નીલમ  હરીશ દોશી

અક્ષરા અને નિશાંતના નિશાંતના પ્રેમલગ્ન  હતા. અને સામાન્ય રીતે બને છે તેમ નિશાંતના પ્રેમનો રંગ ચાર વરસમાં તો કયાં ઉડી ગયો એ ખબર પણ ન પડી. અને દ્રષ્ટિ બદલાતા પહેલા એકબીજાના ગુણ દેખાતા હતા. ખૂબીઓ દેખાતી હતી.એ જ હવે અવગુણ..ખામી બની સામે આવવા લાગ્યા.

પુત્રીના જન્મ પછી અક્ષરાનું ધ્યાન  સ્વાભાવિક રીતે જ દીકરી પાછળ વધુ રહેવા લાગ્યું. અને  પ્રેમલે તેમાં સાથ આપવાને બદલે તેને પોતાની અવગણના માની લીધી.

અને એ કારણ હોય કે ગમે તે પણ તે તેની જ ઓફિસની આસ્થા તરફ આકર્ષાયો.આકર્ષાવા માટે કારણોની ખોટ તો કોને, કયારે  હોય છે ? દિવસે દિવસે એ આકર્ષણ વધતું ચાલ્યું. અને પછી તેને નામ અપાયું ફરી એકવાર પ્રેમનું. અને અક્ષરાથી આ વાત કયાં સુધી છૂપી રહી શકે ?  હજુ તો એ વાત પર ઝગડો થાય એ પહેલા જ એક દિવસ ઓફિસે ગયેલ નિશાંત ઘેર પાછો આવ્યો જ નહી. આવી ફકત તેની એક ચિઠી..જેમાં તેણે બહુ સાદા શબ્દોમાં જણાવ્યું હતું કે

‘આપણા બનેના સ્વભાવનો મેળ ખાય તેમ નથી. અને તેથી તે તેની જિંદગીથી દૂર જાય છે. શકય હશે તો પૈસા મોકલાવતો રહીશ. અને બાકી તેને જે કરવું હોય તે કરવા સ્વતંત્ર છે. ’

શું કરવું તે અક્ષરાને સમજ ન પડી. એકલી એકલી રડે પણ કેટલો સમય ? પિયરના દરવાજા બંધ હતા. મા બાપ હતા નહીં અને ભાઇ ભાભી રાખે તેમ હતા નહીં. સાસરામાં પણ એવું કોઇ નહોતું.જે તેનો  વિસામો બની શકે. બે વરસની પુત્રી અને તે હવે નિશાંતના શબ્દોમાં કહીએ તો સ્વતંત્ર હતા. !

જીવનનાવ એકલા હાથે સામે પૂરે  હંકારવાની હતી. કલકલ વહેતા જળ અચાનક થંભી ગયા હતા. શું કરવું તે દિશા શોધવાની હિમત પણ થોડા સમય માટે જાણે તે ગુમાવી બેઠી હતી.પરંતુ માસુમ પુત્રીને ઉછેરવાની હતી..તેનામાં રહેલ  “મા “ જાગી ઉઠી. અને જીવન સંઘર્ષ શરૂ થયો. પ્રશ્નો તો ઘણાં આવ્યા..પરંતુ અક્ષરાની અંદરની સ્ત્રી  અને મા હવે હારવા નહોતી માગતી. સંજોગોને આધીન થઇ રડવાને બદલે તેણે મક્ક્મતાથી સામનો કર્યો.

સદનશીબે અક્ષરાએ સંગીતમાં વિશારદ કરેલ.તેથી ધીમે ધીમે તેણે સંગીતના ટયુશન શોધ્યા. નોકરીનો સવાલ નહોતો કેમકે નાનકડી પુત્રીને કોને ભરોસે મૂકીને જાય ? તે દીકરીને એકલે હાથે ઉછેરવા લાગી. એ ટયુશનની આવકમાંથી દીકરીને સારી સ્કૂલમાં ભણાવવી, તેની જરૂરિયાતો પૂરી કરવી..રસ્તો કંઇ આસાન તો નહોતો જ. છતાં દસ વરસની આકરી તપસ્યા પછી સંગીતની દુનિયામાં તેનું નામ, એક સ્થાન થયું. જીવન થોડુ સરળ બન્યું. પુત્રી પણ હવે બાર વરસની થઇ હતી. પુત્રીના પિતા વિષેના પ્રશ્નના જવાબમાં તેણે સરળતાથી જે સત્ય હકીકત હતી તે જ કહી દીધી હતી. જેથી એક સત્ય સો જૂઠાણાથી બચાવી શકે. પણ….અચાનક આજે દસ વરસો બાદ નિશાંત વાવાઝોડાની જેમ ફરી એકવાર તેની જિંદગીમાં આવ્યો. પોતાની ભૂલની માફી માગી. તે પોતાની કથની કહેતો રહ્યો, પ્રેમની દુહાઇ દેતો રહ્યો. હવે તે એકાકી બની ગયો હતો. જીવનમાં એક ઠોકર તેણે ખાધી હતી..પસ્તાયો હતો. સવારનો ભૂલેલો સાંજે પાછો આવે તો તેને માફી મળવી જોઇએ..ગઇ ગુજરી ભૂલી જવા તેણે અક્ષરાને વિનંતિ કરી. પણ અક્ષરાએ તેની કોઇ વાત સાંભળવાની શાંતિથી ના પાડી દીધી.

‘ મને એમાં હવે કોઇ રસ નથી. તમારા કહ્યા મુજબ હું સ્વતંત્ર છું. અને રહેવા માગુ છું. મને તમારા માટે નફરત કે પ્રેમ કંઇ નથી.મારે માટે તમે જે ક્ષણે કંઇ પણ કહ્યા સિવાય અમને છોડીને ચાલ્યા ગયા હતા..તે ક્ષણથી જ અજનબી બની ગયા હતા. અને અજનબીના કોઇ વર્તનનું દુ:ખ લગાડવાનું ન હોય.’

નિશાંતે જયારે બહું કહ્યુ ત્યારે તેણે ધીમેથી ફકત એક જ પ્રશ્ન પૂછયો,

‘ તમારી જગ્યાએ હું કોઇ સાથે ચાલી ગઇ હોત ને દસ વરસ પછી આવીને માફી માગી હોત તો તમે આપી શકત ખરા ? ‘

નિશાંત શું બોલે ?

આવા પ્રશ્નનો જવાબ આમ પણ પુરૂષ પાસે કયારેય હોતો નથી. પુરૂષ કરે એ એક નાની એવી ભૂલ માત્ર..અને સ્ત્રી કરે એ પાપ…આ આપણા સમાજની તાસીર છે. પુરૂષપ્રધાન સમાજનું આ સામાન્ય લક્ષણ છે. સ્ત્રી એવી કોઇ ભૂલ કરીને વરસો પછી આવે ત્યારે કોઇ પુરૂષ એને સ્વીકારી શકે ખરો ? સદીઓથી અગિનપરીક્ષા સીતા જ દેતી આવી છે ને ? વસ્ત્રાહરણ દ્રૌપદીનું જ થતું આવ્યું છે. અને કોઇ સ્ત્રી જયારે આ બધી પ્રથા સામે અવાજ ઉઠાવે છે ત્યારે એને બંડખોર કે નારીવાદીનું લેબલ લગાડી દેતા  સમાજને જરાયે વાર કયાં લાગે છે ? કયાં સુધી ? આખરે કયાં સુધી ? નિશાંતની જેમ આપણા કોઇ પાસે એનો જવાબ છે ખરો ?


નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે