કિશનસિંહ ચાવડા
સ્ટેશનમાસ્તર દોડતો આવ્યો. દરબારનો પહેલા વર્ગનો ડબ્બો છેક પાછળના ગાર્ડના ડબ્બાની પણ પાછળ હતો. હું પણ એ જ ડબ્બામાં બેસવાનો હતો એટલે હું તો અંદર બેસીને દરબારની વાટ જ જોતો હતો. દરબારના માણસોએ સામાન ઊંચકીને દોડવા માંડ્યું. ગાડી તો ધીરેથી ઊપડી. ચાલતી ગાડીએ સામાન અંદર ધકેલાયો. સ્ટેશન માસ્તરે લીલીને બદલે લાલ ધજા કરી એટલે ગાડી જરા અટકી. હું ઊતરીને દરબારને લેવા દોડ્યો. ત્યાંતો દરબાર હજી કોગળો કરતા હતા. મહામહેનતે મેં એમને સમજાવ્યા ત્યારે ડબ્બા તરફ એમણે ચાલવાની હામ ભીડી. એક હજૂરિયાએ હુક્કો ઝાલ્યો છે. હુક્કાની નળી દરબારના હાથમાં છે. બીજો હજૂરિયો પાનનો મોટો ચાંદીનો ડબ્બો ઉઘાડીને પાન ધરી રહ્યો છે. ચાલતાં ચાલતાં, અને દરબાર પાન ખાતાં ખાતાં વચ્ચે નળીમાંથી ધુમાડો કાઢતા કાઢતા ચાલે છે.
મારી ધીરજ ખૂટ્તી હતી. સ્ટેશનમાસ્તર અકળાયા હતા. ત્યાં તો એમનાથી લાલને બદલે લીલી ધજા બતાવાઈ ગઈ અને ગાડી પાછી ધીરેથી ઊપડી. મેં દરબારને કહ્યું કે જરા જલદી પગ ઉપાડો. જવાબ મળ્યો કે ગાડીને જવું હોય તો જાય પણ હું મારી ચાલ નહીં બદલું. હું દોડીને ડબ્બામાં ચઢી ગયો અને અંદર જઇને પાછી સાંકળ ખેંચી. ગાડીની ઉપર ઉપકાર કરતા હોય તેમ પોતાની ગજગતિએ દરબાર આખરે ગાડીમાં બેઠા. એમાં કમાયો સ્ટેશનમાસ્તર. દરબારે ખુશ થઇને ડબ્બામાંથી સ્ટેશનમાસ્તરને પચ્ચીસ રૂપિયા બક્ષિસ આપ્યા અને એના ઉમંગમાં એણે જોરથી લીલી ઝંડી ઉડાવીને ગાડીને વિદાય આપી.
