવાં શહેરોમાં પાણી ભલે નળમાં આવતું, તેની પ્રાપ્તિ બાબત સંતોષ નહોતો. ખાર-બાંદ્રા જેવાં મુંબઈનાં સમૃદ્ધ પરાંઓમાં પણ પાણી ભરવા રાતે ૧૨ વાગ્યે કે પરોઢે ચાર વાગ્યે ઊઠવું પડતું. મકાનની અગાસી ઉપર ટાંકીઓ બનાવવાની પ્રથા હજુ નહોતી. તેથી કસમયે ઊઠવું જ પડતું અને ગામના લોકોની જેમ કોઠી અને પીપડાંઓમાં જ પાણી ભરીને આખો દિવસ વાપરવું પડતું. એ દષ્ટિએ ત્યારે શહેર અને ગામોની પરિસ્થિતિમાં બહુ ફરક ન હતો.
આવું જ કંઈક પાણીના સંદર્ભે ત્યાર અને અત્યારની પરિસ્થિતિ વિશે કહી શકાય. આગળ જોઈશું કે જીવનનાં અન્ય ક્ષેત્રોમાં જેટલો તફાવત ૭૦ વર્ષમાં પડ્યો તેવું પાણી બાબત નથી થયું. ટેક્નૉલૉજીનો ઉપયોગ અહીં બહુ પ્રભાવી રીતે નથી થયો. બહુ જ પ્રાથમિક સ્તરની ટેક્નોલોજી દાખલ થઈ છે. સૌથી પહેલા યાંત્રિક હૅન્ડ-પમ્પ આવ્યા, જેને કેટલાક લોકો ડંકી કહે છે. પાણી જો બહુ ઊંડે ન હોય તેવાં સ્થાનોએ આવા પમ્પ બેસાડવાથી મોટા ગરગડીવાળા કૂવા બાંધવાની જરૂર ન રહી. બહેનોએ દોરડાં ખેંચવાની મહેનત બંધ થઈ, પરંતુ આ પમ્પોની જાળવણી અગત્યની છે. ગામડાંમાં સારા મિકેનિક ન મળવાથી મોટા ભાગે પમ્પો બગડેલા પડયા રહેતા.
સામૂહિક નળો
ડીઝલ એન્જિનથી ચાલતા અને વીજળથી ચાલતા પમ્પો આવ્યા ત્યારે આશીર્વાદરૂપ બન્યા. ડીઝલ પમ્પો મુખ્યત્વે ખેતર અને વાડીમાં વપરાયા. કેટલીય કલ્પનાશીલ નગરપાલિકાઓએ જાહેર કૂવા ઉપર સિમેન્ટના ટાંકા બનાવ્યા, તેમાં ૮-૧૦ નળો બેસાડી જે વ્યવસ્થા બની તેને પાણીનાં ‘સ્ટેન્ડ’ કહેવતાં. પનિહારીઓ હવે ગરેડી સામે નહીં, નળ સામે બેડાંની લાઇન લગાવતી થઈ.

કોઈ ગામમાં જાઓ ત્યારે આવાં સ્ટેન્ડ કેટલાં છે અને કેટલાં કામ કરતાં રહ્યાં છે એ જોઈને મ્યુનિસિપાલિટી-પંચાયતની કાર્યક્ષમતાનો અંદાજ આવે. બીજી તરફ બાવડાનું બળ વાપર્યા વિના પાણી મળવાથી તેનો ઉપયોગ અને વ્યય વધ્યાં. ખેતરોમાં વિનામૂલ્ય વીજળી મળવાથી એટલાં પાણી જમીનમાંથી ખેંચાવા લાગ્યાં કે પાણીનાં તળ જલદી નીચે ગયાં અને ખેતરની જમીન ઉપર ભૂતળનો ક્ષાર ફેલાવા લાગ્યો. પંજાબની હરિત કાન્તિનું આ અવળું પાસું નિષ્ણાતોમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે.
સાઠના દાયકામાં નવા રાજય હેઠળ નાનાં શહેરોમાં નળયોજના ક્રમશઃ આવવા લાગી. સાંકડી ગલીઓમાં ખોદાએલા રસ્તાઓની અગવડ લોકોએ ખુશીથી સહન કરી, કારણ કે પોતાનો સામાજિક દરજ્જો હવે વધવાનો હતો! ઘીમેધીમે બેડલાં અને ઈંઢોણી દશ્યમાંથી દૂર થતાં ગયાં. એક દોઢ દસકો આ પ્રગતિ પ્રસરતી હતી ત્યારે હજુ ભોંયમાં ટાંકા (અન્ડર ગ્રાઉન્ડ ટાંકી) અને અગાસીની ટાંકી પ્રચાલિત નહોતાં થયાં. એટલે પાણી પીપ અને કોઠીમાં ભરવાનું ચાલુ જ રહ્યું. આ રીતે સંઘરેલ પાણીથી કપડાં ધોવામાં તો ખાસ ફરક ન પડતો; પરંતુ હાથ ધોવા અને વાસણ ઘસવામાં અગવડ હતી. એક હાથમાં લોટો લઈ, પાણી રેડી બીજા હાથને ધોવાથી સફાઈ બરાબર ન થતી. એ જમાનામાં વાસણ રાખ કે ધૂળ-માટીથી ઘસાતાં. આ રાખને કાઢવા માટે મોટાં તગારાં કે ટબમાં પાણી લઈ, વાસણને તેમાં ડુબાડીને કાઢવું એ એક જ રીત હતી. થોડાં વાસણો પછી એ પાણી ગંદું થઈ જાય, તો ક્યારેક આવાં બે પાત્ર રાખે. એકમાં સાફ કરી વાસણ બીજા પાત્રમાં ફરીથી ધૂએ. આરોગ્યની દષ્ટિએ આ કોઈ આદર્શ પરિસ્થિતિ ન હતી. નળમાંથી પાણી પડતું હોય અને નીચે બે હાથ આપસમાં ચોળીને સાફ થાય તે જ સાચી રીત. તેવું જ વાસણ ધોવા વિશે.
૨૪ કલાક પાણી
જ્યારે ભૂગર્ભ ટાંકા અને ઓવરહેડ ટાંકીની પ્રથા શરૂ થઈ તે પછી આ બની શક્યું. આ નાની વાત લાગે છે, પરંતુ સામાન્ય સ્વાસ્થ્ય ઉપર તેની સ્પષ્ટ અસર થઈ. હજુ આજેય ઘણાં સ્થળે આવી સગવડ નથી – તો લોકો સિન્ટેક્સની ટાંકી બેસાડીને નળમાં પાણી આણે છે. ‘માઇન્ડ સેટ’નો આ સકારાત્મક ફેરફાર આધુનિકતામાં વણાઈ ગયો છે. (જ્યારે ઘરે બેડાંથી પાણી આવતું ત્યારે પણ કેટલાંક ઘરોમાં એ નળવાળી સિમેન્ટની ટાંકીમાં ઠલવાતું. એ લોકો પોતાના સમયથી આગળ હતા!) આ કારણે એક નવો શબ્દ નગરજીવનમાં દાખલ થયો – “ચોવીસ કલાક પાણી”. મોટાં શહેરોમાં લોકો ફ્લેટ ખરીદે અથવા ભાડે લેવા જાય ત્યારે જે બે-ચાર મુદ્દાની પૂછપરછ કરે, તેમાં એક આ જરૂર હોય છે, “અહીં ચોવીસ કલાક પાણી આવે છે?’ વાસ્તવમાં દેશની કોઈ મ્યુનિસિપાલિટી ર૪ કલાક પાણી આપી શકે નહીં અને નહીં જ આપતી હોય. પરંતુ આ પ્રશ્નનો અનુવાદ એ છે કે “તમને નગરપાલિકા જેટલું પાણી આપે છે તે તમે બધાં એટલું સમજીને વાપરો છો કે જેથી નળમાં ચોવીસે કલાક પાણી આવતું રહે?”
નળ આવ્યા પછી એક નવી સમસ્યા વિચાર માગે છે. કોઈ કારણસર પાણી આવે નહીં કે આવ્યું ત્યારે ભરી ન શક્યા તો તમે શું કરો? નવા જમાનામાં મોટાં શહેરોમાં પાણી મેળવવું મુશ્કેલ છે. નાનાં શહેરોમાં પણ વિકલ્પો ઓછા છે. સુધરાઈએ કૂવા નકામા બનાવી નાખ્યા છે. કેટલાકને બૂરી નાખ્યા અને ઉપર દુકાનો બનાવી દીધી છે, કેટલાકમાં જાળી નાખી છે તેથી દોરડું ફેંકાય તેમ નથી. કેટલાક એવા અવાવરું છે કે માત્ર કબૂતરોના નિવાસ તરીકે વપરાય છે. નસીબદાર હો તો કોઈ ટેન્કરવાળો મોંઘા ભાવે પાણી પહોંચાડશે, પરંતુ એની શુદ્ધતા અજાણી હશે. આધુનિકતાની આ કિંમત છે. ભૂતકાળમાં આવી પરિસ્થિતિમાં લાચારી નહોતી અનુભવાતી. પાણીનો ગ્રોત્ર નજીક હતો, ગમે ત્યારે ત્યાં જઈને લાવી શકવું શક્ય હતું.
થોડી ટૅક્નૉલૉજી
વસતિવધારાને કારણે પાણી બાબત સ્વાવલંબન ઘટતું જાય છે. એ દૂરદૂરથી આવે છે. ૧૯૭૦માં મુંબઈનું પાણી ૨૫-૩૦ કિલોમીટરથી આવતું – હવે સવાસો કિ.મી. દૂર ઇંગતપુરીથી આવે છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પાણી પાંચસો કિ.મી. દૂર સરદાર સરોવરથી આવે છે. પાણી બાબત ટેક્નૉલૉજીનો ફાળો હોય તો આટલો જ છે. એય નવી ટેક્નોલોજી નથી. ડેમ અને કેનાલ તો ૭૦ વર્ષ પહેલાં પણ હતાં, હા, પાણીને ધકેલવા મહાકાય પમ્પો વપરાય છે, તે અગાઉ ભારતમાં પ્રાપ્ય ન હતા.
વિજ્ઞાનનો એક બીજો ફાળો તે પીવાનાં પાણીનાં ફિલ્ટરોનો. વિવિધ પ્રકારનાં ફિલ્ટર પાણીને જંતુરહિત કરીને આપે છે એ તો એક વાત, વધુ અગત્યનું એ છે કે જે પાણી વાપરી ન શકાતું તેને હવે વાપરી શકાય છે. ભૂગર્ભનું અતિશય ક્ષારવાળું પાણી રિવર્સ ઓસ્મોસીસ – ૨.૦. (વિપરીત પરાસરણ)ની પ્રક્રિયા દ્વારા પીવાલાયક બની આપણા વપરાશના જથ્થામાં દાખલ થયું. જે સ્થળોએ પાણી ચાર-પાંચ દિવસે આવે છે તે લોકો માટે રસોઈનાં પાણીનો આટલો જથ્થો સાચવવો મુશ્કેલ હતો. ફિલ્ટરની મદદથી સંઘરેલાં પાણીને જોઈએ ત્યારે પીવાલાયક બનાવી શકાય છે તે ઉપકારક છે.
આ એક અપવાદ બાદ કરતાં પાણીની પ્રાપ્તિ અને ઉપયોગમાં એટલું નવું નથી બન્યું જેટલું જીવનનાં બીજાં ક્ષેત્રોમાં છેલ્લાં ૭૫ વર્ષમાં થયું. પાણીનું ઉત્પાદન નથી થઈ શકતું. વરસાદ આજે એટલો જ પડે છે જેટલો ૧૯૫૦માં હતો, પરંતુ વસતિ સાડા ત્રણ ગણી થઈ! આથી માથાદીઠ પ્રાપ્તિ ૭૦ ટકા ઘટી ગઈ તે સ્પષ્ટ છે. સામે, માથાદીઠ વપરાશ વધતો ગયો. તેમાં સ્વાસ્થ્યના સિદ્ધાંતોની સાથે આધુનિક જીવનશૈલીનો પણ સિંહફાળો. “ત્યારે’ દસ લિટર પાણીમાં સ્નાન થતું અને ૫૦ લિટરમાં આખા ઘરનાં કપડાં ધોવાતાં. બાથ-ટબ, શાવર અને વૉશિંગ મશીન એવું નહીં કરવા દે.

ભારત સરકારે જળજીવન મિશન હેઠળ દરેક ઘરને નળથી પાણી પહોંચાડવાનું નક્કી કર્યું છે. સ્વાભાવિક છે કે દેશમાં દરેક ગામ પાસે પાણીની પ્રાપ્તિ સમાન ન હોય અને તેથી WHOના ૧૪૦ લિટર (પ્રતિ વ્યક્તિ)ના માનકને વળગી રહેવું મુશ્કેલ છે. આથી ઓછામાં ઓછું પપ લિટર આપવાની નેમ છે. આ એ જ માત્રા છે જે ‘૬૦ના દાયકામાં પનિહારીઓ માથે ગાગરમાં લાવી શકતી હતી!
આમ પાણી બાબત આપણે ઠેરના ઠેર છીએ, અને રહેશું.
સૌજન્યઃ નવનીત સમર્પણ * માર્ચ ૨૦૨૫
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
