સામે કાંઠે

ચંદ્રકાન્ત શાહ

આ જો, આ કાંઠેથી પેન ધરેલો હાથ કરું છું, દેખાય છે કે? હું જ છું ને?

આ કાગળને બે કાંઠે જે
અધીરાઈનો ઝીણો—ધીમો તલપાપડ વરસાદ પડે છે
એનાથી તું પલળે છે ત્યાં જેવું
હું પણ એવું પલળું છું અહીં!

શબ્દોનું આ પૂર ઊતરે કાગળ પરથી,
અરે પછી તો તું પણ થોડી હિંમત રાખી
આવ ઊતર કાગળમાં-
હું પણ મારું ધુબકો
ભીંજાવાના ભાવથી ભીનાં, મળવાની પણ મજા આવશે નહિ?

કાં પછી આ કાગળિયાનાં મૂળ સુધી ચાલીને જઈએ ઊંડે ઘૂને, જવું જ છે ને?

કાગળની ચોફેર અવાજો સૂનકારના
ધોધમાર ને લથબથ લથબથ
ઉછાળા મારે છે મારા શ્વાસ, ગમે છે સાંભળવાનું?

સીનસીનેરી ઝાંખીપાંખી
લીલોતરી નીતરતી તારી આંખ
વૃક્ષોની, ટીપાંઓની આ સુગંધ વચ્ચે, આમ અચાનક ફાવે છે મળવાનું?

મારામાંથી નીકળી, ઘોડાપૂર ઊછળતો, ધસમસ કરતો કાગળ
તારામાં ભળવા આવે છે, આવે જ છે ને?

આ કાગળને સામે કાંઠે ઊભી છે તે, તું જ છે ને?


ગઝલ ભેજની

– હર્ષદ ચંદારાણા

આ હવામાં આજ કેવળ ભેજ છે
આંસુઓનો એક દસ્તાવેજ છે

દૃશ્ય ઉપર કાટ જેવો સ્હેજ છે
કૈં સ્મૃતિનો આંખમાં જે ભેજ છે

સૂર્ય જેવો સૂર્ય પણ નિસ્તેજ છે
ત્યાં સુધી પહોંચી ગયેલો ભેજ છે?

હાથ પાસે પેન, કાગળ, મેજ છે
નહિ લખાતો પત્ર ઉર્ફે ભેજ છે

જેમ પાણીમાં વમળ આમેજ છે
આ હવામાં એમ છૂપો ભેજ છે