પ્રીતિ શાહ-સેનગુપ્તા
ગોવાહત્તીની આસપાસમાં હજી મને શવાલકુચિ (કે સાઉલકુચિ) જવાની ઈચ્છા હતી. ત્યાં જવા માટે બસ લેવા નીકળી તો સવારે રસ્તા વળાતા હતા, અને હવા બસના ધુમાડાને લીધે શ્વાસને લાયક નહોતી રહી. મિનિ-બસો હડતાળ પર હતી, અને જાહેર બસો અડધા સમયપત્રક પર ચાલતી હતી. ક્યાંયે છાંયડો નહોતો. રાહ જોતાં ઊભાં ક્યાં રહેવું? આખો દિવસ ઘણા કષ્ટમાં ગયો, પણ ટકી ગઈ હું.
આદાબારીની બસ આવતાં હું બેસી ગઈ. મારી બાજુમાં કોઈ બેસતું નહોતું. છેવટે મારું ધ્યાન ગયું કે ડાબે સ્ત્રીઓ માટેની સીટ હતી, જમણે પુરુષો માટેની. ભીડ થવા માંડે પછી આ નિયમ ટકતો નથી. એક દંપતી ચઢ્યું ત્યારે બીજી ખાલી જગ્યા રહી નહોતી, ને તેથી પત્ની મારી બાજુમાં બેઠી. આદાબારીના ખુલ્લા મેદાનમાં બનેલા બસોના અડ્ડા પરના હૉર્નના ઘોંઘાટની તો કલ્પના પણ ના કરી શકાય. આથી વધારે ઘોંઘાટિયા જગ્યા મેં ક્યારેય સહી નહીં હોય. અવાજથી મારું માથું દુઃખવા લાગ્યું. ધુમાડો ખાઈ ખાઈને ગળું તો દુઃખતું જ હતું.
અહીંથી બસ બદલીને હવે શહેરની બહાર, કુદરતી માહોલમાં પાંત્રીસેક માઇલ જવાનું હતું. ઝાડ-પાન હતાં પણ પરિસર સૂકો લાગતો હતો. ઝૂંપડીઓ એવી જ સુઘડ અને સરસ. ક્યાંક ડાંગરનાં ખેતરોમાં કેટલાક માણસો કામ કરતા દેખાતા હતા. એક વાર ઉર્દુમાં લખેલું પાટિયું જોઈ ખ્યાલ આવ્યો કે આ આખી વસ્તી મુસ્લિમ છે. પહેરવે-ઓઢવે કશો ફેર નહીં. સ્ત્રીઓ ચાંદલા અને સિંદૂર સાથે જ હોય. પુરુષોનાં મોઢાં પાસેથી જોઈએ ત્યારે મુસલમાની લાગે.
એક-બે નદીઓ આવતાં આસામનો ગ્રામ-પ્રદેશ સરસ ભીનો-લીલો બન્યો. પાતળી, ચપટી, લાંબી નાવમાં માછીમારો પોતાના કામમાં રત હતા. સંખ્યાબંધ લાંબા વાંસની જટિલ રચનાની સાથે માછલી પકડવાની જાળ લગાવેલી હતી. રસ્તો સારો નહોતો, ને આ બસની સીટ તો પાટિયું જ. તે પણ એવું સાંકડું કે બેની સીટ પર બે જણને બેસવું મહામુશ્કેલ. બસ પૂર્વ તરફ વળી ત્યારે પવન આવવા માંડ્યો. નહીં તો બસમાં હવા પણ નહીં. છેલ્લે ક્યાંક જમણે વળ્યા પછી બસ ઊભી રહી. કંડક્ટર છોકરાએ મને ઇશારો કર્યો. મેં એને કહી રાખેલું મને શાઉલકુચિ ઉતારવા.
ઊતરીને જોયું તો આ તો રસ્તાનો મોડ હતો. ગામનું તો નામ નહીં. ક્યાં જાઉં હવે? બીજા લોકોની પાછળ અનિશ્ચિત ભાવે ચાલી. રસ્તે છાંયડો તો નહીં જ, પણ સૂરજ પણ સામો. વણકરોનું આ ગામ જોવાની શું ઇચ્છા હશે આટલી? ગામ નહીં, મારે કામ જોવું હતું. દેશમાંનું વણાટ-કળાનું આ અગ્રગણ્ય સ્થાન છે. અહીં જાણે બધાને જ વણતાં આવડે. અઘરી ડિઝાઇન કરતાં થઈ ગયેલા વણકરોને ઘણો સારો પગાર મળે. ઘેર ઘેર શાળ હોય, ને જ્યાં ધંધો વિકસાવ્યો હોય ત્યાં છ-સાત કે આઠ-દસ શાળો પણ હોય. અંદર જઈ જઈને મેં ચાલુ કામ જોયું. હિંદી બોલતું એકાદ જણ આવીને થોડું સમજાવતું જાય. મુંગા સિલ્ક આસામમાં બને છે, બાકીના રેશમી, સુતરાઉ ને મિશ્ર તાર બૅન્ગૅલોર અને કલકત્તાથી આવે છે. વેચાણ થતું ક્યાંય દેખાયું નહીં.
ઐે શાળ-કેન્દ્રની સામે, ઝૂંપડી જેવા એક કમરામાં બેન્ચ પર બેસીને મેં ગરમ ગરમ રોટી ને ભાજી ખાધાં. ભાત, માછ ને આમલેટ પણ ત્યાં મળે. ચાર-પાંચ જણ જ બેસી શકે તેવી બેન્ચ પર મારી સાથે કોઈ બેઠું નહીં. બે-ત્રણ વણકરો ધીરજ અને દાક્ષિણ્ય દાખવીને હું ખાઈ રહું તેની રાહ જોતા ઊભા રહ્યા. એ ખ્યાલ પણ મને જરા પછી આવ્યો. માથું તરત ઊતરી તો ના ગયું, પણ ભૂખ શમી, જરા આરામ મળ્યો.
ફરી તડકામાં ચાલીને પાછી જતી બસ લેવા મુખ્ય રસ્તે ગઈ. જે બસ મળી તે અડધે જ જતી હતી, કારણકે અમુક નદી પરનો પુલ ધોવાઈ ગયો હતો. નદીના ભાઠામાં, સુંવાળી ગરમ રેતીમાં, બપોરના તડકામાં માઇલેક પગે કાપીને પેલે કાંઠે ગઈ. ત્યાંથી બસમાં ઊભાં ઊભાં આદાબારી પહોંચી. ફરી બીજી બસ લીધી ત્યારે અંતે ગોવાહત્તી આવ્યું.
ં ં ં ં
વહેલી સવારે છ વાગ્યાની તો ટ્રેન લેવાની હતી. એ ઊપડી પંદર મિનિટ મોડી, ને ક્યાંય સુધી ઝડપ પકડી નહીં. બ્રહ્મપુત્ર પરથી ગઈ ત્યારે સાત વાગી ગયા હતા. આછા અજવાળામાં એનાં પાણી ભૂખરાં લાગતાં હતાં. ક્યારે જોઇશ આ મહાનદને ફરીથી? નવ કલાક પછી મારે ન્યૂ જલપાઇગુડી ઊતરવાનું હતું. દૂર દેખાતા પર્વતો એક એક કરીને અદૃશ્ય થતા ગયા. એટલી બધી નદીઓ આવી. પંદર તો ખરી જ, કદાચ વધારે. લગભગ બધી મોટી, પહોળી. તિબેટના પર્વતોમાંથી નીકળીને બ્રહ્મપુત્રમાં સમાવા વહી આવી હોય.
ભૂમિ ડાંગરનાં ક્ષેત્રોથી છવાયેલી હતી. સોનેરી આભાવાળી હરિયાળી. વચમાં ચારેક ઝૂંપડીઓને ઓથ દેતાં ઝાડનાં ઝૂંડ આવી જાય. શાતાદાયક દૃશ્ય. ત્યાં વળી, ધૂળમાં રમતાં છોકરાં દેખાય, એમનાં જીવનના વિચારે ચઢી જાઉં, ને થોડો જીવ બાળું. ક્યારેક વળી એમ થાય કે ઝાડના છાંયામાં બેસી રહેવા મળે તો કેવું ગમે. પણ શહેરથી ટેવાયેલા મનને કેટલો વખત ગમે?, જાતને પૂછું પણ ખરી.
ન્યૂ બૉન્ગાઇગાઁવ સ્ટેશને ઘણા બધા કિશોરો-યુવકો જાત જાતની, ચીન ને જાપાનમાં બનાવેલી, ચીજો લઈને ટ્રેનમાં ચઢી આવ્યા. ક્રીમ, સેન્ટ, પ્રસાધન, ઘડિયાળ, ટૉર્ચ, કૅલ્ક્યુલૅટર, કૅમૅરા. હું બાઘાની જેમ જોઉં, પૂછું, ક્યાંથી આવે છે આ બધું? એ બધા કહે, સરહદ નજીક છે. કઈ બૉર્ડર, મને થાય. એમ માનવામાં આવે છે કે આ બધું નેપાલથી ઘુસાડાતું હોય છે. દરેક કમ્પાર્ટમેન્ટમાંના ઉતારુઓ ભાવતાલ કરવામાં પડી ગયા.
ન્યૂ જલપાઇગુડી સ્ટેશન શિલિગુડીથી આઠેક કિ.મિ. દૂર છે. મારે એક રાત અહીં કાઢવી પડે એમ હતી. એને માટે કોઈ હોટેલનો નાનો સાદો રૂમ ચાલી ગયો. શિલિગુડીમાં બે લાખ જેટલી વસ્તી. એનો ત્રીજો ભાગ બિહારી છે, એમ મૅનેજરે મને કહ્યું. આ ગામમાં એક જ બાબત આકર્ષક હતી, અને તે હતી કંચનજંઘાની ઉચ્ચગિરિમાળાનું દર્શન. તળેટીમાં રહ્યે રહ્યે આમ હિમાવરિત શિખરો જોવા મળે તે કેવું વિસ્મય.
રાત અવાજવાળી જ રહી. કેટલીયે ટ્રકો ખખડતી ગઈ હશે. મોડી રાતે કોઈ મારું બારણું ખખડાવતું રહ્યું, એક મિનિટ માટે ખોલવા વિનંતી કરતું રહ્યું. કહે, હોટેલનો માણસ છું, દિદિ, ખોલોને. હું ગભરાઈ નહોતી ગઈ,પણ ખોલવાનું તો ના જ હોયને. મચ્છરો એમનું કામ કરતા રહેલા. એકદમ વહેલી સવારે પ્રવાસીઓનું કોઈ જૂથ પંથે પડ્યું. મારી પોતાની બસ સાડા સાત વાગ્યે જવાની હતી. પૂરતા લોકો ના થાય ત્યાં સુધી, કલાકેક જેવું, ઊભાં રહેવું પડ્યું. રસ્તો વચમાં ખરાબ આવી જતો હતો. બે બાજુ ગુલમહોરનાં ઝાડ હતાં. પણ ઉત્તર-પૂર્વમાં ક્યાંયે ફૂલ જોવા ના મળ્યાં – શિયાળા તરફ જતી આ ઋતુમાં.
જતાં જતાં દેખાયું કે રસ્તા પરનાં ઝાડ, વનસ્પતિ ને ચ્હાના છોડ ધૂળથી ઢંકાયેલાં રહે છે, ડાંગરનાં ડૂંડાંમાં ધૂળ જાય છે, ગાયો ઘાસમાં ચોંટેલી ધૂળ ખાય છે. કુદરતનું જીવન જાણે ટૂંપાતું રહે છે. ક્યાંક થોડાં ઝાડ, ક્યાંક થોડી ઝૂંપડીઓ, ક્યાંક સૂકી જમીન, ક્યાંક ડાંગરનાં ખેતર. પહોળા પટવાળી બે નદીઓમાંની એકમાં ખૂબ પાણી હતું. અચાનક ધુંધળી હવામાં તરતા પર્વતો દેખાવા લાગ્યા. પછી બસ એ દિશામાં વળી.
હવે મારું પ્રયાણ ભુતાન પ્રતિ હતું. ગોવાહત્તીથી ટ્રેન, શિલિગુડીમાં રાતવાસો, હવે આ બસ, ને એમાં ચાર કલાકે હજી તો હું છેક તળેટીમાંની સરહદે માંડ પહોંચી. આ સરહદ પર ચીની રંગ-રૂપની એક પ્રતીકાત્મક પ્રવેશ-કમાન છે. અહીં ભારત અને ભુતાન છૂટાં પડે છે, અને ભેળસેળ પણ થાય છે. માલ-સામાન લઈ જવો હોય તો બતાવવો પડે, વેરો ભરવો પડે, છુપાવેલો પકડાય તો દંડ આપવો પડે. બાકી લોકો અને ઘણા ધંધા પણ આમથી તેમ ચાલુ જ રહે છે. ભારત તરફનું જયગાઁવ અવ્યવસ્થિત, એનો રસ્તો તૂટેલો અને કાદવિયો. ભુતાન તરફના ફુન્ટશૉલિન્ગમાં રસ્તા મોટા, સારા. બધે ચોખ્ખાઇ, માછ-મચ્છર નહીં. બે ગામ પ્રવેશ-કમાનની બે બાજુ. અડધી મિનિટ અને પાંચ પગલાંમાં બધું બદલાઈ જાય. કેવી નવાઇ. આપણી તરફ એ જ ગંદકી, ભીડ, કાદવ ને ભીનું. આ જ હંમેશની સ્થિતિ લાગે છે ત્યાં. ફુન્ટશૉલિન્ગ આમ તો ભારતે જ વસાવેલું છે, પણ કેટલો બધો ફેર. લોકો ઓછા, વાહનો ઓછાં, અને હોટેલો પણ ત્યાં.
બસમાંથી ઊતરીને પગ-રિક્શા કરીને હું દોડાદોડ ભુતાન માટેનો પરવાનો મેળવવા ગઈ. સહેજ મોડી પડેલી, પણ સાહેબે સહી કરી આપી. પાછી પેલી બાજુ દોડી, પણ એટલામાં એ દિવસની એકની એક મિનિ-બસ પહાડો પર વસેલા થિમ્પુ શહેર જવા નીકળી ગઈ હતી. મારે એક રાત ફુન્ટશૉલિન્ગમાં રહી જવું પડ્યું. સમયની રીતે મને ભુતાન મોંઘું પડતું હતું, પણ છેક અહીં આવ્યા પછી હવે જવાનું તો ખરું જને.
ં ં ં ં
સવારે સાત વાગ્યાની મિનિ-બસ, ને એને સાત કલાક થવાના. પહેલા તપાસ-થાણા પર માણસે બધાંની બધી વિગતો ચોપડામાં નોંધી. ગેડુ થાણા પર અમને રોક્યાં નહીં, અને ચિમાકોઠી થાણા પર જલદીથી સિક્કો મારી આપ્યો. એ પછી બસ પંદર મિનિટ માટે રોકાઈ. ત્યાં ખોલેલી નાની વીશીમાં ગરમ ખાવાનું મળતું હતું. ભાત, શાક, ચિકન, અને શાકાહારી મોમો. મેં જલદીથી મોમો ખરીદીને ખાઇ લીધા. આવી અમથી જગ્યાએ ટૉઇલેટ પણ આટલું ચોખ્ખું, ને પાણીના નળ સાથેનું હોઈ શકે છે. કેવી નિરાંત. આખો આ ભુતાન દેશ ખૂબ સ્વચ્છ છે તે દરરોજ, દરેક જગ્યાએ મને દેખાતું ગયું.
પણ ફુન્ટશૉલિન્ગથી થિમ્પુ સુધીની દોઢસો કિ.મિ.ની મુસાફરી તે જાણે રોલરકોસ્ટરની સવારી ના હોય. સતત વળાંકો, બધા પાછા સાંકડા ને ખૂબ તીવ્ર. આ ઉપરાંત, ઊંચે ચઢતો જતો રસ્તો. પહેલી મિનિટથી પહાડ શરૂ થયા હતા, તે સહેજમાં ગિરિવર બની ગયા હતા. તાસો નદી ઘણી વાર સાથે રહી. એનો પટ પહોળો અને કાંકરિયાળો હતો, પાણી વચમાં જ વહેતું હતું. સમગ્ર વનસ્પતિ ગાઢ અને ઘેરી લીલી હતી, તેથી પર્વતો કર્કશ કે તીક્શ્ણ નહોતા લાગતા. એમાં થઈને ઝીણાં શાં ઝરણાં અને નાનકડા રૂપેરી અનેક ધોધ લપસી આવતા હતા.
એક રમતિયાળ નદી આનંદ આપતી જતી હતી. પણ એ હિસ્સામાં અચાનક પહાડો તદ્દન સૂકા થયા હતા, ને ભૂમિ કેવળ કથ્થાઇ, ખાલી. ડાંગરનાં ખેતરો ખેડાઈ ગયાં હતાં, અને સૂકાં ઠૂંઠાં પાછળ રહ્યાં હતાં શિયાળા ખાતે. બસ થોડો વખત નીચે તરફ ગઈ, પછી બીજી ગિરિપંક્તિ તરફ ગઈ, ને ફરી ઉપર ચઢવા લાગી. નદી ત્યાં જ ક્યાંક રહી ગઈ. ચાપ્ચા નામની વસાહતનાં વીસેક જેટલાં નાનાં, એકસરખાં ઘર કેટલાક ઢોળાવો પર છૂટાં-છવાયાં છંટાયેલાં હતાં. બધાં સફેદ રંગેલાં, ઘેરા લાકડાના મોભ-થાંભલા પર ટકેલાં, અને છાપરાં લાક્શણિક ચારે બાજુ ઢળતાં. દૃશ્ય કોઈ જુદી જ રીતે સંમોહક હતું. નવા જ સ્થાનનો આ પ્રથમ નૂતન-સુંદર આવિષ્કાર હતો.
આગળ જતાં બે જગ્યાએ ધસી આવેલી, ફસકી ગયેલી ભેખડોને સરખી કરવાનું કામ ચાલી રહ્યું હતું. બાકી બધે આખા હાઇ-વેની સતહ એકદમ સરસ રહી હતી. ઘણી બધી તાતા ટ્રકો સળંગ આવતી-જતી રહેલી. અહીં કોઈ જરૂર વગર, વળાંક સિવાય હૉર્ન નથી મારતું. કેવું સંયત વર્તન. જોકે ડ્રાયવરે હિન્દી ફિલ્મોનાં ગીતો ચલાવી દીધેલાં, ને ત્યારે મારે કાનમાં પૂમડાં ભરાવવાં પડેલાં.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

સરસ વર્ણન, વાંચવામાં રસ પડ્યો.
સરયૂ
LikeLike