વ્યંગ્ય કવન
કૃષ્ણ દવે
પ્રેમ છોકરો ક્યાં છોકરીને સ્હેજ કરે છે.
એ તો મોબાઈલ સાથે મેરેજ કરે છે.
જુઈ મ્હેંકીને અમથા મેસેજ કરે છે.
એ તો મોબાઈલ સાથે મેરેજ કરે છે.
નથી ટાઇમ કે બુલબુલ થઈ વાત બે કરે
બની મેઘધનુષ આકાશે રંગ બે ભરે.
એતો સ્ક્રીનના કુવામાં બસ ઉતરે,ચડે
જાણે પોતે હો જેલમાં ને ટેરવાં ફરે !
ફૂલ ઉઘડે પણ નજરો ક્યાં તેજ કરે છે ?
એ તો મોબાઈલ સાથે મેરેજ કરે છે.
હવે ઝરણું કે ઝાડ એને જોવાં નથી.
કોઈ તરણું કે પ્હાડ એને જોવાં નથી.
એ તો ઉંઘમાં’યે ટાવરને શોધતો ફરે,
થાય પૂર્વમાં ઉઘાડ,એને જોવા નથી.
જાણે એકલતા સાથે એન્ગેજ કરે છે.
એ તો મોબાઈલ સાથે મેરેજ કરે છે.
નથી ફુરસદ કે કોઈનેય હેતથી મળે.
એવી પળ ક્યાં? કે ભાઈ બ્હેન ટોળે વળે.
એ તો મીડિયાના મેળામાં મ્હાલતો ફરે .
નથી શીખવુ કે હેતથી કુટુંબમાં ભળે.
નથી જાણતો એ ખુદને ડેમેજ કરે છે.
એ તો મોબાઈલ સાથે મેરેજ કરે છે.
