આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ૨. વૈદ્ય
જાણીતી નવલકથા “ઝેર તો પીધાં છે જાણી જાણી…’માં નાયિકાના પિતા ગોપાળબાપાની માંદગી અને મૃત્યુનો પ્રસંગ આવે છે. દવા લેવાની એ ના પાડે છે. કહે છે,“ઓષધમૂ જાહન્વી તોયમ્”, ગંગાનું જળ જ હવે ઔષધ છે. સંબંધીઓ એમની પથારીની આસપાસ બેઠા રહે છે, ભજન ગાય છે અને એ વાતાવરણમાં બાપા દેહ છોડે છે.
નવલકથાનો આ ભાગ ૧૯૫૨માં પ્રકાશિત થયો. એ દિવસોમાં આ પ્રકારનુ દ્રશ્ય સામાન્ય હતું. દાક્તરો જેનું નામ ન પાડી શકતા એવી બીમારી લાંબી ચાલતી. કુદરતી ક્રિયાઓ પણ પથારીમાં જ થાય તો તેની વ્યવસ્થા પણ કુટુંબીજનો કંટાળા વિના કરતા. ધીરેધીરે ઊંડા ઊતરતા વડીલોને સમ્ભવત: પોતાના એકમાત્ર જીવનની લાબી યાત્રા યાદ આવતી હશે અને પાસે બેઠેલાં સ્વજનોનો તેમાં જે ફાળો હશે તે પણ. ભજનમાં ભગવાનની યાદ વિદાયની પીડા ઘટાડતી હશે. ઘરમાં ગંગાજળની સીલ કરેલી ટબૂડી રહેતી, ખરે જ અંત સમય આવે ત્યારે મોઢામાં મુકાતું. આમાંથી ઘણું આજે જોવા નથી મળતું.
પહેલાં તો મહિનાઓ સુધી પથારીવશ રહેવું પડે તેવી લાંબી માંદગીના કેસ ઓછા થાય છે. પણ જો એવી સ્થિતિ આવે તો આસપાસ વીંટળાઈને બેસીને બીમારને કંપની આપવાનો સ્વજનો પાસે સમય નથી. સંતાનો હવે ઓછાં હોય છે અને હોય તેમાંથી કોઈ બહારગામ કે વિદેશમાં હોય. શહેરમાં અંતરો વધી જવાને કારણે ઇચ્છા હોય તો પણ સગાંવહાલાં રોજ ન આવી શકે. દૈનિક સારવાર ઘરમાં રહેતા સભ્યોથી ન થાય તો પગારદાર ‘એટેન્ડન્ટ’ આવે છે. એ પડેલાં તો ડાયપર પહેરાવે છે! ઘરે વિઝિટ લેતા ફૅમિલી ડૉક્ટરની વ્યવસ્થા મોટાં શહેરોમાં તો અદશ્ય થઈ ગઈ છે. આથી દરદીની પીડા ઓછી કરવા હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરાવવાના પ્રસંગ વધારે છે. આમેય તબીબી શાસ્ત્ર પાસે બધી સમસ્યાનો કંઈક તો હલ હોય જ તેવી માન્યતાને કારણે અંત સમયે પણ, વડીલોને હૉસ્પિટલ લઈ જવા જોઈએ તેવું સામાજિક દબાણ સંતાનો પર હોય.

ખાનગી હોસ્પિટલો નવા દરદીને ઇન્ટેન્સિવ કેઅર યુનિટ (ICU)માં મૂકવા તત્પર હોય છે, પરંતુ તેમાં સ્વજનોને દાખલ થવા નથી મળતું. એટલે વડીલોને માટે પૂજા-પ્રાર્થનાનું આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવાનો તો સવાલ જ નથી થતો. અંતિમ ક્ષણોમાં સંતાનોનો હાથ, હાથમાં લેવાની પણ તક દરદીને નથી મળતી. ક્યારેક તો એવી પરિસ્થિતિ થાય છે કે સ્વજને છેલ્લો શ્વાસ ક્યારે લીધો એય સંતાનોને ખબર નથી પડતી.
વેપારી હોસ્પિટલો :
આઝાદી વખતે અને તે પછી પણ અમુક સમય હૉસ્પિટલ તો સરકારી જ હતી. અપવાદરૂપે મુંબઈ, કલકત્તા અને દિલ્હીમાં એક-એક ખાનગી હોસ્પિટલો હતી. ધીમેધીમે ટ્રસ્ટની બનાવેલી હોસ્પિટલો આવી. તે રીતે ખાનગી નર્સિંગ હોમ પણ આવ્યાં, જેમાં ૪-૬ પથારીઓ હોય. તેમાં મોટા ભાગનાં પ્રસૂતિ ગ્રુહો હતાં. આ બધી ખાનગી સંગવડો સેવા માટે હતી. દાતાનાં ટ્રસ્ટો આરોગ્ય વિશે કંઈક કરવા માગતાં હતાં. દાક્તરોનાં નર્સિંગ હોમ એમનાં જ્ઞાનનો ઉપયોગ હતો, જેમ વકીલ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાના ક્ષેત્રનું કામ કરવા ઓફિસ ખોલે અને ફી લઈને કામ કરે તેમ દાક્તરનાં નર્સિંગ હોમ હતાં. એમાં વેપાર કે ધંધાનો દષ્ટિકોણ ન હતો.
૧૯૮૩માં ‘એપોલો’એ પહેલી કૉર્પોરેટ હૉસ્પિટલ મદ્રાસ (હવે ચેન્નઈ)માં સ્થાપી ત્યારથી દશ્ય બદલાઈ ગયું છે. જે હૉસ્પિટલના શેરબજારમાં ભાવ બોલાય તેનું અસ્તિત્વ ધંધા માટે છે અને ધ્યેય નફો છે એ વાતમાં ક્યાં શંકા રહી? આ કારણે ત્યાં જે સેવા મળે છે તેની ઢબ જ જુદી છે. તેથી સેવોઓનો વિસ્તાર થયો તે ખરું, પરંતુ સારવાર મોંઘી થઈ ગઈ. ક્યારેક તેમાં અનીતિ અને અનિષ્ટ પણ પેસી જાય છે. દિલ્હીની એક હૉસ્પિટલનો કિસ્સો જાણીતો છે, જેમાં એક તરુણીનું મૃત્યુ થઈ ગયું હતું, પરંતુ કુટુંબ પાસેથી સારવારનું બિલ વસૂલે જતા હતા! આવી વેપારી જગ્યાએ કામ કરતા દાક્તરો માયાળુ કે સેવાભાવી હોઈ શકે, પરંતુ એ જ વેળા તેઓ કંપનીની નોકરીમાં છે અને તેની નીતિઓથી બંધાયેલા છે. પરદેશી કંપનીઓ પણ અહીં આવી હૉસ્પિટલ ખોલવા માંડી છે તે બતાવે છે કે તેમાં કેટલો નફો છે.

ગયા લેખમાં વાત કરી તેમ નિદાન અને ઉપચાર માટે નવાં યંત્રો શોધાયાં છે, પરંતુ એ પાર વિનાનાં મોંઘાં છે. એમાં રોકેલી મૂડીનું વળતર મળતું રહે તેવું ‘હોસ્પિટલ કંપની’ જરૂર ઇચ્છે. તે કારણે એના પ્રતિનિધિ તરીકે ડૉક્ટરે તમને તર્ક વિનાનાં પરીક્ષણો માટે મોકલવા પડે. ‘મેડીક્લેઈમ’ની સગવડ લીધી હોય તેવા કિસ્સામાં આ કામ વધુ મોકળાશથી થાય છે! પેટની સારવાર માટે દાખલ થયેલા અમારા એક સંબંધીને રજા આપતાં પહેલાં કિરણોત્સર્ગી આઇસૉટૉપ વાપરીને હૃદયની તપાસ (MIBI ટેસ્ટ) કરી આપી. દરદીએ પૈસા ચૂકવવાના નહીં એટલે એ ખુશ, પરંતુ વિના કારણે શરીરમાં કિરણોત્સર્ગી રસાયણ પેસાડ્યું તેનું શું?
દર્દી ગ્રાહક બન્યો :

સર્જન પોતાની નિપુણતાથી અને બીજા ડૉક્ટરો પોતાના જ્ઞાનથી જીવન બચાવી શકે છે. આથી ગઈ પેઢીઓએ દાક્તરને ભગવાનતુલ્ય માન્યા હતા. પરંતુ જ્યારથી લૅબ સાથે કે દાક્તરોમાં આપસ માં કમિશનની લેતીદેતી ની શંકા પડી છે, આ ભાવના નબળી પડવા લાગી છે. દાક્તર અને દરદી વચ્ચે એક ખાસ વિશ્વાસનો સંબંધ હતો તે અત્યારે નબળો પડેલો દેખાય છે. એટલે સુધી કે હવે દાક્તરી સેવાને ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ મુકાઈ છે. ડૉક્ટરોનો ભક્ત હતો તે દરદી હવે ‘ઘરાક’ બની ગયો. ભૂલ થાય તો દરદી કાયદો બતાવશે તેવા ડરને કારણે હવે હૉસ્પિટલો અને ડૉક્ટરો વધુ ને વધુ પરીક્ષણો કરાવવા લાગ્યાં છે. આમ મોંઘી સારવાર વધુ મોંઘી બની છે. અંગત વાતચીતમાં ડોક્ટરો તબીબી શિક્ષણ મોંઘું થયું હોવાને કમિશન વ્યવસ્થા માટે જવાબદાર ઠરાવે છે. એ ખરું છે કે અમારી પેઢીમાં જે ડૉક્ટરો બન્યા તે સરકારી મેડિકલ કૉલજોમાં, નજીવી ફી ભરીને ભણ્યા હતા. આજે મોટી સંખ્યા ખાનગી કોલેજોમાંથી ભણી ઊતરે છે, જ્યાં ફી કલ્પનાતીત છે. ગરીબ તો ઠીક, મધ્યમ વર્ગને પણ પરવડે તેવી નથી.
બેઅસર દવાઓ :
તબીબી ક્ષેત્રની ધસમસતી પ્રગતિની એક આડઅસર છે દવાઓનો અતિરેક. શરૂમાં જ્યારે માત્ર ગણીગાંઠી દવાઓ જ હતી ત્યારે દવા વિના ચલાવી લેવાની વૃત્તિ હતી. જેમ-જેમ નવાં દ્રવ્યો આવતાં ગયાં, ઉપચાર સરળ લાગ્યા એટલે લોકોની સહનશક્તિ ઘટતી ગઈ. દુ:ખાવા કે તાવની દવાઓ લોકો જાતે લેવા લાગ્યા અને ઍન્ટિબાયોટિક્સ ડૉક્ટરોએ ઉદારતાથી લખવા માંડી. શરદી કે પેટના ઝાડા જેવી તકલીફોમાં હંમેશાં પ્રતિ—જીવાણુ દવાની જરૂર નથી હોતી, પરંતુ ડૉક્ટરોએ બીજી દવાઓની સમાંતરે એ પણ આપવા માંડી. ગૂમડાં જેવા બાહ્ય ચેપને પણ જલદી કાબૂમાં લાવવા માટે ખાવાની ઍન્ટિબાયોટિક છુટ્ટા હાથે વપરાઈ. કેટલાક લોકો ડોઝ અધૂરો પણ છોડતા.
આ બધાને કારણે જીવાણુની કેટલીક જાતો આ દવાઓને પેંધી પડી ગઈ. આને ‘એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ’ કહે છે. એને કારણે બીજી વાર દવાનો વધુ ડૉઝ લેવો પડે અથવા એ લાગુ જ ન પડે તો જુદા પ્રકારના દ્રવ્યથી બનેલી દવા દેવી પડે. મેલેરિયા માટે ક્લોરોક્વીન અને ટાઈફોઈડ માટે સ્ટ્રેપ્ટોમાઇસીન આવી ત્યારે ચમત્કારિક ગણાતી. ધીમેધીમે તેની ધાર બુઠ્ઠી થઈ રહી છે. નવી અને વધુ આકરી દવાઓ શોધાતી ગઈ, પરંતુ તે છતાં કેટલાક જીવાણુઓ ‘અમર’ બની ગયા છે. ઓપરેશન થિયેટરને ચેપમુક્ત રાખવા એ હૉસ્પિટલો સામેનો આજે મોટો પડકાર છે! એવું પણ નથી કે જેણે બિનજરૂરી દવા લીધી હોય કે ડૉઝ અધૂરો છોડ્યો હોય તેને જ ‘આકરી’ દવા લેવી પડે. અમુક દવા સાથે સમજૂતી કરી લીધી હોય તે જીવાણુનો પ્રકાર જેના પણ શરીરમાં જાય તેણે જુદી દવા જ લેવી પડે.

ચારે તરફથી આશીર્વાદ વરસાવતા આરોગ્ય ક્ષેત્રના વિકાસની વચ્ચે અહીં જોઈ તેવી તકલીફોને લોકો અવગણે છે. તેનું કારણ એ દૂઝણી ગાયની લાત છે, જે મળે છે તે ગુમાવ્યા કરતાં વધારે છે.
આયુષ્ય ૨૭માંથી ૭૦ વર્ષ થવાની એ કિંમત છે અને જેને ભાગે એ કિંમત ચૂકવવાની આવે તો એનાં મૂળ તબીબી વિકાસમાં નથી જોઈ શકતાં.
છેલ્લે એક ઊક્તિ :
એ જમાનામાં બધાનો જન્મ ઘરે થતો,
બધાનું મૃત્યુ પણ ઘરે જ થતું.
આજે કોઈનો જન્મ ઘરે નથી થતો અને
અડધાં મૃત્યુ હૉસ્પિટલમાં કે તેના રસ્તામાં
થાય છે.
સૌજન્યઃ નવનીત સમર્પણ * ફેબ્રુઆરી ૨૦૨૫
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
