વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ઓમુ આજે ખૂબ ખુશ હતો.
ઑફિસના કોઈ કામને લીધે દહેરાદૂનથી કાકા આવ્યા હતા અને ઓમુના ઘેર રોકાયા હતા. ઓમુએ કાકાની ખૂબ સેવાચાકરી કરી. કાકાને ગામમાં ફેરવ્યા અને નાનાં મોટાં કામ માટે સમયસર મદદ કરતો રહ્યો. આજે દહેરાદૂન પાછા જવાના સમયે કાકાએ ઓમુના હાથમાં દસ રૂપિયા મૂક્યા.
કાકાને ઓમુ ખૂબ વહાલો હતો. કાકા સુખી હતા, પણ એમને કોઈ સંતાન નહોતાં. કાકાની ઈચ્છા હતી કે, ઓમુને પોતાની સાથે દહેરાદૂન લઈ જાય. ત્યાં એને સારી સ્કૂલ અને પછી કૉલેજમાં ભણાવે.
ઓમુના બાપુ ગામની પાઠશાળાના ચોકીદાર હતા. એ કાકા જેટલા સંપન્ન નહોતા, પણ ઓમુની હાજરી જ એમના માટે સૌથી મોટું સુખ હતું. ઓમુ વગર ઘરમાં ક્યાં કોઈને ગમે?
નમ્ર અવાજે પણ પૂરી મક્કમતાથી ઓમુને મોકલવાની અનિચ્છા પ્રગટ કરી જ દીધી.
ઓમુને આજ સુધી ક્યારેય એક સામટા દસ રૂપિયા મળ્યા નહોતા. કાકાએ આપેલા દસ રૂપિયા જોઈને એ તો રાજીના રેડ. શું કરે? શું ખરીદે? એને સમજણ જ નહોતી પડતી.
“રવિવારે તારા બાપુ તને બજાર લઈ જશે. તારે જે લેવું હોય એ લેવામાં મદદ કરશે.” અંતે માએ ઉકેલ આણ્યો.
“અરે એવું શું કામ! પૈસા એના છે, એની મનમરજી હોય એ જાતે જ નક્કી કરે.” બાપુએ ઓમુના માથે જવાબદારી નાખી.
આ તો બહુ મઝાની વાત. ઓમુ વધુ ખુશ થઈ ગયો. દસ રૂપિયા તો મોટી રકમ. હવે એમાંથી જીતુ પાસે છે એવી એક પેન્સિલ, એક રબર અને જેની ખાસ જરૂર હતી એવું એક ફૂટપટ્ટી ખરીદી શકશે. ફૂટપટ્ટી વગર સીધી લીટી ખેંચવાનું અઘરું હતું. ફૂટપટ્ટી તો એ જરૂર લેશે.
બાપુ જોડે બજાર જવા નીકળ્યો ત્યારે આખા રસ્તે એટલો તો આનંદમાં હતો કે અનાયાસે ફિલ્મી ગીત ગાતો રહ્યો. બાપુ ફિલ્મી ગીત નહીં, પણ ભજન ગાવું જોઈએ એમ હંમેશાં કહેતા. પણ આજે તો એને મળેલી દસ રૂપિયાની અમીરીને લીધે ઓમુ ખુમારીમાં હતો.
******
“ભગવાનના નામે આ ગરીબને કંઈક આપો. બે દિવસથી ભૂખ્યો છું. ભગવાન તમારું ભલું કરશે.” ચાર રસ્તા પર બેઠેલો એક વૃદ્ધ આજીજી કરતો હતો.
ગરીબ વૃદ્ધની આંખોમાં આંસુ હતાં.
ઓમુને એ દિવસ યાદ આવ્યો જ્યારે એના બીમાર બાપુને હોસ્પિટલ લઈ જવા પડે એમ હતા. એમના માટેની દવાઓ, અલગ જાતના ભોજનની વ્યવસ્થા કરવી પડે એમ હતી. મા ભારે ચિંતામાં હતી. ઘરમાં પૈસા તો દૂરની વાત ખાવાનું સુદ્ધાં નહોતું.
માની વ્યથા જોઈને ઓમુએ કહ્યું હતું, “મા મને જરાય ભૂખ નથી. બપોરે રાજુની માએ અમને બંનેને બહુ બધું ખાવાનું આપ્યું હતું. હવે મારાથી તો જરાય ખવાશે નહીં. એક ગ્લાસ પાણી પી લઈશ, બસ. અને હા, પૈસાની વ્યવસ્થા થઈ જશે. તું ચિંતા ના કરતી.” કહીને એ પથારીમાં પડ્યો. ઊંઘવાની બહુ મથામણ કરી, પણ ભૂખના લીધે ઊંઘ આવી નહોતી.
ફરી ઓમુને એ ગરીબ વૃદ્ધનો અવાજ સંભળાયો. ભૂતકાળની ભૂતાવળમાંથી એ પાછો ફર્યો.
આરામથી ગરીબ વ્યક્તિને બે રૂપિયા આપી શકાય એમ હતા. બે રૂપિયા આપતાંય આઠ રૂપિયા એની પાસે રહેવાના હતા જેમાંથી એ ઘણી વસ્તુ લઈ શકે એમ હતો. એણે વૃદ્ધને બે રૂપિયા આપ્યા.
“બાબા, આમાંથી કંઈક ખાવાનું લઈ લેજો. ભૂખ લાગે ત્યારે પેટમાં કેવું દુઃખે એની મને ખબર છે.”
“ભગવાન તને રાજી રાખે બેટા. ભારે ભૂખથી મને પેટમાં દુઃખે છે. પણ કમજોરીના લીધે હું ક્યાં લેવા જઉં, તું લાવી આપીશ?”
ઓમુ દોડતો બજારમાં જઈને દોઢ રૂપિયાની પૂરી-ભાજી લઈ આવ્યો. આઠ આના હજુ વધતા હતા. બાજુની દુકાને જલેબી તળાતી જોઈ. પચાસ પૈસાની જલેબી લીધી.
બાબા તો ખુશ ખુશ.
“ઘણું જીવજે બેટા, ભગવાન તને લાંબી ઉંમર આપે. મોટો માણસ બને અને ખૂબ ધન કમાય એવી પ્રભુને પ્રાર્થના.”
ભૂખથી પીડાતા એ માણસે ઝટપટ ખાવા માંડ્યું. નગરપાલિકાના નળ પરથી ઓમુએ પાણી લાવી આપ્યું. બાબા તો ભારે રાજી.
ફરી ફિલ્મી ગીત ગણગણતા ઓમુએ બાકીના આઠ રૂપિયામાંથી પેન્સિલ, રબર, ફૂટપટ્ટી લેવા બજાર તરફ ચાલવા માંડ્યું.
હજુ તો માંડ આગળ વધ્યો ત્યાં એનો દોસ્ત રાજુ સામે મળ્યો. આંખમાંથી લગાતાર આંસુ વહેતાં હતાં.
રાજુનો નાનો ભાઈ બીમાર હતો. માએ પાંચ રૂપિયા આપીને દવા લેવા મોકલ્યો હતો. લાંબી ભીડમાં ઊભા રહ્યા પછી જ્યારે એનો વારો આવ્યો ત્યારે ખબર પડી કે ખીસ્સામાંથી કોઈએ રૂપિયા સેરવી લીધા હતા. દુકાનદારને હાથ-પગ જોડ્યા, પણ દુકાનદારે દાદ ન આપી. ભાઈને ભયંકર તાવ અને અનહદ પીડા થતી હતી. ભાઈને કંઈ થઈ ગયું તો? ભાઈ મરી જશે તો?
‘તો’ નામનો રાક્ષસ જડબું ફાડીને ઊભો હતો.
ઓમુની નજર સામે ફરી બાપુ તરી આવ્યા. એ દિવસે જો પાઠશાળાના પ્રિન્સિપાલે મદદ ન કરી હોત તો? આગળ વિચાર્યા વગર ઓમુએ બચેલા આઠ રૂપિયામાંથી દવા લેવા પાંચ રૂપિયા રાજુને આપ્યા.
“ઓમુ, મારી મા પાસે તને પાછા વાળવા પૈસા નહીં હોય તો?”
“ચિંતા ના કર દોસ્ત. તું દવા લઈને ઝટ ઘેર જા. તારો ભાઈ જરૂર સાજો થઈ જશે.”
હવે ફક્ત ત્રણ રૂપિયા બચ્યા. ક્ષણભર ઓમુ થોડો ઉદાસ થઈ ગયો. એના બાપુ ક્યારેય એને એક સામટા દસ રૂપિયા આપી શકે એમ નહોતા.
જોકે હજુ ત્રણ રૂપિયામાંથી કંઈક તો મળી જ જશે એ વિચારે ઓમુની ચાલમાં તેજી આવી.
આહાહા…બજારમાં જાતજાતની પેન્સિલ, રબર અને એને જોઈતી હતી એવી જ ફૂટપટ્ટી હતી.
ત્યાં ઓમુની નજર બાજુની દુકાનમાં ગોઠવેલી કાચની રંગબેરંગી બંગડીઓ પર પડી. માના અડવા હાથ યાદ આવ્યા. કામ કરતાં કરતાં બંગડીઓ તૂટી ગઈ પછી પૈસાના અભાવે બીજી બંગડી લઈ શકી નહોતી. બંગડીઓથી ભરેલા માના હાથની ઓમુએ કેટલીય વાર કલ્પના કરી હતી?
ત્રણ રૂપિયામાં મીનાકારીવાળી બે ડઝન બંગડીઓ લીધી અને માને આપી. બરાબર માના હાથના માપની હતી. મા ખુશ.
બંગડીઓ પહેરેલા હાથ કેવા શોભતા હતા? ઓમુ પણ ખુશ.
“અરે, પણ તું તારા માટે શું લાવ્યો?” માએ પૂછ્યું.
“હું…..?” એકાદ પળ અટકીને ઓમુ એકદમ ખુશહાલ ચહેરે બોલ્યો, મેં મારા માટે ખુશી ખરીદી.”
ફરી એની ગમતી ધૂન ગણગણતો રમવા દોડી ગયો.
ડૉ. શોભા ઘોષ લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
