સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
લગ્નજીવન થી આગળ
નરેન ચાર વર્ષનો અને મીના સવા વર્ષની થઈ ત્યારે હું ત્રીજી વાર ગર્ભવતી થઈ. ડિલિવરીને ત્રણ મહિના બાકી હતા ત્યારે અમારી પાંચ નંબરની પુત્રી કુસુમ મેટ્રિકની પરીક્ષાની તૈયારી કરી રહી હતી.
એક દિવસ ‘તેઓ’ કશા કારણસર મારા ૫ર ગુરસે થયા હતા. મને એવું એવું સંભળાવ્યું કે હું જમી પણ નહિ. બપોરના સમયે ‘એમની’ કુસુમ સાથે ઉગ્ર બોલાચાલી થઈ. કુસુમે તેમને કહ્યું કે, “મારી મેટ્રિકની પરીક્ષા માથે આવી છે તો બાઈને તેમનાં કાકીને ત્યાં વીસનગર મોકલી આપો. તેઓ અહીં હશે તો મારાથી પરીક્ષાની તેયારી નહિ થાય.’
‘તેઓ’ ગુસ્સે થઈ ગયા અને કુસુમને કહ્યું, “બાઈની જગ્યાએ તારી પોતાની મા હોત તો શું તેં તેને ક્યાંય મોકલવાનું કહ્યું હોત કે?’
વાત વધતી ગઈ. હું રસોડામાં જઈ બેઠી. હું તો ફક્ત તેમની ઊંચા અવાજે થતી વાત સાંભળી શકતી હતી. તેમણે કુસુમને કહ્યું, “રસોઈ કરવા માટે એક બ્રાહ્મણ બાઈ આવવાની છે. ઘરકામ માટે જીબા છે, અને નરેનને હરિલાલ સંભાળે છે, તો બાઈ અહીં રહે તેમાં તને શો વાંધો છે?’
કુસુમ પણ ક્રોધે ભરાઈ હતી. બાપ-દીકરી વચ્ચે મોટે મોટેથી અંગ્રેજીમાં જે વાતચીત થતી હતી, તે મને શી રીતે સમજાય? ‘એમણે’ વાતચીતનો અંત આણ્યો અને આગળની ઓસરીમાં જતા રહ્યા. તે વખતે એમનાં માસી વઢવાણ આવ્યાં હતાં અને અમારા ઘરની બાજુમાં જ તેમના પુત્રને ત્યાં ઊતર્યા હતાં. એમની અને કુસુમની વચ્ચેનો ઝઘડો પૂરો થયો ન થયો ત્યારે માસી-મા અમારે ત્યાં આવ્યાં, અને ઓસરીમાં ‘એમની’ સાથે બેસી વાત કરવા લાગ્યાં. અહીં કુસુમનો કોધ સીમા પાર કરી ગયો હતો.
થોડી વાર બાદ મેં કુસુમને પાછળની ઓસરીના દરવાજા પાસે બેઠેલી જોઈ, અને ક્ષણમાં તેને ફિટ આવી હોય તેમ પડી ગઈ. તેના ગળામાં જાણે ડૂચો ભરાઈ ગયો હોય તેમ તેણે ગળા ઉપર હાથ રાખ્યા હતા. હું ગભરાઈ ગઈ, અને સામાન્ય રીતે કોઈને ફિટ આવે ત્યારે ચહેરા પર અને માથા પર પાણીની વાછટ મારીએ, તેમ લોટામાં પાણી ભરી ભરીને હું તેના માથા પર રેડવા લાગી. અચાનક મારી નજર તેની સાડી પર ગઈ અને જોયું તો તે લાલ લાલ થઈ ગઈ હતી. તેનું મુખ ઊંચું કરી જોયું તો મોઢું પણ લાલ રંગથી ભરાઈ ગયું હતું. આ જોઈ મેં ચીસો પાડવાનું શરૂ કર્યું. મારી રાડ સાંભળી ‘તેઓ’, માસીમા અને બીજા લોકો દોડતા આવ્યા. ડૉકટરને બોલાવવામાં આવ્યા, પણ તે આવે તે પહેલાં કુસુમ બેભાન થઈ ગઈ. આખી રાત તેણે બેહોશીમાં કાઢી. સવારે છ વાગ્યે તેને ભાન આવ્યું, પણ કશું બોલી શકી નહિ. ‘’તેઓ’ ઘણા ગભરાઈ ગયા હતા. કુસુમને બચાવવાના બધા પ્રયત્ન નકામા ગયા. અંતે બપોરના બાર વાગ્યે તેણે પ્રાણ ત્યાગ્યો.
(બાઈની નોંધઃ કુસુમ બેભાન થયા પછી અમને ઘણી વાર બાદ જાણવા મળ્યું કે પિતાની સાથે ઝઘડો થયા બાદ તે ઘણા ગુરસામાં હતી. ‘તેઓ’ માસીમા પાસે બહાર ઓસરીમાં હીંચકા પર બેઠા ત્યારે કુસુમે નોકર પાસેથી દવાના કબાટમાં મૂકેલી કોગળા કરવાની લાલ દવાની પાઉડર [પોટેશિયમ પરમેંગેનેટ -સંપાટ] ની બાટલી માગી. હરિલાલ દવા આપે તે પહેલાં ‘એમણે’ હરિલાલને પાણી લાવવાનું કહ્યું તેથી તેણે કુસુમની આજ્ઞા ન માનતાં સીધો પાણી લઈ “એમની? પાસે ગયો. કુસુમનો સંતાપ સીમા વટાવી ગયો. તેણે કબાટમાંથી શીશી કાઢી તેમાંની બધી દવાનો ફાકડો માર્યો હતો અને પાછળની ઓસરીમાં બેસી ગઈ હતી. દવાની ખાલી શીશી કબાટની બહાર પડી હતી.)
અમે બન્ને પતિ-પત્ની પર વજાઘાત જેવું અરિષ્ટ આવી પડયું. પોલીસ પણ આવી પહોંચી. તે વખતે મારા એક દિયર (‘એમના’ માસીના દીકરા) ત્યાં જ પોલીસ ઇન્સ્પેક્ટર હતા, તેથી બધી કાર્યવાહી સરળતાથી પતી ગઈ. અમારી દીકરી ગઈ, તેનું દુઃખ તો બાજુએ રહ્યું, પણ જગતમાં કોઈને પણ મોઢું બતાવવા જેવી અમારી સ્થિતિ રહી નહિ. આ જાણે ઓછું હોય તેમ હું અપરમાતા હતી તેથી આનું સૌથી મોટું કલંક મારા મસ્તક પર જ આવ્યું. અમારી કુસુમ એટલી હોશિયાર વિદ્યાર્થિની હતી કે આખી હાઈસ્કૂલમાં તે હંમેશાં પહેલો નંબર મેળવતી. મારી સાથે તેનો સંબંધ સારો હતો. મારી સાથે તેણે કદી પણ ઝઘડો કર્યો ન હતો. પરંતુ આ ઘટના થઈ તેથી મને મર્યા જેવું થઈ આવ્યું. તેના મૃત્યુનો આરોપ મારા પર આવ્યો. જ્યાંત્યાં વાત ફેલાઈ ગઈ. મને સાતમો મહિનો ચાલતો હતો અને ગર્ભાવસ્થા ઘણી ત્રાસદાયક હતી, તેમાં આ ઘટના થઈ. ‘એમણે’ “બડી દીદી’ને તાર કર્યો અને તે સાંજે આવી પહોંચી. આવતાંવેંત તેણે મારા પર શાબ્દિક મારો શરૂ કર્યો. હું નિઃસહાયતાથી ઘણું રડવા લાગી તો તેણે કહ્યું, ‘હવે આ રડવાનો ઢોંગ કોને બતાવવા માટે કરો છો? મારી તો બહેન ગઈ, અને તમે…’
આખી બીનામાં મારો કોઈ દોષ ન હતો. મને તેઓ વીસનગર કે બીજે ગમે ત્યાં મોકલે કે ન મોકલે, મારા માટે બધું એકસરખું હતું. જે વિધિલિખિત હતું તે થઈ ગયું. મારા મસિયાઈ દિયર ત્યાં હતા તેથી બધી કાર્યવાહી ઝડપથી પતી ગઈ, નહિ તો ‘એમના’ ઉપર આખી જિંદગીભરનો ડાઘ લાગી જાત. આમ પણ અમારા બન્નેને કલંકની કાળી ટીલી ચોંટાડીને અમારી દીકરી ચાલી ગઈ. પંદરેક દિવસ બાદ ‘એમણે’ મને મારાં કાકીને ત્યાં મોકલવાનું નક્કી કર્યું. આ નિર્ણય તેમણે અગાઉ જ શાંતિથી લીધો હોત તો આમાંનું કશું થયું ન હોત. મારાં કાકીની આર્થિક પરિસ્થિતિ તે વખતે ઘણી ખરાબ હતી. અમારા બાબાની સૌરાષ્ટ્રની નોકરીનું જે માસિક ૨૧ રૂપિયાનું પેન્શન મળતું હતું. તેમનો અને તેમનાં પાંચ સંતાનોનો નિર્વાહ આ અલ્પ રકમમાંથી કરવો પડતો હતો. આથી મને પણ તેમની પાસે જવામાં સંકોચ થતો હતો.
કુસુમને ગયે આઠ કે દસ દિવસ થયા હતા ત્યાં મારાં મોટાં જેઠાણી અમદાવાદથી આવ્યાં. તેમણે તો ઘોડાગાડીમાંથી ઊતરતાંવેંત મારા પર ગાળો અને આક્ષેપની વર્ષા કરવાનું શરૂ કર્યું. ‘એમને’ કહે, “આ બાઈને અને તેનાં છોકરાંઓને એક ઓરડી રાખી ત્યાં હાંકી કાઢી મૂકો. તમારાથી એમને વેગળાં કરી નાખો.’
આમ કહી તે મારા પર ફરીથી વરસી પડયાં. મારો કોઈ વાંક હોત તો મેં બધાંનાં જૂતાંનો માર સહન કર્યો હોત. મારો કોઈ દોષ ન હોવા છતાં જે-તે મને જે ગાળો આપવા લાગી જતા હતા. મને એમના ઠાણાભર્યા આક્ષેપો પર અત્યંત ગુસ્સો આવ્યો, પણ આવી સંકટમય સ્થિતિમાં મારા જેવી એક નિઃસહાય અબળા કરી પણ શું શકે? હું ભીંત પર મારું માથું જોર જોરથી અફાળવા લાગી. મારા પેટમાં સાત મહિનાઓ ગર્ભ હતો, અને હું બેભાન થઈને પડી. આ અવાજ સાંભળી અમારા આડોશીપાડોશી દોડતા આવ્યા. તેમણે મારાં જેઠાણીને અને ‘એમને’ ઠપકો આપ્યો. ‘આમનો કશો વાંક નથી તેમ છતાં તમે બધાં તેમને શા માટે દોષ આપો છો?’ આમ કહી તેમણે મારા મોં પર પાણી છાંટી શુદ્ધિમાં આણી. ત્યાર બાદ આઠેક દિવસમાં મારી રવાનગી વીસનગર કરવામાં આવી.
નરેન મારી સાથે આવવા તૈયાર નહોતો તેથી છેલ્લી ઘડીએ તેનાં કપડાં સામાનમાંથી બહાર કાઢ્યાં, અને રાતની ટ્રેનમાં હું વીસનગર જવા નીકળી. બીજે દિવસે સવારે જ નરેનને એટલો તાવ ચઢયો કે તેના મસ્તકમાં તેની ઝાળ પહોંચી ગઈ અને તે બેભાન થઈ ગયો. એવું લાગતું હતું કે એના પ્રાણ તાળવે ચોંટી ગયા હતા. તે દિવસે તો એ મૃત્યુમુખમાંથી પાછો ફર્યો. જો તે મારી સાથે આવ્યો હોત અને ટ્રેનમાં આ રીતે માંદો પડ્યો હોત તો તે બચી શકત નહિ. પણ પરમ કૃપાળુ ઈશ્વરે તેને મારી સાથે ન જવાની બુદ્ધિ આપી. તેને સુવાણ આવ્યા બાદ “બડી દીદી” – લલિતા સાથે તે અમદાવાદ ગયો.
નરેન લલિતાને “આક્કા” કહીને બોલાવતો. ‘બડી દીદી’ને મારા પ્રત્યે ગમે તેવો પૂર્વગ્રહ હોય, પણ મારાં બાળકો પ્રત્યે તેને ઘણી માયા હતી. હું વીસનગર પહોંચી તો ખરી પણ ત્યાં ગયા બાદ ચાર જ દિવસ બાદ કાકીને સ્ટેટ તરફથી મળનારું પેન્શન બંધ થઈ ગયું. મારા માટે હવે પ્રશ્ન થઈ પડ્યો. આવી હાલતમાં હવે હું શું કરું? ઘરમાં કોઈ કમાનારું હોત તો મારાં કાકી મને સંભાળવામાં કદી પણ પાછી પાની કરે તેવાં ન હતાં. અંતે નાઈલાજ થઈ મેં ‘એમને’ પત્ર લખ્યો કે જ્યાં સુધી હું કાકીને ત્યાં છું ત્યાં સુધી ‘એમણે’ મારા ખર્ચના પૈસા મોકલવા જોઈશે. “એમણે” મારી વાત માની અને પૂરો ખર્ચ મોકલવાનું શરૂ કર્યું. પ્રસવનો સમય આવ્યો અને વિજયાદશમીને દિવસે મને બીજી કન્યા આવી – સુધા. આ વખતે હું દવાખાનામાં હતી. મારાં કાકીએ મારી અત્યંત પ્રેમથી કાળજી લીધી. સમય પર મારી બહેનોના હાથે ખાવા-પીવાની વસ્તુઓ મોકલતાં અને રાતે હૉસ્પિટલમાં મારી પાસે સૂવા આવતાં. મારું પથ્ય-પાણી પૂરી રીતે જાળવ્યું અને મને મારી માની જરા જેટલી ઊણપ ભાસવા દીધી નહિ. મારી બહેનોએ પણ મીનાને એટલા પ્રેમથી સંભાળી કે મને તેનું કશું જોવું પડતું નહોતું. કન્યાજન્મના એકવીસ દિવસ બાદ “એમણે” મને તેડવા રવિને મોકલ્યો અને તેની સાથે હું વઢવાણ પાછી આવી. તે વખતે તો રવિ પણ મારી સાથે આત્મજનની જેમ વર્તતો હતો. હું પણ તેમની સાથે પ્રેમથી વર્તતી અને કદી પણ તેમને વઢી ન હતી. હવે અમારી સાથે ફક્ત રવિ અને તેનો નાનો ભાઈ મધુ રહેતા હતા.
મધુથી નાની દીકરી ભાનુ અને સૌથી મોટા પુત્ર ‘બડી દીદી’ લલિતાબાઈ સાથે અમદાવાદ રહેતા હતા. લલિતાબાઈ શિક્ષિકા હતાં, અને મોટા પુત્રને પણ ત્યાં જ નોકરી મળી હતી. થોડા દિવસ બાદ નરેનને સંભાળવા માટે રાખેલ હરિલાલ તેના કાકાને ત્યાં વીસનગર ગયો તેથી તેની જગ્યાએ સજુભા નામના એક રાજપૂત છોકરાને રાખ્યો. તે વખતે સસ્તાઈનો જમાનો હતો. એક રૂપિયામાં અઢી શેર શુદ્ધ ઘી મળતું! અનાજ અને અન્ય વસ્તુઓ પણ ઘણી સસ્તી હતી. સજુભાને અમે માસિક બે રૂપિયાનો પગાર આપતા તેમાં પણ તે ઘણા રાજી હતા. ‘એમના” પગારમાંથી અને અમદાવાદના તેમના મકાનના ભાડામાં અમારો સંસાર સુખેથી ચાલતો હતો
સુધા છ મહિનાની થઈ અને અમારા પરિવાર પર ફરી એક વાર સંકટમય પ્રસંગ આવી પડ્યો. અમારા લલિતાબાઈ (“બડી દીદી”) અમદાવાદ હતાં. એક દિવસ તેમણે કોણ જાણે કઈ દવા લીધી અને નિશાળે નોકરીએ ગયાં. ત્યાં ગયા પછી તો તેમનાથી બેસી પણ શકાતું ન હતું. તેમની રજા પણ ફક્ત દોઢ દિવસની બાકી હતી, છતાં રજા લઈને મહા મુશ્કેલીથી તેઓ ઘેર પાછાં આવ્યાં. ઘેર આવીને બારણાને અંદરથી સાંકળ વાસી, પથારી પાથરી સૂઈ ગયાં. સાંજે ભાનુ નિશાળેથી પાછી આવી. બાજુમાં એક મરાઠા કુટુંબ રહેતું હતું, તેમને પણ ખબર ન હતી કે લલિતાબાઈ ઘેર આવી ગયાં હતાં. ભાનુએ જોર જોરથી દરવાજો ખખડાવ્યો, બારણું ખોલવા મોટે મોટેથી બૂમો પાડી તેમ છતાં અંદરથી બારણું ખોલવામાં આવ્યું નહિ. આખરે આજુબાજુથી પાડોશીઓ આવી ગયા અને બારણું તોડી અંદર જઈને જોયું તો લલિતાબાઈ બેશુદ્ધ થઈને પડ્યાં હતાં. તેમને એ હાલતમાં હૉસ્પિટલમાં લઈ ગયા અને પોલીસે ઘરને સીલ મારી દીધું.
પોલીસ કોઈને પણ લલિતાબાઈ પાસે જવા દેતા નહોતા. અમને આ બાબતનો તાર આવ્યો એટલે અમે તરત અમદાવાદ આવ્યાં. આવીને જોયું તો ઘરને સીલ લાગ્યું હતું. શું થયું છે, શી બાબત છે તેની અમને જાણ પણ ન થઈ. ઘર પર સીલ લાગ્યું હોવાથી અમે મારાં બીજાં માસી-સાસુમાને ઘેર ઊતર્યાં. દવાખાને જઈને જોયું તો લલિતાબાઈ હજી બેભાન હતાં. અમે હૉસ્પિટલના રોજ ધક્કા ખાતાં હતાં, પણ અમને તેમની પાસે જવા દેવામાં આવ્યાં નહિ. ચાર દિવસ બાદ તેઓ હોશમાં આવ્યા તો પણ અમે તેમને મળી શક્યા નહિ. હૉસ્પિટલમાં અમારા એક સગા કામ કરતા હતા, તેમણે લલિતાબાઈને એવી જુબાની આપવાનું કહ્યું કે તેમનું માથું દુખતું હતું, પણ દુઃખશામક ગોળીને બદલે ભૂલથી ઊંઘની ગોળીઓ લેવાઈ ગઈ. પોલીસે આજુબાજુના લોકોની જુબાની લીધી. અમારા પાડોશી તો પહેલેથી જ ગભરાઈને ત્યાંથી નાસી ગયા હતા. પૂરી કાર્યવાહી થઈ ગયા બાદ તેમણે અમને લલિતાબાઈને મળવાની રજા આપી.
આ વખતે અમે વઢવાણથી જીબાને સાથે લઈ ગયા હતા. ‘તેઓ” અને જીબા સવારથી જ હૉસ્પિટલમાં પહોંચી જતાં હતાં, જ્યારે હું ઘરકામ-રસોઈમાં માસી-સાસુમાને મદદ કરવા માટે ઘેર રહેતી હતી. સાંજે અમે બધાં સાથે જતાં. સવારે જ્યારે પોલીસે ‘એમને કહ્યું કે તેઓ લલિતાબાઈને મળી શકે છે, અને તેઓ અને જીબા તેમને મળ્યાં, ત્યારે લલિતાબાઈએ પહેલો પ્રશ્ન કર્યો, “વઢવાણથી કોણ કોણ આવ્યું છે?’
જીબાએ કહ્યું, “તમારાં બા, નરેન અને બેબી પણ આવ્યાં છે.”
“બાઈ અહીંયાં શા માટે આવ્યાં છે? એમનું અહીં શું કામ છે?”
આ વાત સાંભળી મને અત્યંત દુઃખ થયું. થોડા દિવસ બાદ પોલીસે અમારા ઘર પરથી સીલ ઉતાર્યું ત્યારે અમે ઘેર ગયાં. ઘરમાં સાફ-સફાઈ કરી અને ઘર વ્યવસ્થિત રીતે ગોઠવ્યું. બધાંની રસોઈ હું કરતી હતી અને લલિતાબાઈ માટે જમવાનો ડબો તૈયાર કરી આપતી હતી. લલિતાબાઈને હૉસ્પિટલમાંથી રજા આપવાના હતા તેથી મારાં જેઠાણી અમારે ત્યાં આવ્યાં અને મને કહ્યું, “બાઈ, આજકાલમાં લલિતા ઘેર આવવાની છે. તમને જોઈને તે ઘણી ગુસ્સે થઈ જશે, તો તમે અહીં તમારું કોઈ સગું હોય તો તમે અને તમારા છોકરાં તેમને ત્યાં જતાં રહો.’
આ બધા લોકોને મારા પ્રત્યે આટલી બધી કટુતા અને દૂષિત પૂર્વગ્રહ શા માટે હતો તે મને કદી પણ સમજાયું નહિ. આમ જોવા જઈએ તો મને વીસનગરમાં રહેતાં મારાં કાકી અને વડોદરાના મામા સિવાય મારું પોતાનું કહી શકાય એવું કોઈ સગું નહોતું. નસીબજોગે મારાં કાકીનાં બહેન અમદાવાદમાં અમારી હવેલીની સામે જ રહેતાં હતાં, તેથી હું મારાં બાળકોને લઈ તેમને ત્યાં રહેવા જતી રહી.
લલિતાબાઈને જે કાંઈ થયું હતું તેના માટે તેઓ પોતે એકલા જ જવાબદાર હતાં, અને તે તેમણે પોતાની જાતે કરી લીધું હતું. આમાં મારો શો દોષ હતો? શા માટે તેઓ મારું મુખ પણ ન જોવા માંગતાં ન હતાં તે મારી સમજ બહારની વાત હતી.
હું મારાં કાકીનાં બહેન – જેમને હું નાનપણથી જ માસી કહેતી હતી, તેમને ત્યાં હતી. ‘તેઓ’ લલિતાબાઈને હવેલીમાં લઈ આવ્યાં. મને તો ત્યાં પ્રવેશ નિષિદ્ધ હતો! લલિતાબાઈને પથારીમાંથી ઊઠવાની પણ શક્તિ રહી ન હતી, તેથી મારાં જેઠાણીને તેમની બધી સેવા કરવી પડતી હતી. ‘એમને’ પણ આ બધું જોઈને દુ:ખ થયું કે કેમ, તેમણે મને જીબા સાથે વઢવાણ જવાનું કહ્યું.
જે દિવસે અમે વઢવાણ જવા નીકળવાનાં હતાં, નરેનને સખત તાવ ચઢયો. બે દિવસમાં તો તેનું આખું શરીર અછબડાથી ભરાઈ ગયું. તાવ ઓછો થતો ન હતો, તો પણ હું તેને ભરબીમારીની હાલતમાં લઈ જીબા સાથે વઢવાણ જવા ટ્રેનમાં બેઠી. વઢવાણ આવ્યા બાદ તેની હાલત ઘણી ગંભીર થઈ ગઈ. ‘તેઓ’
અમદાવાદ હતા, અને હું અહીં એકલી. પરંતુ મારા ભગવાન મારી સાથે હતા. સાતમે દિવસે નરેનનો તાવ ઊતર્યો અને ઓરી શમ્યા ત્યારે મારા જીવમાં જીવ આવ્યો.
અમદાવાદમાં લલિતાબાઈની શુશ્રુષા કરી કરીને મારાં જેઠાણી કંટાળી ગયાં હતાં, અને તેમણે તો કહી પણ દીધું કે, “હવે મારાથી આ કામ થઈ શકે તેમ નથી.’ અંતે “એમણે’ પણ લલિતાબાઈને કહ્યું, “બાઈને અહીં રહેવા દીધાં હોત તો તેણે ખુશીથી તારી માવજત કરી હોત. આવું સાંભળવું તો ન પડત!’ લલિતાબાઈની સેવા કરવા માટે અમદાવાદમાં હવે કોઈ રહ્યું ન હતું, તેથી ‘એમણે’ તેમને વઢવાણ લાવવાનું નક્કી કર્યું. લલિતાબાઈએ ફરીથી પોતાનો અણગમો વ્યક્ત કર્યો. તેમણે પિતાને કહ્યું, “વઢવાણ લઈ જવી હોય તો મને સ્ટેશનથી સીધા હોસ્પિટલમાં દાખલ કરાવી દેજો. હું ઘેર નહિ આવું.’ ‘એમણે’ તેની હઠથી કંટાળીને હા કહી.
પણ બનવાકાળ એવું થયું કે સ્ટેશનથી દવાખાને જતાં જતાં બપોરના બાર વાગી ગયા હતા અને ડૉકટર ઘેર ગયા હતા. વઢવાણની આ નાનકડી હોસ્પિટલમાં પથારી ખાલી ન હતી તેથી ત્યાંના કર્મચારીઓ લલિતાબાઈનો કેસ લેવા તૈયાર થયા નહિ. અંતે નાઇલાજ થઈને તેમને ઘેર આવવું પડયું. છએક દિવસ બાદ હૉસ્પિટલમાં પથારી ખાલી થતાં તેમને ત્યાં દાખલ કર્યા, ત્યાં સુધી તેમની બધી સેવા મારા હાથે જ થઈ. દવાખાનામાં તેમનું પથ્ય, ખાસ આહાર વગેરે હું જ બનાવીને મોકલતી હતી. આ ઉપરાંત હૉસ્પિટલમાં તેમના માટે એક ખાસ બાઈ પણ અમે રાખી હતી. આમ વીસ-બાવીસ દિવસ હૉસ્પિટલમાં રહ્યા બાદ તેમની પ્રકૃતિ સુધરી અને તેઓ ઘેર આવ્યાં. ત્યાર બાદ પૂરો આરામ કર્યા બાદ લલિતાબાઈ અમદાવાદ ગયાં અને નોકરી પર હાજર થયાં.
ક્રમશઃ
