મંજૂષા

 વીનેશ અંતાણી

 

૨૩મી એપ્રિલ, બુધવારે ‘વિશ્વ પુસ્તક દિવસ’હતો.

એ નિમિત્તે થોડા સમય પહેલાં વ્હોટ્સએપ પર વાંચેલી અંગ્રેજી પોસ્ટ ‘ધ સ્ટ્રેન્જર હૂ રીડ્સ’ યાદ આવી. એનું મુક્ત ભાષાંતર: ‘એ સ્ત્રી દિવસમાં બે વાર આવે છે. હંમેશાં સુઘડ સાડીમાં હોય છે. એકલી જ આવે. કોઈ સાથે વાત કરતી નથી. રસ્તા પર આવેલી પુસ્તકોની દુકાન સિવાય બીજી કોઈ જગ્યાએ રોકાતી નથી. સવારે આવે ત્યારે પુસ્તકોનાં કવર પર થોડીવાર આંગળી ફેરવે, જાણે બાળકના વાળમાં હાથ ફેરવતી હોય! ક્યારેક ઊભી રહીને કોઈ પણ એક પુસ્તક ઉપાડે અને થોડી લીટીઓ વાંચે જાણે આજના દિવસ માટે વિચારવાલાયક ભાથું શોધતી હોય. ‘સાંજની વાત અલગ હોય છે. આસપાસ દોડતી દુનિયાની વચ્ચે એ લાંબો સમય રોકાય છે. કોઈક દિવસ માત્ર દુકાનદાર સાથે પુસ્તકો વિશે જ વાત કરે છે. કોઈ પ્રશ્ન , કોઈ ઉત્તર અને પછી માથું હલાવતી રહે છે. ક્યારેક કોઈ પુસ્તકમાંથી એના મનમાં ચાલી રહેલા વિચારની પૂર્તિ મળી હોય એવો ભાવ એની આંખોમાં તરી આવે. પુસ્તક ખરીદે ત્યારે એને બેગમાં મૂકતી નથી, છાતીસરસી જકડી રાખે છે અને અચાનક આખા દિવસનું વજન એના પરથી ખસી જાય છે. એનાં પગલાંમાં ઉલ્લાસભરી લચક આવી જાય છે. ક્યારેક એ ચાલતીચાલતી ચોપડી ખોલી થોડાં વાક્યો વાંચી લે છે અને સામેથી આવતા કે બાજુમાંથી પસાર થતા રાહદારીને જગ્યા આપવા છેલ્લી ઘડીએ બાજુમાં ખસી જાય છે. અને પછી એ ભીડમાં થયેલા રેશમી ઝબકારની જેમ અચાનક દેખાતી બંધ થાય છે. કોઈ અજાણી સ્ત્રી આ નિષ્ઠુર મહાનગરમાં પુસ્તકોના સહારે ટકી જવા મથતી હોય એવું લાગે છે.’

વાંચતાં જ થયું કે આ લખાણ ઘડાયેલી કલમનું છે. લેખકનું નામ જાણવાની જિજ્ઞાસા થઈ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રેરિત ચેટજીપીટીને પૂછ્યું. જવાબમાં મૂળ ભારતીય અંગ્રેજી લેખક અને એની નવલકથાનાં નામ જાણવા મળ્યાં. એ નવલકથા મેં વાંચી નથી એટલે પૂરી ખાતરી વિના અહીં નામો જણાવવાનું ટાળ્યું છે. ચેટજીપીટી પોતે કહે છે તેમ એનાથી પણ ક્યારેક ભૂલ થાય છે. મેં વધારે ખણખોદ કરવા બીજો પ્રશ્ન પૂછ્યો કે એ નવલકથામાં તે પુસ્તકપ્રેમી વિચિત્ર મહિલાનું શું સ્થાન છે? ચેટજીપીટીએ જણાવ્યું કે એ મહિલા નવલકથામાં કેન્દ્રનું પાત્ર નથી, છતાં એ પ્રતીકાત્મક ઊંડાણ પૂરું પાડે છે. એ મહિલાને પુસ્તકો વાંચવાં ગમે છે. એમાંથી એના બૌદ્ધિક ઊંડાણનો ખ્યાલ આવે છે. પુસ્તકો આપણું જ્ઞાન વધારે છે, વિચારતા કરે છે અને જાતતપાસની દિશા બતાવે છે. એ મહિલાના વાચનશોખમાંથી જીવન વિશે ઊંડી સમજ મેળવવાની પ્રક્રિયાનું દર્શન થાય છે.

પુસ્તકો આપણને અલગ જ દુનિયામાં લઈ જાય છે. આપણને નવા વિચારો આપે છે, બૌદ્ધિક વિકાસ થાય છે. કલ્પનાશક્તિ વિકસે છે અને આપણે આસપાસની વાસ્તવિક દુનિયાને નવી દૃષ્ટિથી જોવા લાગીએ છીએ. સૌથી મોટી વાત કે આપણે આપણા અનુભવો અને લાગણીઓને સપાટી પર જોવાને બદલે એની નીચે છુપાયેલી સંભાવનાઓનો વિચાર કરવા લાગીએ છીએ. આજના પ્રદૂષિત વાતાવરણમાં પુસ્તકો બહારની દુનિયા અને માણસ-માણસ વચ્ચે આવી ગયેલું અંતર ઘટાડવામાં સહાયતા કરે છે.

પુસ્તકો વાચવાની પદ્ધતિ વિશે એક રસપ્રદ તારણ બહાર આવ્યું છે. બે કે વધારે વ્યક્તિઓ સાથે બેસીને મોટા અવાજે વાચન કરે તો અરસપરસના સંબંધો મજબૂત બને છે. અંગત જીવનમાં પણ એ બાબત ઉપયોગી છે. એક દૃષ્ટાંત જોઈએ. પંદર વર્ષથી પરણેલાં પતિ-પત્નીના જીવનમાં સ્થગિતતા આવી ગઈ હતી. લગ્નજીવનની શરૂઆતમાં તેઓ બાળકને જન્મ આપવા માગતાં નહોતાં. પાંચ-સાત વર્ષ પછી નક્કી કર્યું ત્યારે શારીરિક તકલીફો આડે આવી. બંને આખો દિવસ નોકરી કરે, રાતે ઘેર આવે અને પછી સૂઈ જાય. એમનો પ્રેમ સુકાઈ ગયો છે. બંને એકબીજાને સહન કરતાં હોય એમ જીવતાં હતાં. પતિનો ખૂબ નજીકનો મિત્ર આ વાત જાણતો હતો. એક દિવસ એણે એના મિત્રને પતિ-પત્નીના જીવન પર પ્રકાશ પાડતી રોમેન્ટિક નવલકથા વાંચવા આપી. પતિએ રવિવારે એ વાંચવાની શરૂ કરી. વાંચતાં વાંચતાં નાનપણની આદત મુજબ એ મોટેથી વાંચવા લાગ્યો. પત્ની રસોડામાં હતી. એણે તે સાંભળ્યું. એને રસ પડ્યો. પતિ પાસે બેસીને સાંભળવા લાગી. ત્યારથી એ સિલસિલો શરૂ થયો. હવે બંને જણ રાતે સાથે બેસી એક કલાક વાંચે છે. પતિ વાંચે અને પત્ની સાંભળે. એક જ પ્રકારના અનુભવમાંથી પસાર થવાથી એમની વચ્ચે આવી ગયેલી ખામોશી તૂટી અને તેઓ મુક્ત મને એકબીજાંની સાથે વાતો કરવા લાગ્યાં. એ નવલકથા પૂરી કરી, પછી બીજી, ત્રીજી એમ ઘણાં પુસ્તકોનું એમણે સહવાચન કર્યું. હવે તેઓ ઘરમાં ગૂંગળાતાં નથી. તેઓ દરેક કથાનાં અનેક પાત્રોને મળે છે. નવલકથામાં વર્ણવેલાં કેટલાંય દૂરદૂરનાં સ્થળોમાં તેઓ કલ્પનાની પાંખે ફરવા લાગ્યાં છે. દરેક પાત્રના જીવન અને એમના સંબંધોના તાણાવાણા અને લાગણીઓમાં ઊંડા ઊતર્યા પછી એમને લાગવા માંડ્યું છે કે તેઓ એકલાં નથી, ઘરમાં સેંકડો અદૃશ્ય લોકો એમની સાથે રહે છે. પાત્રોની લાગણીઓ અને કથામાંથી તેઓ પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શક્યાં છે.

પુસ્તકોની ઉપયોગિતા માત્ર શુષ્ક જ્ઞાન મેળવવા માટે નથી, એ માનવીના જીવંત અનુભવોનો એક હિસ્સો છે. સાથે બેસીને મોટેથી પુસ્તકો વાંચવાથી જીવનમાં ચોક્ક્સ હેતુ ભળે છે, જાત અને સાથેની વ્યક્તિને સાચી રીતે સમજવાની ચાવી એમાં છુપાયેલી હોય છે. બાળકો અને એકાકી વૃદ્ધોને વાંચી સંભળાવેલાં પુસ્તકોના લાભ વિશે આપણે જાણીએ જ છીએ. પુસ્તકો સંગાથ અને સંવાદની ભૂમિકા રચી આપે છે.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.