વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
લાહોર સ્ટેશન છોડીને ગાડી એ તરફ ગતિ કરી રહી હતી જ્યાં ચૌદ વર્ષ પહેલાં આગ લાગી હતી, લાખો લોકો ભસ્મ થયાનાં નિશાન હજુ અંકિત હતાં. હું કાંપી ઊઠ્યો.
લાંબી અંધકારભરી ગુફામાં ટ્રેન પ્રવેશી. વિચાર આવ્યો કે હવે આપણેય અંધકારને હવાલે?
લાહોરથી સૌ યાત્રીઓ ગુરુદ્વારાનાં દર્શન કરીને હવે પાછાં ફરી રહ્યાં હતાં. પંજાસાહિબની યાત્રાથી અનિષ્ટ દૂર થાય છે એવું સાંભળ્યું હતું. પણ, માનવમાં રહેલા દાનવનું અનિષ્ટ દૂર થયાનું સાંભળ્યું નહોતું.
મા સ્થિરભાવે ટ્રેનની બારીમાંથી બહાર દૂર કંઈક જોઈ રહી હતી. ખેતરો વટાવીને સપાટ જમીન શરૂ થઈ. બાજુમાં બેઠેલા મામાજી અને બાકીના સૌ યાત્રીઓ ઉદાસ હતા.
“મા, તને તો બધા રસ્તા યાદ હશે, કેટલીય વાર તું અહીંથી પસાર થઈ હોઈશ, નહીં?”
માના ચહેરા પર ઘણું બધું ખોઈને માંડ મેળવ્યું હોય એવું સ્મિત આવ્યું.
“હા રે, મને એક-એક સ્ટેશન યાદ છે, પણ આજે ચૌદ વર્ષે બધું જ સાવ અજાણ્યું લાગે છે. પહેલાં લાહોર પાર કરતાં મનમાં ઉમંગ થતો. આપણું ગામ-સરાઈ, સરાઈના એકએક ચહેરા યાદ છે. ત્યારે તો સ્ટેશન પર કેટલાય લોકો લેવા આવતા. હવે ત્યાં કોણ આપણું છે કે સ્ટેશને આવે?”
માની આંખો તરલ થઈ. પિતાજીએ ઉત્તરપ્રદેશમાં ધંધો જમાવ્યો ત્યારથી અમે મા સાથે રહેતાં. પિતાજી એકાદ વાર પંજાબ આવતા, પણ પિતાજીને મળવાં મા બેત્રણ વાર જઈ આવતી. એ સમયે પંજાબનું વિભાજન નિશ્ચિત હતું. પંજાબની પાંચે નદીઓનું પાણી જાણે ઉન્માદનો તીખો શરાબ બની રહ્યું હતું.
છેલ્લી વાર અમારા સૌના વિરોધ છતાં માએ પંજાબ જવાનો નિર્ણય કર્યો. એ નિર્ણય એટલે આગમાં કૂદી પડવાની વાત, પણ મા ક્યાં માને? ધરાર ગઈ જ. વીસેક દિવસે પાછી આવી ત્યારે ચરખાથી માંડીને ઘરનો ઘણોખરો સામાન લેતી આવી. એ પછી પંજાબ આગમાં લપેટાયું. ઘર, ગામ, શહેર બધું જ સળગવા માંડ્યું. આગ અટકી ત્યારે અમૃતસર અને લાહોરની વચ્ચેનો એ આખો વિસ્તાર ઊંડી ખાઈ સમો બની ગયો. સમય જતાં સૌ ભૂલવા માંડ્યાં કે, એ ખાઈની પેલે પાર અમારું ગામ હતું. એ પાકી સડક પાસેથી અલ્લડ છોકરી જેવી ઉછળતી જેલમ નદી વહેતી હતી.
અત્યારે એ ખાઈ પર બંધાયેલા પુલ પરથી પસાર થઈને ટ્રેન અમારાં ગામ સરાઈ તરફ ગતિ કરી રહી હતી.
“રાત્રે ખબરે નહીં પડે અને એકાદ વાગ્યે સરાઈ આવશે, પણ હવે ત્યાં આપણું છે શું?” હું બોલ્યો.
“પહેલાંય તારા માટે ત્યાં હતું જ શું?” મા બોલી.
બંનેનાં દિલમાં ચચરાટ હતો. રાત પડતા હું અને મામાજી આડા પડ્યા. મા હજુ બારીની બહાર અંધકારમાં તાકતી બેઠી હતી.
અર્ધ નિંદ્રાવસ્થામાં એક સ્વપ્ન જોયું જાણે કોઈ અજાણી લાલ તરલ ચીજે મને ચારે તરફથી ઘેરી લીધો હતો. ગભરાઈને સફાળો જાગ્યો તો મા ઉત્તેજનાથી કાંપતી દેખાઈ.
અમારી ગાડી સરાઈ સ્ટેશન પર ઊભી હતી. પ્લેટફોર્મ પર લેમ્પનો હળવો ઉજાસ હતો. અજબ જેવો કોલાહલ સંભળાયો. મારું રોમરોમ કાંપી ઊઠ્યું. ચૌદ વર્ષ પહેલાંની ઘટના યાદ આવી. એ સમય હતો જ્યારે ગાડીઓમાંથી લોકો ગાજર-મૂળાની જેમ કપાઈને ફેંકાતા હતા.
નજીક આવેલાં ટોળાંમાંથી કોઈનો અવાજ આવ્યો, “અરે આ ગાડીમાં છે કોઈ સરાઈનું?”
વાત શું છે એ પૂછું એ પહેલાં મા બોલી, “હા, અમે છીએ સરાઈના.”
આટલું સાંભળતા જ ટોળાંમાં ઉત્તેજના ફેલાઈ. આજુબાજુ ફરતા લોકોય અમારા ડબ્બા પાસે એકઠા થવા માંડ્યા.
“તમે કોણ, તમારું ઘર કયું?” કોઈએ પૂછ્યું.
“આ મારી મા છે. મારા પિતાનું નામ સરદાર મૂલાસિંહ.”
“અરે, તમે સરદાર મૂલાસિંહના પત્ની, રવેલસિંહના ભાભી? સૌ ખેરિયતમાં છો ને?” પૂછનારના અવાજમાં આત્મિયતાનો રણકો હતો.
સંબંધીઓનાં ક્ષેમકુશળ પૂછીને કેટલાય લોકોએ એમની પાસેની પોટલીઓ અમારા હાથમાં મૂકવા માંડી. જોતજોતામાં અમારી બર્થ કપડાંઓની પોટલીઓથી ભરાઈ ગઈ. હું હક્કાબક્કા, મા સ્તબ્ધ અને મામાજી તદ્દન ચૂપ.
થોડી વાર પછી માએ પોતાની જાત સંભાળી. ખુશીથી ચહેરો ચમકી ઊઠ્યો. કેટલુંય કહેવું હોય એમ હોઠ ફડફડતા હતા, પણ બોલી શકતી નહોતી. આંખો છલકાઈ રહી હતી.
એટલામાં ત્યાં ઊભેલા ગાર્ડે લીલી બત્તી બતાવી, સીટી મારી. બે-ત્રણ જણાએ એમને રોકી લીધા. કોઈએ લાલટેન પકડેલો એમનો હાથ નીચો કરી દીધો.
“અરે બાબુ, થોડી વાર ઊભી રહેવા દો. આ લોકો આપણા ગામના મૂલાસિંહના ઘેરથી છે.”
“ભાભી, સરદારજી કેમ છે, એ પંજાસાહિબના દર્શન કરવા ના આવ્યા?” એક વયસ્ક મુસલમાને પૂછ્યું.
“સરદારજી નથી રહ્યા.” મા ધીમેથી બોલી.
“હેં, કેમ કરતાં?”
“એમના પેટની રસોળી ફૂટી અને બીજા દિવસે જ ગુજરી ગયા.” મેં જવાબ આપ્યો.
“બહુ નેક ઈન્સાન હતા.”
અને પછી તો એકબીજાના ખબરઅંતર પુછાયાં.
“પરજાઈ, તમારાં છોકરાંઓને લઈને પાછાં આવી જાવ.” એકે કહ્યું અને કેટલાયે ઝીલી લીધું.
“પાછા આવી જાવ..પાછા આવી જાવ.”
અત્યાર સુધી શાંત રહેલા મામાજી ધીમેથી ગણગણ્યા.
“બદમાશ નહીં તો. પહેલાં મારીમારીને અહીંથી ભગાડ્યાં અને હવે કહે છે પાછાં આવો, લુચ્ચા છે સૌ.”
સારું હતું કે પ્લેટફોર્મ પર ઊભેલા લોકો સુધી એમના શબ્દો પહોંચ્યા નહોતા.
એ લોકો તો જાણે ‘પરજાઈ, તમે છોકરાંઓને લઈને પાછાં આવો. પાછાં આવો’ની રટ લગાવીને ઊભા હતા.
મા કશું જ બોલી શકતી નહોતી. આભાર માનતી હોય એમ હાથ જોડીને બેઠી હતી.
દૂર ઊભેલા ગાર્ડે લીલી બત્તી દેખાડીને સીટી મારી. ધીમેધીમે ગાડીએ ગતિ પકડી. અમારા ડબ્બાની સાથેસાથે ભીડ પણ ચાલવા લાગી.
“અચ્છા તો નમસ્કાર પરજાઈ, રવેલસિંહને અમારા સલામ કહેજો અને હા, ખુશ રહેજે દીકરા.”
મા હાથ જોડીને અસ્ફૂટ સ્વરે કંઈક બોલી અને ગાડીએ પ્લેટફોર્મ છોડ્યું. બારીમાંથી ડોકું કાઢીને જોયું તો ભીડમાંથી લોકો હાથ હલાવીને આવજો, આવજોની બૂમો મારતા હતા. ગાડીની ગતિ પકડી. ડોકું અંદર લઈને જોયું તો, મા દુપટ્ટાથી આંખો લૂછતી હતી. બંધ તૂટ્યો હોય એમ એની આંખમાંથી આંસુ રેલાયે જતાં હતાં.
ગાડી જેલમ પર બાંધેલા પુલ પર આવી ગઈ. ખડર..ખડર..ખડર. રાતની નીરવતામાં અવાજ આવતો હતો.
આજે આ પત્થર અને લોખંડથી બનેલા મજબૂત પુલની નીચે લોહીની નદી નહીં જેલમનું સ્વચ્છ પાણી વહી રહ્યું હતું.
મહિપ સિંહ લિખીત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
