સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
સંકટ પર સંકટ થી આગળ
લલિતાબાઈના અમદાવાદ ગયા પછી ઘરમાં રોજિંદી પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ. નરેન દર ચાર-છ મહિને બીમાર પડતો હતો. તેને આવી અનપેક્ષિત માંદગી એવી ગંભીર થઈ જતી કે તેના કપાળ પર ઠંડા પાણીની પટ્ટી મૂકવી પડતી. આવી હાલતમાં હું ચાર-ચાર રાત સૂઈ પણ નહોતી શકતી. આવું તે સાત વર્ષનો થયો ત્યાં સુધી ચાલ્યા કર્યું. આવામાં ‘એમની’ બધી જ નાનીમોટી જરૂરિયાતો વ્યવસ્થિત રીતે પૂરી થવી જ જોઈએ! ‘એમને’ પાનનો શોખ હતો. દરરોજ એક ડઝન પાનનાં બીડાં તેમને જોઈએ, જે હું જ બનાવી આપતી. સુંદર મજાનાં કપૂરી પાન શણના ભીના કપડામાં લપેટી રાખતી, અને તેના પર ઘેર દહીંમાં પકાવેલો ચૂનો, કાથો, ઇંજમેટનાં ફૂલ અને તમાકુ નાખી, બીડું બનાવી, તેને લવિંગથી બીડી ચાંદીની ડબીમાં મૂકી તેમની ઓફિસમાં મોકલતી! સુધા બે વર્ષની થઈ અને મને ફરીથી ત્રીજી દીકરી આવી. ‘એમની’ સંતતિનો આંકડો એક ડઝનનો થઈ ગયો! કમનસીબે અગાઉના ઘરની બે દીકરીઓ પહેલાં જ સ્વર્ગવાસી થઈ ગઈ હતી. મારી ત્રીજી દીકરીનું નામ જયશ્રી રાખ્યું. આમ મને ચાર સંતાન થયાં.
જયશ્રી છ મહિનાની થઈ અને “એમની’ બદલી રાજકોટ થઈ. આ તેમની નોકરીનું છેલ્લું વર્ષ હતું અને તેઓ પેન્શન પર ઊતરવાના હતા. તેથી તેમણે રાજકોટ એકલા જવાનું નક્કી કર્યું. મારા જેઠના દીકરા ધોળકામાં નોકરીએ. હતા તેથી તેમના કહેવાથી ‘એમણે’ મને અને અમારાં બાળકોને ધોળકા રાખવાનું નક્કી કર્યુ. ત્યાં ભાડાનાં મકાન ઘણાં સસ્તાં હતાં અને મોંઘવારી હજી શરૂ થઈ નહોતી. અમારો બધો સામાન અને રાચરચીલું પહેલેથી ધોળકા મોકલી દીધું અને ત્યાર બાદ ‘એમણે’ મને જીબા અને એક નોકરની સાથે અમને એટલે અમારાં પહેલા ઘરનાં ત્રણ સંતાનો અને મારાં ચાર બાળકોને ધોળકા મોકલ્યાં. જીબા હતાં તેથી બીજા એક નોકરને લઈ જવાની મારી જરા પણ ઇચ્છા નહોતી, પણ ‘એમના’ નિર્ણય સામે મારું શું ચાલે? આમ અમે અમારા મોટા ભત્રીજાને ઘેર ગયાં. ત્યાં અમે ફક્ત બે દિવસ જ રહ્યાં, પણ અમારા જેઠાણીની તલવાર જેવી જીભ વીંઝાતી જ હતી. બધે કહેવા લાગ્યાં, “આ બાઈના ઠાઠ તો જુઓ! બબ્બે નોકરોની એને જરૂર છે? હૈં?!’
રાજકોટ ગયા બાદ શરૂઆતમાં તેઓ તેમના ખાસ મિત્રને ઘેર રહેતા હતા, અને ત્યાર પછી તેમણે સદરમાં મોટી ટાંકી પાસે ઘર ભાડે રાખ્યું હતું. પણ તેમને જિંદગીમાં એકલા હાથે કોઈ પણ કામ કરવાની ટેવ નહોતી અને તેઓ કંટાળી ગયા હતા. મારે અને બાળકોએ ધોળકા કાયમ રહેવાનું છે એવું ‘એમણે’ નક્કી કર્યું હતું, તેથી મેં વર્ષનું અનાજ અને અન્ય સામાન ભરવાની શરૂઆત કરી. આ વાતને બે મહિના થયા ત્યાં ‘એમણે’ મને ખબર મોકલી, “મને એકલાને અહીં ખાવા-પીવાની ઘણી તકલીફ છે! તમે બધા અહીં આવવાની તૈયારી કરો.” તેમણે તેમના ભત્રીજાને અને. મને પત્ર લખીને કહ્યું કે અમારે બધાંએ રાજકોટ જવું જોઈશે. અમારા જેઠાણી, તેમનો પુત્ર અને બીજાં બધાં સગાંવહાલાંઓએ બુમરાણ મચાવ્યું, ‘જુઓ તો ખરા, આ બાઈએ પતિને કાગળ લખીને કહ્યું કે અમને તમારી પાસે બોલાવી લો!’
‘એમનો’ પત્ર આવ્યા બાદ મેં તેમને જવાબમાં લખ્યું કે, “આટલો ખર્ચ કરીને આપણે હવે ધોળકા આવ્યા છીએ. અને મેં આખા વર્ષનું અનાજ ભરવાની પણ શરૂઆત કરી છે. આપણે હવે અહીં સ્થિર થવું જોઈએ. આપણાં બાળકોના શિક્ષણ તરફ પણ આપણે ધ્યાન આપવું જોઈએ કે નહિ?” મારો આ પત્ર જોઈ ‘એમને’ ભયંકર ગુસ્સો આવ્યો. અંતે નાઇલાજ થઈને અમારે ભરેલું અનાજ અને અન્ય સામાન કાઢી નાખવાં પડયાં. ‘એમની’ સૂચના પ્રમાણે રવિ અને મધુ લલિતાબાઈ પાસે અમદાવાદ ગયાં. ભાનુ મારાં જેઠાણીને ત્યાં ધોળકા રહી અને મારે ચાર બાળકો સાથે રાજકોટ જવાની તૈયારી કરવી પડી. અમારો મોટા ભાગનો સામાન અને ફર્નિચર રાખવા માટે અમારા ભત્રીજાના મકાનની બાજુમાં એક ઓરડી ભાડે રાખી, તેમાં બધો સામાન મૂકી હું અને બાળકો રાજકોટ ગયાં.
રાજકોટમાં અમારી જ્ઞાતિના લોકોનું મોટું મકાન હતું તેમાં અમે જગ્યા ભાડે રાખી અને ત્યાં રહેવા ગયાં. અહીં પાંચછ કુટુંબ રહેતાં હતાં. દર રવિવારે વારાફરતી એકબીજાના ઘેર પાર્ટી યોજાતી, અને આનંદથી દિવસ વીતતા હતા. નરેનને સદરની નિશાળમાં ત્રીજા ધોરણમાં દાખલ કર્યો હતો. ‘એમને’ તેમના સાહેબ સાથે વારંવાર ડિસ્ટ્રિક્ટમાં જવું પડતું હતું. તેમને નવી નવી જગ્યાઓ જોવા મળતી હતી અને તેમના કામથી તેમના ઉપરી અધિકારીઓ ઘણા ખુશ હતા. અમારા દિવસો આમ પસાર થતા હતા.
નરેનને સંભાળવા માટે અમે એક નોકર વઢવાણથી લઈ આવ્યા હતા. બેએક મહિના કામ કરીને તે ઘેર નાસી ગયો. એમને પેન્શન પર ઊતરવા માટે હવે ચાર મહિના રહ્યા હતા. રિટાયર થયા બાદ તેઓ કામ કરવાનું ચાલુ રાખવા માગતા હતા. બ્રિટિશ સરકારના વહીવટી કામનો તેમને વિશાળ અનુભવ હતો તેની દેશી રજવાડાંઓને જરૂર હતી, તેથી તેઓ યોગ્ય જગ્યા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એવામાં અમારો પેલો નાસી ગયેલો નોકર પાછો આવ્યો અને ફરીથી કામે રાખવા માટે એમની આગળ કરગરવા લાગ્યો. એમણે મને તેને ફરી કામે રાખવા કહ્યું. આ છોકરાનાં લક્ષણ મને ગમતાં નહોતાં તેથી મેં એમને સ્પષ્ટ કહ્યું કે ગમે તે થાય તો પણ આ માણસને રાખવો નથી. આ બાબતમાં અમારી વચ્ચે ઝઘડો થયો પણ એમણે ક્યારે મારી વાત માની હતી તે હવે માને? મારી નારાજગી હોવા છતાં એમણે તેને કામે રાખી લીધો. ત્યાર બાદ હંમેશાં એમના ગજવામાંથી પૈસા ગુમ થવા લાગ્યા. એમણે તો મારા પર આક્ષેપ કર્યો, “તું જ પૈસા કાઢી લે છે અને આ નોકર તને ગમતો ન હોવાથી તેના પર શંકા કરે છે.” આવો ગંભીર આરોપ સાંભળી મને અત્યંત દુઃખ થયું.
રાજકોટમાં રહેવાના થોડા દિવસ બાકી રહ્યા હતા તેમ છતાં અમે ઘર બદલ્યું અને મોટા મકાનમાં રહેવા ગયાં. ત્યાં એમના માસિયાઈ ભાઈના દીકરાની બદલી રાજકોટ થઈ અને તેઓ અમારે ત્યાં રહેવા આવ્યા. ઘર હજી પણ સરખી રીતે ગોઠવાયું નહોતું. અમે જરૂરી સામાન બહાર રાખ્યો હતો અને ઘણી વસ્તુઓ હજી પેટીઓમાં પડી હતી. એમની સરકારી નોકરી પૂરી થવા આવી હતી. ગ્રેચ્યુઈટીની રકમ આવી તે મેં મારી ટૂંકમાં મૂકી અને તાળું લગાવી દીધું. જરૂર પૂરતા છૂટક ચાલીશ રૂપિયા એમની બેગમાં રાખ્યા. આ બધું જોઈ પેલા નોકરની દાનત બગડી. મને તો લાગે છે કે એ ખરાબ મનોવૃત્તિ રાખીને જ અમારે ત્યાં પાછો આવ્યો હતો.
એક દિવસ એણે મને કહ્યું, “બા, આજે હું સાહેબની બેગ ગોઠવી આપું છું.” હું કામમાં હતી, અને તેણે જે રીતે મને આ કહ્યું તેથી મને તેના આશય પર જરા જેટલી શંકા આવી નહિ. મને થયું ચાલો હવે આ મને લગાડીને કામ કરે છે તો કરવા દો. અમારા ઘરની રચના ટ્રેનના ડબ્બાઓની હાર જેવી હતી. ઓરડાઓ એક લાઈનબંધ હતા અને આગળપાછળ ઓસરી અને ત્યાંથી બહાર જવાઆવવા માટે બારણાં હતા. હું આગળની રૂમમાં કે રસોડામાં હોઉં તો પાછળ ઓસરીમાં શું થાય છે તેની ખબર ન પડતી. નોકરે નરેનને મીઠી મીઠી વાતો કહીને ફોસલાવીને તૈયાર કર્યો અને તેની બેગ ભરીને પાછલી ઓસરીમાં ક્યારે મૂકી તેની મને જરા પણ ખબર ન પડી. ત્યાર બાદ અમારા ભત્રીજાનો દાઢી કરવાનો સામાન અને “એમની” બેગમાંના ચાલીશ રૂપિયા અને કબાટમાંથી ચાંદીનાં વાસણ કાઢી પોતાની થેલીમાં ભરી લીધાં અને નાસી જવાની પૂરી તૈયારી કરી લીધી. સાંજના સાત વાગ્યા. મેં ભગવાનને દીવો કર્યો અને ઘરમાં પણ દીવાબત્તી કર્યા. નોકરે નરેનને કહ્યું કે બાને જઈને કહો કે સાત વાગી ગયા. નરેન અબુધ હતો, તેણે મારી પાસે આવીને એ જ શબ્દોમાં કહ્યું, “બાઈ, સાત વાગી ગયા”. મને નવાઈ લાગી. મેં તેને પૂછ્યું, “અરે, આજે શું વાત છે તે તું મને ટાઈમ કહેવા આવ્યો?” તેણે કશો જવાબ ન આપ્યો, અને પાછળની ઓસરી તરફ ગયો. ત્યાં પેલો નોકર બેગબિસ્તરા સાથે તૈયાર હતો. નરેનને લઈ, સામાન ઊંચકી તેણે ત્યાંથી ચૂપચાપ પલાયન કર્યું.
રાતના સાડા આઠ વાગ્યે મારા પતિ અને અમારા ભત્રીજા બહારથી આવ્યા. જમવા માટે પાટલા માંડ્યા અને થાળીવાટકા ગોઠવ્યાં અને અમે નરેનની રાહ જોવા લાગ્યાં. અમને થયું, નોકર નરેનને ફરવા લઈ ગયો હશે. નવ વાગ્યા સુધી તેઓ પાછા ન આવ્યા ત્યારે અમે તેમને બધી જગ્યાએ શોધવા ગયાં. સિનેમાગૃહ પણ જઈ આવ્યાં પણ ક્યાંય પત્તો ખાધો નહિ. દસેક વાગ્યે વાસણ માંજનારાં બહેન આવ્યાં. તેમને પૂછ્યું તો તેમણે કહ્યું, “બપોરે હું કામ કરવા આવી ત્યારે મેં તેને નરેનભાઈના કપડાં બેગમાં ભરતાં જોયો હતો. તમે સૌથી પહેલાં ભાઈની બેગ જુઓ તો!”
અમે જોવા ગયાં તો નરેનની બેગ ન મળે. ભત્રીજાની બેગ ખુલ્લી હતી અને તેમની અમુક વસ્તુઓ ગુમ થઈ હતી. “એમની” બેગમાંના પૈસા પણ ગાયબ હતા. આ બધું જોયું ત્યારે અમને શંકા આવી કે તે નરેનને લઈને ભાગી ગયો છે. બધાંએ કહ્યું કે સાંજે એક ટ્રેન વીરમગામ જતી હતી તે પકડી નોકર નરેનને લઈ વઢવાણ ગયો હશે. આ ટ્રેન વઢવાણ સવારે સાત વાગ્યે પહોંચતી હતી. “એમના” એક મિત્ર મિસ્ટર રૂબેન વઢવાણમાં પોલીસ ઈન્સ્પેક્ટર હતા. અમારા નોકરનો બા૫ મિ. રૂબેનનો ઓર્ડરલી હતો. એમણે રૂબેનને તાર કર્યો કે “તમારા ઓર્ડરલીનો દીકરો અમારા નરેનને લઈ નાસી ગયો છે, તો વઢવાણ સ્ટેશન પર ગાડી આવે ત્યારે તેને પકડી લેજો.” હું તો ગભરાઈને હતપ્રભ થઈ ગઈ હતી. મને કશું સૂઝતું ન હતું. વઢવાણથી શો જવાબ આવે છે તેની ઘેરી ચિંતામાં હું સાવ મૂંઝાઈ ગઈ હતી.
સદ્ભાગ્યે રૂબેનસાહેબને અમારો ટેલિગ્રામ સમયસર મળી ગયો અને ટ્રેન આવે તે પહેલાં સ્ટેશન પર પહોંચી ગયા. તેમણે નોકરને જોયો અને પકડી લીધો, પણ નરેન ક્યાંયે દેખાતો નહોતો. તેમણે નોકરને દબડાવ્યો અને પૂછ્યું, “બોલ, નરેન ક્યાં છે?” નોકર ધૃષ્ટ હતો. તેણે સામો સવાલ કર્યો, “તમે કોની વાત કરો છો? આ નરેન કોણ છે? હું તો તેને ઓળખતો પણ નથી.” આ બધી પૂછપરછ ચાલતી હતી તે સાંભળી ડબામાંના પેસેન્જરોએ કહ્યું, “આની સાથે એક નાનો છોકરો હતો તેને આ માણસ સોડાબાટલીના કંપાર્ટમેન્ટમાં સંતાડી આવ્યો છે!” ત્યાં જઈને જોયું તો સાચે જ, નરેન ત્યાં હતો. અમે વઢવાણ હતાં ત્યારે રૂબેન અમારી બાજુમાં જ રહેતા હતા, તેથી નરેન પણ તેમને સારી રીતે ઓળખતો હતો. તેમણે નરેનને કહ્યું, “ચાલ, ભાઈ, ઘેર જઈએ.” નોકરે કોણ જાણે શું કહીને નરેનને ચઢાવ્યો હતો, તે ડબામાંથી ઊતરવા તૈયાર જ નહોતો થતો. એને નોકરે કહ્યું હતું કે આપણે મુંબઈ જઈને ઘણી મોજ કરીશું. સાત-સાડા સાત વર્ષના બાળકને શું સમજાય? અંતે તેમણે જબરજસ્તીથી તેને ટ્રેનમાંથી ઉતાર્યો.
નોકરને ખૂબ ધમકાવ્યો અને માર માર્યો, પણ એ નાલાયક માણસ એકનો બે ન થયો. કહે, મને કશી ખબર નથી. ચોરેલા પૈસા અને અન્ય વસ્તુઓ પણ હાથ લાગી નહિ. અંતે તેના બાપની દયા ખાઈને તેને છોડી દીધો અને રૂબેનસાહેબે નરેનને તેમના માણસની સાથે રાજકોટ મોકલ્યો. પૈસા અને ચાંદીની વસ્તુઓ ગઈ તેનું અમને દુઃખ ન હતું. અમારો નરેન ક્ષેમકુશળ પાછો આવ્યો તેનો અમને આનંદ હતો. નરેન ઘેર આવ્યા બાદ અમે તેને બધી હકીકત પૂછી ત્યારે તેણે કહ્યું કે નોકરે તેને કહ્યું કે મુંબઈ ઘણું સુંદર શહેર છે અને તે નરેનને ત્યાં ઘણી મજા કરાવશે. જો નરેન કોઈને કહી દેશે તો કોઈ તેને મુંબઈ નહિ જવા દે. આથી તેણે કોઈને કહ્યું નહિ. અમે નરેનને ઘણું વઢ્યાં અને સમજાવ્યો ત્યારે તેણે કહ્યું કે હવે પછી તે કદી કોઈને કહ્યા વિના કોઈની પણ સાથે નહિ જાય.
મારા પતિએ તેમની કારકિર્દી દરમિયાન કચ્છ-ભૂજ અને સૌરાષ્ટ્રમાં નોકરી કરી હતી. એક વાર વઢવાણમાં એક કંપનીએ ટ્રામસેવા શરૂ કરી હતી. “એમણે” પોતાની પૂર્વ પત્નીનું વીસ-બાવીસ તોલા સોનું વેચીને આ કંપનીના શેર વેચાતા લીધા હતા. આગળ જતાં કંપનીએ દેવાળું કાઢ્યું તેમાં અમારા બધા પૈસા ડૂબી ગયા. પોતાના કાર્યકાળ દરમિયાન “એમણે” ઘણા લોકોને મદદ કરી હતી અને અનેક લોકોનાં કામ કરી આપ્યાં હતાં. એવા એ પરગજુ હતા. તેમના એક સાહેબ પારસી સદ્ગૃહસ્થ હતા. તેમને અંગ્રેજ સરકારે અતિ મુશ્કેલ કામ સોંપ્યું હતું, જે તેમનાથી થઈ શકતું ન હતું. “એમણે” દિવસરાત એક કરીને આ કામ કરી આપ્યું હતું. “એમની” રિટાયરમેન્ટના થોડા જ દિવસ પહેલાં આ સાહેબ પેન્શન પર રાજકોટ આવ્યા હતા અને અચાનક “એમને” મળી ગયા. તેઓ એટલા રાજી થઈ ગયા કે ન પૂછો વાત. તેઓ “એમને” આગ્રહ કરીને પોતાને ઘેર લઈ ગયા. જૂની વાતો કરી, અને તેઓ ઘેર આવવા નીકળ્યા ત્યારે તેમના સાહેબે સો રૂપિયાની નોટ “એમની” આગળ ધરી અને કહ્યું, “તમે મને જે મદદ કરી હતી તેનો આભાર પ્રદર્શિત કરી શક્યો નહોતો. આ મારી નાનકડી ભેટ તમે સ્વીકારશો તો મને ઘણો આનંદ થશે.” “એમણે” પૈસા લેવાની ના કહી. સાહેબે અંતે કહ્યું કે આ તમારી પત્નીને અમારા તરફથી ભેટ આપજો. કચવાટ હોવા છતાં તેમણે પૈસા લીધા, પણ ઘેર આવીને તે તરત મને સ્વાધીન કર્યા.
પેન્શન પર ઊતરવાના થોડા જ દિવસ અગાઉ એમને હિંમતનગર રાજ્યમાંથી નોકરી માટે કહેણ આવ્યું. તેમની નિમણૂક ‘મહેકમા-ખાસ’માં અગત્યના સ્થાન પર થઈ હતી. તરત હાજર થવાનો હુકમ હતો તેથી તેઓ ત્યાં જવા નીકળી ગયા, અને મને સામાન પેક કરવાનું કહી ગયા. દસ દિવસમાં તેઓ અમને લેવા માટે આવવાના હતા. આ વાતને ચાર-પાંચ દિવસ થયા હશે ત્યાં મારા યેસુબાબાની મોટી દીકરીનાં લગ્નમાં હાજરી આપવા માટેનો દમુનો અને મારાં કાકીનો પત્ર આવ્યો. લગ્ન દમુને ઘેર એટલે મારા બનેવીની જે ગામડામાં બદલી થઈ હતી ત્યાં થવાનાં હતાં. અમારો સામાન પેક થઈ ગયો હતો અને ચાર-પાંચ દિવસમાં મારા પતિ અમને લેવા આવવાના હતા. લગભગ લગ્નના સમયે જ અમારે હિંમતનગર ભણી નીકળવાનું હતું. “તેઓ” પણ હિંમતનગર હતા.
આ લગ્નમાં હાજરી આપવી એ મારું કર્તવ્ય હતું પણ મારી હાલત એવી હતી કે મારાથી આ લગ્નમાં હાજરી આપવા કોઈ સંજોગમાં જઈ શકાય તેવું નહોતું. આ ચિંતામાં મારા મગજ પર એટલી ગંભીર અસર પડી કે મને ફિટ આવી ગઈ. હું બેહોશ થઈને પડી ગઈ અને મારું આખું શરીર ખેંચાવા લાગ્યું. મોંમાંથી ફીણ આવવા લાગ્યાં. તે વખતે જે વ્યક્તિ હાજર હોય તે મને ડુંગળીનો કૂચો કરી સૂંઘાડે અને હાથ-પગ પકડી રાખે ત્યાર પછી થોડી વારે હું શુદ્ધિમાં આવતી. લગ્નમાં ન જઈ શકી તેથી મારાં પોતાનાં આપ્તજનોને ઘણું જ માઠું લાગ્યું. અને તેમને તેવું લાગવું જ જોઈએ. જેમણે મને અને મારી બાને આશ્રય આપ્યો હતો, અમારી હર મુસીબતમાં અમને સાથ આપ્યો હતો, તેમના ઘરના પ્રથમ શુભ કાર્યમાં હું હાજરી ન આપી શકી તેનું મને અપાર દુ:ખ થયું હતું. આ પરેશાની હું જીરવી ન શકી અને આવા ‘ફિટ’નો મને કાયમ માટેનો રોગ થઈ બેઠો. કોઈ પણ વખતે મારા મનની વ્યથા બેકાબૂ થઈ જતી અને મારી સહનશીલતાનો અંત આવી જાય ત્યારે મને આવું થવા લાગતું. આ વાત તો બાજુએ રહી, પણ મારાં પિયરિયાંમાં બધાંને મારે નારાજ કરવા પડ્યાં તેનો મને ઘણો અફસોસ થયો.
તેવામાં એક ગજબની ઘટના થઈ. અમારો જૂનો નોકર જે નરેનને લઈને મુંબઈ નાસી જવાનો હતો, તે પાછો રાજકોટ આવ્યો. “તેઓ” તો હિંમતનગર હતા, પણ તેની હિંમત અમારા ઘર સુધી આવવાની ન થઈ. તેમ છતાં તે અમારે ઘેર કામ કરનારાં બહેનને મળ્યો અને તેમને કહ્યું, “નરેનભાઈ નસીબદાર હતા તેથી તેઓ બચી ગયા, નહિ તો મુંબઈ લઈ જઈને તેમનું કઈ પણ કરી નાખત.” મારાં નસીબ સારાં કે મારો દીકરો સહીસલામત અમને પાછો મળ્યો, નહિ તો એનું શું થાત તેની કલ્પના પણ કરવી શક્ય નથી.
અમે “એમની” રાહ જોતાં હતાં તેવામાં અમદાવાદથી સમાચાર આવ્યા કે અમારા નંબર બેના પુત્ર રવિને એક કન્યા ઘણી ગમી ગઈ હતી અને તેણે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. કન્યા સુસ્વભાવી અને પ્રેમાળ હતી. કન્યાના પિતાનો “એમને” આ બાબતમાં પત્ર આવ્યો અને તેમણે સગાઈની તારીખ નક્કી કરવા માટે વિનંતી કરી હતી. “એમણે” તેમને જણાવ્યું કે મોટા પુત્રનાં લગ્ન નક્કી ન થાય ત્યાં સુધી રવિની સગાઈ કરી શકાય નહિ. જોકે થોડા સમય બાદ અમારા ભત્રીજાનાં સાસરિયાંમાં એક સારી કન્યા સાથે મોટાનાં લગ્ન નક્કી થયાનો પત્ર લલિતાબાઈ તરફથી રાજકોટ આવ્યો. મારા પતિ હિંમતનગરથી અમને લેવા આવ્યા ત્યારે તેમણે આ પત્ર વાંચી તરત લખી જણાવ્યું કે, “હું, બાઈ તથા નાનાં બાળકો હિંમતનગર જવા નીકળીએ છીએ તો અમદાવાદ રોકાઈશું. તે વખતે બન્ને સગાઈઓ સાથે કરીશું.” પરંતુ હજી પણ ઘરમાં પારિવારિક બાબતોનો અધિકાર હજી લલિતાબાઈ પાસે હતો. તેમણે અમારી રાહ ન જોતાં મોટાની સગાઈ પતાવી નાખી! અમારી હાજરીની જાણે કોઈ જરૂરિયાત નહોતી. મારા પ્રત્યે ભલે તેમને ગમે તેવી સારી-નઠારી ભાવના હોય, પણ પિતાનું માન તો રાખવું જોઈએ કે નહિ? આ વાતની વ્યથા મને તો થઈ જ, પણ પોતાના પિતાને કેટલું દુઃખ થયું હશે તેનો લલિતાબાઈને વિચાર ન આવ્યો.
ખેર. હિંમતનગરમાં મકાનની વ્યવસ્થા કરી તેઓ અમને લેવા રાજકોટ આવ્યા, તે દિવસે એક વિચિત્ર પ્રસંગ બની ગયો. રાતે જમ્યા પછી અમે લાંબો વખત વાતચીત કરી અને સૂવાની તૈયારી કરી. મકાન લગભગ ખાલી કર્યું હોવાથી મેં બહારના ઓરડામાં જમીન પર પથારીઓ બિછાવી. ભીંતની એક બાજુએ અમારું બિછાનું અને બીજી તરફ બાળકોની પથારી. રાતે કોણ જાણે ક્યાંથી એક સાપ આવીને અમારા બિછાનાની નીચે સંતાઈ ગયો તેની અમને ખબર ન પડી. રાતે મારા પડખાની નીચે સળવળાટ થયાનો આભાસ થયો, પણ મેં ધ્યાન ન આપ્યું. સવારે વહેલાં ઊઠીને મેં ચા બનાવી. “તેઓ” ચા પીને બહાર નીકળી ગયા. તે સમયે અમારા પરિવારના એક આપ્તજન રાજકોટમાં બદલી પર આવ્યા હતા અને અમારા ઘરની બાજુમાં રહેવા આવ્યા હતા. હું બિસ્તરા ઉપાડવાનો વિચાર કરતી હતી તેવામાં તેમના મોટા દીકરા દત્તાત્રેય અમારે ત્યાં આવ્યા. મેં બારણું ખોલ્યું અને પથારી વીંટાળવા લાગી ત્યાં જે જગ્યાએ હું સૂતી હતી ત્યાં તેમણે ચાર હાથ લાંબો સાપ જોયો. તેમણે તરત બૂમ પાડી, ‘કાકી, ત્યાંથી એકદમ ભાગો, તમારા પગ પાસે મોટો સાપ છે!” હું તો જીવ લઈને ત્યાંથી ભાગી. સાપ આખી રાત અમારી પથારીની નીચે હતો! અમારું આયુષ્ય લાંબું હતું તેથી અમે બચી ગયાં. ત્યાર બાદ મહામુશ્કેલીથી સાપને પકડ્યો અને સદરના નાળામાં તેને છોડી આવ્યા.
ક્રમશઃ
